વડાપ્રધાન મોદી વિશ્વમાં વિકાસપુરૂષ તરીકે જોવાઈ રહ્યા છેે

- આજે અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓ બિઝનેસ ટાયકુન્સ છે ત્યારે
- વડનગરથી વૈશ્વિક નેતા સુધીની એમની સફરમાં તેમને જેટલી સફળતા મળી છે એટલા પડકારો પણ ઉભા થયા છે અને ઉગ્ર ટીકાનો સામનો પણ કરવો પડયો છે. આ સફળતા માટે તેમના ગુણ, તેમની કાર્યશૈલી હમેશા ચર્ચામાં રહી છે : મોદીના નેતૃત્વમાં ભારતે એજ્યુકેશન હોય કે, ઈન્ફોર્મેનશ ટેક્નોલોજી, ડિફેન્સ હોય કે મેડિકલ, ફૂડ પ્રોસેસિંગ હોય કે એગ્રી પ્રોડક્ટ હોય કે પછી વિવિધ સેક્ટરના બિઝનેસ હોય ભારતે આત્મનિર્ભરતાનો પાઠ સારી રીતે આત્મસાત કરી લીધો છે
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. ભારતમાં વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે ચુંટાઈ આવનારા નરેન્દ્ર મોદીની લોકચાહના ચરમસીમાએ છે. ભારતવાસીઓ અને વિદેશમાં વસતા ભારતીયો પણ પોતાના વડા પ્રધાનને અતિશય સ્નેહ કરે છે. નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ ભારતમાં સૌથી વધુ નામના અને ખ્યાતી મેળવનારા વડા પ્રધાન હવે પોતાના જીવનના અમૃતકાળમાં પ્રવેશ્યા છે. તેમનો આ ૭૫મો જન્મદિવસ છે. ભારતની સ્વતંત્રતાનો એક તરફ અમૃતકાળ આપણે ઉજવી રહ્યા છીએ અને ત્યાં હવે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે. તેઓ ૭૫ વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. તેમના અંગત જીવનના અમૃતકાળમાં તેઓ આગળ વધી રહ્યા છે ત્યારે ભારતને પણ વૈશ્વિક ધોરણે ચોક્કસ સ્થાને લઈ જવા તેઓ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી સતત વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત બનાવવા પ્રયાસરત છે. તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડનગરથી વૈશ્વિક નેતા સુધીની એમની સફરમાં એમણે મહદઅંશે ધારી સફળતા મેળવી છે. જેટલી સફળતા મળી છે એટલા પડકારો પણ ઉભા થયા છે અને ઉગ્ર ટીકાનો સામનો પણ કરવો પડયો છે. અનેક અફવા, અટકળો વચ્ચે અડગ રહી તેમણે અર્જુનની માફક લક્ષ્યવેધ કર્યું છે! આ સફળતા માટે તેમના ગુણ, તેમની કાર્યશૈલી હમેશા ચર્ચામાં રહી છે. પરંતુ, તેમની સાથે જોડાયેલા કાર્યકરો, સંઘ - ભાજપના જૂના જોગીઓ અને કર્મચારીઓ જણાવે છે કે નરેન્દ્રભાઈમાં કોઈ ફેરફાર થયો નથી. એ જેવા હતા એવા અત્યારે પણ છે!
કિશોરવયમાં સમગ્ર દેશ રખડી વિશાળ ભારતની બાર ગાઉંએ બદલાતી બોલી, સંસ્કૃતિ અને રહેણીકરણી અંગે ઊંડું જ્ઞાાન મેળવ્યા પછી સંઘમાં કાર્યકર તરીકે જોડાયેલા નરેન્દ્ર મોદી વિચક્ષણ વ્યક્તિત્ત્વ, ધારદાર વાકચાતુર્ય અને સુક્ષ્મમાં સુક્ષ્મ વિગત યાદ રાખવાની અદ્વિતીય શક્તિ ધરાવે છે. એમની આ શક્તિ, સતત પુરુષાર્થ અને યોગ્ય કામ માટે એક ટીમ ઉભી કરવાની આવડતના કારણે સંગઠન ઉભું કરવું, તેને કાર્યરત કરવું અને તેની પાસેથી ધર્યા પરિણામ મેળવવામાં તેમને સફળતા મળી છે.
દેશની એ સમયની સ્થિતિ અને હિન્દુત્વની વિચારધારા તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુધી ખેંચી લાવી અને તેમાં જોડાઈ ગયા. સેવક, પ્રચારક અને સંઘ માટે સંગઠન તરીકે તેમણે વિશેષ યોગદાન આપ્યા પછી ૧૯૮૦ આસપાસ રાજકીય જોડાણ શરૂ થયું અને ૧૯૮૭માં પ્રથમ વખત સંગઠન મંત્રી તરીકે તેમના નેતૃત્વમાં અમદાવાદ મહાપાલિકામાં ભાજપનું શાસન આવ્યું. આ પછી એમણે પાછુ વળી જોયું નથી.. મોદીના સંગઠનના ગુણ, લોકો સાથે જીવંત સંપર્ક રાખવાની એમની શક્તિ અને ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં ભાજપના સંગઠન માટે કરેલા એમના કાર્યોના કારણે જ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીને ગુજરાતની હાલકડોલક થઇ રહેલી રાજગાદી સંભાળવા માટે ખુદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પસંદ કર્યા હતા.
સંઘના શરૂઆતના દિવસોમાં કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમંત્રી તરીકે તેમણે પોતાના આ ગુણોનો સુપેરે ઉપયોગ કર્યો છે. નરેન્દ્ર મોદીને કોઈ પહેલીવાર મળે ત્યારથી તેનું નામ અને કામ બન્ને એમને યાદ રહે છે. એ ગામમાં જાય ત્યારે અનેક લોકોને નામથી બોલાવે અને જાહેર સભામાં પણ વર્ષો પહેલાંના સંભારણા અવશ્ય કહે. આ શક્તિએ તેમને લોકલાડીલા બનાવ્યા.પૂર્વ આયોજન અને પૂર્ણ આયોજન આ શબ્દને તેમણે મૂર્તિમંત કર્યા હતાં. કોઈ પણ સંગઠન કાર્ય કે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે પરીશ્રમ કરે અને લોકોને પણ કરાવે. સંગઠનના પત્રકો અને ચોપડા લખવા માટે અનેક જીલ્લામાં તે સમયના મોટા-મોટા પદાધિકારીઓને પણ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી બેસાડયાંના અનેક પ્રસંગો કાર્યકર્તાઓને યાદ હશે જ!. વહેલી સવારે કામના સંદર્ભમાં ફોન કરે અને મોડી રાત્રે કામનું શું થયું? તેનું ફોલોઅપ કરે એટલે નરેન્દ્રભાઈને જે કામ પાર્ટીએ સોંપ્યું હોય તેમાં દરેક લોકોને સતર્ક, સક્રિયતા રાખવી જ પડે તેવી તેમની એક કર્મઠ-કાર્યશક્તિની પ્રતિભા ઊભી થઈ ગઈ હતી.
સૌથી મોટી ખાસિયત રહી છે વ્યક્તિ પસંદ કરવાની એમની શક્તિ. આ વ્યક્તિ સંગઠનમાં હોય કે મંત્રીમંડળમાં ભાગ્યે જ નરેન્દ્ર મોદીએ તેમને બાહ્ય પરિબળો કે ટીકાના કારણે બદલ્યા હશે, કોરને મુક્યા હશે. વર્ષ ૨૦૦૨માં ચૂંટણી જીતી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે પસંદ કરેલા મોટાભાગના મંત્રીઓ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેમની સાથે રહ્યા છે. કેટલાકને પક્ષની કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી હશે. કેટલાકે મોદી સામે વિરોધ કરી જાતે પગ ઉપર કુહાડા માર્યા હશે પણ મોદીએ ફરી તેમનો હાથ પકડી તેમને મહત્વની કામગીરી સોંપી છે.
નરેન્દ્ર મોદીનો બીજો એક અદ્વિતીય ગુણ છે એમનો મક્કમ નિર્ધાર. પસાર માધ્યમ, વિપક્ષોની ટીકા કે એવા અન્ય પરિબળોના કારણે મોદીએ ક્યારેય કોઈ વ્યક્તિ સાથે છેડો નથી ફાડયો, નથી કોઈ નિર્યણમાં યુ- ટર્ન લીધો કે નથી ટીકાનો જવાબ આપવા માટે એમણે વળતો પ્રહાર કર્યો હોય! મોદીએ વર્ષો સુધી, દાયકા સુધી પોતાની લીટી મોટી થાય પોતે સાચા પુરવાર થાય તેની રાહ જોઈ પછી જવાબ આપ્યો હશે, ત્યાં એ મામલે, એ નીતિ વિષે અડગ મૌન જ ધારણ કરેલું રાખ્યું છે.
ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદીને પ્રવેશ તો ગુજરાતના રાજકારણથી થયો હતો. તેઓ ગુજરાતના સીએમ બન્યા અને ધીમે ધીમે તેમણે ગુજરાતને વિકાસનું એવું મોડલ બનાવ્યું કે તેનો વિકાસ જોઈએ દેશના બીજા રાજ્યો પણ વિકસિત થવાના સપના સેવવા લાગ્યા. એક દાયકાથી વધારે સમય સુધી ગુજરાતમાં રાજકીય, આર્થિક, સામાજિક અને વૈશ્વિક ભાગીદારીના વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલી કરીને નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્લોબલ બનાવી દીધું હતું. વિકાસિત ભારતના વિચારોનું વાઈબ્રન્ટ મોડલ એટલે ગુજરાત હતું. ત્યાંથી આગળ વધીને તેમણે ભારતને વિકસિત બનાવવાનું, આત્મનિર્ભર બનાવવાનું સપનું સેવવાનું અને તેને પૂરું કરવાની શરૂઆત કરી હતી.ભારતને આર્થિક રીતે અગ્રેસર લઈ જવાની કવાયત પણ તેમણે શરૂ કરાવી હતી. ભારતને સૌથી પહેલાં તો મેક ઈન ઈન્ડિયાનો મંત્ર આપીને સ્વદેશી ઉત્પાદન અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની હિમાયત તેમણે કરી હતી. આ સાથે સાથે તેમણે આત્મનિર્ભરતાની ભારતવાસીઓને હાકલ કરી અને લોકોએ તેને સ્વીકારી લીધી, અપનાવી લીધી અને કદાચ તેનાથી આગળ વધીને કહીએ તો આત્મસાત કરી લીધી.
વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં દેશના અર્થતંત્રએ પણ મોટી છલાંગ મારી છે. આમ જોવા જઈએ તો હનુમાન છલાંગ મારી છે તેવું કહેવામાં પણ કંઈ જ ખોટું નથી. મોદીરાજમાં ભારતમાં કરવામાં આવેલા વિવિધ આર્થિક નિર્ણયો, ભ્રષ્ટાચારને રોકવા માટે લેવાયેલા પગલાં, નવા કર માળખા, જીએસટી અને બીજા સુધારાને કારણે ભારતે ધીમે ધીમે પણ મક્કમ ગતીએ આર્થિક સુધારાને ગતિ આપવાની શરૂઆત કરી. તેનું પરિણામ એ આવ્યું છે કે છેલ્લાં એક દાયકામાં ભારત વિશ્વના સૌથી શક્તિશાળી અર્થતંત્રની યાદીમાં સાતમા ક્રમેથી ચોથા ક્રમે આવી ગયું. તેણે ફ્રાન્સ, બ્રિટન, જાપાન જેવા મોટા મોટા અર્થતંત્રોને પાછળ છોડી દીધા. વેપારનીતિઓ, વિવિધ દેશો સાથેના વેપારી કરારો, વૈશ્વિક વ્યાપારમાં ભારતનું યોગદાન, આયાત અને નિકાસના ચોક્કસ મોડલનો વિકાસ અને બીજા ઘણા પગલાંના લીધે ભારતનો આર્થિક સ્તરે પણ મોટો વિકાસ થયો. અર્થતંત્ર વધારે મજબૂત બન્યું અને વિદેશી રોકાણ પણ વ્યાપક પ્રમાણમાં આવતું ગયું.
ભારતે એજ્યુકેશન હોય કે, ઈન્ફોર્મેનશ ટેક્નોલોજી, ડિફેન્સ હોય કે મેડિકલ, ફૂડ પ્રોસેસિંગ હોય કે એગ્રી પ્રોડક્ટ હોય કે પછી વિવિધ સેક્ટરના બિઝનેસ હોય ભારતે આત્મનિર્ભરતાનો પાઠ સારી રીતે આત્મસાત કરી લીધો છે. ભારતે ડિફેન્સ સેક્ટરમાં સ્વદેશી મિસાઈલો, હથિયારો, વિમાનો, ટેન્ક અને બીજું ઘણું વિકસાવી લીધું જેના કારણે ભારતની તાકાત વધી અને સાથે સાથે કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ પણ બચી ગયું જે દર વર્ષે વિદેશી હથિયારો ખરીદવામાં ખર્ચાઈ જતું હતું. આ ઉપરાંત ભારતે એનર્જી સેક્ટરમાં પણ મોટાપાયે કામ શરૂ કરી દીધું. સૌરઊર્જા અને પવનઊર્જાના રિસોર્સિસ પણ વ્યાપક પ્રમાણમાં ઊભા કરવામાં આવ્યા. ગ્રીનએનર્જીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી જેના પરિણામે લોકો સૌર ઊર્જાનો મોટાપાયે ઉપયોગ કરવા લાગ્યા. ભારતને સૌથી વધારે ક્ડની જરૂર પડતી હતી તેની ખરીદી માટે પણ પહેલાં ખાડી દેશો અને અમેરિકા ઉપર આધાર રાખવો પડતો હતો. ભારતે તેના માટે પણ કોરોનાકાળ દરમિયાન ફેરફાર કર્યો અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું શરૂ કરી દીધું. આ ઉપરાંત ન્યૂક્લિયર એનર્જી ઉપર પણ ભારત કામ કરી રહ્યું છે.
બાળપણમાં મગર પકડનારા મોદીએ હવે વૈશ્વિક વ્યાપાર સમુદ્રના મોટા મગરોને નાથવાની નવી નીતિ અપનાવવી પડશે
ભારત અને મોદી જ્યારે અમૃતકાળમાં આગળ વધી રહ્યા છે ત્યારે ગ્લોબલ પરિસ્થિતિને વધારે સારી રીતે સમજવી પડશે અને તેની સાથે ડીલ કરવું પડશે. હાલમાં અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોના વડા માત્ર રાજકીય નેતા જ નહીં પણ મોટા બિઝનેસ ટાયકૂન્સ છે. તેમને માત્ર રાજકારણમાં નહીં પણ તેમના દેશોનો વેપાર વધે, નિકાસ વધે, આવક વધે તેમાં રસ છે. ભારત જેટલું મોટું માર્કેટ છે તેટલું મોટું દુનિયામાં બીજે ક્યાંય નથી. દરેક દેશ અને ઉદ્યોગ પોતાનો માલ ભારતને વેચવા તત્પર છે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદીએ પણ પોતાની વિદેશનીતિ બદલવી પડશે તેવું જાણકારોનું માનવું છે. જાણકારો કહે છે કે, હાલમાં મોદીની આસપાસ જે સલાહકારો છે, જે અધિકારીઓ છે, જે નજીકના લોકો છે તેમની પાસે રાજકારણની સારામાં સારી સમજ છે પણ તે બહુ લાંબી ચાલે તેમ નથી. હાલમાં મોદીને આર્થિક સલાહકારની જરૂર છે જે વિશ્વબજારને સમજે, આ વેપારી માનસિકતા ધરાવતા નેતાઓ અને તેમની ચાલને સમજે અને ભારતને તેમાંથી ઉગારીને આગળ લઈ જાય. ભારત અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે બાકીના દેશોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. તેના પગલે જ અમેરિકાએ ટેરિફ બોમ્બ ફોડયો છે. આ ટિરફવોરમાં ભારતને સ્થિર અને સામાન્ય કરવા માટે વેપારી બુદ્ધિશક્તિ ધરાવતા સલાહકારો અને જાણકારોની સરકારને વધારે જરૂર છે. અમેરિકા રેસિપ્રોકલ ટેક્સના નામે ભારતને દબાવવા માગે છે, ચીન હવે ભારતને મિત્ર બનાવવા અને પોતાની સસ્તી પ્રોડક્ટ પધરાવવા માગે છે, રશિયા પોતાની રીતે સસ્તુ ક્રૂડ આપીને મિત્રતાની સાથે સાથે મોટો વેપાર કરી લેવા માગે છે. બ્રિટન અને યુરોપના દેશો ભારત સાથે વિવિધ મુદ્દે સંધી કરી રહ્યા છે અને વેપારના કરાર કરી રહ્યા છે. આ તમામ સ્થિતિ ભારતને સામ, દામ, દંડ, ભેદ દ્વારા દબાવવાની છે. આ સંજોગોમાં મોદીએ એવા સલાહકારો રાખવા પડશે જે તેમને આ બિઝનેસ માનસિકતા ધરાવતા નેતાઓએ સર્જેલી આપત્તીને ફરીથી અવસરમાં બદલવાના ઉપાય અને યોજનાઓ આપે. ભારત વર્ષોથી સાંસ્કૃતિક સ્તરે વિશ્વગુરુ બનીને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી જીવતો આવ્યો છે. આ માનસિકતાની સાથે સાથે ભારતે હવે વૈશ્વિક વ્યાપારગુરુ પણ બનવાનું છે. આ નવું ભારત કોઈનાથી દબાશે નહીં પણ પોતાની બિઝનેસ નીતિઓ એવી રીતે સેટલ કરશે તે બીજા દેશોને પરાણે ભારત સાથે વેપાર કરવાની ફરજ પડે. જાણકારોના મતે બાળપણમાં મગર પકડનારા મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સાહસ સિદ્ધ કરવાનું છે. તેમણે હવે વૈશ્વિક વ્યાપાર સમુદ્રના મોટા મગરોને નાથવાની નવી નીતિ અપનાવવી પડશે. સૂત્રોનું માનવું છે કે, પોતાના અમૃતકાળમાં આગળ વધી રહેલા મોદી હવે આ દિશામાં કામ કરીને ભારતના અમૃતકાળને વધારે ઉજ્જવળ અને ઓજસ્વી બનાવશે તેવી આશા છે.








