ગ્રીન ફટાકડાં પારંપરિક કરતા 30 ટકા ઓછું પ્રદુષણ ફેલાવે છે!

- દિવાળી આવતાની સાથે જ ચારેકોર પોલ્યુશનની કાગારોળ શરૂ થઈ જાય છે, લોકોને પ્રદુષણ ઘટાડવા ગ્રીન ફટાકડા ફોડવા કહેવાય છે પણ ખરેખર તે કારગર છે
- દિલ્હી સરકારે વિનંતી કરી હતી કે, દિવાળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિનો સૌથી મહત્ત્વનો તહેવાર છે. કરોડો લોકો આ તહેવાર ફટાકડા ફોડીને ઉજવે છે. આવા સમયે દિલ્હીમાં લોકોને સાવ જ ફટાકડા ન ફોડવા દેવા તે અઘરું થઈ પડશે. લોકોને ચોક્કસ દિવસ માટે અને ચોક્કસ સમયમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે : સુપ્રીમે રાજધાની દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવા અને વેચવાની છૂટ આપી દીધી છે. જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મુકી છે. ગ્રીન ફટાકડાનું વેચાણ માત્ર 18 થી 20 ઓક્ટોબર સુધી જ કરી શકાશે. જ્યારે 21મી ઓક્ટોબર સુધી ફટાકડા ફોડી શકાશે : આ ફટાકડાને તહેવારોનો આનંદ માણવાની સાથે સાથે ઓછું વાયુ પ્રદુષણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. ગ્રીન ફટાકડામાં સલ્ફર નાઈટ્રેટ, આર્સેનિક, સોડિયમ, લીડ, મેગ્નેશિયમ અને બેરીયમ જેવા નુકસાનકારક તત્ત્વો હોતા નથી. તેના કારણે પ્રદુષણ ઓછું થાય છે અને નુકસાનથી બચી શકાય છે
હજી તો નવરાત્રી પૂરી થઈ નથી હોતી અને ફટાકડા ફોડવા મુદ્દે અને પ્રદુષણ મુદ્દે ચારેકોર કાગારોળ થવા માંડે છે. તેમાંય દિલ્હી અને એનસીઆરમાં તો ફટાકડા ફોડવા દેશ વિરોધી અને માનવતા વિરોધી કામ કરવા જેવું થઈ જાય છે. અહીંયા દિવાળીની સાથે સાથે શિયાળાનું પણ આગમન થઈ જાય છે. તેના પગલે ભયાનક પ્રદુષણ વધવા લાગે છે. આ પ્રદુષણને નાથવા માટે ફટાકડા નહીં ફોડવાની હિમાયત કરવામાં આવે છે. તેમાંય લોકો કાબુમાં રહે તે માટે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા નહીં ફોડવા અને જરૂર પડયે ચોક્કસ સમયગાળામાં ગ્રીન ફટાકડા ફોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં ચોક્કસ સમયમર્યાદામાં ગ્રીન ફટાકડા ફોડી શકાશે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીમાં લોકોના તહેવારનો ઉત્સાહ વિસરાઈ ન જાય અને પ્રદુષણ પણ કાબુમાં રહે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી હતી. તેના પગલે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા અંગે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમે રાજધાની દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવા અને વેચવાની છૂટ આપી દીધી છે. જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મુકી છે. ગ્રીન ફટાકડાનું વેચાણ માત્ર ૧૮થી ૨૦ ઓક્ટોબર સુધી જ કરી શકાશે. જ્યારે ૨૧મી ઓક્ટોબર સુધી ફટાકડા ફોડી શકાશે. એટલે કે દિવાળી સમયે દેશની રાજધાની દિલ્હી ફટાકડાના અવાજથી ગુંજી ઉઠશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ કહ્યું હતું કે દિવાળી દરમિયાન દિલ્હી-એનસીઆરમાં બહારથી તસ્કરી કરીને લવાતા ફટાકડા વધુ નુકસાન પહોંચાડે છે. એક સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો પડશે, પર્યાવરણની સાથે બાંધછોડ કર્યા વગર સંયમિત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ગ્રીન ફટાકડા સહિતના તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. દિલ્હી એનસીઆરમાં પણ સવારે છથી સાત જ્યારે સાંજે રાત્રીના આઠથી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
એવું માનવામાં આવે છે કે ગ્રીન ફટાકડા એવી રીતે તૈયાર કરાય છે કે જેના ઉપયોગથી પરંપરાગત ફટાકડા કરતા ઓછુ પ્રદૂષણ ફેલાય છે. જોકે ગ્રીન ફટાકડા સંપૂર્ણપણે પ્રદૂષણથી મૂક્ત નથી.
સીએસઆઇઆર-નીરિના એક અનુમાન મુજબ ગ્રીન ફટાકડા હાલના ફટાકડા કરતા ૩૦ ટકા ઓછુ પ્રદૂષણ ફેલાવે છે. દર વર્ષે દિવાળી સમયે જ દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચી જાય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો ગ્રીન ફટાકડા ફેક નીકળશે તો ઉત્પાદકનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે. તેથી હાલમાં સુપ્રીમ કોર્ટે રાહત તો આપી છે પરંતુ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે દિવાળી દરમિયાન દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પાંચ દિવસ માટે પરીક્ષણ માટે ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. દિલ્હીની રાજ્ય સરકારે દિવાળી ઉપર ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવા દેવાની પરવાનગી સુપ્રીમ પાસે માગી હતી. દિલ્હી સરકારે વિનંતી કરી હતી કે, દિવાળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિનો સૌથી મહત્ત્વનો તહેવા છે. આ દરમિયાન શહેરના કરોડો લોકો અને દેશના અબજો લોકો આ તહેવાર ફટાકડા ફોડીને ઉજવે છે. આવા સમયે દિલ્હીમાં લોકોને સાવ જ ફટાકડા ન ફોડવા દેવા તે અઘરું થઈ પડશે. લોકોને ચોક્કસ દિવસ માટે અને ચોક્કસ સમયમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે. સરકારે આ મુદ્દે વિવિધ દલીલો સાંભળીને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તાજેતરમાં જ સુપ્રીમે ગ્રીન ફટાકડાના ઉપયોગ માટે શરતી મંજૂરી આપી હતી.
મહત્ત્વનું છે કે, ગ્રીન ફટાકડા આમ જોવા જઈએ તો પારંપરિક ફટાકડા કરતા ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે.
જાણકારોના મતે આ ફટાકડાને તહેવારોનો આનંદ માણવાની સાથે સાથે ઓછું વાયુ પ્રદુષણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. ગ્રીન ફટાકડામાં સલ્ફર નાઈટ્રેટ, આર્સેનિક, સોડિયમ, લીડ, મેગ્નેશિયમ અને બેરીયમ જેવા નુકસાનકારક તત્ત્વો હોતા નથી. તેના કારણે પ્રદુષણ ઓછું થાય છે અને નુકસાનથી બચી શકાય છે. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર) તથા નેશનલ એન્વાર્યન્મેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ(નીરી) દ્વારા ૨૦૧૮માં નિર્મિત કરવામાં આવ્યા હતા. તેના સર્જન માટે નક્કી કરેલા વૈજ્ઞાાનિક માનકોનો જ ઉપયોગ કરવામાં આયો છે. ગ્રીન ફટાકડા દેખાવમાં, સળગાવવામાં અને અવાજમાં સામાન્ય ફટાકડા જેવા જ દેખાય છે. તેનાથી દિવાળીના આનંદમાં જરાય ઉણપ આવતી નથી. સીએસઆઈઆર અને નીરીના જણાવ્યા પ્રમાણે ગ્રીન ફટાકડામાં શેલ નાનો હોય છે, તેમાં રાખ અને અન્ય પ્રદુષક તત્ત્વો નહીવત પ્રેમાણમાં હોય છે.
આ ફટાકડાની સૌથી મોટી ખાસીયત એ છે કે તેઓ ફાટે છે ત્યાં પાણીના છાંટા નીકળે છે જેના કારણે રજકણો ઝડપથી જમીન પર પાછા પડે છે અને આસપાસ પ્રદુષણ ફેલાતું નથી. આ ફટાકડામાં અવાજ, આગ અને ધુમાડા માટે અન્ય કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે પર્યાવરણ માટે વધારે જોખમી નથી.
જાણકારોના મતે આ ફટાકડામાં શેલની સાઈઝન નાની રાખવામાં આવે છે અને તેમાં કાચો માલ ઓછો ભરાય છે અને તેમાં રાખ ઉતપન્ન કરનારી પણ કોઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોતો નથી. તેથી આ ફટાકડા સળગે ત્યારે કોઈપણ પ્રકારની રાખ ફેલાતી નથી. આ ઉપરાંત પાર્ટિક્યુલેટ મેટર એટલે કે પીએમના ઉત્સર્જનને ઘટાડવામાટે તેમાં ધૂળ નિરોધક પદાર્થોનું મિશ્રણ કરવામાં આવે છે. સરેરાશ જોવા જઈએ તો આ ફટાકડાંનો ઉપયોગ કરવાથી પીએમ સ્તરમાં ૩૦ ટકાનો ઘટાડો જ્યારે અન્ય પ્રદુષક વાયુના ઉત્સર્જનમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેના નિર્માણ માટેના માપદંડો એક સમાન હોવાથી દરેક ફટાકડાની ગુણવત્તા એક સરખી હોય છે અને તેના થકી પ્રદુષણ ખૂબ જ ઓછું થાય છે. તેની બીજી ખાસીયત પણ એવી છે કે, તેનો અવાજ પણ થોડો ઓછો આવે છે તેથી ધ્વની પ્રદુષણ પણ ઘટે છે. સામાન્ય ફટાકડા ફૂટે ત્યારે ૧૬૦ ડેસીબલ સુધીનો અવાજ આવતો હોય છે. ગ્રીન ફટાકડામાં આ અવાજ ઘટીને ૧૧૦ ડેસિબલ સુધી થઈ જતો હોય છે. તેના કારણે અવાજનું પ્રદુષણ ઘણું ઓછું થાય છે.
જાણકારોના મતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રદુષણને કાબુમાં લેવા માટે તથા જાહેર આરોગ્યના સંરક્ષણ માટે દિલ્હી-એનસીઆર તથા અન્ય કેટલાક વિસ્તારો જ્યાં પ્રદુષણ વધારે છે તેને કાબુ કરવા માટે નવેમ્બર ૨૦૨૦માં તમામ પ્રકારના ફટાકડા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો.
એપ્રિલ ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે પણ ફટાકડા ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો. સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે, માત્ર એકાદ તહેવારમાં પ્રતિબંધ મુકવાથી કે દિવાળી સમયે જ પ્રતિબંધ મુકવાથી કશું જ થાય તેમ નથી.
તેના કારણે સુપ્રીમે એક વર્ષ સુધી ફટાકડા ઉપર પ્રતિબંધ મુકી દીધો. તે દરમિયાન ગ્રીન ફટાકડાના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો. પર્યાવરણને નુકસાન ઓછું થતું હોવાના સ્પષ્ટ પ્રમાણ નહીં મળે ત્યાં સુધી ગ્રીન ફટાકડા ઉપર પણ પ્રતિબંધ રહેશે.
શિયાળાની શરૂઆતમાં દિલ્હી પ્રદુષણથી ગેસ ચેમ્બર બની જાય છે
પર્યાવરણ ક્ષેત્રના જાણકારો માને છે કે, ગ્રીન ફટાકડાનો ઉપયાગે કરીને ૩૦થી ૩૫ ટકા પ્રદુષણ ઘટાડી શકાય છે પણ તેનો વારંવાર અને લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણમાં કોઈ ફરક પડતો નથી. તેનું સ્તર વધતું જ હોય છે. દિલ્હી અને એનસીએર મોટાભાગ શિયાળા દરમિયાન ભયાનક પ્રદુષણ સામે ઝઝુમતા હોય છે. ઓક્ટોબરના અંતથી શરૂ કરીને ડિસેમ્બર સુધી અહીંય પ્રદુષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણે કરે છે. આ દરમિયાન પંજાબ અને હરિયાણા જેવા પાડોશી રાજ્યોના ખેડૂતો પારળી સળગાવતા હોવાથી પ્રદુષણ વધતું હોવાનું કહેવાય છે. વિશ્વના સૌથી પ્રદુષિત નેશનલ કેપિટલ શહેરોની યાદીમાં દિલ્હી ઘણા વખતથી ચર્ચામાં છે. શિયાળામાં અહીંયા પ્રદુષણનું સ્તર અસહ્ય થઈ જાય છે. તેમાંય વાહનોમાંથી નીકળતા ધુમાડા, ઉદ્યોગોના ધુમાડા, ધૂળ, પરાળીના ધુમાડા અને નિર્માણ કાર્યો દરમિયાન ઉડતા ધૂળ અને સિમેન્ટ જેવા તત્ત્વો ભેગા થઈને દિલ્હીની હવાને ઝેરી બનાવી નાખે છે. દિલ્હીમાં ઓક્ટોબરના અંત અને નવેમ્બર દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળે છે. અહીંયા હવા શાંત થઈ જાય છે અને તેના કારણે પ્રદુષકો સપાટી ઉપર અને આસપાસ ફર્યા કરે છે. તેના કારણે ગાઢ ધુમ્મસ અને પ્રદુષણ ભેગા થતા જાય છે. તેના પરિણામે સ્મોગમાં વધારો ઝાય છે. દિવાળીમાં જ્યારે ફટાકડા ફોડવામાં આવે છે અને આતશબાજી કરવામાં આવે છે ત્યારે પાર્ટિક્યુલેટ મેટર, નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા તત્ત્વોનો વિસ્ફોટ થાય છે. તેના કારણે દિલ્હી અને એનસીઆરમાં એક્યુઆઈ સરેરાશ ૫૦૦થી ઉપર જતો રહે છે. ઘણા વિસ્તારોમાં તો સ્થિતિ એટલી ખરાબ હોય છે કે, એક્યુઆઈ ૧૦૦૦ સુધી પહોંચી જાય છે. આ આંકડો અત્યંત ગંભીર સ્થિતિ કરતા પણ વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ફટાકડા ફોડવા ઉપર પ્રેતિબંધ મુક્યો હતો છતાં લોકોએ આતશબાજી કરી હતી, ફટાકડા ફોડયા હતા અને બીજી તરફ પરાળી સળગાવવાનું કામ પણ ચાલુ જ હતું જેના કારણે પ્રદુષણનું સ્તર અત્યંત ભયાનક થઈ ગયું હતું. ગત વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થાન અહેવાલ પ્રમાણે દિવાળી સમયે દિલ્હીમાં બીજા દિવસે સવારે પ્રદુષણનું સ્તર નક્કી કરેલા માપદંડ કરતા ૧૪ ગણું વધારે થઈ ગયું હતું. જાણકારો માને છે કે, ફટાકડા ફોડવાથી પ્રદુષણ વધે છે પણ ગ્રીન ફટાકડા પણ ખાસ મોટો તફાવત લાવી શકે તેમ નથી. છતાં લોકોએ પ્રકૃતિનું ધ્યાન રાખવા અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવા માટે થઈને પણ ફટાકડા ઓછા ફોડવા જોઈએ અને ગ્રીન ફટાકડાનો વિકલ્પ અપનાવવો જોઈએ.








