Editorial

વસતી ગણતરી : નવું સિમાંકન પ્રજાના મનમાં સરહદો ન ખેંચી કાઢે

By GS TEAM
17 Jun 20257 mins read
વસતી ગણતરી : નવું સિમાંકન પ્રજાના મનમાં સરહદો ન ખેંચી કાઢે

- ભાષા અને સંસ્કૃતિના કારણે વર્ષોથી એકબીજાથી જુદા રહેલા ભારતના બે મુખ્ય ભાગ સિમાંકનના કારણે વધારે ઉગ્ર રીતે સામસામે ન આવે તે જોવું પડશે

- દેશની 16મી વસતી ગણતરી માટે 16 જૂને નોટિફિકેશન જારી કરાયું, 35 લાખથી વધુ કર્મચારીઓ 1 માર્ચ 2027 પહેલા બે તબક્કામાં વસતી ગણતરી કરશે, તેમાં વસતી ગણતરી તથા જાતીગત ગતણતરી એમ બે રીતે ગણતરી કરવામાં આવશે : તમિલનાડુ અને કેરળને ભય છે કે, નવા સિમાંકનથી તેમનું પ્રતિનિધિત્વ ઘટી જવાનો ભય : જાણકારોનો મતે એવો છે કે છેલ્લાં કેટલાક સમયમાં દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા વસતી વધારાને કાબુ કરવામાં આવ્યો હતો તેના કારણે ઉત્તરી રાજ્યોની સરખામણીએ અહીંયા વસતી ઓછા પ્રમાણમાં વધી છે અને હવે તેના કારણે જ દક્ષિણના રાજ્યોની 24 બેઠકો ઘટી જાય તેવી શક્યતાઓ છે 

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી અને જેના મુદ્દે વારંવાર વિપક્ષો દ્વારા રાજકીય હોબાળો કરાતો હતો તે વસતી ગણતરીની તારીખો જાહેર કરી દેવાઈ છે. સરકારે તાજેતરમાં વસતી ગણતરી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સરકારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ૩૫ લાખ કર્મચારીઓ દ્વારા બે તબક્કામાં ૧ માર્ચ ૨૦૨૭ પહેલા વસતી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીમાં ૧૬મી વખત અને આઝાદી બાદ ૮મી વખત વસતી ગણતરી કરવામાં આવશે. આ વખતે દેશવાસીઓની ગણતરી અને સાથે સાથે તેમની જાતીની પણ નોંધણી કરવામાં આવવાની છે. મહત્ત્વનું એ છે કે, દેશની આઝાદી બાદ પહેલી વખત દેશમાં જાતીગત વસતી ગણતરી કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, વસતીગણતરીની સાથે સાથે આ વખતે સિમાંકન પણ નવેસરથી કરવામાં આવવાના છે. આ સિમાંકન મામલે દક્ષિણ ભારતમાં રાજકીય પક્ષો આકરાપાણીએ થયા છે. ખાસ કરીને તમિલનાડુ અને કેરળમાં નેતાઓ દ્વારા મોટાપાયે હોબાળો કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ભારતના આ રાજ્યોનો દાવો છે કે, નવેસરથી સિમાંકન કરવામાં આવશે તો તેમની સંસદીય બેઠકો ઘટી જશે અને તેના કારણે તેમને પ્રતિનિધિત્વ ઓછું મળશે અને નુકસાન પણ જશે.

ઉલ્લેખનીય છે કે, વસતીગણતરીના આંકડા સિમાંકન, મહિલા અનામત અને એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે મહત્ત્વનો ભાગ ભજવવાના છે. તેના કારણે ડીએમકેના પ્રમુખ સ્ટાલિન દ્વારા જાતીગત વસતી ગણતરી કરાવવા દરમિયાન સિમાંકન કરવાના બદલે ૨૦૨૬માં વસતી ગણતરી કર્યા બાદ સિમાંકન અંગે વિચાર કરવો જોઈએ.

 તેમણે સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે, બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૨૦૨૬માં વસતી ગણતરી થાય ત્યારબાદ સિમાંકન કરવામાં આવવું જોઈએ. ભાજપ હવે વસતી ગણતરી જ ૨૦૨૭ સુધી ટાળી દીધી અને બધું જ સાથે કરવા જઈ રહ્યા છે તેનાથી તમિલનાડુને વ્યાપક નુકસાન જશે. આ પ્રકારે વસતી ગણતરી કરવાથી તમિલનાડુનું પ્રતિનિધિત્વ ઘટી જશે તે સ્વાભાવિક છે.

માત્ર ડીએમકે જ નહીં ઘણા વિરોધપક્ષો દ્વારા આ અંગે મિશ્ર પ્રતિભાવ આપવામાં આવી રહ્યા છે. તેમ છતાં સ્ટાલિનની માગણી છે કે, કેન્દ્ર સરકારે જેમ ૧૯૭૧ની વસતીગણતરીના આધારે થતા સિમાંકનને ૨૦૨૬ સુધી આગળ કરી દીધું હતું તેમ હજી પણ સિમાંકનને ૩૦ વર્ષ આગળ ઠેલી દેવું જોઈએ. હાલમાં જે સ્થિતિ છે તેને યથાવત્ રાખવી જોઈએ. હવે જો સ્ટાલિનની વાત માનવામાં આવે તો સિમાંકન ૨૦૫૬માં કરવાનું આવે. તેમની વાતને હાલમાં તો ખાસ સમર્થન મળ્યું નથી પણ બીજી તરફ કોંગ્રેસ કંઈક અલગ મત ધરાવે છે. કોંગી નેતા જયરામ રમેશનો દાવો છે કે, વસતી ગણતરી ૨૦૨૧માં કરવાની હતી તેને પહેલેથી જ ભાજપને પાછળ ઠેલી દીધી છે. હવે જાહેરાત કર્યા પછી પણ ૨૩ મહિના સુધી વસતી ગણતરી કરીને છેક માર્ચ ૨૦૨૭માં પૂર્ણ કરવાની વાતો કરે છે. તેના થોડા સમય બાદ અહેવાલ આવશે અને પછી સિમાંકન કરવામાં આવશે તેથી આગામી ચૂંટણીઓમાં લાભ લેવાની ગણતરી છે. સરકાર સિમાંકન ઉપર મહિલાઓને ૩૩ ટકા અનામતનું જે ગાજર આપી રહી છે તે પણ હવે વસતી ગણતરી બાદ આપવાની વાતો કરીને વધુ એક ગાજર આપી રહી છે.

અહીંયા દક્ષિણ ભારતના રાજ્યોનો તર્ક એવો છે કે, તાજેતરમાં જે વસતી ગણતરી કરવામાં આવશે તેના આધારે થનારું સિમાંકન તેમના માટે નુકસાન સમાન છે. તેનાથી તેમનું પ્રતિનિધિત્વ ઘટી જશે. તેમનું માનવું છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં ઉત્તર ભારતના રાજ્યોની સરખામણીએ દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા વસતી વધારા ઉપર સારી રીતે નિયંત્રણ મુકવામાં આવ્યું હતું. તેના કારણે તેઓ વસતી વધારાને કાબુ કરી લેતા ત્યાં સરેરાશ વસતીમાં વધારો ઓછો નોંધાયો છે. હવે જો માત્ર વસતીના આધારે સિમાંકન કરવામાં આવે તો ઉત્તરના રાજ્યોમાં વસતી વધારે છે તેથી તેમને વધારે પ્રતિનિધિત્વ મળે અને દક્ષિણના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી જાય. તમિલાનાડુમાં તો ડીએમકે સરકાર દ્વારા કેન્દ્રની વસતી ગણતરીના આધારે સિમાંકન કરવાની વાત વિરુદ્ધ એક ઠરાવ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો. 

જાણકારોના મતે નવી વસતી ગણતરી પ્રમાણે જો સિમાંકન કરવામાં આવે તો ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરના રાજ્યોને ૩૨ બેઠકોનો ફાયદો થાય તેમ છે. બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોને ૨૪ બેઠકોનું નુકસાન થશે. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન એક જાણીતી ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પણ આવો જ કંઈક અહેવાલ આપવામાં આવ્યો હતો. ભારતમાં પ્રતિનિધિત્વનું સંકટ નામના અહેવાલમાં જણાવાયું હતું કે, નવી વસતી ગણતરીના આધારે સિમાંકન થશે તો તામિલનાડુ અને કેરળ બંને ભેગા થઈને ૧૬ બેઠકો ગુમાવી દેશે.

 આ અહેવાલને ધ્યાને રાખીને માર્ચ મહિનામાં પણ સ્ટાલિનના નેતૃત્વમાં દક્ષિણના ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ત્રણ રાજકીય પક્ષોના નેતાઓની એક સંયુક્ત બેઠક થઈ હતી. તેમાં પણ સિમાંકન મુદ્દે બળાપો ઠાલવવામાં આવ્યો હતો. તેમનો ત્યારે પણ આગ્રહ હતો કે સિમાંકનને ત્રણ દાયકા આગળ ઠેલી દેવામાં આવે.

બીજી તરફ જાણકારોનું માનવું છે કે, એક વખત ગણતરીનો અંતિમ ડેટા આવી જશે તો સિમાંકનની કામગીરી શરૂ કરવાના દરવાજા ખુલી જશે. સિમાંકનની કામગીરી હાથ ધરવા માટે સૌથી પહેલાં સિમાંકન આયોગની રચના કરવી પડશે અને તેના માટે સંસદમાં સિમાંકન વટહુકમ પસાર કરવો પડશે. ત્યારબાદ આ આયોગ રાજ્ય સરકારો સહિત વિવિધ હિતધારકોની સાથે ચર્ચાવિચારણા કરીને એક ફોર્મ્યુલા તૈયાર કરશે જેના આધારે સિમાંકન કરવામાં આવશે. આ ઉપરાંત સંસદમાં બેઠકો વધારવા માટે પણ બંધારણ સુધારા બિલ લાવવું પડશે. તેના આધારે હાલમાં જે ૫૪૩ બેઠકો છે તેમાં વધારો કરવામાં આવશે. બંધારણના આર્ટિકલ ૮૧ અને ૮૨ હેઠળ સિમાંકન કરવું જરૂરી છે અને વસતી ગણતરી બાદ સિમાંકન કરવું જ પડે છે. ૧૯૫૧માં, ૧૯૬૧માં અને ૧૯૭૧માં પણ વસતી ગણતરી બાદ સિમાંકન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કટોકટી દરમિયાન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્ત્વવાળી કોંગ્રેસ સરકારે બંધારણમાં ૪૨મો સુધારા ખરડો પસાર કર્યો હતો. તેને ૧૯૭૬ બંધારણ અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અર્થ એ હતો કે, ૨૦૦૦ બાદ પહેલી વખત જ્યારે પણ વસતી ગણતરી થઈ ત્યાં સુધી સંદર્ભ માટે ૧૯૭૧ની જ વસતી ગણતરીને કેન્દ્ર બિંદુ માનીને કામ કરવામાં આવતું હતું. તેના દ્વારા વર્ષ ૨૦૦૦ બાદ પહેલી વસતી ગણતરી થઈ ત્યાં સુધી લોકસભાની બેઠકોને સ્થિર કરી દેવામાં આવી હતી. ૨૦૦૨માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા આગામી ૨૫ વર્ષ માટે એટલે કે ૨૦૨૬ સુધી લોકસભાની બેઠકોને સ્થિર કરી દેવાઈ હતી. હવે જો નવેસરથી સિમાંકન કરીને બેઠકો વહેંચવામાં આવે તો દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ ઘટવાનો ભય છે. તેના કારણે જ સ્ટાલિન અને અન્ય નેતાઓ લોકસભાની બેઠકો ફરીથી વધુ ત્રણ દાયકા માટે સ્થિર કરવાનું દબાણ કરી રહ્યા છે. 

મહત્ત્વની વાત એ છે કે, બંધારણિય રીતે જે કામગીરી થાય તે તેની જગ્યાએ છે પણ જો આમાં રાજકારણ ભળ્યું તો દેશને મોટું પરિણામ ભોગવવું પડી શકે છે. વર્ષોથી સાઉથ અને નોર્થ ઈન્ડિયા વચ્ચે ભાષા અને સંસ્કૃતિના નામે મનભેદ અને મતભેદ રહેલા છે. હવે જો સિમાંકન દરમિયાન સાઉથના રાજ્યોને અન્યાય થયો તો ત્યાંની પ્રજામાં એ વાત ઘર કરી જશે કે તેમની સાથે રાજકીય લાભ લેવા માટે ઓરમાયું વર્તન કરાયું છે. દેશમાં નવા સિમાંકન કરવા દરમિયાન પ્રજાના મનમાં સરહદો ન ખેંચાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

દેશમાં સમયાંતરે અસમાન રીતે વધેલી વસતી હવે નવા સમીકરણ રચશે 

દેશના વસતી વધારા ઉપર નજર કરીએ તો તેની અસમાનતા સમજાય તેમ છે. દેશમાં સૌથી પહેલાં ૧૮૮૧થી ૧૯૩૧ દરમિયાન કેરળમાં અસમાન્ય રીતે વસતી વધી. ત્યારબાદ તમિલનાડુમાં વસતી વધારો થયો. ત્યારબાદ ૧૯૩૧થી ૧૯૭૧માં ફરી કેરળની વસતી બમણી થઈ ગઈ. તમિલનાડુમાં પણ વસતીમાં વધારો થયો. આ બંને રાજ્યોમાં અસામાન્ય વધારો થયા બાદ વસતી સ્થિર થવા લાગી. બીજી તરફ ઉત્તર ભારતમાં ૧૮૮૧થી ૧૯૫૧ સુધીમાં વસતી વધારો ઓછો થયો હતો. ત્યારબાદ જે વસતી વિસ્ફોટ થયો તેણે તમામ સમીકરણો પટલી કાઢયા. તેના પગલે ૧૯૭૧માં સિમાંકન અટકાવી દેવું પડયું. ૨૦૦૨માં અટકેલું સિમાંકન ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યું. ઉત્તરભારતના રાજ્યનું વસતીમાં યોગદાન શરૂઆતના વર્ષોમાં ઓછું હતું અને પછી એકાએક વધી ગયું. ત્યારબાદ તેમાં એકાએક વધારો થયો. ૧૮૮૧થી ૧૯૭૧ દરમિયાન ઉત્તર ભારતમાં વસતી ૧૧૫ ટકા, દક્ષિણ ભારતમાં ૧૯૩ ટકા, પશ્ચિમ ભારતમાં ૧૬૮ ટકા અને પૂર્વ ભારતમાં ૨૧૩ ટકા જેવી વધી. ૨૦૧૧ સુધીના સમય ગાળામાં પણ આ તફાવત ઘણો મોટો રહ્યો. હવે સ્થિતિ એવી આવી છે કે, દક્ષિણ અને પૂર્વના પ્રદેશોમાં વસતીમાં સ્થિરતા આવી છે પણ ઉત્તર અને પશ્ચિમમાં વધારો ચાલુ છે. લોકસભાના પ્રતિનિધિત્વને સમજીએ તો હાલમાં દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ વધારે છે, ત્યારબાદ પૂર્વનું લગભગ સરભર છે પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પ્રતિનિધિત્વ ઓછું છે. દક્ષિણ ભારતમાં એક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ ૨૧ લાખ લોકો છે જ્યારે ઉત્તર ભારતમાં આ સરેરાશ ૩૧ લાખ છે. તેના કારણે જ નવી વધેલી વસતી અને તેના કારણે રચાતા નવા સિમાંકન લોકસભાની બેઠકોને કેવી રીતે અસર કરશે તે જોવાનું રહેશે.