ચીનનો વધતો પગપેસારો વિશ્વ માટે ખતરો બનશે

- ઇકોનીમિક ડિપ્લોમસી થકી આફ્રિકા, અખાતના દેશોમાં વધારે પ્રભાવ ઉભો કરી
- ચીન અને રશિયાના ગાઢ સંબંધો અમેરિકાને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યા છે. બ્રિકસ દેશોને ટેરિફ માટે વારંવાર ધમકાવ્યા પછી હવે નેટો મેદાનમાં આવ્યું છે. રશિયા સાથે વ્યાપારી સંબંધો રાખનાર ભારત, ચીન સહિતના દેશો ઉપર ટેરિફ લાદવાની ધમકી આપી છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ દુનિયા ઉપર રાજ કરવા માટે વ્યાપાર, અર્થતંત્ર, આર્થિક સહાય અને ડોલરનો ઉપયોગ કરેલો. દુનિયાભરના દેશો પોતાના હિતની રક્ષા કરે, સૌથી વધુ ફાયદો થાય એ માટે વર્લ્ડ બેંક, આઈએમએફ અને યુનો ઉપર અમેરિકાએ પ્રભાવ રાખ્યો છે. જોકે, ચીને છેલ્લા ત્રણ દાયકામાં આર્થિક અને રાજદ્વારી શક્તિ એકત્ર કરી આ એકચક્રી શાસનને પડકાર્યું છે. ડોલરને પડકાર ફેંકવા માટે કરન્સી સ્વેપ, ડિજિટલ યુઆન અને પેમેન્ટ સિસ્ટમ ચીને ઉભી કરી છે. ધીમે પણ મક્કમ રીતે વિશ્વના આર્થિક, રાજદ્વારી અને લશ્કરી આયામ ઉપર બૈજીંગ પ્રભાવ વધારી રહ્યું છે. ચીનને હવે હાંસિયામાં હડસેલી શકાય એમ નથી, દુનિયાએ તેની સામે લડવા માટે તૈયારીઓ કરવી પડશે.
વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અને શક્તિશાળી દેશ અમેરિકાનું અર્થતંત્ર ૩૦ ટ્રીલીયન ડોલરનું છે. તો સામે બીજા ક્રમે આવતું ચીન ૧૯.૫ ટ્રીલીયન ડોલરનું છે. દુનિયાના ચીજવસ્તુઓના વ્યાપારમાં ચીનની હિસ્સો ૧૪.૫ ટકા અને સર્વિસીઝમાં હિસ્સો ૧૦.૫ ટકા છે જે અમેરિકા કરતા વધારે છે. ચીન વિશ્વની ફેક્ટરી ગણાય છે પીનથી લઇ પ્લેન સુધી અને કાપડથી લઇ કોમ્પ્યૂટર સુધી દુનિયાભરની કંપનીઓ ચીનમાં ઉત્પાદન ધરાવે છે અને ત્યાંથી દુનિયામાં નિકાસ થાય છે. આર્થિક રીતે ચીનની છેલ્લા ત્રણ દાયકાની પ્રગતિ અકલ્પનીય છે. આ વિકાસની સાથે ચીન હવે તેનો દુનિયા પરનો પ્રભાવ ધીમે-ધીમે પણ મક્કમ રીતે વિસ્તરી રહ્યું છે. ચીન ધિક્કારી શકાય, પણ અવગણી ન શકાય એટલું શક્તિશાળી તો છે જ! ચાઈનીઝ કોમ્યુનીસ્ટ પાર્ટી (સીસીપી)નું એકચક્રી શાસન છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનસીપી) સત્તાનું કેન્દ્ર છે અને તેની બે તૃતિયાંશ બેઠકો ઉપર સીસીપીનો કબજો છે. સીસીપીની બેઠકમાં પસંદગી થાય છે એ સભ્ય જ એનસીપીમાં બેસી શકે છે. રાષ્ટ્રીય સ્તરે કોઈ ચૂંટણી નથી અને બન્ને પાસે અમર્યાદિત સત્તા છે. છેલ્લા દોઢ દાયકાથી આ અમર્યાદિત સત્તા ચીન દુનિયા ઉપર થોપવા પ્રવૃત્ત છે.
છેલ્લા ત્રણ દાયકામાં ચીને પોતાની આર્થિક શક્તિઓ વિશ્વભરમાં વિસ્તારી છે. આફ્રિકા, અખાતના દેશો અને એશિયામાં ચીન અત્યારે સૌથી મોટું રોકાણકાર, સોથી મોટું વ્યાપારી ભાગીદાર અને સૌથી મોટી સહાય કરનાર દેશ બન્યો છે. લશ્કરી રીતે વિશ્વમાં સૌથી મોટું સેનાબળ ધરાવતો દેશ પ્લેન, મિસાઈલ, બોમ્બ, ટેંક અને અન્ય લશ્કરી સામાનની નિકાસ કરતો દેશ બન્યો છે. વિશ્વમાં શસ્ત્રોની નિકાસમાં ચીન અત્યારે ચોથા ક્રમે આવે છે. આફ્રિકા અને એશિયા એના મોટા ખરીદદાર છે. વ્યાપારી શક્તિના કારણે ચીને વિશ્વના ચલણ ડોલરને પણ પડકાર ફેંકવા શરૂ કર્યા છે. વિશ્વ ઉપર ડોલરથી રાજ કરનાર અમેરિકા માટે ચીન સૌથી મોટો ખતરો છે. બ્રેટન વુડ્સ સંધિ (સોના સામે જ ચલણ પ્રિન્ટ કરી શકાય એવી વ્યવસ્થા)માંથી અમેરિકા ૧૯૭૨માં નીકળી ગયું અને ડોલરના અમર્યાદિત પુરવઠા થકી દુનિયા ઉપર રાજ શરૂ થયું. બે દેશો વચ્ચેના વ્યાપાર, દુનિયા માટે સૌથી મહત્વની કોમોડિટીઝ (ક્રૂડ, સોનું, તાંબુ, પિત્તળ, ઝીંક, નિકલ, વગેરે)નો ભાવ ડોલરમાં જ નક્કી થાય અને ડોલર માટે મેળવવા અમેરિકાની શરતોને આધીન રહેવાનું. ચીન એકપણ બોમ્બ ફોડયા વગર, ગોળી છોડયા વગર અમેરિકા સામે યુદ્ધે ચડયું છે અને ડોલરના એકચક્રી શાસન ઉપર હુમલો ચાલુ થયો છે.
ચીને વિશ્વના ૪૦ દેશો સાથે કરન્સી સ્વેપ કરાર કરેલા છે. કરન્સી સ્વેપ એટલે વ્યાપારના સમયે બન્ને દેશ એકબીજાના ચલણથી વ્યવહાર કરી શકે, ડોલર ખરીદવાની જરૂર જ નહી. અત્યારે અંદાજીત ૫૦૦ અબજ ડોલરના કરારમાં માત્ર ચીનનું ચલણ યુઆન (જે રેનેમ્બી તરીકે પણ ઓળખાય છે) જ વાપરવામાં આવે છે. ચીનના આવા કરાર પાકિસ્તાન, શ્રી લંકા, આર્જેન્ટીના, સાઉદી અરબ, રશિયા, આરબ અમિરાત જેવા દેશોનો સમાવેશ થાય છે. રશિયા, સાઉદી અને અમિરાતના કારણે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના વ્યાપાર કરવા માટે ચીનને ડોલરની જરૂર જ નથી!
એવી જ રીતે આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર સિસ્ટમમાં પણ ચીન પગપેસારો કરી રહ્યું છે. વિશ્વભરની બેંકો આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર માટે સ્વિફ્ટ (સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઇન્ટરબેંક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન) ના સંદેશનો ઉપયોગ કરે છે. સ્વિફ્ટ પોતે નાણા રાખતું નથી, ક્લીયરીંગ કરતું નથી માત્ર એક બેંકથી બીજી બેનને આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર સંદેશ પહોંચાડે છે અને તેના આધારે નાણા ટ્રાન્સફર થાય છે. ચીને ૨૦૧૫માં આ વ્યવસ્થાને તોડી પાડવા માટે, જે દેશો યુઆનમાં પોતાના નાણા ટ્રાન્સફર કે તબદીલ કરવા ઈચ્છે એ માટે સિપ્સ (ક્રોસ બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ) શરૂ કરી છે. સ્વિફ્ટમાં દૈનિક ૪.૪૮ કરોડ સંદેશથી ૭.૫ ટ્રીલીયન ડોલરના વ્યવહાર થાય છે. આમાં ૧૧,૦૦૦ જેટલી નાણા સંસ્થાઓ જોડાયેલી છે. સિપ્સમાં હજી વ્યવહારો ઓછા છે પણ ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે. અત્યારે ૬૭ અબજ ડોલરના દૈનિક વ્યવહાર થઇ રહ્યા છે (ગત વર્ષ કરતા ૪૨ ટકા વધુ). અત્યારે ૧૦૯ દેશોની ૧૪૨૭ નાણા સંસ્થાઓ આ વ્યવસ્થામાં જોડાયેલી છે.
આર્થિક રીતે સક્ષમ ચીન વિશ્વભરમાં મૂડીરોકાણ, આર્થિક સહાય થકી પણ જિયોપોલિટિક્સ ઉપર પ્રભાવ વધારી રહ્યું છે. વિશ્વના ઉત્પાદનનું હબ ચીનને મિનરલ્સ અને કુદરતી સંપદાની આયાત કરવા ફરજ પડે છે. આફ્રિકા પાસે અપાર સંપદા છે પણ તેના વાણિજ્યિક ઉપયોગ માટે નાણા નથી. ચીન અહીં ઘુસી ગયું છે. ઉર્જા, માઈનીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ ત્રણ મહત્વના ક્ષેત્રો છે જેમાં ચીને ધ્યાન કેન્દ્રિત કરેલું છે. આફ્રિકા ખંડ સાથે વ્યાપાર કરવામાં ચીન દુનિયામાં પ્રથમ ક્રમે છે. ચીનની આફ્રિકામાં નિકાસ ૧૭૩ અબજ ડોલરની છે અને ત્યાંથી ૧૦૯ અબજ ડોલરની આયાત કરે છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આફ્રિકા - ચીન વ્યાપાર ૩૦૦ અબજ ડોલર પહોચે એવો અંદાજ છે. આ અંદાજ ચાઈના - આફ્રિકા કોઓપરેશન ૨૦૩૫ વિઝન હેઠળ કરવામાં આવ્યો છે. એની સાથે વર્ષ ૨૦૧૩માં ચીને બેલ્ટ રોડ ઈનીશીએટિવ જોડી દેવામાં આવ્યો છે. યોજનામાં એશિયા અને આફ્રિકાને યુરોપ સાથે જળ અને માર્ગ મારફત જોડવાની વાત છે. આ યોજના થકી એશિયા, યુરોપ અને આફ્રિકામાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે એવો ચીનનો પ્રયાસ છે. ચીને આ ખંડમાં ૨૮૨ અબજ ડોલરનું રોકાણ કરેલું છે અને ૨૦૩૫ સુધીમાં કૃષિ, ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ જેવા ક્ષેત્રો મળી વધારાના ૬૦ અબજ ડોલર રોકવા તૈયારી દર્શાવી છે.
અખાતના દેશોમાં પણ ચીનનો પ્રભાવ વધી રહ્યો છે. સાઉદી અરબ, આરબ અમિરાત, સિરિયા, ઈરાન, ઓમાન, કતર જેવા દેશો ચીન સાથે ઉષ્માભર્યા રાજદ્વારી સંબંધો ધરાવે છે. મુસ્લિમ રાષ્ટ્રોની સહાનુભૂતિ મેળવવા ચીને ઇઝરાયેલના ગાઝા ઉપરના હુમલા અને પેલેસ્ટાઇનમાં યુદ્ધવિરામની તરફેણ કરેલી છે. ઈરાન અને સાઉદી અરબ વચ્ચે એક દાયકાથી વણસેલી સ્થિતિનો ચીનની મધ્યસ્થીના કારણે અંત આવ્યો હતો. ૨૦૨૩માં, ચીને બંને દેશ વચ્ચે સમજૂતી કરાવી સંયુક્ત રીતે કામ કરવા સંધિ ઉપર હસ્તાક્ષર કરાવ્યા હતા.
વૈશ્વિક ચલણ તરીકે ડોલર સામે ચીનનો ડિજિટલ યુઆન
ક્રીપ્ટોકરન્સી સામે બાથ ભીડવા માટે દુનિયાભરના દેશોએ સત્તાવાર ડિજિટલ ચલણ શરૂ કર્યા હતા જેમાં ચીન પ્રથમ હતું. ચીનની મધ્યસ્થ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ડિજિટલ યુઆન હવે વિશ્વભરમાં સ્વીકૃત બને એ માટે નક્કર પગલાં લેવા શરૂ કર્યા છે. બેંકના ગવર્નર પેન ગોંગશેગે જૂનમાં ઈ-યુઆન માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ડોલરનું નામ લીધા વગર વિશ્વમાં એક ચલણના શાસનની સામે અન્ય ચલણો પણ હોવા જોઈએ એવી રજૂઆત કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રમ્પ સત્તા ઉપર આવતા ટેરિફ યુદ્ધ શરૂ થયું છે ત્યારે ડોલરના બદલે વૈકલ્પિક ચલણમાં રોકાણની તક ઉભી થાય એવી વ્યવસ્થા માટે દુનિયા ચર્ચા કરી રહી છે ત્યારે ડોલર સામે યુઆન ઉપરાંત, ચીન એક ડગલું આગળ વધી વિશ્વમાં પશ્ચિમી સંસ્થા અને દેશોનો પ્રભાવ ન હોય તેવી આંતરરાષ્ટ્રીય નાણા વ્યવસ્થા ઉભી કરવાની હિમાયત પણ કરી રહ્યું છે!
મૂડીરોકાણ આકર્ષવામાં અને વિદેશમાં મૂડી રોકવામાં પણ આગળ
વિશ્વમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવતા દેશમાં ચીન પ્રથમ ક્રમે આવે છે. ૨૦૨૩માં વિશ્વના કુલ રોકાણમાં ૧૦ ટકા હિસ્સો ચીનનો હતો. ચીનમાં યુરોપ અને અમેરિકા સહિતના ક્ષેત્રોમાંથી કુલ ૧૧૬ અબજ ડોલરનું રોકાણ ચીનમાં થયું હતું. બીજી તરફ, ચીનની કંપનીઓ અને સરકાર દ્વારા ૨૦૨૪માં કુલ ૧૪૪ અબજ ડોલરનું રોકાણ વિશ્વભરમાં થયું હતું. ચીન દ્વારા દેશની બહાર થતા મૂડીરોકાણની આ ઐતિહાસિક સપાટી છે.









