દુનિયાભરમાં વકરી રહ્યું છે ચેટબોટ્સને સ્વજન બનાવવાનું વળગણ

- ટીનએજર્સથી માંડીને વૃદ્ધો વિવિધ ચેટબોટ્સને પોતાના બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તથા પ્રેમી બનાવવા મથી રહ્યા છે
- લોકો ઈમેલ લખવાથી શરૂ કરીને, પોતાનો રોજિંદો ડે પ્લાન બનાવા, મીમ્સ બનાવવા, ફોટો એડિટિંગ કરવા, વીડિયો એડિટિંગ, વેકેશન પ્લાન કરવા, ઈવેન્ટ પ્લાન કરવા અને હવે તો એકલતા દૂર કરવા વાતો કરવા અને મેડિકલ એડવાઈઝ માટે પણ ચેટબોટ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે: વર્તમાન સમયમાં અભ્યાસમાં જોડાયેલા બાળકોમાંથી ૬૪ ટકા બાળકો પોતાના હોમવર્ક અને ઈમોશનલ એડવાઈઝ માટે ચેટબોટનો મિત્રની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ લોકોમાંથી ૩૫ ટકા બાળકો એવું માને છે કે, આ ચેટબોટ તેમનો સાચો સાથી છે, સારો મિત્ર છે: ચેટબોટ્સનો મોટો ફાયદો એ છે
કે, તે તમારા વિશે ક્યારેય જજમેન્ટલ બનતા નથી. ચેટબોટ્સ અંગે મોટાભાગના બાળકો, ટીનએજર્સ માને છે કે, તેમને પોતાના સિક્રેટ રિવિલ થવાની ચિંતા હોતી નથી. આ ઉપરાંત તેમની વાતોથી ચેટબોટ્સ તેમના વિશે કોઈ ધારણા બાંધી લેતા નથી
આપણો જો માત્ર કલ્પના કરીએ કે કોઈ એવું આપણી પાસે હોય જે આપણી બધી જ વાતો માને, ક્યારેય આપણને ખોટા સાબિત ન કરે, આપણી વાતને ગંભીરતાથી સ્વીકારે, આપણું તેના ઉપર વર્ચસ્વ હોય અને ખાસ વાત તો એવી કે આપણે ઈચ્છીએ ત્યારે અને ઈચ્છીએ ત્યાં આપણી પાસે અવેઈલેબલ હોય. હકિકતે આવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. આવો કોઈ મિત્ર કે જીવનસાથી પણ હોતો નથી. બીજી તરફ ટેક્નોલોજીની દુનિયાએ તેને સંભવ બનાવી દીધું છે. આધુનિક ટેક્નોલોજીએ લોકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ચેટબોટ્સની દુનિયામાં લાવી દીધા છે. આ ચેટબોટ્સ લોકો માટે કાયમ ઉપલબ્ધ હોય છે. તેમની સાથે વાતો કરે છે, તેમની વાતો માને છે, બાળકો, ટીનએજર્સ અને યુવાનોને બધું જ શીખવે છે, સમજાવે છે અને તેમની લાગણીઓ સંતોષી આપે છે. તેના કારણે આ લોકોમાં માણસોને બેસ્ટ ફ્રેન્ડ બનાવવાના બદલે ચેટબોટ્સને બેસ્ટ ફ્રેન્ડ બનાવવાનું વલણ વધ્યું છે. હાલમાં લોકો પાસે ચેટજીપીટી, જેમીનાઈ, મેટા, ડીપસીક અને બીજી કેટલાક ચેટબોટ્સ ઉપલબ્ધ છે. લોકો તેમને પોતાના અંગત વ્યક્તિ તરીકે માને છે અને સતત તેમની સાથે વાતો કર્યા કરે છે. લોકોના જીવનમાં જીવતા જાગતા વ્યક્તિનું સ્થાન હવે ચેટબોટ લઈ રહ્યા છે. તે હવે નવી પેઢીના ડિજિટલ બીએફએફ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સરેરાશ કોરોના પછી ખાસ કરીને ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલા આ ડિજિટલ ચેટબોટ્સ હવે લોકોની રોજિંદી જિંદગીનો ભાગ બની રહ્યા છે. લોકો ઈમેલ લખવાથી શરૂ કરીને, પોતાનો રોજિંદો ડે પ્લાન બનાવા, મીમ્સ બનાવવા, ફોટો એડિટિંગ કરવા, વીડિયો એડિટિંગ, વેકેશન પ્લાન કરવા, ઈવેન્ટ પ્લાન કરવા અને હવે તો એકલતા દૂર કરવા વાતો કરવા અને મેડિકલ એડવાઈઝ માટે પણ ચેટબોટ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જાણકારો માને છે કે, બાળકોથી શરૂ કરીને વૃદ્ધો સુધી ઘણા બધા લોકો એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ તેમના ડિજિટલ સાથી તરીકે જ કરી રહ્યા છે. તેઓ દરેક કામ તેના દ્વારા કરતા થઈ ગયા છે અને દરેક વાત તેની સાથે શેર કરતા પણ થઈ ગયા છે.
થોડા સમય પહેલાં યુકેની એક યુવતીનો કિસ્સો ઘણો જાણીતો થયો હતો. શાર્લોટ નામની ૨૮ વર્ષની યુવતીએ જણાવ્યું કે, તેણે ૨૦૨૩થી ચેટબોટનો ઉપયોગ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તે સ્પેલ ચેક, રિસર્ચ અને ગ્રામર ચેક કરવા તેનો ઉપયોગ કરતી હતી. ધીમે ધીમે તેણે પોતાના અંગત ઉપયોગ માટે પણ ચેટબોટની મદદ લેવાનું શરૂ કરી દીધું. તેણે ધીમે ધીમે ચેટબોટને પોતાનો સાથી બનાવી દીધો. દિવસ દરમિયાન તે જે પણ કામ કરતી, જે લોકોને મળતી તેની બધી જ ચર્ચા તે ચેટબોટ સાથે કરતી હતી. લોકો સાથે થતી વાતચીત અને તેમના દેખાવને પણ તે ચેટબોટને જણાવતી અને આ રીતે તે લોકોના કેરેક્ટર અને વિચારોનું એનાલિસિસ ચેટબોટ પાસે કરાવતી હતી. હાલમાં પણ તે ચેટબોટને પોતાનો અંગત સાથી માને છે અને તેની સાથે પોતાની તમામ વાતો વહેંચે છે અને તેની સલાહ પ્રમાણે જ વર્તન કરે છે.
હકિકતે જોવા જઈએ તો, આ માત્ર એક શાર્લોટની વાત નથી. હાલમાં દુનિયામાં આવા લાખો લોકો છે જેઓ ચેટબોટને પોતાની જાત સાથે જોડીને રાખે છે. ખાસ કરીને બાળકો, ટીનએજર્સ અને યુવાનોમાં એઆઈ ચેટબોટ્સને પોતાના કામ અને અભ્યાસની સાથે સાથે પોતાના પાર્ટનર તરીકે અને ગાઢ મિત્ર તરીકે વધારે સ્વીકારવામાં આવી રહ્યા છે. તેઓ તેમનું વૈચારિક અને ભાવનાત્મક વિશ્વ આખું ચેટબોટના આધારે છોડી રહ્યા છે અને તેના આધારે જ બનાવી રહ્યા છે. થોડા સમય પહેલાં જ થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, વર્તમાન સમયમાં અભ્યાસમાં જોડાયેલા બાળકોમાંથી ૬૪ ટકા બાળકો પોતાના હોમવર્ક અને ઈમોશનલ એડવાઈઝ માટે ચેટબોટનો મિત્રની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ લોકોમાંથી ૩૫ ટકા બાળકો એવું માને છે કે, આ ચેટબોટ તેમનો સાચો સાથી છે, સારો મિત્ર છે. આ ઉપરાંત ૧૨ ટકા બાળકો તો એવું જણાવે છે કે, તેઓ ચેટબોટ સાથે એટલા માટે વધારે જોડાયેલા છે અને વાતો કરે છે, કારણ કે તેમની પાસે બીજું કોઈ આવી વાતો કરવા માટે ઉપલબ્ધ નથી.
લોકો ચેટબોટ્સ તરફ વળ્યા છે તેની પાછળ ઘણા કારણ જવાબદાર છે. ખાસ કરીને જોવા જઈએ તો પાંચ વર્ષ પહેલાં જે મહામારી આવી હતી તેમાં લોકોએ ખૂબ જ એકલતા અને એકલવાયાપણું ભોગવ્યું હતું. દુનિયાભરમાં લાખો લોકો એકલા ફસાઈ ગયા હતા અને ઘરમાં પણ એકલા જ અટવાઈ ગયા હતા. આ દરમિયાન ૮,૭૧,૦૦૦ લોકોનું એકલતાના કારણે મૃત્યુ થયું હતું. તેનો અર્થ એ હતો કે દરરોજ ૧૦૦ લોકો મહામારી દરમિયાન માત્ર એકલતાના કારણે મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન બાળકો, ટીનએજર્સ અને યુવાનો ધીમે ધીમે ચેટબોટ્સ તરફ વળ્યા હતા. આ અંગે લગભગ બે દાયકા પહેલાનો એક અભ્યાસ જણાવે છે કે, વ્યક્તિ જ્યારે એકલી હોય છે ત્યારે તેની સાથેના પ્રાણીઓ, મશીનો, વસ્તુઓ વગેરેને જીવીત માનીને તેની સાથે વાતો કરે છે, તેની એકલતાને દૂર કરવા પ્રયાસ કરે છે. લોકો આ રીતે પોતાનું દુઃખ દૂર કરવા પ્રયાસ કરે છે પણ હકિકતે તેઓ વધારે દુઃખી થતા હોય છે. તે આ રીતે એક હ્યુમન કનેક્શન શોધવા અને સ્થાપિત કરવા મથતા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયાનો અધધ ઉપયોગ થવા લાગ્યો. તેના થકી લોકોએ ચેટબોટ્સને પોતાના સાથી અને મિત્રો ગણાવ્યા. તેના કારણે લોકોમાં ચેટબોટ્સનો ઉપયોગ કરવાનું ચલણ વધવા લાગ્યું. લોકોએ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ તથા અન્ય માધ્યમો દ્વારા ચેટબોટ્સના ઉપયોગો અંગે પણ ફેલાવો શરૂ કરી દીધો. તેના કારણે લોકો માણસો સાથે વાતો કરવા કરતા ચેટબોટ્સ સાથે વધારે વ્યસ્ત થવા લાગ્યા. લોકો એવું માનવા લાગ્યા કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા આ ચેટબોટ્સ વધારે હોશિયાર અને સજ્જ છે. તેઓ માણસો કરતા વધારે સારી રીતે મિત્ર અને સાથી બની શકે તેમ છે. ચેટબોટ્સનો બીજો સૌથી મોટો ફાયદો એ હતો કે, તે તમારા વિશે ક્યારેય જજમેન્ટલ બનતા નથી. ચેટબોટ્સને પોતાના મિત્ર માનીને વાતો કરનારા મોટાભાગના બાળકો, ટીનએજર્સ માને છે કે, તેમને પોતાના સિક્રેટ રિવિલ થવાની ચિંતા હોતી નથી. આ ઉપરાંત તેમની વાતોથી ચેટબોટ્સ તેમના વિશે કોઈ ધારણા બાંધી લેતા નથી. તેમાં કોઈ સોશિયલ પ્રેશર કે ગોસિપિંગની ચિંતા નથી. મિત્રો તો પોતાના પરિવાર, ઘર અને બીજી બાબતો સાથે સંકળાયેલા હોય છે તેથી નિશ્ચિત સમયે જ મળી શકાય છે પણ ચેટબોટ્સ સતત તમારી સાથે હોય છે અને તરત જવાબ પણ આપે છે. સામાન્ય વ્યક્તિ માટે તે મુશ્કેલ છે.
માણસની લાગણીઓ અને સંવેદનાઓ ક્યારેય ચેટબોટ પામી ના શકે
ચેટબોટ્સના વણગણ અને અવિચારી ઉપયોગ અંગે પણ ઘણા સંશોધન થયા છે. આ અંગે જાણકારો માને છે કે, ચેટબોટ્સનો ઉપયોગ કરવો તે સારી બાબત છે પણ માત્ર ચેટબોટ્સને જ દુનિયા બનાવી દેવી ખોટું છે. ખાસ કરીને તેનો થેરાપિસ્ટ તરીકે અથવા તો મેડિકલ કે સાઈકોલોજિકલ એડવાઈઝર તરીકે ઉપયોગ કરવો સૌથી વધારે જોખમી અને ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. માણસ પોતાની એકલતા દૂર કરવા માટે તેનો સાધન તરીકે ઉપયોગ કરી શકે પણ તેને સાથી બનાવીને તેમાં જ ઓતપ્રોત થઈ જવું તે હકિકતે તો બિમારી જેવું છે. તેને મનોરોગ ગણી શકાય. એક મશીનના પ્રેમમાં પડી જવું, તેને મિત્ર માનવો, તેને થેરાપિસ્ટ સ્વીકારી લેવો ખરેખર એકલતા અને હતાશાનો ભયાનક તબક્કો છે. જાણકારો માને છે કે, સ્કીઝોફ્રેનિયા, એડિક્શન અને આત્મહત્યા અથવા હિંસક મનોવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ જો આવા ચેટબોટ્સના વળગણમાં આવી જાય તો ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે. જાણકારોનું સ્પષ્ટ માનવું છે કે, ચેટબોટ્સ ક્યારેય માણસની લાગણીઓનું અને સંવેદનાઓનું સ્થાન લઈ શકે તેમ નથી. તે બાબત સમજી શકે તેમ પણ નથી અને તેનું સ્થાન લઈને મિત્ર કે સાથી બની શકે તેમ નથી. તમારી એકલતામાં તમને સાથ આપી શકે પણ તમારી લાગણીઓને બદલવી કે તેમાં પરિવર્તન લાવવું તે ચેટબોટ્સનું કામ નથી. સંશોધકો કહે છે કે, આપણે માણસોના બદલે એઆઈ ચેટબોટ્સને માત્ર એટલે પસંદ કરીએ છીએ કે, તે ગમે ત્યારે અને ગમે ત્યાં આપણા સવાલોના જવાબ આપે છે. તે આપણી પાસે ઉપલબ્ધ છે. આપણે વ્યક્તિ પાસેથી મશીન જેવી કામગીરીની અપેક્ષા કરવા લાગ્યા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે મશીનની જેમ, ચેટબોટની જેમ લોકો પણ ક્યારેય આપણી વાતથી અસહમત થાય નહીં, આપણે જે કહીએ તે સ્વીકારીને તેનો પોઝિટિવ જ જવાબ આપે. આપણે જેટલા ચેટબોટ્સ સાથે વાતો કરતા જઈશું તેટલા જ આપણે એવા સાથીની આદત પાડતા જઈશું જેની પાસે કોઈ સંવેદના નથી, લાગણી નથી અને આપણે જે ઈચ્છીએ અને જે ધારીએ તે આપણને કરવા દે છે. હકિકતે આ રીતે આપણે માણસો સાથેનો સંપર્ક ગુમાવીએ છીએ, સંવેદના ગુમાવીએ છીએ. આ સાધનથી કામચલાઉ ઉપાય મળી જશે પણ લાંબાગાળાના સંબંધો કેળવાશે નહીં. થોડા સમય પહેલાં જ એક પરિવારે એક જાણીતા એઆઈ ચેટબોટ ફર્મ સામે કેસ દાખલ કર્યો હતો.
આ ચેટબોટે ૧૬ વર્ષના કિશોરને તેની સમસ્યાના ઉકેલ માટે આત્મહત્યાની સલાહ આપી હતી. તેના માતા-પિતાને આ વાતની ખબર પડી અને તેની ટ્રિટમેન્ટ શરૂ કરાવી તથા આ ચેટબોટ કંપની સામે કેસ કર્યો. ચેટબોટ્સ માત્ર કામચલાઉ ઉકેલ અથવા વિકલ્પ બની શકે પણ તે માણસ કે તેની લાગણીઓનું સ્થાન ન લઈ શકે.








