ભારત-મોંગોલિયા મૈત્રી : ધાર્મિક મિત્રો વચ્ચે હવે સામરિક ભાગીદારી

- ચીનના પ્રભુત્વને ઘટાડવા ભારતે મોંગોલિયા સાથે કરોડોની કિંમતના પ્રોજેક્ટ જાહેર કર્યા અને ભાગીદારી મજબૂત કરી
- ભારત અને મોંગોલિયાના રાજકીય સંબંધોની સ્થાપનાને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના માટે ભારતમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ આયોજનોમાં ભાગ લેવા માટે જ મોંગોલિયાના પ્રમુખ ભારત આવ્યા છે : ભારતના પારંપરિક લોકમંચ ઉપર ભજવાની શૈલી એટલે કે રામલીલા તથા મોંગોલિયાનું વિશેષ લોકનૃત્ય બિયેલગે આ ટિકિટમાં અંકિત કરવામાં આવેલું છે. આ સંયુક્ત ટપાલ ટિકિટ ભારત અને મોંગોલિયા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિત સંબંધો અને પારસ્પરિક વારસાની વહેંચણીને રજૂ કરે છે : મોંગોલિયાના પેટાળમાં મોટા પ્રમાણમાં કોલસા, તાંબુ અને રેર અર્થ મિનરલ્સ રહેલા છે. ભારતમાં સ્ટિલ મેન્યુફેક્ચરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, બેટરી જેવા ઉદ્યોગોમાં આ તમામ ખનિજો અને ધાતુઓનો મોટાપાયે ઉપયોગ થાય છે. તેથી ભારત માટે મોંગોલિયા ખૂબ જ જરૂરી છે
મોંગોલિયાના રાષ્ટ્રપતિ ભારતના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. તેમણે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ૧૦ જેટલા કરાર કરવામાં આવ્યા હતા. મોંગોલિયા દ્વારા આ મુલાકાત સમયે યુએનમાં ભારને સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સ્થાન મળે તે વાતનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. મોંગોલિયા આ વાતનું મક્કમતાથી સમર્થન કરે છે તેમ પણ જણાવાયું હતું. ભારતે પણ બીજી તરફ મોંગોલિયાને હથિયારો આપવાની વાત કરી છે. તે ઉપરાંત મોંગોલિયાના સૈન્યને ભારત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમના સૈનિકો સાથે જોઈન્ટ એક્સરસાઈઝ પણ કરવામાં આવશે. એગ્રિકલ્ચર સેક્ટરમાં તો ભારત અને મોંગોલિયા વચ્ચે વર્ષો જૂની ભાગીદારી છે. હાલમાં આ બંને દેશો શા માટે વધારે નજીક આવી રહ્યા છે અને કોને કાબુ કરવા માટે આ જોડાણ વધુ મજબુત કરવામાં આવી રહ્યું છે તે પણ સમજવા જેવું છે.
ભારત અને મોંગોલિયાના રાજકીય સંબંધોની સ્થાપનાને ૭૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના માટે ભારતમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ આયોજનોમાં ભાગ લેવા માટે જ મોંગોલિયાના પ્રમુખ ભારત આવ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના પ્રમુખ ખુરેલસુખ ઉખના આ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ બંને દેશો દ્વારા તાજેતરમાં એક સ્મારક ટિકિટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ટિકિટમાં બંને દેશોની સમૃદ્ધ લોક નૃત્ય પરંપરાને રજૂ કરવામાં આવી છે. ભારતના પારંપરિક લોકમંચ ઉપર ભજવાની શૈલી એટલે કે રામલીલા તથા મોંગોલિયાનું વિશેષ લોકનૃત્ય બિયેલગે આ ટિકિટમાં અંકિત કરવામાં આવેલું છે. આ સંયુક્ત ટપાલ ટિકિટ ભારત અને મોંગોલિયા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિત સંબંધો અને પારસ્પરિક વારસાની વહેંચણીને રજૂ કરે છે. આ ટિકિટ બંને દેશોની સદીઓ જૂની મિત્રતા અને આત્મિયતાનું પ્રતિક છે.
ઉલ્લેખનીય છે કે, ભૌગોલિક રીતે મોંગોલિયા ભારત માટે ખૂબ જ મહત્ત્વનો દેશ છે. મોંગોલિયા ચીન અને રશિયા વચ્ચે આવેલો દેશ છે. આ બે મહાસત્તાઓની વચ્ચે આવેલો સુરક્ષિત અને સંસાધનોથી સજ્જ દેશ ભારત માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. ભારતના મજબૂત સંબંધો મોંગોલિયાને ચીનના એકતરફી પ્રભુત્વની અસર હેઠળ દબાણ નહીં અનુભવવામાં મદદ કરશે. ભારતનું મોંગોલિયા સાથેનું વધુ મજબુત જોડાણ તેને રાજનૈતિક રીતે પણ મદદ કરશે જેથી તેનો આ વિસ્તારમાં હાથ ઉંચો રહેશે. ચીનનું પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં સ્થિતિ કાબુમાં રાખવા માટે અને આવા નાના નાના દેશોને સુરક્ષિત રાખવા માટે વિશેષ પગલાં ભરવા પડે તેમ છે. ભારત તે દિશામાં જ આગળ વધી રહ્યું છે.
મોંગોલિયાના પેટાળમાં મોટા પ્રમાણમાં કોલસા, તાંબુ અને રેર અર્થ મિનરલ્સ રહેલા છે. ભારતમાં સ્ટિલ મેન્યુફેક્ચરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, બેટરી જેવા ઉદ્યોગોમાં આ તમામ ખનિજો અને ધાતુઓનો મોટાપાયે ઉપયોગ થાય છે. તેથી ભારત માટે મોંગોલિયા ખૂબ જ જરૂરી છે. ભારતે મોંગોલિયામાં કોલસા અને તાંબાની શોધ અને ખનન માટે ભાગીદારી કરી અને કરાર કર્યા જેથી ચીન ઉપર આધાર રાખવાનું ઓછું થઈ જાય. મોંગોલિયામાં જ ભારતનો ૧.૭ અબજ ડોલરથી વધુની રકમનો ઓઈલ રિફાઈનરી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેમાં મોગોલિયાને એનર્જી સિક્યોરિટી મળશે અને ભારતની આર્થિક ભાગીદારીમાં વધારો થશે. મોંગોલિયામાં કોકિંગ કોલનો બહુ મોટો જથ્થો છે. તેને ભારતમાં લાવવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
મોંગોલિયા હવે વ્યાપાર માર્ગો અને પોતાના પરિવહન નેટવર્ક માટે પણ ચીન ઉપર નિર્ભરતા ઓછી કરવા માગે છે. તેના કારણે તે બીજા વિકલ્પો શોધી રહ્યું છે. મોંગોલિયાના સંશાધન રશિયા અથવા અન્ય આઉટલેટ્સ દ્વાર ભારત પહોંચાડવામાં સરળતા રહે તેમ છે. તેના થકી પણ ભારત અને મોંગોલિયા હવે ચીન ઉપર આધાર રાખવાનો ઓછો કરી શકે છે. ભારત અને મોંગોલિયાના સાઈબર સિક્યોરિટી અને બોર્ડર સિક્યોરિટીમાં પણ ભાગીદારી વધારવાની યોજના છે. આ પહેલ થકી ભારત સરહદ ઉપર સંભવિત તમામ જોખમોને સમજવામાં અને તેનો ઉકેલ લાવવામાં મદદ કરશે. ભારત અને મોંગોલિયાની વચ્ચે મિલિટરી એક્સરસાઈઝ પણ થઈ રહી છે જેના દ્વારા બંને સેનાઓ વચ્ચે સંપર્ક વધશે, પ્રશિક્ષણ વધશે અને રણનીતિ માટેની સમજ વધારે ઉંડી થશે અને ભાગીદારી વધશે.
ભારત આગામી સમયમાં મોંગોલિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, એજ્યુકેશન અને ડિજિટલ પાર્ટનરશિપ જેવા વેન્ચર્સમાં મોટાપાયે રોકાણ કરી રહ્યું છે. તેના દ્વારા મોંગોલિયામાં વિકાસને વેગ મળશે અને ભારતના અર્થતંત્ર માટે પણ નવા બજાર અને દરવાજા ખુલશે. ભારત હવે ઈન્ડોપેસેફિક સેક્ટરમાં આઝાદ, વ્યાપક, સમૃદ્ધ અને સમાવેશી રીતે એક મહાસત્તા તરીકે આગળ વધવા માગે છે અને તેના માટે મોંગોલિયા સાથેની ભાગીદારી વધારે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. મોંગોલિયાનું સ્થાન ચીન અને રશિયાની વચ્ચે એવી રીતે છે કે, રણનીતિક દ્રષ્ટિએ અને રાજકીય હિતોને ધ્યાનમાં રાખતા ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહે તેમ છે.
ભારત માટે આગામી સમયમાં પોતાનું મહત્ત્વ સાબિત કરવા માટે એ જરૂરી છે કે, તે પોતાના સાથી દેશોની સંખ્યામાં વધારો કરે. આમ કરવાથી જ તેની વિદેશ નીતિ અને કૂટનીતિને વધારે મજબૂતી અને પ્રોત્સાહન મળશે. મોંગોલિયા સાથે સંબંધ વધારે ગાઢ કરવા અને વધારવા તે આ કૂટનીતિનો જ ભાગ છે. મોંગોલિયા જેવા મધ્ય એશિયાના દેશ સાથે સંબંધ સારા રાખવાથી ભારતની વૈશ્વિક છબી સંતુલિત અને વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે વધારે પ્રબળ બનશે. તેના થકી જ ગ્લોબલ સાઉથમાં ભારત આર્થિક, સુરક્ષા અને ઉર્જા સહયોગ માટે વધારે વિશ્વાસપાત્ર વિકલ્પ બનશે.
બંને દેશો દ્વારા મોદી અને ખુરેલસુખની બેઠક સમયે ઘણા કરાર કરવામાં આવ્યા હતા. તેમાં કલા, સંસ્કૃતિ અને રમત-ગમત ક્ષેત્રમાં ભાગીદારી, ડિજિટલ પ્રોદ્યોગિકી, સહકારિતા, ઈમિગ્રેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો, માનવીય સહાયતા અને ગ્રાન્ટ આસિસ્ટન્સ જેવા મુદ્દે કરાર કરવામાં આવ્યા હતા. તેમાં મોંગોલિયાના લોકોને ભારતમાં મફળ ઈ-વીઝા આપવાની જાહેરાત કરાઈ હતી. તે ઉપરાંત આગામી વર્ષે ભગવાન બુદ્ધના બે શિષ્યોના પવિત્ર અવશેષો પણ ભારતમાંથી મોંગોલિયા મોકલાવવાની બાંયધરી અપાઈ છે. ભારતે રિફાઈનરી પ્રોજેક્ટ માટે જે ૧.૭ અબજ ડોલરની લાઈન ઓફ ક્રેડિટની જાહેરાત કરી તે દુનિયાનો સૌથી મોટો ભાગીદારી પ્રોજેક્ટ બનવાનો છે. મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, ૨૫૦૦થી વધારે ભારતીયો મોંગોલિયામાં સંયુક્ત રીતે કામ કરે છે. મોંગોલિયાનું પ્રાઈવેટ સેક્ટર હાલમાં ઉર્જા, ક્રિટિકલ મિનરલ્સ અને અન્ય સેક્ટરમાં મદદ અને ભાગીદારીની શક્યતાઓ વિચારી રહ્યું છે. ભારત તેમાં મોટાપાયે ઉપયોગી થાય તેમ છે. ભારતે ૨૦૧૫માં પણ મોંગોલિયાને ૧ અબજ ડોલરની ક્રેડિટ આપી હતી તથા ૧૪ જેટલા કરાર કરવામાં આવ્યા હતા. તેના બધા ઉપર આધાર રાખવાનું છોડી દેવાનું કહેવાય છે. મોંગોલિયા દ્વારા ૭૦ વર્ષમાં પહેલી વખત ખૂબ જ મોટાપાયે કરાર થયા છે.
મોંગોલિયાએ પહેલી વખત નવી દિલ્હીમાં સુરક્ષા સલાહકારની નિમણુક કરી છે. ભારતે મોંગોલિયા સાથેના જૂના વ્યવહારો અને અવગણનાને ભુલીને તે શું યા યછે નક્કી કરવાનું છે. આગામી વર્ષે ખેલાડીઓનું આદાન-પ્રદાન થાય તેવી ગણતરી છે. બંને વચ્ચે સદીઓથી આદનપ્રદાન અને આધ્યાત્મિક રીતે સંસ્કૃતતિના નવા વારસાનું પણ આદન પ્રદાન થશે. તે સિવાય આઉટર સ્પેસમં પણ રિસર્ચ અને એક્સ્પ્લોરેશન જેવા અભિયાનોમાં પણ બંને દેશો એકબીજાને સાથ આપવાના છે. ભારત અને મોંગોલિયા વચ્ચે ૧૯૫૫થી રાજકીય સંબંધ છે. છેલ્લાં સાત દાયકામાં બંને દેશોએ પારસ્પરિક સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને લોકશાહીના મૂલ્યોને આધારે સંબંધોને વધારે ગાઢ અને વિકસિત બનાવ્યા છે.
ભારત અને મોંગોલિયા વચ્ચે 10,000 વર્ષ કરતા પણ જૂના સંબંધો છે
ભારત અને મોંગોલિયા વચ્ચે સાત દાયકા જૂના સંબંધો છે તે તો નવા વિશ્વની વાત છે. હકિકત તો એવી છે કે, હજારો વર્ષોથી ભારત અને મોંગોલિયા વચ્ચે સંબંધો છે. જાણકારોના મતે હિમલાયની તળેટીમાં આવેલા કાંગડા રાજ્યના ભારતીયો જે-તે સમયે મોંગોલિયા રવાના થયા હતા. તે સમયે આ ભારતીયોનું નેતૃત્વ રાજ્યના રાજકુમાર મંગલદેવ કરતા હતા. તેવું કહેવાય છે કે આ લોકો ત્યાં રહ્યા બાદ થોડા સમય પછી ભારત પરત આવી ગયા હતા. તેને પણ અંદાજે ૨૦૦૦ વર્ષ થયા છે.
ઉલ્લેખનીય છે કે, મોંગોલિયાના જ પૂર્વ વડા પ્રધાન આનંદિન અમરે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે, તેમના પૂર્વજો હિમાલયના દક્ષિણ છેડેથી આવ્યા હતા. ત્યારબાદ તેઓ અહિંયા સ્થાયી થઈ ગયા હતા. બીજી ખાસ બાબત એવી છે કે, ભારત અને મોંગોલિયા સદીઓથી બૌદ્ધ ધર્મ થકી પણ એકબીજા સાથે જોડાયેલા છે. મોંગોલિયામાં બોદ્ધ ધર્મ ભારતના હિમાલયમાંથી જ પહોંચ્યો છે.
મોંગોલિયાના લોકો ભારતને બોદ્ધની ભૂમિ કહે છે અને તેથી જ ભારત તેમના માટે પવિત્ર સ્થાન છે. બંને દેશો આધ્યાત્મિક રીતે એકબીજાના ભાઈબહેન કહેવાય છે. બોદ્ધ ગ્રંથોના અભ્યાસ, પ્રાચીન પાંડુલિપીઓનું ડિજિટાઈઝેશન અને બુદ્ધના પવિત્ર અવશેષોને મોંગોલિયા મોકલવા માટેનું આયોજન સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે બંને દેશોના સંબંધોને વધારે મજબૂત બનાવશે. જિયોપોલિટિક્સની રીતે વિચાર કરીએ તો મોંગોલિયા એક લેન્ડલોક દેશ છે. તે રશિયા અને ચીનની વચ્ચે આવેલો છે. તેના કારણે જ ચીન ઉપર વધારે આધારિત છે.
મોંગોલિયાએ પોતાની વિદેશનીતિમાં ફેરફાર કર્યો છે અને તેમાં તેણે ભારત, અમેરિકા, જાપાન અને જર્મનીને પોતાના ત્રીજા પાડોશીનો દરજ્જો આપ્યો છે. તેમાંય ભારતને તો આધ્યાત્મિક પડોશી ગણાવે છે. ત્રીજા પાડોશી તરીકે કોઈ એક મોટા દેશને સાથે રાખીને તે ચીન ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરવા માગે છે. બીજી વાત એવી પણ છે કે, ચીન અને તાઈવાનનો સખત વિરોધ હોવા છતાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સમિતિઓમાં મોંગોલિયાને સ્થાન અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. મોંગોલિયા પણ યુએનમાં ભારતનું સમર્થન કરે છે.








