Editorial

તેજીમાં પ્રમોટરોએ રૂ.13.82 લાખ કરોડ ઘરભેગા કર્યા!

By GS TEAM
16 Jun 20256 mins read
તેજીમાં પ્રમોટરોએ રૂ.13.82 લાખ કરોડ ઘરભેગા કર્યા!

- જોખમનું એલર્ટ : ઊંચા ભાવે પ્રમોટર પોતાના શેર વેચી માલામાલ થઇ રહ્યા છે

- શેરબજારની ગાંડી તેજી વચ્ચે પ્રમોટર પોતાનો હિસ્સો વેચી સંપત્તિ ઘરભેગી કરતા હોવાનો ટ્રેન્ડ નવો નથી પણ છેલ્લા છ વર્ષમાં વધારે પ્રબળ બન્યો છે. છેલ્લા ૧૧ વર્ષમાં એક યા બીજી રીતે પ્રમોટરોએ પોતાનો હિસ્સો વેચી રૂ.૧૩.૮૨ લાખ કરોડ ઘરભેગા કર્યા છે. સૌથી મોટું પ્રમાણ બલ્ક કે બ્લોક ડીલ તરીકે જોવા મળે છે. એક દાયકા જેટલા સમયમાં કુલ ૬.૧૨ લાખ કરોડ બ્લોક કે બલ્ક ડીલમાં ઉભા કરવામાં આવ્યા છે. શેરબજારની વર્તમાન તેજીનો પાયો એપ્રિલ ૨૦૨૦માં છે એટલે ત્યારથી ગણીએ તો શેરબજારમાં શેર વેચી પ્રમોટરે રૂ.૪.૫૮ લાખ કરોડ ઘરભેગા કર્યા છે. પ્રમોટર શેર વેચી રહ્યા છે તે ચિંતાનો વિષય ગણાય. તેનાથી વધારે ચિંતા એ છે કે વિક્રમી તેજી, સેન્સેક્સ આટલો વધશે અને તેટલો વધશે એવા ચક્કરમાં રિટેલ રોકાણકારો પ્રમોટરે વેચેલા શેર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખરીદી વધારે જોખમ ઉઠાવી રહ્યા છે. 

ભારતીય શેરબજારમાં રિટેલ રોકાણકારો અને સ્થાનિક સંસ્થાઓ (મ્યુચયુઅલ ફંડ, ઇન્સ્યુરન્સ કંપનીઓ અને અન્ય)નું રોકાણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રમોટર સતત વેચાણ કરી રહ્યા છે. કોઇપણ કંપનીની સ્થાપના કરનાર પ્રમોટર કે માલિકનો હિસ્સો જેટલો વધારે એટલો કંપનીની સ્થિરતા ઉપર વિશ્વાસ વધારે એવી ઉક્તિ અત્યારે ખોટી પડી રહી છે. એક તરફ, શેરબજાર દરેક અનિશ્ચિતતા - કોરોના મહામારી, રશિયા અને યુક્રેન યુદ્ધ, ધીમો આર્થિક વિકાસ, કંપનીઓની નરમ નફાશક્તિ - વચ્ચે સતત વધી રહ્યા છે અને બીજી તરફ પ્રમોટર તેજીનો લાભ લઇ પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. એપ્રિલ ૨૦૨૫ શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં ભારતી એરટેલ, ઈન્ડીગો, બજાજ ફાઈનાન્સ, સુઝલોન, આઈટીસી જેવી કંપનીઓમાં પ્રમોટરે પોતાનો હિસ્સો હળવો કરી જૂન સુધીમાં રૂ.૪૨,૩૮૬ કરોડ ઘરભેગા કરી લીધા છે!

પ્રાયમરી માર્કેટ એટલે કે કંપનીઓ પ્રથમ વખત માલિક સિવાયના રોકાણકારોએ આઈપીઓ થકી શેર વેચે ત્યારે કે લિસ્ટેડ કંપનીઓના સેકન્ડરી માર્કેટ - અત્યારે બન્નેમાં જંગી માત્રામાં પ્રમોટરનું વેચાણ જોવા મળી રહ્યું છે. 

પ્રમોટર પાસે નેશનલ સ્ટોક એક્સચેન્જની ટોચની ૫૦૦ કંપનીઓમાં માર્ચ ૨૦૨૫ના અંતે સરેરાશ ૩૯.૬ ટકા શેર હતા જે માર્ચ ૨૦૧૭ પછીની સૌથી નીચી સપાટી છે. સરકારી માલિકીની કંપનીઓમાં પણ સરકાર માલિક તરીકે હિસ્સો ઘટાડી રહી છે અને શેરના ઊંચા ભાવે વેચાણ કરી રહી છે. માર્ચ ૨૦૨૫ના અંતે ૫૭ લિસ્ટેડ સરકારી કંપનીઓમાં હિસ્સો ૯.૯૧ ટકા છે જે માર્ચ ૨૦૧૪ના અંતે ૧૫.૪૧ ટકા હતો. સામે સ્થાનિક રોકાણકારો, ફંડ્સનો હિસ્સો વધી રહ્યો છે. 

શેરબજારમાં અભૂતપૂર્વ તેજી છે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે, દુનિયા ભારતમાં રોકાણ કરવા માટે થનગની રહી છે એવી ચર્ચા વચ્ચે નાના રોકાણકારો સીધા અને પરોક્ષ રીતે (મ્યુચયુઅલ ફંડ મારફત) શેર ખરીદી રહ્યા છે. બીજી તરફ, માલિકો પોતે શેર વેચી રહ્યા છે! જે રીતે વેચાણ થયું છે તેના આંકડા આંખો પહોળી કરી નાખે એવા છે. 

પબ્લિક ઇસ્યુ કે આઈપીઓ થકી જ્યારે મૂડી ઉભી કરવામાં આવે ત્યારે નવી મૂડી હોય તો તે નાણા કંપની પાસે આવે છે અને કંપની તેનું રોકાણ કરી પોતાની કામગીરીને વિસ્તાર આપે, આધુનિક બનાવે. પરંતુ, માલિક જ્યારે શેર વેચે ત્યારે એ નાણા માલિકના ખાતામાં જમા થાય છે. કંપનીની બેલેન્સ શીટમાં ફદિયું પણ મળતું નથી. વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૪-૨૫ વચ્ચે દેશમાં કંપનીઓએ ૪૦૩ આઈપીઓ થકી કુલ રૂ.૫,૭૧,૫૫૦ કરોડની મૂડી રોકાણકારો પાસેથી એકત્ર કરી છે.  આમાં નવી મૂડી રૂ.૧,૮૬,૫૨૩ કરોડ છે જ્યારે પ્રમોટરે હિસ્સો વેચી (જેને શેરબજારની ભાષામાં ઓફર ફોર સેલ કહેવાય) રૂ.૨,૮૬,૯૬૨ કરોડ એકત્ર કર્યા છે. આ ત્રણ લાખ કરોડ જેટલી રકમ ૪૦૩ કંપનીઓના માલિકના ખાતામાં જમા થઇ છે અને તેનાથી અર્થતંત્રને દેખીતી રીતે નવા મૂડીરોકાણનો કોઈ લાભ મળ્યો નથી! આ નવી પ્રણાલીથી પ્રમોટર નાણા એકત્ર કરી શકે, પોતાનો હિસ્સો વેચી શકે છે. આ વેચાણનો લાભ લઇ એપ્રિલ ૨૦૦૪થી માર્ચ ૨૦૨૫ના ૧૧ વર્ષમાં ૩૭૬ કંપનીના માલિકોએ રૂ.૪,૮૨,૯૫૪ કરોડના શેર વેચી રોકડી કરી લીધી છે. 

શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને મહામારીમાં લોકડાઉનની જાહેરાત પછી તો અવિશ્વસનીય રીતે ગાંડીતૂર તેજી ચાલી રહી છે. દરેક જોખમો વચ્ચે બજાર વધી રહ્યું છે. 

આ સ્થિતિમાં કંપનીના માલિકો બ્લોક કે બલ્ક ડીલ થકી શેર બજારમાં વેચી રહ્યા છે. એપ્રિલ ૨૦૧૪થી તા. ૯ જૂન ૨૦૨૫ના સમયગાળામાં કુલ રૂ.૬,૧૨,૪૮૫ કરોડના શેર બજારમાં વેચવામાં આવ્યા છે એવું પ્રાઈમ ડેટાબેઝ પાસેથી મેળવેલા આંકડા દર્શાવે છે. 

આ આંકડો પબ્લિક ઇસ્યુમાંથી એકત્ર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ અઢી ગણો છે! આ એક દાયકામાં પ્રમોટરે ત્રણ વિકલ્પમાંથી કોઇપણ એક અથવા બધા જ વિકલ્પ અપનાવી કુલ ૧૩,૮૨,૪૦૧ કરોડની સંપત્તિ એકત્ર કરી લીધી છે. શેરબજારની તેજીમાં શેરનો ભાવ વધે તેનો સૌથી મોટો લાભ પ્રમોટર લઇ રહ્યા છે અને તે એક ચિંતાનો વિષય છે. તેની સામે સ્થાનિક રોકાણકારો પોતાની બચત શેરબજારમાં રોકી રહ્યા છે. આ બચત સીધી શેરની ખરીદી કે મ્યુચયુઅલ ફંડની સ્કીમ થકી પરોક્ષ રીતે બજારમાં આવી રહી છે. શેરબજાર આત્મનિર્ભર થઇ રહ્યું છે, વિદેશી રોકાણકારોની બજારને જરૂર નથી એવી વાતો વચ્ચે પ્રમોટર સૌથી વધુ સંપત્તિ એકત્ર કરી રહ્યા છે. 

શેરની ખરીદી કે વેચાણ એ જોખમ ટ્રાન્સફર કરવાની એક પ્રક્રિયા છે. જેટલા શેર એટલો એ રોકાણકાર કમ્પનીનો માલિક ગણાય, એણે વ્યાજ નથી મળતું પણ નફામાં હિસ્સા તરીકે ડિવિડન્ડ મળે છે. જેની પાસે શેર હોય તે વેચી પોતાનું જોખમ બીજાને ટ્રાન્સફર કરે છે.

 આમ, અત્યારે પ્રમોટર શેર વેચી પોતાનું જોખમ અન્ય રોકાણકારોને ટ્રાન્સફર કરી રહ્યા છે. 

- એનએસઈના ઇસ્યુ પહેલા રોકાણકારોની ખરીદી માટે દોડાદોડી

દેશનું શેર ટ્રેડીંગનું સૌથી મોટું અને વિશ્વમાં ટોચના પાંચ એક્સચેન્જમાં સમાવેશ થાય એવું નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) છે. વર્ષ ૧૯૯૨માં સ્થાપવામાં આવેલા આ એક્સચેન્જની કામગીરી ૧૯૯૪માં શરુ થયેલી. સૌથી પહેલા આ કંપનીએ ૨૦૧૬માં પોતનો પબ્લિક ઇસ્યુ લાવવા માટે દરખાસ્ત મૂકી હતી. 

જોકે, કો-લોકેશન સ્કેમ, ચોક્કસ બ્રોકરને પ્રાથમિકતા આપી શેરબજારમાં ભાવની વધઘટમાં ગેરરીતિ માટે એનએસઈ સામે અનેક  આક્ષેપ છે. સેબી, ઇડી અને અન્ય એજન્સીઓના કેસ છે. શેરબજારની વર્તમાન તેજીમાં પ્રમોટર તરીકે એલઆઈસી, જીઆઈસી, સ્ટેટ બેંક અને અન્ય બેંકો શેર વેચવા માટે મથી રહી છે. 

સેબી સાથે સમાધાન કરી, દંડ ભરી પોતાનો પબ્લિક ઇસ્યુ લાવવા મથી રહી છે. ખાનગીમાં એનએસઈના શેરના ભાવના સોદા થાય છે. 

ચાર વર્ષમાં શેરના ભાવ ૧૪૦ ટકા વધ્યા છે! એક શેરનો ભાવ ૨૦૨૧માં ૭૪૦ હતો જે મે ૨૦૨૫માં વધી ૧૭૨૫ થયા પછી અત્યારે ૨૩૬૦ - ૨૪૦૦ વચ્ચે છે. માર્ચ ૨૦૨૧માં ૬૫૦ વ્યક્તિ પાસે કુલ ૩.૨૬ કરોડ શેર હતા, બોનસ અને અન્ય રીતે હવે શેરની સંખ્યાની સાથે ૩૪૨૫૦ વ્યક્તિઓ એનએસઈના ૪૮.૩૩ કરોડ શેરની માલિક બની છે. 

- દરેક તેજી મંદીમાં શેર ખરીદવા ઉભી રહેતી વીમા કંપનીઓ

એક સમયે શેરબજારમાં મોટી મંદી આવે, સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી જાય એટલે જીવ વીમા નિગમ (એલઆઈઈસી) ખરીદી કરી બજારને ટેકો આપતી હતી. વીમા ક્ષેત્રે ખાનગી કંપનીઓને છૂટ મળતા હવે એલઆઈસીનો પ્રભાવ પહેલા જેવો નથી પણ આજે પણ એક સંસ્થા તરીકે સૌથી વધુ મૂલ્યના શેર એલાઈસી પાસે છે. ડેટા અનુસાર એલઆઈસી પાસે જૂન ૨૦૦૯ના અંતે ૧૩૪ કંપનીઓમાં સરેરાશ ૪.૮૨ ટકા શેર હતા  જેનું મૂલ્ય રૂ. ૧.૬૮ લાખ કરોડ હતું. શેરની તેજી અને નવી કંપનીઓ બજારમાં આવતા માર્ચ ૨૦૨૫ના અંતે એલઆઈસી પાસે હવે ૨૦૮ કંપનીઓમાં સરેરાશ ૪.૦૮ ટકા હિસ્સો છે અને તેનું મૂલ્ય રૂ.૧૫.૦૩ લાખ કરોડ થયું છે. એલઆઈસી સિવાયની વીમા કંપનીઓ પાસે આ સમયગાળામાં ૧૮૮ કંપનીમાં ૫.૧૩ ટકા હિસ્સો હતો જે હવે વધી ૪૯૨ કંપનીમાં ૫.૧૭ ટકા થયો છે. મોટી કંપનીઓ જયારે શેરનો ઇસ્યુ લાવે અને તેના વેચાણમાં કટોકટી ઉભી થાય, અન્ય રોકાણકારો રસ ઓછો દર્શાવે ત્યારે એલઆઈસી આજે પણ શેરબજારમાં રોકાણકાર તરીકે જીવાદારો સાબિત થાય છે. 

૧ વર્ષમાં પ્રમોટરોએ વેચેલા શેર

કેવી રીતે વેચાણ

સંખ્યા

રૃ. કરોડ

પબ્લિક ઇસ્યુ

૪૦૩

,૮૬,૯૬૨

કયુઆઈપી

૩૭૬

,૮૨,૯૫૪

બલ્ક કે બ્લોક ડીલ

--

,૧૨,૪૮૫

કુલ

 

૧૩,૮૨,૪૦૧