Editorial

બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ધાર્મિક કટ્ટરવાદને પ્રેરી રહી છે

By GS TEAM
16 Jul 20257 mins read
બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ધાર્મિક કટ્ટરવાદને પ્રેરી રહી છે

- બાંગ્લાદેશની આંતરિક સ્થિતિ અત્યંત કફોડી છે, રાજકીય ખટરાગમાં અટવાયેલા દેશમાં સાંપ્રદાયિક હિંસા ઉકળતા ચરુ જેવી છે

- હિન્દુ વેપારીની હત્યા કરીને કટ્ટરવાદી હિંસાખારોએ જઘન્ય કૃત્ય કર્યા, વેપારીનું માથુ છુંદી નાખ્યું, તેના મૃતદેહ ઉપરથી કપડાં કાઢી નાખ્યા, મૃતદેહ ઉપર ચડીને નાચ્યા, મૃતદેહની બાજુમાં નાચ્યા અને તેના વીડિયો બનાવ્યા : બાંગ્લાદેશની વચગાળાની સરકાર બુઠ્ઠી તલવારની જેમ વિંઝાયા કરે છે, કોમવાદનો દાવાનળ ચારેકોર ફેલાઈ રહ્યો છે, ક્યાંક મંદિરો તૂટી રહ્યા છે, તો ક્યાંક હિન્દુ પરિવારો અને સાધુઓની ધરપકડ થઈ રહી છે, ક્યાંક હિન્દુ વેપારીઓ અને વિદ્યાર્થીઓને રંજાડવામાં આવી રહ્યા છે : ભારતની દયાથી અસ્તિત્વમાં આવેલું બાંગ્લાદેશ વાસ્તવિકતા ભુલીને સત્તાખોરીના અને ઈસ્લામિક રાષ્ટ્ર બનવાના નશામાં મદ થઈને પોતાની સાચી ઓળખ ગુમાવી રહ્યું છે : આવતા વર્ષે મધ્યમાં ચૂંટણીઓ થવાની છે અને ત્યાં સુધીમાં બાંગ્લાદેશમાં ઘણું બધું પરિવર્તન આવે તેવા એંધાણ છે

બાંગ્લાદેશમાં તાજેતરમાં એક હિન્દુ વેપારીની હત્યાએ મોટાપાયે હોબાળો મચાવ્યો છે. બાંગ્લાદેશની રાજધાન ઢાકામાં જ મોબ લિંચિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. ભંગારનો વેપાર કરનારા એક હિન્દુ વેપારીને ટોળાએ અસહ્ય માર મારીને તેની હત્યા કરી નાખી હતી. વાત એવી છે કે, લાલ ચંદ સોહાગ નામના માત્ર ૩૯ વર્ષના વેપારી ઉપર ટોળા દ્વારા ઈંટો, કોંક્રિટના નાના સ્લેબ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેને અસહ્ય માર માર્યા બાદ તેનું માથું છુંદી કાઢવામાં આવ્યું હતું. તેના મૃત્યુ પામ્યા બાદ તેના મૃતદેહના વસ્ત્રો કાઢી લેવાયા હતા. તેના મૃતદેહ ઉપર લોકો કૂદયા અને નાચ્યા હતા. તેના મૃતદેહની આસપાસ આ હત્યારાઓએ નાચગાન કર્યું હતું. આ બધાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઈરલ થયા બાદ ઢાકામાં ફરી એક વખત સાંપ્રદાયિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. 

બાંગ્લાદેશમાં જે રાજકીય સ્થિતિ બદલાઈ છે તેના કારણે સમગ્ર દેશમાં સામાજિક, ધાર્મિક, આર્થિક તમામ સ્તરે પરિસ્થિતિ કાબુ બહાર જવા લાગી છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના વડપણ હેઠળ વચગાળાની સરકાર છે પણ આ સરકારના કાબુમાં કશું જ નથી. બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. એક તરફ સરકાર નવેસરથી ચૂંટણી કરવા માટે અવઢવમાં છે અને બીજી તરફ લોકો કોમવાદ તરફ વળી રહ્યા છે. રાજકીય પક્ષોની પડદા પાછળની રમતને પગલે બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરવાદ ફેલાઈ રહ્યો છે. તેના કારણે જ હિન્દુ સંતોની ધરપકડ કરાઈ રહી છે, હિન્દુ મંદિરોમાં તોડફોડ કરાઈ રહી છે, હિન્દુ વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે, જેલમાં ધકેલી દેવામાં આવે છે. આવી તો ઘણી ઘટનાઓ બની રહી છે. ભારત અને ભારતીયો વિરુદ્ધ સતત ઝેર ઓકવાવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ અને બાંગ્લાદેશીઓ કદાચ ભારતની મદદ અને ભારતે કરેલા ઉપકારો ભુલી રહ્યું છે. તેનું પરિણામ બાંગ્લાદેશની બદલાતી રાજકીય અને સામાજિક સ્થિતિમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. 

બાંગ્લાદેશમાં ચૂંટણીની તો ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે પણ જ્યાં સુધી નક્કર ચૂંટણી નહીં યોજાય અને સ્થિર સરકાર નહીં આવે ત્યાં સુધી બાંગ્લાદેશમાં પણ સ્થિરતા આવે તેવું દેખાતું નથી. હાલમાં તમામ રાજકીય પક્ષે પોતપોતાના મોરચે પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેર થયેલી તારીખો સામે હજી પણ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અને ઈદ ઉલ ફિત્રના બહાના આગળ ધરીને રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલાં લંડનમાં જ વચાગાળાની સરકારની ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનિસ અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના તારિક રહમાન વચ્ચે ઘણા મુદ્દે ચર્ચા થઈ હતી. તેનો સાર એટલો જ આવે છે કે, આ બંને વચ્ચે ઘણા મુદ્દે મતભેદ ચાલે છે જેનું નિરાકરણ આવવું હાલમાં મુશ્કેલ દેખાઈ રહ્યું છે. 

અહીંયા સ્થિતિ એવી છે કે, તમામ રાજકીય પક્ષોને પોતાના વિજયની આશા છે. દરેકને લાગી રહ્યું છે કે, સત્તા તેમના જ હાથમાં આવશે. તેમાંય બીએનપીનો આત્મવિશ્વાસ તો સાતમા આસમાને છે. બીજી તરફ નેશનલ સિટિઝન પાર્ટી અને જમાત એવું માને છે કે, તેઓ લોકોને આકર્ષી રહ્યા છે અને ચૂંટણીમાં તેમનું પલડું ભારે છે. વાસ્તવિકતા એ છે કે, તેમની સામે જે નેતાઓ છે તેમના ગઢમાં ભાગ્યે જ ગાબડું પાડી શકે તેવા ઉમેદવારો અને કામગીરી એનસીપીએ પાસે છે. અહીંયા એક મુદ્દો એવો પણ છે જેમાં બીએનપી અને તેના વિરોધીઓ સાથે મળી જાય છે. અવામી લીગ ચૂંટણીમાં ઝંપલાવવાનું છે તેના કારણે આ બધાના પેટમાં તેલ રેડાયું છે. તેઓ માને છે કે, ગત વર્ષે બાંગ્લાદેશમાં જે રાજકીય કટોકટી સર્જાઈ, શેખ હસિનાની સરકાર પડી ગઈ, તેઓ ભારતમાં શરણું લેવા ભાગી ગયા અને દેશમાં જે હિંસાનો દૌર શરૂ થયો હતો તેના માટે અવામી લીગ જ જવાબદાર છે. ખાસ કરીને બીએનપી દ્વારા અન્ય વિપક્ષોને આ ઠસાવવામાં આવી રહ્યું છે. સત્તા માટે શિંગડા ભેરવી રહેલા વિપક્ષો પણ આ વાત સ્વીકારી લે તેવું હાલ તો દેખાઈ રહ્યું નથી. કેટલાક જાણકારો માને છે કે, અવામી લીગ વિશે બીએનપી દ્વારા જે કહેવાઈ રહ્યું છે તેને જો જમાત અને એનસીપી દ્વારા સમર્થન નહીં મળે તો તો બીએનપી જ અવામી લીગ સાથે બેસીને સત્તા પચાવી પાડે તેવું બની શકે છે.

ચૂંટણીની જાહેરાત થઈ છે અને તેના માટે સમીકરણો રચાઈ રહ્યા છે ત્યારે એક વિશેષ વિચાર ફરી રહ્યો છે. જાણકારો માને છે કે, ગત વર્ષે જુલાઈમાં જ સરકાર વિરુદ્ધ જે રીતે વિપક્ષો દ્વારા મોરચો માંડવામાં આવ્યો અને વિદ્યાર્થી યુનિયનો સાથે નાગરિકો પણ તેમાં જોડાયા તે વિચારવા યોગ્ય હતું. લગભગ એક દાયકા બાદ બાંગ્લાદેશમાં લોકશાહી માટે રાજકીય પક્ષો દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું હોય તેવું દેખાતું હતું. સરકાર સત્તા ઉપરથી જતી રહ્યા બાદ હવે બધા સત્તા માટે ઝઘડી રહ્યા છે તે પણ હાલમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો ગત વર્ષે જે પોલિટિકલ ડ્રામા સર્જાયો તે ખરેખર તો વિદ્યાર્થી આંદોલન હતું જે જનઆંદોલન બની ગયું અને રાજકીય પક્ષો તેમાં લાભ લેવા માટે દોડી આવ્યા હતા. બીજી તરફ એક મત એવો પણ બની રહ્યો છે કે, ૨૦૦૬થી વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ખાસ કરીને લોકશાહી વ્યવસ્થા ધરાવતા દેશોમાં મોટા રાજકીય ફેરફારો આવી રહ્યા છે. વર્તમાન સમયમાં જોઈએ તો લોકશાહીની પીછેહઠ થઈ રહી છે અને નવા સમીકરણો રચાતા આપખુદશાહી વધી રહી છે. જાણકારો માને છે કે, વિશ્વમાં જે આપખુદશાહીનો ત્રીજો વેવ ચાલી રહ્યો છે તેમાં બાંગ્લાદેશ સૌથી મહત્ત્વની સ્થિતિમાં છે. આ એક એવી સ્થિતિ છે જેમાં લોકશાહીઓ ઈચ્છે તો પણ પીછેહઠ કરી શકતા નથી અને બીજી તરફ આપખુદશાહી ધરાવતા દેશો વધારે આપખુદ થઈ રહ્યા છે. બાંગ્લાદેશના લોકો પ્રવાહથી વિરુદ્ધ પણ તરીને આગળ વધી શકે તેમ છે અને બીજી તરફ એકાએક પ્રવાહમાં પડીને તણાવા જેવી માનસિક સ્થિતિ પણ ધરાવે છે. તેના કારણે આ રાજકીય સ્થિતિનો ક્યાસ કાઢી શકાય તેમ નથી. 

બાંગ્લાદેશમાં ફેલાયેલી ધાર્મિક કટ્ટરતાએ જે વરવું સ્વરૂપ લીધું છે તેમાં આતંકીઓ અને ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠનો ખૂબ ફાવી ગયા છે. બાંગ્લાદેશમાં તેમણે જે રીતે વિદ્યાર્થી આંદોલન હિંસક બનાવ્યું અને ત્યારબાદ ધાર્મિક કટ્ટરવાદમાં પરિવર્તિત કરી દીધું તે રીતે મલેશિયામાં પણ કરવાનું આયોજન હતું. મલેશિયામાં પકડાયેલા ૩૬ બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ દ્વારા ઈસ્લામિક સ્ટેટ માટે સિલ્પરશેલ ચાલુ કરવા માટે ભરતી કરાઈ રહી હતી. આ તમામ લોકો દ્વારા પોતાના દેશની સરકાર ઉથલાવવા માટે, નવી સરકારની રચના કરવા માટે, આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ભેગું કરવા, સંતાવા માટે સ્થાનિક નેટવર્ક ઊભું કરી રહ્યા હતા. મલેશિયાએ આ તમામ લોકોને ઝડપીને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે, તેમની ધરતી ઉપર રહીને કટ્ટરવાદ, આતંકવાદ કે પછી ઈસ્લામિક સ્ટેટની પ્રવૃત્તિઓ કરનારાને શાંખી લેવાશે નહીં. ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે અહીંયાથી મદદ લઈને તેમના જ વતનમાં હિંસા કરાવી રહ્યા છે. આ ધાર્મિક કટ્ટરવાદ અને હિંસા જ બાંગ્લાદેશ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. તેના કારણે જ બાંગ્લાદેશની છબી ખરડાઈ રહી છે.

યુનુસની વચગાળાની સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો વૈશ્વિક મત

જાણકારોના મતે શેખ હસિનાની સરકાર દ્વારા જે રીતે સ્થિતિ કાબુમાં રખાઈ હતી તેવી સ્થિતિ હાલમાં યુનુસની સરકારમાં નથી. હસિનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં વિકાસ અને વિસ્તારની ભુખ અટકી ગઈ છે. બાંગ્લાદેશ એકાએક ધાર્મિક કટ્ટરવાદ તરફ આગળ વધી રહ્યું છે. અહીંયા કોમવાદી માનસિકતા વિકસી રહી છે. તેના કારણે જ ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકી સંગઠનો દ્વારા બાંગ્લાદેશ ઉપર માનસિક અને વૈચારિક કબજો કરવામાં આવી રહ્યો છે. 

યુવાધન ધાર્મિક કટ્ટરવાદના નશામાં ફસાઈ રહ્યું છે જે રાજકીય અને સામાજિક કટોકટીનું સર્જન કરશે તેમાં જરાય નવાઈ નથી. બાંગ્લાદેશ ઉપર નજર કરીએ તો તેમાં નવ વર્ષ પહેલાં ઢાકામાં હોલી એશિયન બેકરી ખાતે આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ કોઈ આતંકી ઘટના જોવા મળી નહોતી. તાજેતરમાં મલેશિયામાં જે ધરપકડ જોવા મળી, જે ડિપોર્ટેશન હાથ ધરવામાં આવ્યું તે જણાવે છે કે, બાંગ્લાદેશ માનસિક રીતે કટ્ટરવાદની ઝપેટમાં આવી ગયું છે અને દેશની સુરક્ષા વ્યવસ્થામાં ભંગાણ પડેલું છે. 

યુનુસની વચગાળાની સરકાર પણ આતંકવાદ અને કટ્ટરવાદ સામે શાહમૃગવૃત્તિ દાખવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જરાય કાબુમાં નથી અને કટ્ટરવાદી સંગઠનો સતત વધી રહ્યા છે. તેમાંય હવે વિદેશમાં એક્ટિવ થયેલા સંગઠનો બાહ્ય મદદ મેળવીને બાંગ્લાદેશમાં હિંસા ફેલાવે તે વધારે ચિંતાજનક છે. વૈશ્વિક સ્તરે એવો મત વધી રહ્યો છે કે, યુનુસની સરકાર દેશમાં સ્થિરતા લાવવા મુદ્દે કશું જ કરી નથી શકી ત્યાં તે આતંકવાદ અને કટ્ટરવાદને ડામવા માટે કે પછી સરહદપાર વકરી રહેલા આતંકવાદને અટકાવવા શું કરી શકવાની છે. જાણકારો માની રહ્યા છે કે, આવતા વર્ષે ચૂંટણી થાય અને પરિણામ પછી કોઈ એક પક્ષની કે પછી ગઠબંધનની સરકાર આવે તેનાથી જરાય ફરક પડવાનો નથી. 

હાલમાં કાર્યરત રહેલી યુનુસની વચગાળાની સરકાર દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક, કાયદો અને વ્યવસ્થા મુદ્દે જે સ્થિતિનું સર્જન થવા દેવામાં આવ્યું છે અને જે અસ્થિરતા સર્જાઈ છે તેના કારણે નવી સરકારને ભીંસમાં મુકાવું પડશે. ખાસ કરીને ભારત સાથે જોડાયેલા બાંગ્લાદેશમાં આવી સ્થિતિ લાંબો સમય રહેશે તો ભારત સાથેના તેના સંબંધો ઉપર મોટાપાયે આડઅસર થવાની શક્યતાઓ છે. તેના માઠા પરિણામ પણ બાંગ્લાદેશે ભોગવવા પડશે.