Editorial

ભારત વિશ્વના 40 દેશો પાસેથી ક્રૂડની આયાત કરે છે

By GS TEAM
15 Feb 20268 mins read
ભારત વિશ્વના 40 દેશો પાસેથી ક્રૂડની આયાત કરે છે

અમેરિકા પાસેથી ક્રૂડ લેવા મજબૂર થનાર ભારત પાસે ક્રૂડને સાચવવાની સુવિધા સારી : અઢી મહિના જેટલો જથ્થો સ્ટોર કરાયો છે 

- ભારત દ્વારા એક દિવસમાં લગભગ ૫.૫ થી ૫.૬ મિલિયન બેરલ ક્રૂડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત પોતાની દૈનિક જરૂરિયાતના ક્રૂડમાંથી માત્ર ૧૨થી ૧૩ ટકા જેટલા જ ક્રૂડનું ઉત્પાદન કરે છે. બાકીની તમામ જરૂરીયાતો તેણે વિદેશોથી ક્રૂડ મંગાવીને જ પૂરી કરવી પડે છે. ભારત ક્રૂડની મોટાપાયે આયાત કરે છે ઃ ભારત ઈરાક, સાઉદી અરબ અને ઈરાન પાસેથી વધારે ક્રૂડ ખરીદતું હતું. તેમાં થોડા વર્ષો પહેલાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ભારતે પોતાની આયાતના ક્રૂડમાંથી ૩૦ ટકા જેટલું ક્રૂડ રશિયા પાસેથી ખરીદવાનું શરૂ કરી દીધું હતું. ડિસેમ્બર ૨૦૨૫માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારત અંદાજે ૪૦ જેટલા દેશો પાસેથી ક્રૂડ ખરીદે છે : ક્રૂડ પ્રોસેસિંગની રિફાઈનરી મુદ્દે ભારત વિશ્વમાં ચોથા ક્રમે આવે છે. અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત પાસે વિશ્વની શ્રે રિફાઈનરીઓ છે. ભારત પાસે ૧૯ સરકારી, ૩ ખાનગી અને એક સંયુક્ત સાહસ ધરાવતી કુલ ૨૩ રિફાઈનરીઓ છે. જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઈનરી દુનિયાની સૌથી મોટી રિફાઈનરી છે 

અમેરિકા સાથેના ટેરિફવોરમાં તાજેતરમાં જે નાટકિય વળાંક આવ્યો તેમાં એવું સામે આવ્યું કે, ભારત અમેરિકા પાસેથી અને તેના સુચન થકી અન્ય દેશો પાસેથી પણ ક્રૂડ ખરીદશે. આ ઉપરાંત રશિયા પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડમાં ઘટાડો કરવામાં આવશે. આ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પણ સરકારે એવી જાહેરાત કરી છે કે, ભારત પાસે પોતાની જરૂરિયાતનું પૂરતું ક્રૂડ છે. તે ઉપરાંત તેની સ્ટોરેજ ક્ષમતા પણ યોગ્ય દિવસ જેટલી છે. થોડા દિવસ પહેલાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, ભારત પાસે ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા ૭૫ દિવસ જેટલી છે. ત્યાં સુધી ભારતને કોઈ વાંધો આવે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા એક દિવસમાં લગભગ ૫.૫ થી ૫.૬ મિલિયન બેરલ ક્રૂડનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સીધો અર્થ છે કે, ભારત પાસે ક્રૂડ સ્ટોરેજની ક્ષમતા ખૂબ જ વ્યાપક છે. 

જાણકારોના મતે ભારતની ગણતરી એવા દેશોમાં થાય છે જેની પાસે આધુનિક પદ્ધતિથી મોટી જથ્થામાં ક્રૂડ સ્ટોર કરવાની સુવિધાઓ છે. તેમાંય છેલ્લાં એક દાયકામાં ભારતે ક્રૂડ ખરીદવાના અને સ્ટોર કરવાના માપદંડો અને પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તન આણી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, ક્રૂડના ઉપયોગ બાબતે ભારત દુનિયાનો ત્રીજા ક્રમનો દેશ છે. નવાઈની વાત એ છે કે, ભારત પોતાની દૈનિક જરૂરિયાતના ક્રૂડમાંથી માત્ર ૧૨થી ૧૩ ટકા જેટલા જ ક્રૂડનું ઉત્પાદન કરે છે. બાકીની તમામ જરૂરીયાતો તેણે વિદેશોથી ક્રૂડ મંગાવીને જ પૂરી કરવી પડે છે. ભારત ક્રૂડની મોટાપાયે આયાત કરે છે. ભારત દ્વારા ક્રૂડની જે આયાત કરવામાં આવે છે તેમાં પણ છેલ્લાં કેટલાક સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક સમય હતો જ્યારે ભારતના ત્રણ મોટા આયાતકાર દેશો હતા. ભારત ઈરાક, સાઉદી અરબ અને ઈરાન પાસેથી વધારે ક્રૂડ ખરીદતું હતું. તેમાં થોડા વર્ષો પહેલાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ભારતે પોતાની આયાતના ક્રૂડમાંથી ૩૦ ટકા જેટલું ક્રૂડ રશિયા પાસેથી ખરીદવાનું શરૂ કરી દીધું હતું. ડિસેમ્બર ૨૦૨૫માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારત અંદાજે ૪૦ જેટલા દેશો પાસેથી ક્રૂડ ખરીદે છે. ભારત હાલમાં પણ ક્રૂડ માટે અન્ય વિકલ્પોની તપાસ કરી રહ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે, ભારત પહેલાં ૨૭ દેશો પાસેથી ક્રૂડની ખરીદી કરતો હતો. ધીમે ધીમે તેમાં વિકલ્પ વધવા લાગ્યા હતા. ભારત હાલમાં ૪૦ દેશો પાસેથી ક્રૂડની ખરીદી કરે છે. જાણકારોના મતે તાજેતરમાં ભારતે ફરી એક વખત પોતાની ક્રૂડ આયાત નીતિમાં વ્યાપક ફેરફાર કર્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં રશિયા ભારતનો સૌથી મોટો આયાતકાર દેશ હતો. છેલ્લાં કેટલાક મહિનાઓથી અમેરિકાના પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે રશિયા સાથેના ક્રૂડના વેપારમાં ચડાવ-ઉતાર આવ્યા છે. ભારતના આયાતકાર દેશમાં ઈરાક બીજા નંબરે છે. ત્યારબાદ સાઉદી ચોથા અને યુએઈ પાંચમા ક્રમે આવે છે. જાણકારોના મતે ભારતે હવે અમેરિકા પાસેથી પણ ક્રૂડ ખરીદવાની શરૂઆત કરી દીધી છે.

ભારતે હાલમાં નવા દેશો શોધવાની શરૂઆત કરી છે જેની પાસેથી જરૂરિયાત પ્રમાણે ક્રૂડ ખરીદી શકાય. ભારત વેનેઝુએલા પાસેથી વધારે પ્રમાણમાં ક્રૂડ ખરીદે તેવું બને. વેનેઝુએલા વધારે ક્રૂડ સપ્લાય પણ કરી શકે છે. બીજી તરફ ગુયાના ઉપર પણ ભારતે નજર દોડાવી છે. ગુયાના હાલમાં દુનિયાનો સૌથી ઝડપથી વિકસતો ક્રૂડ ઉત્પાદક દેશ છે. મહત્ત્વની વાત એ છે કે, ગુયાના દ્વારા ૨૦૨૬માં યોજાનારા ઓફશોર ઓઈલ બ્લોક્સની હરાજીમાં ભારતીય કંપનીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બાબત એટલા માટે મહત્ત્વની છે કે, ભારત અહીંયા ક્રૂડ ખરીદવાની સાથે અહીંયા વધારે રોકાણ કરીને ક્રૂડના સારકારમાં પણ ભાગીદારી કરી શકે છે. તે પોતાની રીતે ક્રૂડનું ઉત્પાદન પણ કરી શકે છે. ભારત આ ઉપરાંત નાઈજિરિયા અને અંગોલા તથા અન્ય આફ્રિકન દેશો સાથે પણ વાટાઘાટ કરી રહ્યું છે. સુરીનામ અને નામીબિયા સાથે પણ ક્રૂડ અંગે ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલો છે.

ભારતના વપરાશની વાત કરવામાં આવે તો અહીંયા ક્રૂડનો વપરાશ વ્યાપક રીતે થાય છે. તેના માટે તેને ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રૂડની જરૂર પડતી હોવાથી તેના સ્ટોરેજ માટે પણ મોટા રિઝર્વ રાખવા પડે છે. 

સૂત્રોના મતે ભારતમાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ હેઠળ ભૂમિગત ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ક્ષમતા અંદાજે ૫.૩૩ મિલિયન મેટ્રિક ટન જેટલી છે. તેનો સીધો અર્થ એ થાય કે, ભારતને જો માત્ર એસપીઆરમાંથી ક્રૂડનો ઉપયોગ કરવામાં આવે તો તે ૯.૫ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલ કાઢી શકે છે. બીજી તરફ ક્રૂડનું સારકામ કરતી કંપનીઓ પાસે અને રિફાઈનરીઓ પાસે પણ પોતાના સ્ટોરેજ અને ટર્મિનલ્સ છે. જે લગભગ ૬૪.૫ દિવસ ચાલે તેટલા પેટ્રોલ અને ડીઝલના ભંડાર સાચવી શકે છે. સરેરાશ જોવા જઈએ તો ભારતના સરકારી અને ખાનગી સ્ટોરેજને ભેગા કરીએ તો ૭૫ દિવસ ચાલે તેટલો સ્ટોરેજ સ્ટોક છે. ભારતને જો વિદેશમાંથી ક્રૂડ મળતું બંધ થઈ જાય તો પણ હાલમાં અઢી મહિના સુધી ભારત પોતાનો બફર સ્ટોક વાપરી શકે છે.

ભારતમાં ક્રૂડ ખરીદવા માટે સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા ડિલિંગ કરવામાં આવે છે. તેમાં ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ દ્વારા વૈશ્વિક ધોરણે ક્રૂડ  ઉત્પાદન કરતા દેશો અને કંપનીઓ સાથે કરાર અને વેપાર કરવામાં આવે છે. 

સામાન્ય રીતે ટેન્કરો દ્વારા દરિયાઈ માર્ગે ક્રૂડ સપ્લાય કરવામાં આવે છે. ભારતમાં મુંબઈ, જામનગર, વિશાખાપટ્ટનમ અને અન્ય કેટલાક બંદરો ઉપર આ ટેન્કરો આવતા હોય છે.

 મોટાભાગે આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે ડોલરમાં જ તેની ચુકવણી થતી હોય છે. વૈશ્વિક ભાવમાં થતો ફેરફાર તેને મોટી અસર કરે છે. ભારત દ્વારા કેટલાક દેશો સાથે ભૂતકાળમાં રૂપિયામાં પણ આર્થિક વ્યવહાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા ક્રૂડ  મંગાવીને તેના ઉપર પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રોસેસિંગ માટે ભારતમાં વૈશ્વિક સ્તરની રિફાઈનરીઓ છે. ક્રૂડ  પ્રોસેસિંગની રિફાઈનરી મુદ્દે ભારત વિશ્વમાં ચોથા ક્રમે આવે છે. અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત પાસે વિશ્વની શ્રે રિફાઈનરીઓ છે. ભારત પાસે ૧૯ સરકારી, ૩ ખાનગી અને એક સંયુક્ત સાહસ ધરાવતી કુલ ૨૩ રિફાઈનરીઓ છે. 

જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઈનરી દુનિયાની સૌથી મોટી રિફાઈનરી છે. અહીંયા આયાતી ક્રૂડમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસિન, જેટ ફ્યૂઅલ અને અન્ય પદાર્થોમાં વિભાજિત કરવામાં આવે છે.

ભારતના ક્રૂડની ખરીદી ઉપર નજર કરીએ તો મોટાભાગે અમેરિકા અને યુરોપના દેશો પાસેથી ક્રૂડ  લેવાનું મોંઘુ પડે છે. અહીંયા ક્રૂડના ઉત્પાદન અને શિપિંગની કોસ્ટ ખૂબ જ વધારે આવે છે. ભારતને અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવામાં વધારે ડોલર ચુકવવા પડે છે જ્યારે તેની સામે ઈરાક, સાઉદી કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવામાં આવે તો ઘણા ઓછા ભાવમાં ક્રૂડ મળે છે. 

ભારત દ્વારા કેટલાક દેશો સાથે ડોલરના બદલે રૂપિયામાં પણ વિનિમય કરવામાં આવે છે. રશિયા જોડે છેલ્લાં કેટલાક સમયથી ભારત રૂપિયામાં વિનિમય કરીને સસ્તું ક્રૂડ ખરીદતું જ હતું. તેના કારણે ભારતનો ક્રૂડ ખરીદવાનો સૌથી મોટો સોર્સ રશિયા હતું. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ દેશો પાસેથી ક્રૂડ લેવામાં આવે છે અને તેમાં મોટાભાગે ક્રૂડની ગુણવત્તા અલગ અલગ હોય છે. જે ક્રૂડમાં સલ્ફરનું પ્રમાણ ઓછું તેને સારી ગુણવત્તા ધરાવતું ક્રૂડ કહેવામાં આવે છે. જેમાં સલ્ફર વધારે તેની ગુણવત્તા ઓછી માનવામાં આવે છે. ક્રૂડની આ ગુણવત્તા રિફાઈનિંગ પ્રોસેસ અને પ્રોડક્શન કિંમતને વ્યાપક સ્તરે અસર કરે છે.

- ભવિષ્યમાં 90 દિવસનો સ્ટોક સાચવી શકાય તેની તૈયારીઓ કરાઈ રહી છે 

ભારતમાં હાલમાં સરકારી અને ખાનગી ધોરણે ૭૫ દિવસના ક્રૂડનો સ્ટોરેજ છે પણ તેને વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાણકારોના મતે આ ક્ષમતા તબક્કાવાર વધારવામાં આવશે. હાલમાં ઓડિશાના ચાંદીખોલમાં એક નવું ક્રૂડ  રિઝર્વ બનાવવાની યોજના ચાલી રહી છે. આ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ ક્રૂડ રિઝર્વ સાઈટ નક્કી કરવામાં આવી છે અને ભવિષ્યમાં તેને ડેવલપ કરવામાં આવશે. ધીમે ધીમે ભારતનો ક્રૂડ રિઝર્વનો સ્ટોક ૯૦ દિવસ જેટલો પહોંચે ત્યાં સુધી સુવિધાઓ વધારાશે. હાલમાં ભારતમાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વના મુખ્ય ત્રણ ભંડાર છે જે મેંગ્લુરુ, વિશાખાપટ્ટમન અને પાદૂર ઉડુપીમાં છે. મેંગ્લુરુમાં ૧.૫ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાનો ભંડાર છે. 

પાદુર ઉડુપીમાં ૨.૫ મિલિયન મેટ્રિક ટન ક્રૂડની ક્ષમતા છે જ્યારે વિશાખાપટ્ટનમ ખાતે ૧.૩૩ મિલિયન મેટ્રિક ટન ક્રૂડની ક્ષમતાનો સ્ટોરેજ છે. જાણકારોના મતે જમીનની નીચે સોલ્ટ કેવર્નમાં આ ભંડાર સાચવવામાં આવે છે. જમીનની નીચે માઈનિંગ કરીને મીઠાના વિશાળ ખડકો અથવા તો લેયર્સ બનાવાય છે. તેની અંદર સોલ્યૂશન માઈનિંગ કરીને સ્ટોરેજ બનાવવામાં આવે છે. સોલ્ટ કેવર્નના કારણે લાંબા સમય સુધી ક્રૂડ ખરાબ થતું નથી. આ સિવાય જે ખાનગી કંપનીઓ છે તેમના દ્વારા પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્ટોરેજ તૈયાર કરાયા છે જેમાં વ્યાપક જથ્થો રહેલો છે. મહત્ત્વની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સમસ્યા થાય અથવા તો સપ્લાયર દેશમાં યુદ્ધની સ્થિતિ કે અન્ય કટોકટી આવે ત્યારે ક્રૂડની આયાત અટકી જાય તેવું બને. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવે તો ત્યારે ખરીદી અટકાવવી પડે તેવું પણ બને. આ સંજોગોમાં ભારત પાસે પૂરતું ક્રૂડ હોવું જોઈએ જેથી દેશનો સપ્લાય અટકે નહીં. તેના કારણે જ આ સ્ટોરેજ વિકસાવાયા છે અને હજી વધારે વિકસાવવામાં આવશે.