ન્યૂઝ ફોકસ : એટલાન્ટિક મહાસાગરમાં ગરમી અને ઠંડી બંને વધ્યા, જળપ્રલયનો સંકેત!

- ક્લાઈમેટ ચેન્જની અસરને પગલે મહાસાગરની સપાટી સામાન્ય છે પણ તેના પેટાળમાં તાપમાન વધારે નોંધાયું છે, 11 હજાર વર્ષ બાદ આ ઘટના બની
- 5700 વર્ષ પહેલાં ઉંડા પાણીના તાપમાનમાં અચાનક વધારો થવા લાગ્યો હતો. પાણીના તાપમાનનો આ વધારો સામાન્ય નહોતો. પાણીનું તાપમાન વધી ગયું હતું. તે વધતું વધતું ૨૫૦૦ વર્ષ પહેલાં ચરમસીમાએ ગયું હતું. નવાઈની વાત એ છે કે, આ પહેલાં ક્યારેય એટલાન્ટિક મહાસાગરના પેટાળ ઉપર સંશોધન જ કરવામાં નહોતું આવ્યું : વિશાળ મહાસાગરોમાં ગરમી વહેંચાઈ જાય છે. તેમ છતાં ૧૯૭૦થી ૨૦૨૦ની વચ્ચે ક્લાઈમેટ ચેન્જના કારણે જે ગરમી વધી તેની ૯૦ ટકા ગરમી સૌથી વધારે ગરમી સમુદ્રમાં શોષાઈ ગઈ છે. તેના કારણે આપણા વાયુમંડળને વધારે નુકસાન થયું નથી. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જની જે સ્થિતિ છે અને ગરમીમાં વધારો થયો છે તે જોતાં લાગી રહ્યું છે કે, હવે સમુદ્ર અને મહાસાગરો પણ આ ગરમીને ખેંચી શકે તેમ નથી ઃ જાણકારો માને છે કે, એટલાન્ટિક મહાસાગરમાં તાપામાનમાં આ રીતે તફાવત આવવો તે ક્લાઈમેટ ટિપિંગ પોઈન્ટ તરફ વધી રહ્યું છે.
દુનિયાભરમાં અત્યારે ભયાનક ગરમી પડી રહી છે. જ્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યાં પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે નોંધાઈ રહ્યું છે. આવી વૈશ્વિક સ્થિતિ વચ્ચે સંશોધકો સામે વધુ એક આપત્તીના સંકેત આવી રહ્યા છે. સંશોધકોના મતે એટલાન્ટિક મહાસાગરના પેટાળમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આ ગરમી મોટા પ્રમાણમાં વધી છે. નવાઈની વાત એ છે કે, મહાસાગરના પેટાળમાં ગરમી વધે છે. સામાન્ય રીતે મહાસાગરો કે દરિયાની સપાટી ગરમ થતી હોય છે પણ એટલાન્ટિકમાં પેટાળમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
હકિકતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસરે આ સ્થિતિ ઉપર સંશોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે, સમુદ્રના પેટાળમાં ગરમીના કારણો હજી પૂરતા મળ્યા નથી. તેમણે પેટાળમાં નીચે ખોદકામ કરાવીને જમીનનો ટૂકડો કઢાવ્યો હતો. તેના દ્વારા જ અહેવાલ મળ્યો કે પેટાળની સપાટીના તાપમાનમાં વધારો થયેલો છે. આ રેકોર્ડ ૧૧ હજાર વર્ષ બાદ આ ઘટના નોંધાઈ છે. પ્રોફેસરે જણાવ્યું કે, અંદાજે ૫૭૦૦ વર્ષ પહેલાં સમુદ્રની તળેટીમાં પાણીનું તાપમાન એકાએક વધી ગયું હતું. આ તાપમાન જે-તે સમયે વધ્યું હતું પણ હાલમાં તેની અસર યથાવત છે. હવે સ્થિતિ એવી આવી છે કે, એટલાન્ટિક મહાસાગરની સપાટી સ્થિર અને ઠંડી રહે છે પણ નીચે પેટાળની સપાટી ગરમ રહે છે. આ ગરમી નીચે પેટાળમાં ઉતરીને ત્યાં જ સ્થિર થઈ ગઈ છે.
સંશોધકોએ જણાવ્યું કે, કોઈ પણ વૈજ્ઞાાનિકો અને સંશોધકોને આ વાતનો અણસાર જ નહોતો. એટલાન્ટિક મહાસાગરની ઉપરની સપાટી ખૂબ જ શાંત અને સ્થિર હોય છે. તેના કારણે સંશોધકો દ્વારા નીચે પેટાળ સુધી તપાસ કરવામાં આવી નહોતી. સંશોધકોની આ ટીમ દ્વારા થોડા સમય પહેલાં પેટાળમાંથી સેડિમેન્ટનું એક સેમ્પલ લેવામાં આવ્યું હતું. પેટાળથી અડધો માઈલ નીચે જઈને આ જમીનનો ટુકડો લેવામાં આવ્યો હતો. આ માટીમાં પ્રાચીન જીવજંતુઓના અવશેષો પણ મળી આવ્યા છે. તેની અંદર રહેલા કેમિકલ રેકોર્ડ પણ સુરક્ષિત છે. જાણકારોના મતે આ કેમિકલ રેકોર્ડ ભૂતકાળના થર્મોમીટર તરીકે કામ કરે છે. તેના દ્વારા જે-તે સમયના પાણીનું તાપમાન નોંધી શકાયું હતું. તેની તપાસ કરવા દરમિયાન ખૂબ જ ચિંતાજનક પરિણામો મળ્યા હતા.
જાણકારોના મતે આ માટીની સપાટી જ્યારે ચકાસવામાં આવી ત્યારે સમજાયું કે, ૫૭૦૦ વર્ષ પહેલાં ઉંડા પાણીના તાપમાનમાં અચાનક વધારો થવા લાગ્યો હતો. પાણીના તાપમાનનો આ વધારો સામાન્ય નહોતો. પાણીનું તાપમાન ૯ ડિગ્રી ફેરનહિટ વધી ગયું હતું. તે વધતું વધતું ૨૫૦૦ વર્ષ પહેલાં ચરમસીમાએ ગયું હતું. નવાઈની વાત એ છે કે, આ પહેલાં ક્યારેય એટલાન્ટિક મહાસાગરના પેટાળ ઉપર સંશોધન જ કરવામાં નહોતું આવ્યું. તેની સપાટી સ્થિર અને શાંત હોવાથી કોઈ ઉંડાણમાં ઉતર્યું જ નહોતું. જે-તે સમયે તાપમાન વધ્યું અને પછી ગરમી જમીનમાં ઉતરી ગઈ. તેના કોઈ નિશાન મળ્યા નથી.
નવાઈની વાત એ છે કે, આ ગરમી સપાટી ઉપર કોઈપણ અસર કર્યા વગર નીચે કેવી રીતે જતી રહી અને નીચે આટલી ગરમી હોવા છતાં તેની અસર ઉપર કેવી રીતે ન આવી. સંશોધકો માને છે કે, આપણા મહાસાગરો ઊર્જાને સ્ટોર કરવા માટે તેના વિશાળ કદનો જ ઉપયોગ કરે છે. આ વિશાળ મહાસાગરોમાં ગરમી વહેંચાઈ જાય છે. તેમ છતાં ૧૯૭૦થી ૨૦૨૦ની વચ્ચે ક્લાઈમેટ ચેન્જના કારણે જે ગરમી વધી તેની ૯૦ ટકા ગરમી સૌથી વધારે ગરમી સમુદ્રમાં શોષાઈ ગઈ છે. તેના કારણે આપણા વાયુમંડળને વધારે નુકસાન થયું નથી. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જની જે સ્થિતિ છે અને ગરમીમાં વધારો થયો છે તે જોતાં લાગી રહ્યું છે કે, હવે સમુદ્ર અને મહાસાગરો પણ આ ગરમીને ખેંચી શકે તેમ નથી. જો ગરમી નીચે સ્ટોર થવા લાગશે તો નીચેની જીવસૃષ્ટિને વ્યાપક નુકસાન થશે.
જાણકારો માને છે કે, પ્રાચીન સમયથી જે પરિવર્તન આવ્યું છે તે હવે આપણા ભવિષ્ય માટે જોખમી થઈ શકે છે. સંશોધકો સ્પષ્ટ માને છે કે, હજારો વર્ષ પહેલાં જે રીતે પૃથ્વી ઉપર ગરમી વધી અને મહાસાગરોના પેટાળ સુધી પહોંચી તેમાં હવે ઝડપ આવી છે. હાલમાં પણ આ પ્રક્રિયા ચાલુ જ છે. દક્ષિણ ગોળાર્ધની હવાઓ આજે પણ ધ્રુવ તરફ ખસી રહી છે. તેની ઝડપમાં પણ વધારો થયો છે. તેના કારણે સમુદ્રની અંદર ગરમી ઉતરવાની પ્રક્રિયા આજે પણ ચાલી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે, ગ્લોબલ વોર્મિંગને પગલે પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી વધવા આવ્યું છે ત્યારે તેની અસર આ પ્રક્રિયા ઉપર પણ પડી છે. હવે બાકીના મહાસાગરો અને સમુદ્રના પેટાળની ગરમી અંગે પણ અભ્યાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સમુદ્રની સપાટી વિશે સંશોધકોનું માનવું છે કે, તે શાંત હોય તેનો અર્થ એવો નથી કે તેના પેટાળમાં કશું જ ચાલતું નથી. સપાટીનું તાપમાન સ્થિર હોવા છતાં નીચે પ્રચુરમાત્રામાં ગરમી ભેગી થતી હોય તેવું બની શકે છે. એટલાન્ટિક મહાસાગરમાં આવું જ થયું છે. ઘણી વખત ગરમી નીચે ઉતરીને તેની સપાટીમાં સમાઈ જાય છે અને ઘણી વખત સમુદ્રમાં અધવચ્ચે ગરમી અટવાઈ જાય છે. આવી શક્યતાઓ વધારે છે. આ ગરમી જ્યારે મધ્ય સપાટીમાં અટવાઈ જાય છે ત્યારે તે ગમે તે સમયે ઉપર આવી શકે છે. જો આ ગરમી નીચે જશે તો સમુદ્રના પેટાળમાં રહેલા મિથેન ગેસના ભંડારને ઓગાળી શકે છે અને જો તેમ થાય તો વધારે નુકસાન થઈ શકે છે. આ એવું જોખમ છે જે આવનારી પેઢીઓના અસ્તિત્વને નુકસાન પહોંચાડી શકે છે.
હવે ચિંતાજનક સ્થિતિ ત્યાં આવી છે કે, એક તરફ ૫૭૦૦ વર્ષ પહેલાં એટલાન્ટિકની સપાટી ગરમ થઈ ગઈ હતી. ત્યાં હવે તેમાં બીજું એક પરિવર્તન પણ જોવા મળ્યું છે. એટલાન્ટિક મહાસાગરમાં આવેલા ગ્રીનલેન્ડ અને આઈસલેન્ડના દક્ષિણમાં પાણીનો ચોક્કસ ભાગ વિચિત્ર રીતે ફરેફાર બતાવી રહ્યો છે. જાણકારોના મતે સમગ્ર દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જમીન અને દરિયાના પાણીમાં ગરમી વધી રહી છે ત્યાં એટલાન્ટિક મહાસાગરના આ હિસ્સામાં જમીનની સપાટી ઠંડી પડી રહી છે. તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણકારો માને છે કે, એટલાન્ટિક મહાસાગરમાં તાપામાનમાં આ રીતે તફાવત આવવો તે ક્લાઈમેટ ટિપિંગ પોઈન્ટ તરફ વધી રહ્યું છે. કેટલાક ભાગમાં કોલ્ડ બ્લોબ બની રહ્યો છે અથવા તો એમ કહીએ કે વોર્મિંગ હોલમાં તાપમાન ઘટી રહ્યું છે. ૧૯૦૦ની સાલ બાદ આ જમીન જે રીતે ઠંડી થઈ રહી છે તેમાં સરેરાશ ૧ ડિગ્રીનો ઘટાડો આવ્યો છે. સંશોધકો માને છે કે, સમુદ્રની મુખ્ય ધારાઓ હવે નબળી પડી રહી છે. એક તરફ તે ગરમ થઈ રહી છે જ્યારે બીજી તરફ તે ઠંડી પડી રહી છે.
સંશોધકોએ નોંધ્યું હતું કે, એટલાન્ટિક મહાસાગરની ઉપરની સપાટી જ નહીં પણ દરિયાની મધ્યમાં રહેલું પાણી અને તળિયે આવેલી જમીન અને પાણી પણ ઠંડા થઈ રહ્યા છે. તમામ સ્તરે આ મહાસાગર ઠંડો પડી રહ્યો છે. એટલાન્ટિક મેરિડિયોનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ બદલાઈ રહી છે.
એક જ મહાસાગરના પાણીના વિવિધ ભાગમાં આવી અલગ અલગ સ્થિતિ જોવા મળે તે ચિંતાજનક છે. એક તરફ ગરમી નીચે ઉતરી રહી છે અને બીજો ભાગ ઠંડો પડી રહ્યો છે.
- ભવિષ્યમાં સમુદ્રની સપાટીમાં વધારો થશે જે અનેક શહેરોને જળમગ્ન કરી દેશે
ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રના તાપમાનમાં ફેરફાર આવવાની સાથે સાથે વિવિધ ગ્લેશિયર્સ પણ ઝડપથી પીગળી રહ્યા છે. તેના કારણે સમુદ્રમાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. એમોકનું સંપૂર્ણ સંતુલન ખોરવાઈ ગયું છે. તેના કારણે ગરમી અને ઠંડીમાં વ્યાપક તફાવત આવી રહ્યો છે.
સંશોધકો માને છે કે, દુનિયાભરના સમુદ્રની સ્થિતિ છેલ્લાં ૧૦૦૦ વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. ગ્લોબલ વોર્મિંગના કારણે એપોકની જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે માનવજાત ઉપર મોટું સંકટ સર્જાયેલું છે. તેઓ માને છે કે, આ સિસ્ટમ બંધ થઈ જશે તો જળસંકટ આવશે. તેની અસર એવી થશે કે અમેરિકાના પૂર્વ કિનારાના ઘણા ભાગ પાણીમાં ડૂબી જશે. બીજી તરફ યુરોપમાં ભયાનક ઠંડી પડવા લાગશે અને આફ્રિકાના દેશોમાં મોનસુનની પેટર્ન બદલાઈ જશે. અહીંયા ગમે ત્યારે દુકાળ પડશે અથવા તો ભીષણ પૂર આવશે તેવું પણ બનશે.
આ સિવાય પણ દુનિયાભરના સમુદ્રોની સપાટીમાં ફેરફાર આવશે.
કેટલાક સંશોધકો માને છે કે, આવું બની શકે છે પણ દુનિયાભરના સમુદ્રોની વિવિધ સપાટીના તાપમાન નોંધવા, તેના ડેટાનો અભ્યાસ કરવો અને તેના પરિણામો અંગે ધારણા કરવી મુશ્કેલ છે. જળપ્રલય આવી શકે છે અને કદાચ ન પણ આવે. આ તમામ બાબતો તમામ સમુદ્રી સપાટીઓના ડેટા ભેગા કરીને તેના અભ્યાસ ઉપરથી જ આવશે.
એક વખત સમુદ્રની ધારાઓ જો અટકી જશે તો સમગ્ર માનવજાત ઉપર ખતરો આવી જશે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન રોકવામાં નહીં આવે, ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવામાં નહીં આવે તો માનવજાતને ભયાનક વિનાશનો સામનો કરવાનો આવશે.








