ભારતના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અસ્તિત્વ ટકાવ્યું છે

- આઝાદી સમયથી પાકિસ્તાનને દુશ્મન ગણાવીને ધિક્કારવાનું અને ક્રિકેટના નામે પૈસા આપી દેશના લોકોની લાગણી સાથે રમત રમાઈ રહી છે
- ક્રિકેટ અને અન્ય રમતના મેદાનો અને સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓને બોલાવવા નહીં, હાથ મિલાવવા નહીં કે મહત્ત્વ આપવું નહીં તેવું વલણ અપનાવાયું હતું. બીજી તરફ ક્રિકેટની વાત આવે ત્યારે સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનને મોટી રકમ ભારત થકી મળી જાય છે ઃ ૧૯૫૨માં પાકિસ્તાની ટીમને ભારત રમવા બોલાવી અને તેના ખેલાડીઓને દૈનિક ભથ્થા આપવાની જવાબદારી પણ બીસીસીઆઈએ ઉપાડી. તે સમયે પાકિસ્તાની ખેલાડીઓને પ્રતિ દિવસ ૧૦થી ૧૫ રૂપિયા ભથ્થું અને ટેસ્ટ મેચ માટે ૨૫૦થી ૫૦૦ રૂપિયા સુધીનું ભથ્થું ચુકવવામાં આવ્યું હતું ઃ તે સમયે પાકિસ્તાનને મેચ રમાડવા ઉપરાંત બેથી ત્રણ લાખ રૂપિયાની રકમ બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાન બોર્ડને આપવામાં આવી હોવાના દાવા છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચ માટે પાકિસ્તાન દ્વારા કેટલા ધતિંગ કરાયા અને આખરે આઈસીસી અને બીસીસીઆઈ તેની શરતો માની ગયા અને હવે આ મેચ રમાશે. આ પહેલી વખત થયું છે તેવું નથી. ભૂતકાળમાં ઘણી વખત આવું થયેલું જ છે. નજીકના ભૂતકાળની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં એક વર્ષથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. ગત એપ્રિલમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે તમામ સ્તરે પાકિસ્તાનનો બાયકોટ કરવાની જાહેરાત કરી હતી. ત્યાં સુધી કે ક્રિકેટ અને અન્ય રમતના મેદાનો અને સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓને બોલાવવા નહીં, હાથ મિલાવવા નહીં કે મહત્ત્વ આપવું નહીં તેવું વલણ અપનાવાયું હતું. બીજી બાજું પાકિસ્તાન પણ આવી જ આકરી પ્રતિક્રિયા આપી રહ્યું છે. આ બધા વિવાદ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપની ગ્રૂપ સ્ટેજની વધુ એક મેચ યોજાવાની છે. આ મેચ અંગે લોકોમાં ઉત્સાહ અને ઉન્માદ છે પણ વાસ્તવિકતા તરફ લોકોની નજર નથી. આઝાદી બાદ પાકિસ્તાનનું સર્જન થયું તે દિવસથી આજ સુધી પાકિસ્તાની ક્રિકેટને ભારત જ ચલાવતું આવ્યું છે. સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનને મોટી રકમ ભારત થકી મળી જાય છે.
જાણકારોના મતે આઝાદી બાદ ભારતે સખાવત કરીને પાકિસ્તાનને ભારતમાં રમવાનું આમંત્રણ આપ્યું અને તેને ટેસ્ટ ટીમનો દરજ્જો અપાવ્યો. ત્યારથી અત્યાર સુધી ભારત સતત આડકતરી રીતે પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે. બંને દેશો વચ્ચે જે રાજકીય સાંઠગાંઠ ચાલે છે તે પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. એક તરફ ધર્મ અને કટ્ટરવાદના નામે પ્રજાને ઉન્માદમાં રાખવાની, એકબીજાની કટ્ટર શત્રુ બનાવવાની અને પાછલા બારણે એકબીજાને મદદ કરવાની. દાયકાઓથી ભારત સરકારો પ્રજાને ઠસાવી રહી છે કે, પાકિસ્તાન દુશ્મન દેશ છે, આપણને કનડે છે, આતંકવાદ ફેલાવે છે પણ જ્યારે રમતની વાત આવે ત્યારે આડકતરી મદદ કરી દે છે. બંને દેશોની સરકારો દ્વારા દાયકાઓથી પ્રજાની લાગણી સાથે રમત રમવામાં આવી રહી છે. લોકમાનસમાં બીજો પણ સવાલ એ થાય છે કે, દાયકાઓથી ભારત અને પાકિસ્તાન આઈસીસીની ટૂર્નામેન્ટમાં એક જ ગ્રૂપમાં કેમ આવે છે. જો ખરેખર વિવાદ હોય અને પાકિસ્તાનનો બહિષ્કાર કરવાનો હોય તો પછી તેને બીજા ગ્રૂપમાં ન મૂકી શકાય. આજ સુધી આવું કેમ નથી થયું.
જાણકારોના મતે આઝાદી બાદ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ હતી. પાકિસ્તાન પાસે તે સમયે વિદેશ પ્રવાસ કરવા જેટલા પણ પૈસા નહોતા. તે વખતે ભારત સરકાર અને બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાની ટીમને મેચ રમવા માટે ભારત આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે આવવા, જવા, હોટેલમાં રોકાવા, ખાવા-પીવા અને બાકીના તમામ ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યા અને તેમાં કોણ મહત્ત્વની ભૂમિકામાં હતું તે જાણવું રસપ્રદ છે.
ઉલ્લેખનીય છે કે, ઉમર નોમાન દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'એ હિસ્ટ્રી ઓફ ક્રિકેટ ઈન પાકિસ્તાન'માં જણાવાયું છે કે, ૧૯૫૨ના શરૂઆતના સમયમાં ભારતે જ પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારત પ્રવાસમાં આવવામાં અને તેનો ખર્ચ કાઢવામાં મદદ કરી હતી. બીજી તરફ ભોપાલના નવાબ પરિવાર સાથે સંબંધ ધરાવનારા અને ભાગલા બાદ પોતાની માતા સાથે પાકિસ્તાન જતા રહેનારા શહરયાર ખાનના પુસ્તક 'ધ ક્રિકેટ કોલડ્રન-ધ ટર્બ્યુલન્ટ પોલિટિક્સ ઓફ સ્પોર્ટ ઈન પાકિસ્તાન'માં પણ તેના વિશે મહત્ત્વના ઉલ્લેખ છે. શહરયાર ખાનનું પુસ્તક વધારે મહત્ત્વ ધરાવે છે કારણ કે, તેઓ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ઉપરાંત પાકિસ્તાનના અન્ય ક્ષેત્રોમાં પણ મહત્ત્વના પદે રહ્યા છે. તેથી તેની સાપેક્ષતા વધારે છે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૯૫૨માં ભારત રમવા માટે આવી હતી. તે સમયે અબ્દુલ હફીઝ કારગરની કેપ્ટન્સી હેઠળ પાકિસ્તાનની ટીમ ભારતીય પ્રવાસે હતા. તે વખતે તેમની પાસે એવી કોઈ નાણાકિય વ્યવસ્થા જ નહોતી કે ટીમ ભારતનો કે પછી કોઈપણ દેશનો પ્રવાસ ખેડી શકે. તેના કારણે બંને ક્રિકેટ બોર્ડ દ્વારા સહમતી થકી ખર્ચાની વહેંચણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે વખતે પાકિસ્તાની ટીમના ભારત પ્રવાસ, રહેવાની વ્યવસ્થા, ભોજન અને સુરક્ષાનો તમામ ખર્ચો બીસીસીઆઈ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં ટિકિટો વેચવાથી જે કમાણી કરવામાં આવી તેમાંથી પણ એક હિસ્સો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારતે આપ્યો હતો. ભારત-પાક.ની મેચ જોવા મોટાપાયે ભીડ ઉમટી હતી તેથી ટિકિટ વેચવામાં મોટી કમાણી થઈ હતી.
એક સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)માં જોડાયેલા કોઈ દેશ પાકિસ્તાન સામે રમવા માટે તૈયાર નહોતા. તેઓ પાકિસ્તાનને ટેસ્ટ ટીમનો દરજ્જો અપાવવા તૈયાર નહોતા. તે સમયે ભારતે પહેલ કરી ભારતમાં ટૂર્નામેન્ટનું આયોજન કર્યું. ૧૯૫૨માં પાકિસ્તાની ટીમને ભારત રમવા બોલાવી અને તેને ઈન્ટરનેશનલ સ્ટેટસ અપાવ્યું. આ ઉપરાંત પાકિસ્તાની ખેલાડીઓને દૈનિક ભથ્થા આપવાની જવાબદારી પણ બીસીસીઆઈએ ઉપાડી. તે સમયે બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓને પ્રતિ દિવસ ૧૦થી ૧૫ રૂપિયા ભથ્થું અને ટેસ્ટ મેચ માટે ૨૫૦થી ૫૦૦ રૂપિયા સુધીનું ભથ્થું ચુકવવામાં આવ્યું હતું.
મહત્ત્વની વાત એવી છે કે, ભારતીય પ્રજાએ આ સિરીઝ અંગે મિશ્ર લાગણી વ્યક્ત કરી હતી. તે સમયે પાકિસ્તાની ટીમને રાખવા માટે મોટી હોટેલ્સ નહોતી. તેના કારણે નાની પણ જાણીતી હોટેલમાં આશરો આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત ભાગલા પડયાને માત્ર પાંચ જ વર્ષ થયા હતા તેથી પાકિસ્તાની ટીમને વિશેષ સુરક્ષા પણ આપવામાં આવી હતી. તેમની હોટેલ તથા પ્રવાસ દરમિયાન સુરક્ષા જવાનોની સંખ્યા વધારે હતી. ભારતે મદદ કરવા ઉપરાંત સુરક્ષા અને મહેમાનગતિ પણ વિશેષ કરી હતી.
મહત્ત્વની વાત એ છે કે, ભારત અને પાકિસ્તાનની આઝાદી પછીની આ પહેલી ટેસ્ટ સિરીઝ ખૂબ જ રોમાંચક રહી હતી. પહેલી ટેસ્ટ દિલ્હીમાં રમાઈ હતી જેમાં ભારતે પહેલી બેટિંગ કરીને ૩૨૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેમાં વિજય હઝારેએ ૭૬ અને હેમુ અધિકારીએ અણનમ ૮૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાન પહેલી ઈનિંગમાં ૧૫૦માં સમેટાઈ ગયું હતું. તેમાં વિનુ માંકડે માત્ર ૫૨ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના ૭ ખેલાડીઓ ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા નહોતા. ફોલોઓનમાં પણ પાકિસ્તાની ટીમ ૧૫૨ રનમાં સમેટાઈ ગઈ અને ભારતનો વિજય થયો. બીજી ઈનિંગમાં પણ વિનૂ માંકડને પાંચ વિકેટ મળી હતી. બીજી મેચ લખનઉમાં રમાઈ જેમાં પાકિસ્તાને કમબેક કર્યું. ભારત પહેલી ઈનિંગમાં ૧૦૬ રનમાં સમેટાઈ ગયું. પાકિસ્તાને ૩૩૧ રન બનાવ્યા. ભારત બીજી ઈનિંગમાં ૧૮૬ રને ઓલ આઉટ થઈ ગયું. પાકિસ્તાન ઈનિંગ અને ૪૩ રનથી મેચ જીત્યું.
ઉલ્લેખનીય છે કે, આ સિરીઝની ત્રીજી મેચ મુંબઈ ખાતે યોજાઈ હતી. તેમાં પાકિસ્તાની ટીમ પહેલી બેટિંગ કરીને ૧૮૬ રન બનાવી શકી. તેમાં લાલા અમરનાથે ૪ અને વિનુ માંકડે ૩ વિકેટ ઝડપી હતી. ભારતે જવાબમાં પહેલી ઈનિંગમાં ૪ વિકેટે ૩૮૭ રન બનાવ્યા હતા. જેમાં વિજય હઝારે ૧૪૨ અણનમ જ્યારે પોલી ઉમરગીરે ૧૦૨ રન નોંધાવ્યા હતા. પાકિસ્તાન બીજી ઈનિંગમાં ૨૪૨ રન બનાવી શક્યું. ભારતને ૪૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેમાં અણનમ ૩૫ રન વિનુ માંકડે જ બનાવ્યા હતા. ભારત બીજી ઈનિંગ સરળતાથી ૧૦ વિકેટથી જીતી ગયું. ભારત આમ આ સિરીઝમાં ૨-૧થી આગળ થઈ ગયું. બીજી ઈનિંગમાં પણ વિનુ માંકડે ૫ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ કોલકાતા અને ચેન્નઈમાં રમાયેલી બાકીની બંને મેચ ડ્રો ગઈ હતી. આમ ભારતે ૨-૧થી સિરીઝ જીતી લીધી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં વિનુ માંકડ બેટિંગ અને બોલિંગથી છવાયા હતા. તેમણે સૌથી વધારે ૨૫ વિકેટો ઝડપી હતી. પાકિસ્તાન સામે ગુજરાતીનો દબદબો રહ્યો હતો. કહેવાય છે કે, વિનુ માંકડે પાકિસ્તાન સામેની આ ટૂર્નામેન્ટમાં જે પ્રદર્શન કર્યું હતું તે પ્રદર્શન તેમની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. તેમણે પહેલી જ ટેસ્ટમાં ૫૨ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી. તેઓ ૧૦ વિકેટ લેવાથી ચુકી ગયા હતા.
- પાકિસ્તાન બોર્ડને પણ અંદાજે બેથી ત્રણ લાખ રૂપિયા ચુકવ્યા, વિશેષ ટ્રેનની પણ સુવિધા અપાઈ
બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાનને ટેસ્ટ ટૂર્નામેન્ટ રમાડવા ઉપરાંત મોટી રકમની પણ સહાય કરવામાં આવી હતી. આ રકમનો ચોક્કસ આંકડાનો તો ક્યાંક ઉલ્લેખ નથી તેમ છતાં જાણકારોના મતે બેથી ત્રણ લાખ રૂપિયાની રકમ બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાન બોર્ડને આપવામાં આવી હતી.
તે સમયે પાકિસ્તાન બોર્ડ માટે આ રકમ ખૂબ જ મોટી હતી. બીસીસીઆઈએ પાકિસ્તાની ટીમને ભારત બોલાવી, તેમને રાખ્યા, તેમની સાથે રમ્યા, તેમને ટેસ્ટનો દરજ્જો અપાવ્યો અને તમામ વ્યવસ્થાઓ ભારતે કરી. આ પાકિસ્તાનની પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ હતી અને ઈન્ટરનેશનલ પહેલો પ્રવાસ પણ હતો. ૧૯૫૨માં પાકિસ્તાની અખબારો ધ ડોન, અને અન્ય અખબારોમાં આ અંગેના અહેવાલો પણ છપાયા હતા. તેમાં જણાવાયું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે કરેલા આયોજનો અને આપેલી રકમને પગલે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અસ્તિત્વ ટકાવી શક્યું હતું. તે સમયે પાકિસ્તાન કે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ પાસે ખર્ચા કરવા પૈસા નહોતા. તેની ટીમ પ્લેનમાં પ્રવાસ કરી શકે તે દિવાસ્વપ્ન સમાન હતું. તે સમયે પાકિસ્તાની ટીમને ટ્રેન દ્વારા ભારત બોલાવાઈ હતી. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશેષ ટ્રેન ચાલતી નહોતી. દિલ્હીથી લાહોર વચ્ચે ચાલતી સમજૌતા એક્સ્પ્રેસ તે સમયે ચાલુ થઈ નહોતી.
તેના કારણે એક વિશેષ ટ્રેન પાકિસ્તાન મોકલવામાં આવી. વાઘા સરહદે ઈમિગ્રેશન અને સિક્યોરિટીની તપાસ કરવામાં આવી અને ટીમને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો. તે સમયે પાકિસ્તાની ટીમ દિલ્હી, લખનઉ, મદ્રાસ, બોમ્બે અને કોલકાતા જેવા શહેરોમાં મેચ રમવા માટે ગઈ હતી. તેના માટે પણ વિશેષ ડબ્બા ટ્રેનમાં જોડવામાં આવ્યા હતા. ખેલાડીઓને આરામ અને સુવિધા મળે તે માટે ફર્સ્ટ ક્લાસ જેવી સુવિધાઓ અપાઈ હતી.









