Editorial

સંધિ કરીને યુક્રેનના ખનિજ સમૃદ્ધ ડોનેત્સ્ક પડાવી લેવાની પુતિનની યોજના

By GS TEAM
15 Aug 20257 mins read
સંધિ કરીને યુક્રેનના ખનિજ સમૃદ્ધ ડોનેત્સ્ક પડાવી લેવાની પુતિનની યોજના

- ત્રણ વર્ષથી જે યુદ્ધ થકી શક્ય નથી બન્યું તે સમજૂતી કરીને મેળવી લેવા રશિયાનું આયોજન અને યુદ્ધ અટકાવવાનો જશ ખાટવાની ટ્રમ્પની મહેચ્છા

- ટ્રમ્પ અને પુતિનનો આ દાવ સફળ રહ્યો તો ત્રણ વર્ષ સંઘર્ષ કર્યા બાદ પણ યુક્રેનના હાથમાં કાણો પૈસો પણ આવશે નહીં અને ઉપરથી તેને ડોનેત્સ્ક છોડવાનો આદેશ આપવામાં આવશે : પુતિન યુક્રેનના ડોનેત્સ્ક, લુહાંસ્ક, ખેરસન અને જોપોરિજિયા જેવા ચાર વિસ્તારોને અધિકારિક રીતે રશિયા સાથે જોડી દેવા માગે છે. તેના કારણે ભવિષ્યમાં કોઈ પશ્ચિમી દેશનું યુક્રેનને સમર્થન ન મળે : નાટોએ ધીમે ધીમે પૂર્વ યુરોપના દેશોને પણ તેમાં જોડવાની શરૂઆત કરી દીધી હતી. આ તમામ દેશો પહેલાં સોવિયેત સંઘના પ્રભાવ હેઠળ હતા. રશિયાએ નાટોના વિસ્તારથી પોતાનું રક્ષણ કરવા માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી : અમેરિકા આઈસીસીનું સભ્ય નથી અને પોતાના દેશમાં આઈસીસીના અધિકારોને માન્યતા પણ આપતું નથી. તેના કારણે અલાસ્કામાં પુતિનને કોઈ પકડી શકે તેમ નથી અને બીજા કોઈ કાયદાકીય ભયસ્થાનો નથી 

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં થનારી બેઠક અનેક મુદ્દે મહત્ત્વની સાબિત થાય તેમ છે. જિયો પોલિટિક્સના જાણકારો માને છે કે, આ બેઠકમાં યુક્રનને શું મળશે તે ખબર નથી પણ રશિયા અને અમેરિકા બંને પોતાનો ફાયદો કરી લે તેમ દેખાઈ રહ્યું છે. હાલમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે પુતિન અને ટ્રમ્પ શાંતિ માટે જમીન સમજૂતી અપનાવી લે. 

જો ખરેખર ટ્રમ્પ અને પુતિનનો આ દાવ સફળ રહ્યો તો ત્રણ વર્ષ સંઘર્ષ કર્યા બાદ પણ યુક્રેનના હાથમાં કાણો પૈસો પણ આવશે નહીં અને ઉપરથી તેને ડોનેત્સ્ક છોડવાનો આદેશ આપવામાં આવશે. આ રીતે બળ નહીં તો કળથી પણ યૂક્રેનનો પ્રદેશ રશિયા પડાવી લેશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ઝેલેન્સ્કીએ આ મુદ્દે શંકા વ્યક્ત કરી હતી. તેઓ કહેતા હતા કે, અલાસ્કા બેઠકમાં યુદ્ધ વિરામના નામે પુતિન બાકીનું ડોનેત્સ્ક પડાવી લેવાનું કાવતરું કરી શકે છે પણ યુક્રેન તેમને ક્યારેય તાબે થશે નહીં. જો ખરેખર અમેરિકા અને રશિયા આ માટે દબાણ કરશે તો યુક્રેનની સંપ્રભૂતા ખોરવાઈ જશે અને એક રક્ષણાત્મક અભિગમ જે કેળવાયો છે તે પણ ખતમ થઈ જશે. તેના પછી રશિયાને છૂટોદોર મળી જશે અને તે ગમે ત્યારે આક્રમણનો રસ્તો પસંદ કરી લેશે. 

રશિયા ગમે ત્યારે આક્રમણ કરી શકે છે જેમાં જરાય બેમત નથી. રશિયાએ વર્તમાન સમયમાં યુક્રેનનો લગભગ ૧૯ ટકા જમીની ભાગ કબજે કરી લીધો છે. તેણે ક્રીમિયા અને ડોનબાસ વિસ્તારોના કેટલાક ભાગ ફેબુ્રઆરી ૨૦૨૨માં જ યુદ્ધ પહેલાં જ કબજે કરી લીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે, હાલમાં જે રીતે રશિયા સાથે ચર્ચાનો માહોલ જામ્યો છે તે પ્રમાણે પુતિન માની જશે અને યુક્રેનને તેના મુખ્ય પ્રદેશો પાછા આપી દેશે. બીજી તરફ જાણકારો માને છે કે, પુતિન કયા મુદ્દે સહમત થશે અને કયા મુદ્દે નહીં તે કળવું મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે, પુતિનનું માનવું છે કે, ડોનેત્સ્ક, લુહાંસ્ક સહિત પૂર્ર્વ યુક્રેનના કેટલાક ભાગ રશિયાના સાંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનો ભાગ છે. તેઓ આ વિસ્તારોને રશિયા સાથે જોવા માગે છે. તેઓ યુક્રેનના ડોનેત્સ્ક લુહાંસ્ક, ખેરસન અને જોપોરિજિયા જેવા ચાર વિસ્તારોને અધિકારિક રીતે રશિયા સાથે જોડી દેવા માગે છે. તેના કારણે ભવિષ્યમાં કોઈ પશ્ચિમી દેશનું યુક્રેનને સમર્થન ન મળે અને આ તમામ પ્રદેશો ઉપર આથક-સામરિક રીતે રશિયાનું આધિપત્ય સ્થાપિત થઈ જાય. બીજી તરફ એવું પણ છે કે, સંઘર્ષ દરમિયાન કે તેની પહેલાં રશિયાએ યુક્રેનના જે ભાગ ઉપર કબજો કરી લીધો છે તે તમામ ભાગને પોતાનો વિસ્તાર માને છે. તે આર્થિક રીતે તથા રશિયાની આંતરિક સુરક્ષાના ભાગરૂપે પણ મહત્ત્વના પ્રદેશો માને છે.

યુક્રેનના પ્રાંતોની વાત કરીએ તો સૌથી પહેલાં ડોનબાસ એટલે કે ડોનેત્સ્ક અને લુહાંસ્કને સંયુક્ત રીતે ઓળખવામાં આવે છે. પૂર્વ યુક્રેનના આ વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારો ગણાય છે. 

અહીંયા રશિયાનોની વસતી વધારે છે. ૨૦૧૪થી અહીંયા રશિયન સમર્થિત અલગાવવાદ શરૂ થઈ ગયો હતો. રશિયા આ વિસ્તારોને પોતાના બફરઝોન તરીકે માને છે. આ વિસ્તારો તેને પશ્ચિમી સરહદોથી અંતર જાળવવામાં મદદ કરે છે. રશિયાએ દાવો કર્યો છે કે, યુક્રેન દ્વારા આ વિસ્તારમાં રહેતા રશિયનોના અધિકારોનો ભંગ કરવામાં આવ્યો છે, તેમને કનડવામાં આવ્યા છે અને તેના કારણે રશિયાએ યુદ્ધનો રસ્તો અપનાવવો પડયો હતો. બીજી તરફ દક્ષિણ યુક્રેનના ખેરસન અને જાપોરિજિયા વિસ્તારો ઉપર કબજો કર્યા બાદ રશિયાએ ક્રીમિયાનો જમીન માર્ગ મળી ગયો છે. ક્રીમિયા ઉપર પણ રશિયાએ ૨૦૧૪માં જ કબજો કરી લીધો હતો. આ વિસ્તાર સામરિક રીતે રશિયા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિસ્તાર એવો છે જ્યાંથી કાળા સમુદ્ર સુધી પહોંચી શકાય છે અને ત્યાં વધારેમાં વધારે નિયંત્રણ પણ મેળવી શકાય છે.  

સૂત્રોમાં ગણગણાટ છે કે, રશિયા પોતાના રક્ષણ માટે તમામ પ્રકારે સોગઠા ગોઠવી રહ્યું છે. રશિયાને લાગે છે કે, નાટોનો જે રીતે વિસ્તાર થઈ રહ્યો છે તે પ્રમાણે જો યુક્રેન પશ્ચિમ સાથે જોડાઈ જાય તો રશિયાના સરહદો અસુરક્ષિત થઈ જાય તેમ છે. ડોનબાસ, ખેરસન, જાપોરિજિયા જેવા વિસ્તારો ઉપર કબજો કરી લેવામાં આવતા રશિયાની સુરક્ષા વધારે મજબૂત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. 

શીત યુદ્ધ દરમિયાન નાટોની રચના કરાઈ હતી. સોવિયેત સંઘના વિસ્તારવાદને રોકવા માટે નાટોની રચના કરવામાં આવી હતી. ૧૯૯૧માં સોવિયેત સંઘનું વિઘટન થયા બાદ રશિયાને આશા હતી કે, નાટોનો પણ વિસ્તાર કરવામાં આવશે નહીં. 

જોકે નાટોએ ધીમે ધીમે પૂર્વ યુરોપના દેશોને પણ તેમાં જોડવાની શરૂઆત કરી દીધી હતી. આ તમામ દેશો પહેલાં સોવિયેત સંઘના પ્રભાવ હેઠળ હતા. રશિયાએ નાટોના વિસ્તારથી પોતાનું રક્ષણ કરવા માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતાના કારણે પણ રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલે છે.

રશિયા એવું પણ ઈચ્છે છે કે, યુક્રેન દ્વારા ખેરસન, ડોનેત્સ્ક, લુહાંસ્ક અને જોપોરિજિયા જેવા વિસ્તારો ઉપરથી પોતાનો દાવો ખેંચી લેવામાં આવે અને તમામ વિસ્તારો રશિયાને સોંપી દેવામાં આવે. આ ઉપરાંત યુક્રેને નાટોના સભ્ય બનવાની પોતાની ઈચ્છા કાયમી ધોરણે છોડી દેવી જોઈએ. તે ઉપરાંત યુક્રેને ક્યારેય પરમાણુ હથિયારો નહીં વિકસાવવાની ગેરન્ટી આપવી પડશે. તે ઉપરાંત રશિયાએ કબજો કરેલા યુક્રેનના તમામ પ્રદેશોને આંતરરાષ્ટ્રીય માન્યતા મળવી જોઈએ. યુક્રેનમાં જે રશિયન સમુદાયો રહે છે તેમની સુરક્ષા અને તેમના અધિકારોના રક્ષણની જવાબદારી અને ગેરન્ટી પણ યુક્રેને લેવી પડશે. રશિયાએ અમેરિકા અને પશ્ચિમી દેશોના તેના ઉપર લગાવેલા આર્થિક અને રાજકીય પ્રતિબંધો પણ દૂર કરવાની માગણી કરી છે. 

કાળા સમુદ્રના વ્યાપારી માર્ગ ઉપર રશિયાને પોતાનું નિયંત્રણ જોઈએ છે જેથી યુક્રેનનું અર્થતંત્ર દબાણમાં રહે અને રશિયાનું વર્ચસ્વ વધે. આ તમામ માગણીએ વિશે એવું માનવામાં આવે છે કે, યુદ્ધ પછી હવે રશિયા ઈચ્છે છે કે, યુક્રેન સંપૂર્ણ રીતે તેના નિયંત્રણમાં આવી જાય. તેના દ્વારા યુક્રેન પોતે જ મુશ્કેલીમાં આવી જશે તથા પશ્ચિમી દેશોની રશિયા વિરોધી નીતિ પણ નબળી પડી જશે. ક્રીમિયા અને ડોનબાસનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ રશિયા પાસે આવી જાય તો યુક્રેન જમીન અને સમુદ્ર માર્ગ માટે રશિયાને આધારિત થઈ જાય. રણનીતિ પ્રમાણે આ ખૂબ જ મોટું પગલું સાબિત થશે.

મહત્ત્વનું એ છે કે, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ વારંવાર કહ્યું છે કે, તેઓ યુક્રેનની એક ઈંચ જમીન પણ રશિયાને આપશે નહીં. બીજી તરફ પશ્ચિમના દેશોએ પણ પુતિનની શરતોને અત્યંત કડક અને અસ્વીકાર્ય ગણાવી હતી. બંને પક્ષોમાં યોગ્ય રીતે સમજૂતી થાય તે મુશ્કેલ છે કારણ કે રશિયાની ડિમાન્ડ ખૂબ જ આકરી છે અને યુક્રેનની સંપ્રભુતાને અસર પડે તેમ છે. પુતિન એક જ વાત માને છે અને કહે છે કે, તે યૂક્રેનના કેટલાક પ્રાંત ઉપર કબજો કરવા માગે છે અને તેના થકી તે પશ્ચિમના દેશોનું યુક્રેન સાથેનું જોડાણ અટકાવવા માગે છે.

 યુદ્ધ રોકવા માટે રશિયા દ્વારા જે કડક શરતો મુકવામાં આવી છે જે યુક્રેન માટે સ્વીકારવી અશક્ય છે. આ શરતો મુદ્દે જ બાંધછોડ કરીને બંને અંતે સ્વીકારવામાં આવી રહે.

આઈસીસીના નિયમો પ્રમાણે પુતિનની ધરપકડ ન થાય તે માટે અલાસ્કામાં બેઠક

પુતિન અને ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં બેઠક રાખવા પાછળ પણ ઘણા કારણો છે. જાણકારોના મતે અલાસ્કા એવું સ્થળ છે જે પુતિનને આંતરરાષ્ટ્રીય કાયદાઓ સામે રક્ષણ આપે છે. આંતરરાષ્ટ્રીય ગુનાના ન્યાયાલય એટલે કે આઈસીસીના કોઈપણ સભ્ય રાજ્યોમાં પુતિન પ્રવાસ કરી શકે તેમ નથી. આઈસીસી દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવેલા છે. આ સંજોગોમાં જો તેઓ આઈસીસી સાથે જોડાયેલા દેશના કે પ્રદેશના પ્રવાસે જાય તો ત્યાંની સ્થાનિક સરકાર તેમની ધરપકડ કરી શકે છે. અમેરિકા આઈસીસીનું સભ્ય નથી અને પોતાના દેશમાં આઈસીસીના અધિકારોને માન્યતા પણ આપતું નથી. તેના કારણે અલાસ્કામાં પુતિનને કોઈ પકડી શકે તેમ નથી અને બીજા કોઈ કાયદાકીય ભયસ્થાનો નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે, ભૌગોલિક રીતે પણ અલાસ્કા ખૂબ જ વ્યવહારિક છે. અલાસ્કાની મુખ્ય જમીન રશિયાથી માત્ર ૮૮ કિ.મી જ દૂર છે. તેના નાના દ્વીપ તો રશિયાની વધારે નજીક છે. યુએઈ અને બીજા વિકલ્પો હોવા છતાં ટ્રમ્પે નજીકના જ રાજ્ય અલાસ્કામાં પુતિનને મહેમાન બનાવવાનું નક્કી કર્યું. ઉલ્લેખનીય છે કે, અલાસ્કા સાથે રશિયાને બે સદીઓ જુનો સંબંધ છે. રશિયન સામ્રાજ્યમાં ૧૮મી સદીમાં આ વિસ્તાર ઉપર વસવાટની શરૂઆત કરવામાં આવી હતી. તત્કાલિન રાજવીઓએ ત્યાં વેપાર ચોકીઓ બનાવી અને બેરિંગ સાગરની આગળ પણ પોતાનો વિસ્તાર વધાર્યો. ત્યારબાદ ૩૦ માર્ચ૧૮૬૭માં અમેરિકાએ અને રશિયાએ એક અધિગ્રહણ સંધિ કરી. તેમાં ૭.૨ મિલિયન ડોલરમાં રશિયાએ ત્યારે અમેરિકાને અલાસ્કા આપી દીધું હતું. આ કરાર બાદ અલાસ્કામાં અને અમેરિકામાં ૧૨૫ વર્ષ જૂની રશિયાની અને રશિયનોની હાજરીનો અંત આવ્યો હતો.