સુશીલા કાર્કી : 40 વર્ષ જેલમાં રહેનાર ક્રાંતિકારીના ન્યાયપ્રિય પત્ની

- સુશીલા કાર્કીના પતિએ ચાર દાયકા પહેલાં રાજાશાહી બંધ કરીને નેપાળમાં લોકશાહી લાવવા ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો
- સુશીલા કાર્કી 2016માં નેપાળની સુપ્રીમ કોર્ટના ૨૫મા અને દેશના પહેલાં મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. ભ્રષ્ટાચાર મુદ્દે તેમની ઝીરો ટોલરન્સ નીતિના કારણે જ તેઓ ન્યાયધિશ તરીકે પોતાની કારકિર્ર્દીમાં સૌથી વધારે સન્માન મેળવવામાં સફળ રહ્યા હતા : તેમણે 2012માં તત્કાલિન સુચના અને પ્રસારણ મંત્રી જય પ્રકાશ ગુપ્તાને દોષિત જાહેર કર્યા હતા. નેપાળના ઈતિહાસમાં પહેલી વખત તેમના ચુકાદાને કારણે ભ્રષ્ટાચારના કેસમાં કોઈ વર્તમાન મંત્રીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા : બીએચયુમાં અભ્યાસ દરમિયાન કાર્કી અને સુબેદી વૈચારિક રીતે એકબીજાથી પ્રભાવિત હતા અને ક્રાંતિકારી વિચારના સમર્થક હતા. બંને એકબીજાના પ્રેમમાં પડયા. કેટલાક લોકો માને છે કે, તેમણે ભારતમાં બનારસમાં જ લગ્ન કરી લીધા હતા : સુબેદીએ નેપાળમાં લોકશાહી સ્થાપવા 1973માં સરકારી પ્લેન હાઈજેક કરીને ભારતમાં ઉતાર્યું અને તેના પગલે તેઓ 2013 સુધી અંદાજે 40 વર્ષ ભારતીય જેલમાં રહ્યા. સુશીલા અને સુબેદીએ નેપાળના સર્જન માટે પોતાની ગૃહસ્થીનો ભોગ આપ્યો હતો
નેપાળમાં શરૂ થયેલી રાજકીય ક્રાંતિ હવે ધીમે ધીમે શાંત પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભ્રષ્ટાચાર, સગાવાદ, નેપોટિઝમ અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધના કારણે થયેલા હિંસક વિરોધ બાદ હવે નેપાળના યુવાનો શાંત થયા હોય તેમ લાગી રહ્યું છે. શુક્રવારે પાંચ હજારથી વધારે સભ્યોની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સુશીલા કાર્કીને દેશના વચાગાળાના પીએમ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ નેપાળના પહેલા મહિલા વડા પ્રધાન બની ગયા છે. એક જાણીતા ન્યાયાધિશ, દેશના પહેલાં મહિલા ચીફ જસ્ટિસ, લેખિકા સુશીલા કાર્કી હવે દેશના પહેલા મહિલા વડાપ્રધાન પણ છે. વી નેપાલી ગૂ્રપ તથા જેનઝીના વિવિધ સમુહોનું તેમને પ્રચંડ સમર્થન મળ્યું છે. તેમણે શુક્રવારે શપથ લઈ લીધા પણ હકિકતે જોઈએ તો સુશીલા કાર્કીનું પોતાનું અંગત જીવન પણ ક્રાંતિકારી કથા જેવું જ છે. નેપાળમાં લોકશાહી લાવવા માટે ક્રાંતિ કરનારા નેપાળ કોંગ્રેસના તત્કાલિન યુવા અને ક્રાંતિકારી નેતા દુગા પ્રસાદ સુબેદી સાથે સુશીલા કાર્કીએ લગ્ન કર્યા હતા. નેપાળમાં નવી શરૂઆત કરવા માટે ક્રાંતિ કરનારા યુવાનના પત્ની આ વખતે યુવાનોની ક્રાંતિ બાદ નવા નેપાળનું સુકાન સંભાળનાર પહેલા મહિલા વડા પ્રધાન બની ગયા છે. સુશીલા કાર્કી તેમની ન્યાયપ્રિયતા, અદાલતની કામગીરી અને અદ્વિતિય નિર્ણયોના કારણે સમગ્ર નેપાળમાં ખૂબ જ જાણીતા હતા. ભ્રષ્ટાચાર સામેનું તેમનું વલણ જ તેમને યુવાનોના પ્રિય બનાવીને સત્તામાં લાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુશીલા કાર્કી કોઈ પીઢ રાજકારણી નથી. તેઓ વ્યવસાયે વકીલ હતા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા અને ૨૦૧૬માં નેપાળની સુપ્રીમ કોર્ટના ૨૫મા અને દેશના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમણે એક વર્ષ માટે આ પદ ઉપર સેવા આપી હતી. ભ્રષ્ટાચાર મુદ્દે તેમની ઝીરો ટોલરન્સ નીતિના કારણે જ તેઓ ન્યાયધિશ તરીકે પોતાની કારકિર્દીમાં સૌથી વધારે સન્માન મેળવવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન ઘણા તબક્કે તેમને વિરોધનો પણ સામનો કરવાનો આવ્યો હતો. તેમની સ્વચ્છ છબીએ જ તેમને રાજકારણમાં ખેંચી લીધા. દેખવકારો અને યુવા ક્રાંતિકારીઓએ જ તેમને વચગાળાના પીએમ બનવાની ઓફર કરી હતી.
સુશીલા કાર્કીએ પોતાની વકીલાતથી શરૂ કરીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કામગીરી કરવા દરમિયાન ભ્રષ્ટાચારનો સખત વિરોધ કર્યો છે અને તેના માટે ઝીરો ટોલરન્સ નીતિ જ અપનાવેલી હતી. તેઓ ભ્રષ્ટાચારનો સફાયો કરવાનું વલણ ધરાવનારા નીડર ન્યાયાધીશ તરીકે ખૂબ જ જાણીતા હતા. તેમની કામગીરીના અને તેમની કારકિર્દીના આજે પણ નેપાળમાં ઉદાહરણ આપવામાં આવે છે. સુશીલા કાર્કીનો જન્મ નેપાળના વિરાટનગરમાં ૧૯૫૨માં થયો હતો. તેમણે ૧૯૭૯માં વિરાટનગરથી જ એક વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વકીલાતમાં સખત મહેનત કર્યા બાદ તેઓ ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ તેમણે જજ તરીકે આકરી નિર્ણયો લીધા અને ગુનાખોરીને ડામવા મક્કમ વલણ અપનાવ્યું હતું. તેના કારણે જ તેમની ૨૦૧૬માં નેપાળની સુપ્રીમ કોર્ટના ૨૫મા ચીફ જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ઘણા મહત્ત્વના ચુકાદા આપ્યા અને ઘણા સંવેદનશિલ મુદ્દાઓની અધ્યક્ષતા કરીને અહેવાલો પણ બનાવ્યા. તેમાં હાઈપ્રોફાઈલ ભ્રષ્ટાચાર મુદ્દે અને મહિલાઓની નાગરિકતાના અધિકારો અંગે આપેચા ચુકાદાની આજે પણ નેપાળમાં ચર્ચા થાય છે. ખાસ કરીને તેમણે ૨૦૧૨માં તત્કાલિન સુચના અને પ્રસારણ મંત્રી જય પ્રકાશ ગુપ્તાને દોષિત જાહેર કર્યા હતા. નેપાળના ઈતિહાસમાં પહેલી વખત તેમના ચુકાદાને કારણે ભ્રષ્ટાચારના કેસમાં કોઈ વર્તમાન મંત્રીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
નેપાળના ખેડૂત પરિવારમાં જન્મેલા કાર્ર્કીએ ૧૯૭૨માં મહેન્દ્ર મોરંગ પરિસરથી બીએની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ ભારત આવ્યા અને ૧૯૭૫માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે ૧૯૭૮માં ત્રિભુવન વિશ્વવિદ્યાલયમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી. ધરાનમાં મહેન્દ્ર મલ્ટિપલ કેમ્પસમાં થોડા સમય માટે શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ તેમણે ૧૯૭૯માં પોતાની વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ ૧૯૮૮થી ૧૯૯૦ સુધી કોશી ઝોનલ બારના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. ત્યારબાદ ૨૦૦૨થી ૨૦૦૪ તેઓ વિરાટનગર અપીલીય બારના અધ્યક્ષ બન્યા હતા. ૧૯ ડિસેમ્બર ૨૦૦૪માં તેમને સિનિયર કાઉન્સેલ તરીકે માન્યતા આપવામાં આવી. તેના પાંચ વર્ષ બાદ ૨૦૦૯માં તેઓ સુપ્રીમ કોર્ટમાં અસ્થાયી જજ તરીકે પસંદગી પામ્યા હતા. ૨૦૧૦માં તેમને સુપ્રીમમાં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.
ખાસ વાત એ છે કે, કાર્કીએ જે મહત્ત્વના ચુકાદા આપ્યા તેના કારણે ઘણી વખત તેમને સરકાર અને તંત્ર સામે સંઘર્ષમાં ઉતરવાનો વારો આવ્યો હતો. એપ્રિલ ૨૦૧૭માં તેમનો કાર્યકાળ ટૂંકો કરી દેવામાં આવ્યો જ્યારે નેપાળી કોંગ્રેસ અને માઓવાદીની કેન્દ્ર સરકારે સાંસદોના ભ્રષ્ટાચાર કેસના ચુકાદામાં પક્ષપાત કરવાનો તેમના ઉપર આરોપ મુક્યો હતો.
તેના પગલે તેમની સામે મહાભિયોગની કામગીરી કરવાની પણ માગણી કરવામાં આવી હતી. તે સમયે જનતાએ તેમના માટે વિદ્રોહ કર્યો હતો અને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના અન્ય મોટા જજ પણ તેમની તરફેણમાં આવી જતાં મહાભિયોગની અરજી પાછી ખેંચવામાં આવી હતી. ત્યારબાદ તેઓ થોડા સમય માટે ફરી સીજેઆઈ પદ ઉપર આવ્યા હતા અને પછી નિવૃત્ત થયા હતા. તેમણે શાંતિ મિશનો અને ભ્રષ્ટાચારના કેસ ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. તે ઉપરાંત નેપાળી મહિલાઓ અને બાળકોને નાગરિકતા આપવા માટે સક્ષમ બનાવવના પ્રગતિશિલ નિર્ણય પણ તેમના થકી જ લેવાયા હતા. તેમની સામે કાર્યપાલિકાની શક્તિઓ અને કામગીરીઓમાં ખલેલ પહોંચાડવાના અને હસ્તક્ષેપ કરવાના આરોપ પણ મુકવામાં આવ્યા હતા. ખાસ કરીને પોલીસ પ્રમુખની નિમણુકના વિવાદમાં તેમની સામે હસ્તક્ષેપના આરોપ મુકાયા હતા.
સુશીલાએ ગુનાખોરી ડામવા વકીલાત શરૂ કરી ત્યાં સુબેદીએ નેપાળનું પ્લેન હાઈજેક કર્યું
બંનેના જીવનમાં નેપાળ પાછા ગયા પછી મોટું પરિવર્તન આવ્યું હતું. લગ્ન બાદ એક તરફ સુબેદી રાજકારણમાં સક્રિય થયા હતા ત્યાં સુશીલા કારકિર્દી ઉપર વધારે ફોકસ કરતા હતા. તેણે એકાદ-બે વર્ષ શિક્ષક તરીકે પણ કામગીરી કરી હતી. ત્યારબાદ તેમણે વકીલાત શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તેમણે સક્રિય રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તે કામ તેમને વધારે કઠિન લાગતા તેમણે રાજકારણથી ડિસ્ટન્સ રાખ્યું અને વકીલાત ઉપર ભાર મુક્યો. નેપાળના ન્યાયતંત્રમાં તેમણે પોતાની આગવી અને નિડર વકીલ તથા જજ તરીકેની છાપ ઊભી કરી. તેઓ ક્યારેય કોઈના દબાણમાં આવ્યા નહોતા. તેઓ આ કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે નેપાળ કોંગ્રેસના યુવા અને ક્રાંતિકારી નેતા ગણાતા સુબેદીએ નેપાળના સરકારી પ્લેનનું અપહરણ કરી લીધું. તેઓ પ્લેન હાઈજેક કરીને ભારત લઈ આવ્યા. તેમનું નામ ૧૯૭૩ પ્લેન હાઈજેકિંગ કેસના ગુનેગારોમાં આવવા લાગ્યું હતું. તેઓ પોતાના સાથીઓ જોડે પ્લેન હાઈજેક કરીને ભારતના ફારબિસગંજ એરપોર્ટ ઉપર લઈ આવ્યા હતા. નેપાળ સરકારના આ સરકારી વિમાનમાં ઘણા જાણીતા પેસેન્જર અને ૩૦ લાખ ભારતીય રૂપિયા પણ હતા. તેમની ક્રાંતિ માટે આ ધન પૂરતું હતું. આ દરમિયાન ભારતે આકરું વલણ અપનાવ્યું અને સુબેદી તથા તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી. તમામને ડમડમ સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ખાસ વાત એવી છે કે, તે સમયે ભારત અને નેપાળ વચ્ચે કોઈ રાજકીય જોડાણ કે સંધી થયેલા નહોતા. તેના પગલે સુબેદીને ભારતની જેલમાં જ રાખવામાં આવ્યા. તેઓ ૨૦૧૩ સુધી નેપાળની જેલમાં રહ્યા. આ દરમિયાન સુશીલા કાર્કી નેપાળના ન્યાયતંત્રના શિખર ઉપર પહોંચી ગયા. તેમણે ક્યારેય સુબેદીની કામગીરીને પોતાના ઉપર હાવી થવા દીધી નહીં અને પોતે ક્યારેય ન્યાયનો રસ્તો છોડયો નહીં. સુબેદીને ૨૦૧૩માં નેપાળ સરકારે પરત બોલાવ્યા અને તેમની દેખરેખ તથા સારવારની જવાબદારી સરકારે ઉપાડી લીધી. તેઓ લોકશાહી માટે વિશેષ સંઘર્ષ કરવાના પ્રતિક તરીકે જાણીતા થઈ ગયા. સુશીલા કાર્કી અને સુબેદીએ નેપાળમાં સામાજિક અને રાજકીય ક્રાંતિ લાવવા માટે પોતાનું ગૃહસ્થ જીવન દાવ ઉપર લગાવી દીધું. તેના પરિણામે જ કદાચ સુશીલા કાર્કીને નેપાળવાસીઓએ દેશના પીએમ બનાવીને તેમનું ઋણ ઉતારવા પ્રયાસ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
બીએચયુમાં અભ્યાસ દરમિયાન ક્રાંતિકારી નેતા સાથે પ્રેમ થયો
સુશીલા કાર્કીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ નેપાળમાં જ લીધું હતું. ત્યારબાદ તેઓ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરવા માટે ભારત આવ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી તેમણે અહીંયા પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. અહીંયા બે વર્ષ અભ્યાસ દરમિયાન તેમની જિંદગીમાં ઘણા ફેરફાર આવ્યા હતા. એક તરફ તેઓ ભારત, ભારતીય સંસ્કૃતિ અને ગંગા નદીના પ્રેમમાં પડયા હતા. તેના પ્રત્યે તેમનો વિશેષ લગાવ વધ્યો હતો. બીજી તરફ નેપાળમાંથી જ એક યુવાન નેતા બીએચયુમાં અભ્યાસ માટે આવ્યો હતો. તેનું નામ હતું દુર્ગા પ્રસાદ સુબેદી. નેપાળમાં તે સમયે રાજાશાહી ચાલતી હતી. બનારસમાં અભ્યાસ કરવા આવેલા આ યુવાનોમાંથી એક વર્ગ રાજાશાહી અને પંચાયતી રાજનો વિરોધ કરનારા હતા. સુબેદી તેમાં મોખરે હતા. રાજાશાહીનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ એક ગૂ્રપ બનાવ્યું હતું. તેઓ નક્કી કરેલા સમયે અને દિવસે મળીને નેપાળમાં લોકશાહી લાવવા માટે ચર્ચા કરતા હતા. દરરોજ આ ગૂ્રપમાં પોતાના દેશને આગળ વધારવા, રાજાશાહીનો અંત લાવવા અને લોકશાહી સ્થાપિત કરવા માટે ક્રાંતિકારી યોજનાઓ બનાવતા હતા. સુશીલા કાર્કી પણ ક્રાંતિકારી વિચારો ધરાવતી યુવતી હતા. તેઓ પણ આ ગૂ્રપમાં જોડાયા હતા. તેમાં વારંવાર મુલાકાત દરમિયાન તેમનો સુબેદી સાથે ગાઢ પરિચય થવા લાગ્યો હતો. તેઓ વૈચારિક રીતે એકબીજાથી પ્રભાવિત હતા અને ક્રાંતિકારી વિચારના સમર્થક હતા. બંને ધીમે એકબીજાના પ્રેમમાં પડયા. કેટલાક લોકો માને છે કે, તેમણે ભારતમાં જ બનારસમાં જ લગ્ન કરી લીધા હતા. જો કે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી. બંને પ્રેમ બાદ લગ્ન કરીને જોડાયા ત્યારે તેમના પ્રત્યે સમાજને આશા વધારે હતી.
બંને સામાજિક અને રાજકિય ક્રાંતિ માટે મહત્ત્વપૂર્ણ ગણાતા હતા. બીએચયુથી અભ્યાસ પૂરો કર્યા બાદ સુશીલા કાઠમાંડુ પાછા આવ્યા અને ત્રિભુવન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રના અભ્યાસમાં જોડાયા. બીજી તરફ દુર્ગા પ્રસાદ સુબેદી નેપાળના રાજકારણમાં સક્રિય થઈ ગયા.








