Editorial

ઈન્ફ્લુએન્ઝા મ્યુટન્ટ : જાપાનમાં મહામારીની જાહેરાત, શાળા-કોલેજો બંધ

By GS TEAM
14 Oct 20258 mins read
ઈન્ફ્લુએન્ઝા મ્યુટન્ટ : જાપાનમાં મહામારીની જાહેરાત, શાળા-કોલેજો બંધ

- જાપાનમાં ફ્લૂના કેસનો તોતિંગ વધારો, સરકારનો લોકોને ઘરમાં રહેવા આદેશ, સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ રાખવા અપિલ

- માત્ર 10 જ દિવસમાં ફ્લૂના ચેપના 4000થી વધારે કેસ સામે આવ્યા, 3000થી વધારે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ડોક્ટરો અને નર્સોની પણ અછત ઊભી થઈ : 20 વર્ષમાં બીજી વખત જાપાને ફ્લૂની બિમારીને મહામારી જાહેર કરીને લોકોને ઘરમાં રહેવાના આદેશ આપ્યા, શાળા-કોલેજો બંધ, લોકોને ઓનલાઈન એજ્યુકેશન લેવા તથા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ ઓનલાઈન કામગીરી કરવા 

સુચના : ભારતમાં પણ ફ્લૂના ચેપનો ફેલાવો શરૂ, દિલ્હી અને એનસીએરમાં કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે, ગત બે મહિનામાં સર્વે કરવામાં આવેલા તમામ મકાનોમાંથી ૭૦ ટકામાં એક અથવા તેથી વધારે વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા

જાપાનમાં અધિકારિક રીતે ઈન્ફ્લુએન્ઝા મહામારીનો પ્રકોપ જાહેર કરવામાં આવ્યો છે. ગણતરીના દિવસોમાં જ હજારોની સંખ્યામાં કેસ સામે આવવાના કારણે જાપાને આ જાહેરાત કરવી પડી છે. આમ જોવા જઈએ તો મોટાભાગે શિયાળાની શરૂઆતમાં આ પ્રકારની બિમારી સામાન્ય રીતે જોવા મળતી હોય છે. હાલમાં ફ્લૂની સિઝન ચાલી જ રહી છે. જાપાનમાં જે રીતે ફ્લૂના કેસમાં એકાએક વધારો થયો અને સંક્રમણનો આંકડો વધી રહ્યો છે તેના કારણે સ્વાસ્થ્ય જાણકારો અને લોકોમાં ભય ફેલાયો છે. જાપાનની સરકારને તેના કારણે જ ફ્લૂને રાષ્ટ્રીય મહામારી જાહેર કરવાની ફરજ પડી છે. 

અહેવાલો પ્રમાણે ૨૦૧૯થી ૨૦૨૨ સુધીમાં કોરોના મહામારીએ જે રીતે વૈશ્વિક સ્તરે કેર વર્તાવ્યો હતો અને સમગ્ર વિશ્વની સ્વાસ્થ્ય સેવાઓને ખોરંભે ચડાવી દીધી હતી ત્યારથી તમામ દેશો લોકોના સ્વાસ્થ્ય બાબતે વધારે ગંભીર થઈ ગયા છે. જાપાનમાં ફ્લૂનો પ્રકોપ જે રીતે ફેલાવા લાગ્યો હતો તે જોતાં સરકારી તંત્ર ચિંતિત થઈ ગયું હતું. આ ચેપ ફેલાતો અટકાવવા માટે તેની ચેઈન તોડવી ખૂબ જ જરૂરી થઈ ગઈ હતી. તેના પગલે જાપાને ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી દીધી. સરકારના આદેશ બાદ ૧૩૦થી વધારે મોટી સ્કુલો, કિંડરગાર્ટન અને ચાઈલ્ડ કેસ સેન્ટર નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાના આદેશ આપી દેવાયા. મોટા બાળકો અને યુવાનોને પણ સ્કુલ અને કોલેજ ન જવા માટે તથા શક્ય હોય તો ઓનલાઈન ભણાવવા માટે આદેશ આપી દેવાયા છે. 

જાપાનમાં મીડિયા અહેવાલો પ્રમાણે દેશભરમાં અંદાજે ૩૦૦૦ હોસ્પિટલોમાં ૪૦૦૦ કરતા વધારે લોકો ફ્લૂના ચેપને કારણે ભરતી કરવામાં આવેલા છે. ઓકિનાવા, ટોકિયો અને કાગોશિમા શહેરમાં સૌથી વધારે અસર જોવા મળી છે. બીજી તરફ જાપાનમાં એક એવી ચર્ચાએ પણ જોર પકડયું છે કે, ફ્લૂ અને કોરોના મહામારી સાથે ફેલાઈ રહ્યા છે. તેના કારણે પણ અફરાતફરી ફેલાઈ ગઈ છે. સરકારે અને સ્થાનિક મીડિયાએ આ અંગે સતત લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે કે, આ એક સિઝનલ ફ્લૂની બિમારી છે જે ફેલાઈ રહી છે. જાપાનમાં કોરોના નથી ફેલાઈ રહ્યો. આમ જોવા જઈએ તો ફ્લૂની બિમારી દર વર્ષે સીઝન બદલાતા જોવા મળતી જ હોય છે પણ આ વખતે ફ્લૂના કેસ ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે અને સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે. ફ્લૂની સામાન્ય લોકો ઉપર વધારે અસર પણ થતી નથી તેમ છતાં આ વખતે મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડયા તેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. જાણકારો માને છે કે, ફ્લૂના વાઈરસમાં મ્યુટેશન થયું છે અને તેથી જ લોકોની તબિયત વધારે ખરાબ થઈ રહી છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રના કેટલાક જાણકારોનો મત છે કે, જાપાનમાં સામાન્ય રીતે નવેમ્બરના મધ્યમાં ફ્લૂની સિઝન જોવા મળતી હોય છે પણ તેના સ્થાને આ વખતે એક મહિનો વહેલા ફ્લૂના કેસ સામે આવવા લાગ્યા છે. તેમાં પણ આટલી મોટી સંખ્યામાં ફ્લૂના કેસ સામે આવતા સ્વાસ્થ્ય સેવાઓ ઉપર દબાણ વધી ગયું છે. તે ઉપરાંત સ્વાસ્થ્ય અંગે કેટલાક લોકોના પડકારો પણ વધી ગયા છે જે ચિંતાજનક છે. નાના બાળકો અને મોટા ઉંમરના લોકો આ ચેપના કારણે વધારે સંક્રમિત થયા છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.  

સ્વાસ્થ્ય જાણકારોના મતે વાઈરસના વ્યવહાર અને તેની પ્રકૃતિમાં પણ કેટલાક પરિવર્તનો જોવા મળ્યા છે. ફ્લૂના વાઈરસમાં મોટાપાયે મ્યૂટેશન થયું હોય તે જણાઈ રહ્યું છે. તેના કારણે જ ફ્લૂનો વાઈરસ એકાએક ફેલાઈ ગયો અને મોટી સંખ્યામાં ફેલાઈ ગયો. હોક્કોઈડોની મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર યોકો ત્સુકોમોટોએ જણાવ્યું કે, આ વર્ષે જાપાનમાં ફ્લૂની સિઝન વહેલી આવી ગઈ છે. તે ઉપરાંત વૈશ્વિક વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જે રીતે અસર કરી રહ્યું છે તેના કારણે વાઈરસજન્સ બિમારીઓનો ફેલાવો પણ બદલાતો જાય છે. હાલમાં એશિયાના ઘણા દેશોમાં ફ્લૂની બિમારી ફેલાયેલી છે અને તેના કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

જાપાનમાં જે રીતે ફ્લૂના કેસ વધી રહ્યા છે તેના કારણે ચિંતા વધી છે. ઘણા શહેરો, નાના ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, બંધ કરવી પડી છે. લોકોને નોકરી અને વ્યવસાય માટે પણ જરૂરી ન હોય તો ન જવાના આદેશ કરવામાં આવ્યા છે. જો નોકરી અને વ્યવસાયનું કામ ઓનલાઈન માધ્યમો દ્વારા કરી શકાતું હોય તો તેના માટે પણ સુચના આપવામાં આવી છે. હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતાં લોકોને ઘરમાં રહેવા અને ચેપનો ફેલાવો ન થાય તેનું ધ્યાન રાખવા જણાવાઈ રહ્યું છે. સરકારે કોરોનાની જેમ લોકડાઉન જાહેર નથી કર્યું પણ લોકોને સાવચેતી રાખીને ઘરમાં રહેવા અને ઘરેથી કામ કરવા જણાવાયું છે. 

બાળકો અને વૃદ્ધો હાલમાં ફ્લૂના ચેપનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે. ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે જોતાં જાપાનની સરકાર સાવચેત થઈ ગઈ છે. ઘણા લોકોની સ્થિતિ સામાન્ય છે, આ ચેપના કારણે કે ફ્લૂના કારણો કોઈનું મોત થયાનું હજી બહાર નથી આવ્યું પણ ગણતરીના દિવસોમાં કેસ હજારોની સંખ્યામાં પહોંચી જતાં સરકાર ચિંતામાં મુકાઈ છે. દસ જ દિવસમાં ૪૦૦૦થી વધારે કેસ આવી ગયા અને મોટા શહેરોની મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓ ભરાઈ ગયા છે તેના કારણે સરકારે મહામારી જાહેર કરવી પડી છે. તાજેતરમાં જ યામાગાટીની એક સ્કૂલમાં ૩૬ બાળકોમાંથી ૨૨ બાળકોમાં ફ્લૂના લક્ષણ દેખાયા હતા. તેના કારણે સમગ્ર સ્કૂલ અનિશ્ચિત સમય માટે બંધ કરવાના આદેશ આપી દેવાયા હતા.  

જાપાનમાં ફ્લૂના કેરની વાત કરીએ તો અનેક શહેરોમાં તેની અસર જોવા મળી છે. તેમાં પણ કાગોશિમા, ઓકિનાવા, ટોકિયો જેવા શહેરો ઉપરાંત ઘણા નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો તેનાથી પ્રભાવિત છે. હોસ્પિટલમાં બેડની અછત ઊભી થઈ ગઈ છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં આ કેસનું ધ્યાન રાખી શકે અને સારવાર આપી શકે તેવા ડોક્ટરો અને નર્સની પણ અછત વર્તાઈ રહી છે. હોસ્પિટલોના વેઈટિંગ રૂમમાં પણ દર્દીઓ વધી ગયા છે કે લોકોને હાલાકી પડી રહી છે. સરકારે લોકોને જાહેરાત કરવી પડી છે કે, જરૂર ન હોય તો ઘરે રહીને જ સારવાર કરાવે. સરકારે લોકોને ફ્લૂના લક્ષણ દેખાય એટલે તરત જ ડોક્ટરની સલાહ લેવા અને જરૂર ન હોય તો ઘરે રહીને જ સારવાર કરવાના આદેશ બહાર પાડયા છે. 

જાપાની સરકારે જણાવ્યું છે કે, કોરોના જેવું લોકડાઉન જાહેર નથી કરાયું પણ સાવચેતી માટે તમામ સુચના અપાઈ છે. હાલમાં માત્ર ફ્લૂને મહામારી જાહેર કરવામાં આવી છે. તેના માટે લોકોને તકેદારી રાખવા અને કેટલાક મુદ્દે વધુ સાવચેત રહેવા માટે સુચનો જારી કરવામાં આવ્યા છે. કંપનીઓ, સરકારી અને ખાનગી કચેરીઓ અને અન્ય ઓફિસો તથા વ્યવસાયોને ઓનલાઈન કામગીરી કરવાનો ઓપ્શન અપનાવવાની સલાહ અપાઈ છે. સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ ફ્લેક્સિબલ સમયે અને ઓનલાઈન એજ્યુકેશન આપવા જણાવાયું છે. બાળકો, વૃદ્ધો, પહેલેથી જ બિમારી ધરાવાતા લોકો, ઓછી ઈમ્યુનિટી ધરાવતા લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા અને શરદી-ખાસીં, તેવા જેવા સંક્રમણ ધરાવતા લોકોથી અંતર જાળવવા સુચના અપાઈ છે. ઘર, વાહન, જરૂરી વસ્તુઓની સાફસફાઈને વધારે પ્રાધાન્ય આપવાના પણ આદેશ અપાયા છે. લોકોને જરૂરી ન હોય તો અન્ય શહેર કે રાજ્યનો પ્રવાસ ન કરવા પણ સુચના આપવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અને સ્વચ્છતા જાળવવાના આદેશ અપાયા છે. પર્યટન ક્ષેત્રે પણ વધારેમાં વધારે સાવચેતી જાળવવા કહેવાયું છે.

ભારતમાં જોવા મળેલા ફ્લૂ વાઈરસમાં મ્યૂટેશન પણ થયેલું છે 

ભારતમાં પણ સિઝનમાં વારંવાર પરિવર્તન થતાં ફ્લૂની બિમારી ફેલાતી જોવા મળી રહી છે. તેમાંય શિયાળાની શરૂઆતમાં આ બિમારી મોટા પ્રમાણમાં દેખાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં ભારતે સતર્કતા દાખવી છે. ફ્લૂની બિમારીની તપાસ દરમિયાન જ જણાયું કે, ભારતમાં ફ્લૂનો જે વાઈરસ દેખાયો છે તેમાં મ્યુટેશન થયેલું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દિલ્હી-એનસીઆર અને કેટલાક શહેરોમાં ફ્લૂના વાઈરસના કેસ વધારે આવ્યા હતા. આ કેસમાં વાઈરસમાં મ્યુટેશન થયેલું હતુ. તેના કારણે જ છેલ્લાં બે મહિનામાં એચ૩એન૩ના કેસ વધારે સામે આવ્યા હત. દિલ્હી અને એનસીએરમાં કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે, ગત બે મહિનામાં સર્વે કરવામાં આવેલા તમામ મકાનોમાંથી ૭૦ ટકામાં એક અથવા તેથી વધારે વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. જાણાકારોએ ટકોર કરી હતી કે, વાઈરસ ક્યારેય અટકતા નથી. તેઓ સતત નવા નવા સ્વરૂપે વારંવાર જોવા મળે જ છે. જાપાનમાં જે ફેલાયો છે તે કદાચ ફ્યૂના વાઈરસનો નવો મ્યુટન્ટ હોઈ શકે છે. 

ભારતમાં પણ ફ્લૂનો અલગ મ્યુટન્ટ જોવા મળ્યો હતો. તેના કારણે લોકોએ સાવચેતી રાખવી જ હિતાવહ છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો કહે છે કે, કોઈપણ વિકસિત અથવા તો વિકાસશીલ દેશોમાં ફ્લૂ જેવા ચેપી રોગો ફેલાવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે. વૈશ્વિક સ્તરે વાઈરસજન્ય ચેપી રોગો સૌથી વધારે ફેલાતા જ હોય છે. તેમાંય જે દેશોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનું પ્રમાણ વધારે હોય, મોટા આયોજનો થતા હોય, જમાવડા થતા હોય ત્યાં વાઈરસને નિયંત્રિત કરવો મુશ્કેલ છે. વર્તમાન સમયમાં ઈન્ફ્લુએન્ઝા વાઈરસમાં પણ જે મ્યુટેશન જોવા મળ્યું છે તે જોખમી છે અને ચેતવણીરૂપ છે. દરેક દેશોએ તેના વિશે તકેદારી રાખવી જ પડશે. ભારતની વાત કરીએ તો હાલમાં ગભરાવાની જરૂર નથી. ભારતમાં ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત દરમિયાન આ સ્થિતિ ઊભી થતી હોય છે. આ બેવડી તુમાં ફ્લૂનું સંક્રમણ વધે છે. 

ચેતવણી એટલી જ છે કે, ફ્લૂનો વાઈરસ બદલાઈ રહ્યો છે અને તે ક્યાંક મહામારીનું સ્વરૂપ ધારણ ન કરી લે તે માટે લોકોએ જાતે પણ તકેદારી રાખવી જોઈએ.