Editorial

નોટબંધીમાં કેશ માટે, કોરોનામાં શ્વાસ માટે, હવે ગેસ માટે લોકો લાઈનમાં

By GS TEAM
14 Mar 20268 mins read
નોટબંધીમાં કેશ માટે, કોરોનામાં શ્વાસ માટે, હવે ગેસ માટે લોકો લાઈનમાં

- અણઘડ સરકારી આયોજનને પગલે કાળાબજારીયા બેફામ, ગેસના બાટલાનો બ્લેકનો ભાવ 6,000 થી 7,000 સુધી પહોંચ્યાના અહેવાલો

- વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ આફતમાં કાળાબજારીયા લોકોએ અવસર શોધી કાઢયો છે. લોકોને લુંટવા માટે એલપીજીના કાળા બજાર શરૂ કરી દેવાયા છે. હાલમાં એલપીજીના એક બાટલાનો ભાવ કાળાબજારમાં 6000થી 7000 સુધી પહોંચી ગયાના અહેવાલો છે : એપીજીના સપ્લાયરોને ઠેકાણાઓની બહાર દરરોજ હજારોની સંખ્યામાં લોકો લાઈનોમાં ઊભા રહેલા દેખાય છે. સરકાર દ્વારા લોકોને શાંતિ જાળવવાનું કહેવામાં આવે છે પણ કાળાબજાર સામે પગલાં લેવાનું કે લોકો સુધી સુગમતાથી ગેસનો બાટલો પહોંચે તેની વ્યવસ્થા કરવાની કોઈ જાહેરાત કે કામગીરી કરાતા નથી : અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા ગુજરાતના મોટા શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગેસની અછતના નામે લોકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક શહેરમાં 4,000થી 6000ની આસપાસ આ ભાવ જાય છે. બેંગ્લોર ખાતે એક સિલિન્ડરનો ભાવ 9,000 સુધી પહોંચી ગયો છે

ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝની ખાડી બંધ થવાના પગલે એશિયાના દેશોમાં ક્રૂડ અને ગેસની અછત સર્જાઈ છે. હજારોની સંખ્યામાં અહીંયા જહાજો અટવાઈ જવાથી ક્રૂડ અને ગેસ એશિયા સુધી પહોંચ્યા નથી. તેમાંય ભારતની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી હોવાના દાવા કરાઈ રહ્યા છે. ભારત પોતાની જરૂરિયાતોનું જે ક્રૂડ બહારથી મગાવે છે તેમાંથી ૮૫ ટકા ક્રૂડ અખાતી દેશોમાંથી હોર્મુઝની ખાડીના રસ્તે આવે છે. યુદ્ધને પગલે આ ખાડી બંધ કરી દેવામાં આવી છે જેના કારણે ભારત સહિત એશિયા અને યુરોપના દેશોમાં ક્રૂડ અને ગેસની અછત સર્જાઈ છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ આફતમાં કાળાબજારીયા લોકોએ અવસર શોધી કાઢયો છે. લોકોને લુંટવા માટે એલપીજીના કાળા બજાર શરૂ કરી દેવાયા છે. હાલમાં એલપીજીના એક બાટલાનો ભાવ કાળાબજારમાં ૬૦૦૦થી ૭૦૦૦ સુધી પહોંચી ગયાના અહેવાલો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ગેસના બાટલાના ભાવમાં વધારો કરાયો હતો. ડોમેસ્ટિક ગેસના ભાવમાં સિલિન્ડરે ૬૦ રૂપિયાનો જ્યારે કોમર્શિયલ ગેસમાં ૧૧૪.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. તેના પગલે દિલ્હીમાં ૧૪.૨ કિલોનો ડોમેસ્ટિક ગેસ ૯૧૩ રૂપિયા પહોંચી ગયો હતો. બીજી તરફ કોમર્શિયલ ગેસનો બાટલો ૧૯ કિલોના ૧૮૮૪.૫૦ થઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે, સરકારે ભાવ વધારો કર્યો અને બીજી તરફ ગેસની અછત છે કે નહીં તે મુદ્દે પણ મગનું નામ મરી પાડતા નથી. બજારમાં સિલિન્ડર મળતા નથી અને સરકારી દાવા છે કે, ગેસનો પૂરતો સ્ટોક છે. બીજી તરફ ગેસના બાટલાના સપ્લાયની મર્યાદા ૨૫ દિવસ કરી દેવામાં આવી છે. 

વાસ્તવિકતા એ છે કે, સરકારનું અણઘડ આયોજન અને પ્રજાને અંધારામાં રાખવાની વૃત્તિ જ બજારમાં ધુતારાઓને ફાવતું શોધી આપે છે. સરકાર એક તરફ દાંડી પીટે છે કે, પૂરતો ગેસ છે અને બીજી તરફ પોતે જ મોટાપાયે ભાવ વધારો કરી દે છે. બીજી તરફ બજારમાં સ્ટોક હોવાની વાતો વહેતી થાય છે અને રેસ્ટોરાં, હોટેલ્સ અને અન્ય સર્વિસિસને કોમર્શિયલ ગેસનો સપ્લાય મળતો નથી. તેના કારણે ધૂમ કાળાબજાર શરૂ થઈ ગયા છે. ઘણા રેસ્ટોરાં બંધ થઈ ગઈ છે તો ઘણાએ કામ ઘટાડી દીધું છે. બીજી તરફ લોકોને પણ પોતાના ઘરમાં ગેસની અછત પડી રહી છે અને અન્ય વિકલ્પો મળી રહ્યા નથી. 

ચિંતાજનક બાબત એ છે કે, આ સ્થિતિની મોટાપાયે મનોવૈજ્ઞાાનિક અસર થઈ છે. એક તરફ લોકોએ પેનિક બાઈંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ એલપીજીના સપ્લાયરોએ કૃત્રિમ અછત ઊભી કરવા માંડી છે. એપીજીના સપ્લાયરોને ઠેકાણાઓની બહાર દરરોજ હજારોની સંખ્યામાં લોકો લાઈનોમાં ઊભા રહેલા દેખાય છે. હોર્મુઝની ખાડીમાં અટકેલા જહાજોના કારણે ભારતના એલપીજીનો ૮૦ ટકા સ્ટોક અટવાઈ ગયો છે. આ આફતને કાળાબજારીયાઓએ અવસરમાં પલટીને લોકોને લુંટવાનું શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા લોકોને શાંતિ જાળવવાનું કહેવામાં આવે છે પણ કાળાબજાર સામે પગલાં લેવાનું કે લોકો સુધી સુગમતાથી ગેસનો બાટલો પહોંચી તેની વ્યવસ્થા કરવાની કોઈ જાહેરાત કે કામગીરી કરાતા નથી. 

બીજી ગંભીર બાબત એ છે કે, ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે, તેમણે ગેસ સિલિન્ડર નોંધાવ્યા બાદ પણ તેમને ડિલિવરી મળી નથી. છેલ્લાં અઠવાડિયામાં આવી ઘટનાઓ સતત વધી રહી છે. તેમને પંદર દિવસ પહેલાં નોંધાવેલા ગેસના બાટલા પણ અછતના નામે આપવામાં આવી રહ્યા નથી. આ ઉપરાંત જે લોકોને ગેસ જોઈએ છે તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા ગુજરાતના મોટા શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગેસની અછતના નામે લોકો પરેશાન થઈ રહ્યા છે. કાળા બજારીયાઓ દ્વારા લોકોની મજબુરીનો લાભ લેવાઈ રહ્યો છે. ૯૦૦ રૂપિયાના ગેસના સિલિન્ડર હાલમાં ૩૦૦૦ રૂપિયે અપાઈ રહ્યા છે. બીજી તરફ કોમર્શિયલ ગેસના સિલિન્ડર જેની બજાર કિંમત ૨૦૦૦ની આસપાસ છે તે ૬૦૦૦થી ૭૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

અહેવાલો પ્રમાણે ૧૪ કિલો ગેસના બાટલાની સૌથી વધારે તંગી સર્જાઈ છે. જાણકારોના મતે તંગી સર્જાવા કરતા ઊભી કરવામાં આવી છે. દિલ્હીમાં કેટલાક રેસ્ટોરાં દ્વારા ૧૪ કિલોના ગેસના બાટલા બ્લેકમાં ખરીદીને ધંધો ચલાવવા મથામણ કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે. બીજી તરફ લોકોને આ ગેસના બાટલા મળતા નથી. આ સિવાય દિલ્હી, ગુડગાંવ, મુંબઈ, બેંગ્લોરના ઘણા નાની રેસ્ટોરાંના સંચાલકોએ જણાવ્યું કે, તેમણે હાલમાં વ્યવસાય બંધ કરી દેવો પડયો છે, કારણ કે કોમર્શિયલ ગેસના ભાવમાં ભયાનક વધારો થયો છે. સરકારી ગેસ મળતો નથી અને એજન્સીઓ દ્વારા કાળાબજાર કરીને એક સિલિન્ડરના ૫૦૦૦થી વધારે ભાવ માગવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ ૭૦૦૦ રૂપિયા સુધીની ડિમાન્ડ આવ્યાની પણ ફરિયાદો છે. 

કફોડી સ્થિતિ એવી છે કે, સરકારે કાળાબજાર કરનારા સામે પગલાં લેવાના સરકારી આદેશ આપી દીધા છે અને અધિકારીઓ કાગળ ઉપર એક્શન લઈ રહ્યા છે. વેપારીઓનો આરોપ છે કે, નાના માણસને પકડવા સદાય સજ્જ રહેતી અને અડધી રાત્રે દરોડા પાડતી આ કહેવાતી પોલિસ, ઈડી, સીબીઆઈ અને અન્ય એજન્સીઓ હાલમાં ક્યાં જતી રહી છે તે સમજાતું નથી. કયા નેતાઓ અને બાબુઓના આશીર્વાદથી ગેસના કાળાબજાર થઈ રહ્યા છે તેની કોઈ તપાસ કરતું નથી. સરકાર દ્વારા માત્ર શાંત્વના આપવામાં આવી રહી છે. કાળાબજાર કરનારા સામે કોઈ પગલાં લેવાયા નથી અને હાલમાં પણ લેવાશે તેવું જરાય દેખાતું નથી. બધું જ રહેમનજર હેઠળ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, ૧૫થી વધારે મોટા શહેરોમાં પોતાની રેસ્ટોરાં ચલાવતા એક વેપારીએ જણાવ્યું કે, અમારી રેસ્ટોરાં જ્યાં જ્યાં છે ત્યાં સરકારી ધોરણે ગેસ મળતો નથી. કાળાબજારીયાઓ દ્વારા જુદા જુદા ભાવ કહેવામાં આવી રહ્યા છે. તેમાંય કેટલાક શહેરોમાં દોઢા ગણા તો કેટલાક શહેરોમાં ત્રણથી ચાર ગણા ભાવ લેવાય છે. તેમણે જણાવ્યું કે, હાલમાં દિલ્હી અને એનસીઆરમાં તેમને કાળાબજારીયા દ્વારા ૫૦૦૦ની આસપાસ એક સિલિન્ડર આપવાની ઓફર કરવામાં આવી છે. બીજી તરફ અન્ય કેટલાક શહેરમાં ૪,૦૦૦થી ૬૦૦૦ની આસપાસ આ ભાવ જાય છે. સૌથી વધારે કાળા બજાર બેંગ્લોર ખાતે થઈ રહ્યા છે. અહીંયા એક સિલિન્ડરનો ભાવ ૯,૦૦૦ સુધી પહોંચી ગયો છે. લોકો અને ધંધા-રોજગાર ચલાવતા લોકોએ મજબૂરીમાં ખરીદવા પણ પડે છે. તેમણે જણાવ્યું કે, મારા તમામ આઉટલેટ્સ ઉપર ગેસનો રોજિંદો ખર્ચ ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ સુધી જતો હોય છે. હાલમાં તેનો રોજિંદો ખર્ચ ૧.૨૫ લાખ પહોંચી ગયો છે.

બીજી તરફ નાના ઢાબા અને રેસ્ટોરાં ચલાવતા લોકોની પણ ફરિયાદ છે કે, એકાએક તેમનો સપ્લાય રોકી દેવાયો છે. તેમને પણ બમણા અને ત્રણ ગણા ભાવે સિલિન્ડર આપવાની વાતો કરવામાં આવે છે. તેમની પાસે પણ છે તેટલા સ્ટોકમાં કામ કરવાની અથવા તો પછી ધંધો હાલ પુરતો બંધ કરવાની મજબૂરી છે. તાજેતરમાં ભોપાલ ખાતેથી કેટલીક ફરિયાદો ઊઠી હતી. કેટલાક વેપારીઓ જણાવ્યું કે, એલપીજી સપ્લાયરો દ્વારા એકાએક સપ્લાય અટકાવી દીધો છે. તેઓ કાયદેસર રીતે ગેસ આપવાની મનાઈ કરે છે. બીજી તરફ પડદા પાછળ બમણા અને અઢીગણા ભાવે સિલિન્ડર આપવા તૈયાર છે. 

જે લોકોનું ઘર લારી-ગલ્લા ઉપર અને નાની રેસ્ટોરાં ઉપર ચાલે છે તેમની પાસે તો આ ભાવે પણ ગેસ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 

પ્રજાને આફત, લુંટારાને અવસર અને સરકાર મુક દર્શક

આફતને અવસરમાં બદલવાની વાતો કરનારી સરકારે ક્યારેય પ્રજાની આફતનું નિરાકરણ લાવ્યું જ નથી. પ્રજા કાયમ લાઈનોમાં ઊભી જ રહી છે. ચિંતાજનક બાબત એ છે કે, પ્રજાને પીડા થાય છે છતાં પ્રજા પણ પાઠ ભણતી નથી. 

છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો આ ત્રીજી મોટી ઘટના છે જેમાં સામાન્ય માણસ, ગરીબ માણસ ફરીથી લાઈનોમાં ઊભો રહેવા લાચાર બન્યો છે. નોટબંધી વખતે લોકો માત્રા બે-બે હજાર રૂપિયા લેવા માટે કલાકો સુધી બેન્કોની બહાર લાઈનોમાં ઊભા રહેતા હતા. અનેક લોકો લાઈનોમાં ઊભા રહીને મૃત્યુ પણ પામ્યા હતા. ત્યારબાદ કોરોનાકાળમાં ઓક્સિજનના બાટલા લેવા અને દવાઓ લેવા માટે લોકો લાઈનોમાં ઊભા રહેતા હતા. તે વખતે છ ફૂટનું અંતર રાખીને પણ લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા લાઈનોમાં લાગ્યા હતા. હવે આ ત્રીજો અવસર આવ્યો છે જેમાં ફરી એક વખત સામાન્ય માણસ જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. યુદ્ધના પગલે અને અછતના નામે કાળાબજારો ગરમાગરમ થઈ રહ્યા છે અને લોકો પાસે ગેસ નથી. સરકાર દાવા કરે છે કે, પૂરતા પ્રમાણમાં ગેસ છે જ્યારે સિલિન્ડરના બુકિંગનો સમયગાળો વધારો દીધો છે. બીજી તરફ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે. લોકોનો સવાલ છે કે, જો સરકાર પાસે પૂરતો ગેસ છે તો લોકોને રાહત દરે કે અન્ય વ્યવસ્થા કરીને ઝડપથી સપ્લાય કરતી કેમ નથી. બીજી ચિંતાજનક વાત એ છે કે, સરકાર કાળાબજારીઓને પકડવા, તેમની સામે એક્શન લેવાના બદલે પ્રજાને કહી રહી છે કે, તમે બુકિંગ ઓછું કરો. જે સંગ્રહખોરી કરે છે તેને દંડ કરવો નથી પણ પ્રજાને સમજાવે છે કે, તમે ભુખ્યા રહો, તમે ઘર ન ચલાવશો, તમે ધંધો ન કરશો. 

તેનાથી પણ મોટી પ્રજા સાથે મજાક એ કરાઈ છે કે, સરકારી ખાતું જણાવે છે કે, લોકોને ગેસ બુકિંગ માટે જે સમસ્યા થઈ રહી છે તેની ફરિયાદ નોંધાવવા માટે કોલ સેન્ટરની સંખ્યા વધારાઈ છે. તેમાં વધારાના સ્ટાફની નિમણુક કરાઈ છે. લોકોને ગેસ નોંધાવવા માટે કે ગેસ પૂરો પાડવા માટે કોઈ વ્યવસ્થા કરાઈ હોવાની કોઈ જાહેરાતો કરાતી નથી.