Editorial

વિશ્વના સાંસદોની તુલનાએ ભારતીય સાંસદોના ઠાઠ-માઠ વધારે

By GS TEAM
14 Aug 20257 mins read
વિશ્વના સાંસદોની તુલનાએ ભારતીય સાંસદોના ઠાઠ-માઠ વધારે

- લાખોનો પગાર, કરોડોના ફ્લેટ અને બંગલા તથા અનેક સબસિડીઓનો લાભ મળે છે

દુનિયાભરના મોટા મોટા દેશોમાં સાંસદોને ભથ્થા સિવાય કશું જ અપાતું નથી, સરકારી મકાન પણ અપાતા નથી અને ગાડી, બંગલાની તો વાત પણ થતી નથી : બ્રિટનમાં ગણતરીના સાંસદોને સ્ટુડિયો એપાર્ટમેન્ટ અપાય છે, અમેરિકા, સાઉથ કોરિયા અને ચીનમાં તો કોઈપણ સાંસદને સરકારી મકાન આપવામાં આવતું જ નથી : જાપાન અને પાકિસ્તાનમાં સાંસદોને 1000 સ્ક્વેર ફૂટના બે બેડરૂમના ફ્લેટ આપવામાં આવે છે, બાકીની સુવિધાઓ આપવામાં આવતી નથી : ભારતમાં તો સિનિયોરિટી પ્રમાણે ફ્લેટ, બંગલા, ગાડીઓ, મફત વીજળી, મફત ટેલિફોન, ગેસ અને ટ્રાવેલિંગની સુવિધાઓ આપવામાં આવે છે. તાજેતરમાં તો કેન્દ્ર સરકારે 650 કરોડના ખર્ચે સાંસદો માટે અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનું નિર્માણ કરાવ્યું છે જેમાં અત્યાધુનિક સુવિધાઓ છે

ભારતમાં સામાન્ય વ્યક્તિ બનીને નોકરી મેળવવી કે જીવનજરૂરિયાતની વસ્તુઓ મેળવવી ભલે અઘરી, મુશ્કેલ હોય પણ જો એક વખત નેતા બની ગયા તો આ સુવિધાઓ આપોઆપ તમારા સુધી પહોંચી જાય છે. ભારતમાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ જે સુવિધાઓ, સુખ સાહ્યબી ભોગવે છે તે દુનિયાના કોઈ દેશમાં જોવા મળતી નથી. ભારતમાં પ્રજાની ટેક્સની કમાણીથી નેતાઓ જે સુવિધાઓ માણે છે અને પ્રજાને ખાડા, તુટેલા રસ્તા, પાણીના પ્રશ્નો, અયોગ્ય શિક્ષણ, આરોગ્ય સેવાના નામે ધક્કા, આપવાનું કામ કરવામાં આવે છે. 

ભારતમાં તાજેતરમાં જ સાંસદો માટે દિલ્હીના સૌથી મુખ્ય અને પોશ વિસ્તારમાં પાંચ અને સાત બેડરૂમ સહિત કુલ ૧૦ રૂમ ધરાવતા અત્યાધુનિક ફ્લેટ બનાવવામાં આવ્યા છે. પીએમ દ્વારા તાજેતરતમાં જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ટાઈપ-૭ કેટેગરીના ૧૮૪ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. સાંસદો માટેના આ ચાર ટાવરને કૃષ્ણા, ગોદાવરી, કોષી અને હુગલી એવા ચાર નામ આપવામાં આવ્યા છે. ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓથી માંડીને અધિકારીઓ સુધી ટાઈપ-૧થી માંડીને ટાઈપ-૪ સુધીના મકાનો આપવામાં આવે છે. ત્યારબાદ ટાઈપ-૫થી ટાઈપ-૮ સુધીના મકાનો અને બંગલા કેબિનેટ મંત્રીઓ, પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને નાણા આયોગના અધ્યક્ષને આપવામાં આવે છે. ટાઈપ-૫ કેટેગરીના મકાનો અને બંગલા પહેલી વખત સાંસદ બનીને આવેલા નેતાઓને આપવામાં આવે છે. ટાઈપ-૮ કેટેગરીના બંગલા ખૂબ જ મોટા અને લક્ઝુરિયસ હોય છે. તાજેતરમાં ટાઈપ-૭ કેટેગરીના જ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે.

આ ફ્લેટની તસવીરો સામે આવ્યા પછી દુનિયાભરમાં ચર્ચા ચાલી છે કે, ભારતીય સાંસદોના જે ઠાઠ છે, તેમને જે સગવડો મળે છે, તેવી દુનિયાના કોઈ દેશોમાં મળતી નથી. દુનિયામાં કેટલા દેશોમાં સાંસદોને નાના ટુબીએચકે ફ્લેટ આપી દેવામાં આવે છે તો કેટલાકમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટ અપાય છે. મોટાભાગના દેશોમાં તો માત્ર સાંસદોને ભથ્થા જ આપવામાં આવે છે, તેમને કોઈ સરકારી સુવિધાઓ, મકાન કે અન્ય વસ્તુઓ આપવામાં આવતી નથી. ભારતમાં તાજેતરમાં સાંસદો માટે લ્યુટિયન્સ ઝોનમાં જે ફ્લેટ બનાવાયા તે સાતથી દસ રૂમના છે અને ૫૦૦૦ સ્ક્વેરફૂટના છે. તેમાં તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

દુનિયાના દેશોની વાત કરીએ તો ભારતના જ પાડોશી દેશ ચીનમાં સાંસદોને કોઈ સરકારી મકાન આપવામાં આવતું નથી. ચીનમાં સાસંદો અને નેશનલ પીપલ્સ કોંગ્રેસના સભ્યોને કોઈ સરકારી મકાન મળતું નથી. ચીનમાં સાંસદોને ખૂબ જ ઓછો સમય સંસદમાં હાજરી આપવાની હોય છે તેથી તેઓ પોતાના ગૃહપ્રાંતમાં જ વધારે સમય પસાર કરતા હોય છે. તેથી તેમને બેઈજિંગમાં કોઈ વિશેષ સરકારી મકાનો મળતા નથી. તેઓ સમયાંતરે સંસદ સત્રોમાં ભાગ લેવા આવે છે અને તેમાં સરકારી વ્યવસ્થા થઈ જાય છે. બેઈજિંગમાં માત્ર ઉચ્ચ સરકારી પદ ઉપર રહેલા નેતાઓ માટે જ કેટલીક વ્યવસ્થાઓ અને મકાન રાખવામાં આવે છે. ટોચના પદે રહેલા નેતાઓને જ સરકારી સુવિધા મળે છે.

ભારતના બીજા પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં પણ ભારતીય સાંસદો જેવી લક્ઝુરિયસ સુવિધાઓ આપવામાં આવતી નથી. 

અહીંયા થોડા સમય પહેલાં સાંસદો માટે ૩૫૮ ફેમિલી સ્યુટ્સ બનાવવામાં આવ્યા છે. આ તમામ એપાર્ટમેન્ટ બે બેડરૂમ ધરાવે છે. 

પાકિસ્તાનની નેશનલ એન્જિનિયરિંગ સર્વિસના અહેવાલ પ્રમાણે બે બેડરૂમ, એક ડ્રોઈગરૂમ અને કિચન ધરાવતા ફ્લેટ ઈસ્લામાબાદ ખાતે બનાવાયા છે. તે થોડો સ્પેશિયસ બનાવાયા છે પણ તેમાં આધુનિક સુવિધાઓ આપવામાં આવતી નથી. આ સાંસદ ફ્ટેલમાં એક સોફા સેટ, સેન્ટર ટેબલ, ડાઈનિંગ ટેબલ, બે ડબલબેડ અને વોર્ડરોબ આપવામાં આવે છે. તેમાં વીજળી, પાણી અને સિક્યોરિટીની જરૂરી સુવિધાઓ અપાય છે. આ તમામ એપાર્ટમેન્ટ સામાન્ય ભાડુ વસુલીને આપવામાં આવે છે.

બીજી તરફ જાપાનમાં સાંસદોને ખૂબ જ નાના ફ્લેટ આપવામાં આવે છે. સામાન્ય ભાષામાં ડોરમેટ્રી કહીએ તે પ્રકારના મકાન હોય છે. ટોકિયોમાં લોઅર હાઉસ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્યોને ટોકિયોના અકાસાકા વિસ્તારમાં ૨૮ માળના એક ટાવરમાં એપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે. દરેક ફ્લેટ ૮૦૦ સ્ક્વેરફૂટનો હોય છે. તેમાં લિવિંગરૂમ, બેડરૂમ અને કિચનનો સમાવેશ થાય છે. તેનું મહિનાનું ભાડું ૧.૨૫ લાખ યેન છે. સાંસદોએ આ ભાડું ભરીને ફ્લેટ લેવો પડે છે. આ ઉપરાંત સાઉથ કોરિયાની વાત કરીએ તો ત્યાં સાંસદોને મકાન માટે ચોક્કસ રકમનું ભથ્થું આપવામાં આવે છે પણ સરકારી મકાન અપાતા નથી. સાંસદે જાતે જ મકાનની વ્યવસ્થા કરવાની હોય છે. નાના દેશ તો ઠીક છે પણ અમેરિકા જેવી મહાસત્તામાં પણ સાંસદોને સરકારી મકાન મળતા નથી. કોંગ્રેસના સભ્યો અને સેનેટરોને વોશિંગ્ટન ડીસીમાં સરકારી મકાન અપાતું નથી. તેઓ ઈચ્છે તો પોતાની રીતે ખાનગી બંગલા લઈ શકે છે. આ મકાન માટે તેમને કેટલુંક ભથ્થું ચુકવવામાં આવે છે. ધનિક સાંસદો પોતાની રીતે બંગલા ખરીદીને વોશિંગ્ટન ડીસીમાં રહેતા હોય છે પણ સરકાર કશું જ આપતી નથી.

ભારતીય સાંસદોને બખ્ખાં, 5000 ચો. ફૂટના ફ્લેટ આપવામાં આવ્યા 

- ૬૪૬ કરોડ રૂપિયામાં આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે

- જાન્યુઆરી ૨૦૨૨માં લોકસભા સચિવાલય દ્વારા આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ બનાવવાની શરૂઆત કરાઈ હતી

- સાંસદોના ફ્લેટમાં ૭ થી ૧૦ રૂમ હશે

- દરેક રૂમમાં એટેચ વોશરૂમ બનાવાયા છે

- પીએ અને મદદનીશ માટે બે રૂમ મળશે

- ફ્લેટમાં અલગથી પૂજાઘર બનાવાયા છે

- દરેક ફ્લેટમાં ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગરૂમ અલગ છે

- દરેક ફ્લેટમાં એક ફેમિલી લોન્જ બનાવાયું છે

- દરેક રૂમમાં મોડયુલર વોર્ડરોબ અપાયા છે

- સ્ટાફ, સાંસદ કાર્યાલય અને પીએના રૂમ માટે અલગ અલગ પ્રવેશ દ્વાર 

- મોડયુલર કિચન, આધુનિક સ્ટવ અને ચિમની પણ અપાયા છે

- વીડિયો ડોર ફોન, વાઈફાઈ, કેબલ ટીવી, ટેલિફોન, પાઈપ ગેસ, આરો કનેક્શન અપાયા છે

- બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં જ દુકાનો, કોમ્યુનિટી હોલ, ગેસ્ટ રૂમ, જિમ, કેન્ટિન, દવાખાનું, યોગા રૂમ બનાવાયા છે

- બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં ૬૧૨ ગાડીઓનું પાકગ બનાવાયું છે

- દરેક કોમ્પ્લેક્સમાં પાવર બેકઅપ, એટીએમ, પબ્લિક ટોઈલેટ પણ છે.

બ્રિટનમાં સાસંદોને સરકારી મકાન નહીં, ભથ્થાની વ્યવસ્થા કરાય છે 

બ્રિટનમાં સાંસદો માટે કોઈ સરકારી મકાન કે ફ્લેટની વ્યવસ્થા કરાતી નથી. બ્રિટનમાં આ માટે ઘણા સમય પહેલાં નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા. અહીંયા સાંસદોને મકાન આપવાના બદલે એકોમોડેશન બજેટ ફાળવવામાં આવે છે. 

જો સાંસદનું પોતાનું ઘર લંડનની બહાર હોય તો તેને લંડનમાં રહેવા માટે ભાડે મકાનની વ્યવસ્થા કરવા માટે ભથ્થું અપાય છે. ખર્ચ સંસદના ખર્ચમાં રિએમ્બર્સ કરવામાં આવે છે. સાંસદ હોટેલમાં રહેવા માગે તો તેના માટે પણ બજેટ નક્કી કરાયેલું છે અને તેટલી રકમ ફાળવી દેવાય છે. લંડનમાં જ રહેતા સાંસદોને કોઈ ભથ્થું કે મકાન આપવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૯માં બ્રિટનમાં સાંસદોને બીજું ઘર ખરીદવા માટે અને મોર્ગેજ માટે સરકારી પૈસા આપવાની વ્યસવ્થા જ બંધ કરી દેવામાં આવી. તેમાં મોટાપાયે ગોટાળાના આરોપો થવાથી તમામ સુવિધા બંધ કરી દેવાઈ. હવે માત્ર ભાડું, હોટેલ બિલ અને યુટિલિટી બિલની જ ચુકવણી કરવામાં આવે છે. તેના માટે પણ બજેટ નક્કી કરાયેલું છે. અહીંયા લંડનમાં પાર્લામેન્ટ્રી એસ્ટેટ ફ્લેટ આવેલા છે. આ એક અને બે રૂમના ફ્લેટ છે જે ચોક્કસ સ્થિતિમાં સાંસદોને આપવામાં આવે છે. 

જે સાંસદો લંડનથી દૂર રહે છે તેમને સંસદ સત્ર દરમિયાન અઠવાડિયામાં ૪ દિવસ રહેવા માટે આપવામાં આવે છે. તેમને કાર્યકાળ હોય ત્યાં સુધી આ ફ્લેટ અપાય છે અને પછી તરત જ ખાલી કરી દેવા પડે છે. 

ભારતમાં સાંસદોને તગડો પગાર અને કેવા ભથ્થા મળે છે ?

- દર મહિને રૂ. ૧.૨૪ લાખનો પગાર.

- રૂ. ૨૫૦૦ મોંઘવારી ભથ્થુ

- મત વિસ્તારમાં ઓફિસ માટે મહિને રૂ. ૮૭,૦૦૦

- દિલ્હીમાં ઓફિસ ચલાવવા મહિને રૂ. ૭૫,૦૦૦

- કાર્યકાળ દરમિયાન ઓફિસ ફર્નિચર માટે રૂ. ૧.૨૫ લાખ

- મહિને ૩૪ મફત વિમાન પ્રવાસ

- રોડ મારફતે રૂ. ૧૬ કિ.મી. પ્રવાસ ભથ્થુ

- મહિને ૪૦,૦૦૦ યુનિટ મફત વીજળી (આશરે ૨.૮૦ લાખ રૂપિયા) પગાર કરતાં બમણી રકમની વીજળી

- મહિને ૪ લાખ લીટર પાણી મફત

- ૧.૫૦ લાખ મફત ફોન કોલ્સ

- સંસદની કેન્ટિનમાં સસ્તા દરે ભોજન

- નિવૃત્ત સાંસદને રૂ. ૨૫,૦૦૦ પેન્શન

- સાંસદોને મફત હોસ્પિટલ સારવાર

- સરકારી ખર્ચે વિદેશમાં સારવાર

- નિવૃત્ત સાંસદને આજીવન સરકારી હોસ્પિટલમાં મફત સારવાર