ઈઝરાયેલ હમાસ યુદ્ધ : 22 લાખ લોકોના જીવ ઉપર સંકટ

- ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસ સાથેના સંઘર્ષને કારણે ઈઝરાયેલે સ્થાનિકોને દક્ષિણ પટ્ટીમાં જવા નહીંતર મૃત્યુ માટે સજ્જ રહેવા ચેતવણી આપી
- ઈઝરાયેલની સેનાએ ગાઝાના શહેર ઉપર કરેલા હુમલા પહેલાં ત્યાંના લોકોને ત્યાંથી નીકળી જવા આદેશ આપ્યો હતો. ઈઝરાયેલે નવા આદેશ પ્રમાણે ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસમાંથી 2.50 લાખ વિસ્થાપિત લોકોને ત્યાંથી નીકળીને બીજે જવાના આદેશ આપ્યા હતા : હવે જે શહેરો વધ્યા છે તે હમાસના અંતિમ ગઢ જેવા છે. ઈઝરાયેલ દ્વારા હમાસને સદંતર પૂરું કરવા માટે ગાઝાના લોકોને બીજે ખસેડવાની અને જીવ બચાવવા ભાગવાની ધમકી આપવામાં આવી હતી : ઈઝરાયેલ આ સમગ્ર વિસ્તારને વિખેરી નાખવા માગે છે અને ત્યાંથી હમાસ અને અન્ય સૈન્યોને ખદેડીને સમગ્ર વિસ્તારનું સંચાલન પોતાને હસ્તક કરવા મે છે. તેના કારણે 21 લાખ લોકો દુર્દશા અને મૃત્યુના ઓથાર હેઠળ આવી ગયા છે. હાલમાં લાખો લોકો દુકાળ અને ભુખમારોનો તો પહેલેથી સામનો કરી જ રહ્યા છે તેમાં હવે મૃત્યુનું જોખમ વધારે ગંભીર બન્યું છે
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલી હિંસા હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દુનિયાના દેશો ઈઝરાયેલને શાંત પાડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ઈઝરાયેલ સતત ગાઝા ઉપર હુમલા કરી રહ્યું છે. ગાઝાવાસીઓને ખસેડવાની કવાયત વચ્ચે ઈઝરાયેલે યેમેન અને ગાઝામાં ભીષણ હુમલા જારી રાખ્યા છે. યમને મિસાઇલ છોડયા પછી ઈઝરાયેલે કરેલી એરસ્ટ્રાઇકમાં ત્યાં ૩૫ના મોત થયા છે અને ગાઝામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં ૪૧ના મોત નીપજ્યા છે. આમ કુલ ૭૬ના મોત નીપજ્યા છે. આટલું ઓછું હોય તેમ ઈઝરાયેલે ગાઝામાં ઓપરેશનનો વ્યાપ વધારતા દસ લાખ ગાઝાવાસીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલે યમન પર કરેલા હુમલામાં ૩૫ના મોત થયા છે અને ૧૩૦થી પણ વધુને ઇજા થઈ છે, આ મૃત્યુઆંક વધી પણ શકે છે એમ યમનના હુથી શાસિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હુથી બળવાખોરો ઈઝરાયેલના એરપોર્ટ પર કરેલા સફળ હુમલા પછી ઈઝરાયેલે વળતો પ્રહાર કર્યો હતો. ઈઝરાયેલે યમનની રાજધાની સના પર હુમલો કર્યો હતો, અહીં મુખ્યત્વે હુથીઓના મિલિટરી હેડક્વાર્ટર અને ફ્યુઅલ સ્ટેશન આવેલા છે. ઈઝરાયેલે તેના પર હુમલો કર્યો હતો.
સૂત્રોના મતે ઈઝરાયેલની સેનાએ ગાઝાના શહેર ઉપર કરેલા હુમલા પહેલાં ત્યાંના લોકોને ત્યાંથી નીકળી જવા આદેશ આપ્યો હતો. ઈઝરાયેલે નવા આદેશ પ્રમાણે ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસમાંથી ૨.૫૦ લાખ વિસ્થાપિત લોકોને ત્યાંથી નીકળીને બીજે જવાના આદેશ આપ્યા હતા. વાત એવી છે કે, ઉત્તર ગાઝાના શુજાયેયા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં પેલેસ્ટાઈન સાથે ઈઝારેયલનો સંઘર્ષ ચાલુ છે ત્યાં તેણે હવે ગાઝા પટ્ટીના દક્ષિણમાં હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણમાં પણ રાફાહ ખાતે પેલેસ્ટાઈન સાથે સંઘર્ષ ચાલુ જ છે. ઈઝરાયેલ દ્વારા ગાઝાપટ્ટી ખાલી કરાવવાની કવાયત એક નવી રણનીતિનો ભાગ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે.
ઈઝરાયેલે થોડા સમય પહેલાં ચેતવણી આપી હતી કે, હમાસ દ્વારા તેના બંધકોને છોડવામાં નહીં આવે તો તે ગાઝા પટ્ટીની દક્ષિણે અને અન્ય વિસ્તારોમાં હુમલા વધારી દેશે. તેના કારણે દસ લાખની વસતી ધરાવતા શહેર ઉપર જોખમ સર્જાયું છે. સૂત્રોના મતે હવે જે શહેરો વધ્યા છે તે હમાસના અંતિમ ગઢ જેવા છે. ઈઝરાયેલ દ્વારા હમાસને સદંતર પૂરું કરવા માટે ગાઝાના લોકોને બીજે ખસેડવાની અને જીવ બચાવવા ભાગવાની ધમકી આપવામાં આવી હતી. ઈઝારાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ ચેતવણી જાહેર કરતા કહ્યું હતું કે, ગાઝાવાસીઓને ચેતવણી આપવામાં આવે છે કે, તેઓ સમયસર પોતાના શહેર છોડીને ઈઝરાયેલે કહ્યું છે તે સ્થળોએ જતા રહે નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે.
હકિકતે ઈઝરાયેલની આ ચેતવણીને કારણે ગાઝાપટ્ટીના સૌથી મોટા શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો પાસે દક્ષિણ પટ્ટીમાં જવા સિવાય કોઈ વિકલ્પ જ વધ્યો નથી. બીજી તરફ મોટાભાગના લોકોનું માનવું છે કે, હાલમાં તેઓ જ્યાં રહે છે તે સુરક્ષિત સ્થાને છે.
દક્ષિણમાં જવાથી પણ કોઈ લાભ થવાનો નથી. ઈઝરાયેલ ત્યાં પણ હુમલા કરી જ રહ્યું છે. જાણકારોનું માનવું છે કે, ઈઝરાયેલ આ સમગ્ર વિસ્તારને વિખેરી નાખવા માગે છે અને ત્યાંથી હમાસ અને અન્ય સૈન્યોને ખદેડીને સમગ્ર વિસ્તારનું સંચાલન પોતાને હસ્તક કરવા માંગે છે. તેના કારણે ૨૨ લાખ લોકો દુર્દશા અને મૃત્યુના ઓથાર હેઠળ આવી ગયા છે. હાલમાં લાખો લોકો દુકાળ અને ભુખમારોનો તો પહેલેથી સામનો કરી જ રહ્યા છે તેમાં હવે મૃત્યુનું જોખમ વધારે ગંભીર બન્યું છે. ગંભીર બાબત એવી છે કે, ૨૦૨૩માં આ યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝાના લોકો ઉત્તર અને દક્ષિણ પટ્ટી વચ્ચે સતત પલાયન કરતા આવ્યા છે. લાખો લોકો આ રીતે વિસ્થાપિત થઈને ફર્યા કરે છે તેના કારણે માનવિય સંકટ વધારે ગંભીર બન્યું છે ભુખમરો જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
હાલમાં ચર્ચા એવી ચાલી રહી છે કે, પહેલેથી જ જેને સુરક્ષિત વિસ્તાર કહેવાય છે તેને ખાલી કરવા માટે કેમ ઈઝરાયેલી સેના આટલી ઉતાવળી અને આકરી થઈ છે. જાણકારો માને છે કે, ગાઝામાંથી હમાસનો કાયમી ખાતમો બોલાવવામાં નિષ્ફળ જવાના કારણે ઈઝરાયેલ અકળાયેલું છે અને તે ગાઝામાં પેલેસ્ટાઈનની વસતીને સમાપ્ત કરવાનો ગુપ્ત ઈરાદો ધરાવતું હોય તેવું પણ લાગી રહ્યું છે. તેઓ હમાસને રાજકીય અને લશ્કરી રીતે પૂરું કરવા માગતા હતા પણ તે તેમનાથી શક્ય બન્યું નથી. હવે તેઓ યુદ્ધ જીતવા માટે સામાન્ય લોકોને ખસેડવાના નામે ટાર્ગેટ કરીને ગાઝાનો ખાતમો બોલાવવા માગે છે જે વધારે જોખમી છે. માત્ર યુદ્ધ જીતવાના નામે નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેવી સ્થિતિ આવી ગઈ છે. હાલમાં પણ સ્થાનિકો પંદર દિવસથી માંડીને એક મહિનાથી વધુ સમય તો એક જગ્યાએ રહી શકતા જ નથી. તેમાંય સતત માઈગ્રેશન કરવાનું આવે તો તેમના માટે વધારે આકરું થઈ જાય તેમ છે.
ઈઝરાયેલ દ્વારા ખાન યૂનિસના દક્ષિણે આવેલા અલ-મવાસી વિસ્તારને માનવીય વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. તે ગાઝા શહેરના લોકોને આ જગ્યાએ સ્થળાંતરિત થવા માટે આદેશ આપી રહ્યું છે અને દબાણ કરી રહ્યું છે. ચિંતાનજક બાબત એવી છે કે, ઈઝરાયેલે પહેલાં જ્યારે લોકોને સ્થળાંતર માટે ચેતવણી આપી હતી ત્યારે જણાવ્યું નહોતું કે લોકોએ ક્યાં જવાનું છે.
તેઓ માત્ર માનવીય વિસ્તારમાં જતા રહે તેવું જણાવ્યું હતું. તેણે હુમલા કર્યા બાદ હવે જણાવ્યું કે, લોકોએ ક્યાં જવાનું છે. અલમવાસીની વાત કરીએ તો તે એક સમુદ્ર કિનારે આવેલો પટ્ટી જેવો વિસ્તાર છે. તે ઉત્તરમાં ડેર અલ બલાહ સુધી ફેલાયેલો છે. ઈઝરાયેલ તેને માનવીય વિસ્તાર કહે છે કારણ કે ત્યાં ક્યારેય હુમલા થાય નથી. હકિકત એવી છે કે, ઈઝરાયેલે ત્યાં પણ હુમલા કરેલા જ છે.
પેલેસ્ટાઈનના અધિકારીઓએ થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે, મે અને જૂન મહિનામાં ઈઝરાયેલે આ વિસ્તારમાં હુમલા કર્યા જ હતા.
ઉલ્લેખનીય છે કે, ખાન યૂનિસના લોકોને યુદ્ધ દરમિયાન ઘણી વખત શહેર ખાલી કરીને જવું પડયું હતું. ઈઝરાયેલ દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં હુમલા કરવામાં આવે છે.
પેલેસ્ટાઈન હવે ઈઝરાયેલના આ નવા આદેશ અને હુમલાઓ સામે કેવી સ્ટ્રેટેજી અપનાવે છે તે જોવા જેવું છે. જાણકારો માને છે કે. ડેર અલ બલાહમાં હવે ઈંધણ પણ વધ્યું નથી. ફ્યૂઅલની અછતને કારણે અને નષ્ટ થવાના કારણે લોકોને કિલોમીટરો સુધી ચાલતા જવાની ફરજ પડી રહી છે. લોકો ઘોડાગાડીઓ અને ઉંટગાડીઓ કે ગધેડાઓનો ઉપયોગ કરી રહ્યા છે પણ તેનાથી ખાસ મોટો વર્ઘ હેરફેર કરી શકે નહીં. સૂત્રોના મતે લોકો ઊંડા આઘાતમાં છે.
વારંવાર હુમલા, વારંવાર વિસ્થાપન અને વારંવાર ફરતા રહેવાના કારણે લોકો હતાશામાં આવી ગયા છે. થોડા સમય પહેલાં જ કેટલાક લોકોની વાત બહાર આવી હતી જેઓ પોતાનું ઘરબાર છોડીને એકાએક ભાગી નીકળ્યા હતા. લોકોએ જણાવ્યું કે, અમે ઈઝરાયેલના આદેશ બાદ બધું જ છોડીને નીકળી પડયા. તેઓ પહેલાં પૂર્વ ક્ષેત્રમાંથી નીકળ્યા અને ત્યાંથી યુરોપીય હોસ્પિટલ છાવણીમાં થયા. થોડા દિવસ પછી તેઓ રાફા ગયા અને ત્યાંથી તેઓ બાની સુહૈલા ગયા. તેઓ ત્યારબાદ નાસિર હોસ્પિટલ છાવણીમાં આવ્યા અને ત્યાંથી નીકળીને સોમૂદ છાવણીમાં પહોંચ્યા છે. હજી તેમણે સ્થળાંતર કરતા જ રહેવાનું છે. નાના બાળકો, વૃદ્ધો, બિમાર લોકો બધા જ વાહનની સગવડ વગર ચાલતા ચાલતા સ્થળાંતર કરી રહ્યા છે. લોકો પાસે ભોજન નથી, પાણી નથી, દવા નથી અને માત્ર મરવાની રાહ જોતા હોય તેવી સ્થિતિમાં જીવી રહ્યા છે.
64,000 લોકોનાં મોત થયા, 10 લાખથી વધારે લોકો વિસ્થાપિત
હમાસને પૂરું કરવા આકરાપાણીએ થયેલા ઈઝરાયેલે ગાઝા પટ્ટી ઉપર બેફામ હુમલા કર્યા છે. બે વર્ષ પહેલાં નેતન્યાહુએ કહ્યું હતું કે, હમાસને ખતમ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. આ કટ્ટરવાદીઓએ શરણાગતિ સ્વીકારી નહીં અને તેમનો અલગ સ્વતંત્ર પેલેસ્ટાઈન લેવાનો જંગ ચાલુ રાખ્યો. તેના જવાબમાં ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલ દ્વારા હમાસ ઉપર અને ગાઝા પટ્ટી ઉપર હુમલા શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલી ગાઝાના ૭૫ ટકા ભાગ ઉપર કબજો જમાવી લીધો છે. સૂત્રોના મતે આ યુદ્ધમાં ઈઝરાયેલના ૧૨૦૦ લોકોનાં મોત થયા છે અને ૨૫૧ને બંધક બનાવવાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના છોડાવી લેવાયા છે પણ ૫૦થી ૬૦ જેટલા બંધક હતી પણ ગાઝામાં છે. તેમાંથી કદાચ પચાસ ટકા જ જીવતા હોવાની આશા છે. બીજી તરફ ગાઝાએ જણાવ્યું કે, ઈઝરાયેલના અમાનુષી હુમલા અને અત્યાચારોને કારણે ગાઝામાં ૬૪,૦૦૦ પેલેસ્ટાનીઓના મોત થયા છે. આ ઉપરાંત ૧૦ લાખ કરતા વધારે વસતી વિસ્થાપિત થઈ ગઈ છે. હકિકતે તો સમગ્ર ગાઝા પટ્ટીની વસતી આંતરિક રીતે વિખેરાઈ ગઈ છે અને મોટાભાગના વિસ્તારો બરબાદ થઈ ગયા છે. થોડા સમય પહેલાં આવેલા એક અહેવાલે જણાવ્યું હતું કે, હવે ગાઝા પટ્ટીના દક્ષિણે જવા લોકોને આદેશ અપાયા છે તેનો સીધો અર્થ છે કે, ઉત્તરી વિસ્તારોમાં ગમે ત્યારે ઈઝરાયેલની સેના ઘુસી જશે અને ભયાનક યુદ્ધ થશે.
ઈઝરાયેલ દ્વારા ઘણા સમયથી ગાઝાના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે અને તેઓ હમાસ લડાકુઓને શોધી શોધીને ઠાર કરી રહ્યા છે. તે ઉપરાંત લોકોને ખસેડીને તેમની છાવણીઓમાં વલખાં મારવા માટે છોડી રહ્યા છે. લોકો સતત સ્થળાંતર કરીને મરી રહ્યા છે જ્યારે બાકીનાને ઈઝરાયેલ મારી રહ્યું છે. ઈઝરાયેલ કોઈપણ ભોગે ગાઝાપટ્ટીને પોતાના કાબુમાં લેવા માગે છે.








