Editorial

પોલિટિકલ વાયોલન્સથી અમેરિકાને મુક્તિ મળે તેમ નથી

By GS TEAM
12 Sep 20258 mins read
પોલિટિકલ વાયોલન્સથી અમેરિકાને મુક્તિ મળે તેમ નથી

- ગન કલ્ચર અને હિંસક માનસિકતાને પગલે કેનેડીથી શરૂ કરીને કિર્ક સુધી ઘણા નેતાઓની ગોળીમારી હત્યા કરાઈ

- અમેરિકાની આઝાદી હોય કે, તેનું સિવિલ વોર હોય કે રિકન્સ્ટ્રક્શન હોય કે સિવિલ રાઈટ્સ મુવમેન્ટ હોય, અમેરિકાએ મોટાપાયે પોલિટિકલ વાયોલન્સ જોયું છે. અમેરિકાના સર્જનથી માંડીને 2025 સુધીમાં ઘણા પોલિટિકલ વાયોલન્સ થયા છે અને ઘણા પોલિટિકલ અસેસિનેશન પણ થયા છે : 2011માં ગેબ્રિઅલ ગિફોર્ડ્સની ઉપર પણ ગોળીબાર કરાયો હતો. તે આમાંથી બચી ગયા હતા અને આ ગોળીબારમાં એક ફેડરલ જજ અને કોર્ટના કેટલાક સભ્યો તથા એક કોંગ્રેસવુમન સહિત છ લોકોનાં મોત થયા હતા : કિર્કની એકાએક કરવામાં આવેલી હત્યાએ ફરીથી રાજકીય વાતાવરણ ગરમ કરી નાખ્યું છે. લોકોમાં આવી રાજકીય હિંસાનો ભય વધી ગયો છે જ્યારે રાજકીય પક્ષો દ્વારા પોલિટિક હિંસા મુદ્દે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે

અમેરિકામાં વાયોલન્સ કે ગન કલ્ચર કંઈ નવી વાત નથી. લોકો હથિયારો રાખે છે, હુમલા કરે છે, હત્યા કરે છે તે ખૂબ જ સામાન્ય અને જૂની વાત છે. કાયદો અને વ્યવસ્થાની અત્યંત આકરી વ્યવસ્થા હોવા છતાં અમેરિકામાં ગુનાખોરીનું પ્રમાણ વધારે જ છે. તેમાંય અમેરિકા તેના પોલિટિકલ વાયોલન્સ માટે તો દુનિયાભરમાં પંકાયેલું છે. તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાથી અને યુવાન કન્ઝર્વેટિવ ઈન્ફ્લ્યુઅન્સર ચાર્લી કિર્કની હત્યા કરી દેવામાં આવી. તેઓ યુનિવર્સિટી ઓફ ઉટાહ ખાતે ગયા હતા ત્યાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માત્ર ૩૧ વર્ષના કિર્કને અમેરિકાવાસીઓ તેની ડિબેટ અને પોલિટિકલ સ્પીચ માટે વખાણતા હતા. તે ટ્રમ્પનો કટ્ટર સમર્થક હતો અને વિવિધ જગ્યાએ ડિબેટમાં ભાગ લેવા જતો હતો. અમેરિકાના યુવા મતદારોમાં અને ખાસ કરીને કન્ઝર્વેટિવ પોલિટિક્સમાં કિર્કનું નામ ખૂબ જ આગળ પડતું હતું. કિર્કની એકાએક કરવામાં આવેલી હત્યાએ ફરીથી રાજકીય વાતાવરણ ગરમ કરી નાખ્યું છે. લોકોમાં આવી રાજકીય હિંસાનો ભય વધી ગયો છે જ્યારે રાજકીય પક્ષો દ્વારા પોલિટિક હિંસા મુદ્દે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. 

ચાર્લી કિર્કનો જાદુ યુવાનોમાં ફેલાયેલો હતો. કન્ઝર્વેટિવ પોલિટિક્સમાં રસ દાખવતા લોકો અને યુવાનોમાં તેનો ક્રેઝ જબરદસ્ત હતો. કિર્કનું એક જૂથ સતત વિવિધ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં સજ્જ રહેતું જેથી યુવાનો ટ્રમ્પ તરફી વલણ છોડીને અન્ય કોઈ પક્ષ વિશે વિચારી પણ ન શકે. કિર્કનું પોલિટિકલ ઓર્ગેનાઈઝેશન ટ્રમ્પ માટે સક્રિય રીતે કામ કરતું આવ્યું છે. તેના ટર્નિંગ પોઈન્ટ યુએસએ નામની જે યુટયુબ ચેનલ છે તે ખૂબ જાણીતી છે. ૨૦૧૨માં આ સંસ્થાની શરૂઆત સોશિયલ મીડિયા પોઈન્ટ અને રેવન્યૂ જાણવાનો હતો. કિર્ક પાસે શરૂઆતમાં ૭૮ હજાર સમર્થકો હતા. ધીમે ધીમે તેની શરૂઆત માત્ર કોલેજ સ્તરે થઈ હતું. તેમાં એક દાયકામાં તોતિંગ ઉછાળો જોવા મળી  રહ્યો છે.  શરૂઆતમાં તેની રેવન્યૂ ૭૮,૦૦૦ ડોલર હતી જે અત્યારે વધીને ૧૨૯ મિલિયન ડોલર પહોંચી ગઈ છે. 

તેના દરેક પોડકાસ્ટ વીડિયોને ઓછામાં ઓછા ૫ લાખ લોકો જોતાં અને ૭.૫૦ લાખ ડાઉનલેડ થતા હતા. દુનિયાના ટોચના ૨૫ સૌથી વધારે સાંભળવામાં આવતા ઈન્ફ્લ્યુઅન્સરમાં તેનો સમાવેશ થતો હતો. એક્સ ઉપર પણ તેના ૭૦ લાખ ફોલોઅર્સ હતા. યુવાનોમાં કિર્કનો ક્રેઝ ખૂબ જ વધારે હતો. આ સોશિયલ મીડિયા ઉપર તેની હાજરી અને કામગીરી ઉપરાંત વાસ્તવિક જગતમાં પણ તેની લોકચાહના વધારે હતી. તેના જૂથમાં ૩,૬૦૦ સ્કુલ અને કોલેજોના ૨.૫૦ લાખ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા હતા. તે ઉપરાંત ૪૫૦ ફુલ અને પાર્ટ ટાઈમ સ્ટાફ પણ રાખવામાં આવ્યો હતો. ટીકટોક દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો કે, સૌથી વધારે લોકપ્રિય યુવા નેતા કોણ છે. તેમાં ત્રણ કેટેગરી રખાઈ હતી જેમાં માત્ર લેક્ચર્સ એટેન્ડ કરવા જતો હતો. તે ૩૦ વર્ષથી નીચેનો હતો અને તાજેતરમાં થયેલા ટિકટોકના સર્વેના કારણે જાણવા મળ્યું કે, ૩૦ કે તેનાથી ઉંમરના છોકરાઓ, છોકરીઓમાંથી મોટાભાગનાએ એવો જ જવાબ આપ્યો હતો કે, આ વખતે મતદાન દરમિયાન તેઓ સૌથી વધારે કોઈનાથી ઈન્ફ્લ્યુઅન્સ થયા હોય તો તે કિર્ક હતો. આ તમામ લોકોએ કિર્કથી પ્રભાવિત થઈને, તેના ઉપર વિશ્વાસ રાખીને ટ્રમ્પને ખોબલે ખોબલે મત આપ્યા હતા. 

કિર્કની કામગીરી અને તેની ભાષા તથા કેટલાક મુદ્દે આકરા વલણને કારણે પણ તે ચર્ચામાં હતો. ખાસ કરીને બ્લેક પીપલ, ટ્રાન્સ પીપલ, યહુદીઓ, ભારતીયો, ઈમિગ્રન્ટ્સ વગેરે વિશે તેના નિવેદનોએ ખાસ્સી ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત કોલેજોના ડાબેરી માનસિકતા ધરાવતા અને ડાબેરી નેતાઓથી પ્રભાવિત નેતાઓ સામે તેને વિરોધ હતો. તે ઘણી વખત ઓક્સફોર્ડ યુનિવર્સિટી કે અન્ય યુનિવર્સિટીમાં ઓપન માઈક ઈવેન્ટ રાખીને વિવિધ ચૂંટણી મુદ્દે ચર્ચા કરતો અને યુવાનોને પડકારતો હતો કે મને ખોટો સાબિત કરી બતાવો. આ ચડસા ચડસી, વિવાદ, આકરી ડિબેટ દ્વારા તે પોતાના ફોલોઅર્સની સંખ્યા લાખો લોકો દ્વારા વધારતો હતો. 

કિર્કની ખાસીયત એ હતી કે, તે ટ્રમ્પનો મોટો સમર્થક હતો. ૨૦૧૬માં તેણે ટ્રમ્પને સમર્થન આપવાની શરૂઆત કરી અને તેના માટે જે કટ્ટરવાદ શરૂ કર્યો ત્યાંથી તેના મૃત્યુ સુધી તેણે ક્યારેય પાછુવાળીને જોયું નહોતું. નવાઈની વાત એ છે કે, જ્યારે ૨૦૧૬માં એક્સેસ હોલિવૂડ ટેપ અને ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યુએસ કેપિટોલમાં હિંસાને ટ્રમ્પનું કારસ્તાન જાણ્યા પછી મોટા મોટા રિપબ્લિકન નેતાઓએ છેડો ફાડી નાખ્યો હતો. આ સંજોગોમાં પણ કિર્ક તેનો મક્કમ સમર્થક હતો. ટ્રમ્પની પોપ્યુલારિટીને વધારવાનું સાથે સાથે તેના સમર્થકોમાં વધારો કરવાનું તેને ફાવી ગયું હતું. તે કન્ઝર્વેટિવ સર્કલમાં ખૂબ જ જાણીતો થઈ ગયો હતો. તેના કારણે તે લાખો ડોલરનું ભંડોળ પણ ટ્રમ્પ માટે લાવી આપતે હતો. ટ્રમ્પ ઉપરાંત કેટલાક નેતાઓ માટે પણ કિર્ક અને તેના જૂથ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. તેની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે, રિપબ્લિકન પાર્ટીના સૌથી વૃદ્ધ ઉમેદવાર એવા ટ્રમ્પ માટે તેણે સૌથી વધારે વોટ યુવાનોના લાવી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચાર્લી કિર્કની હત્યા અમેરિકન રાજકારણમાં વર્તમાન સમયમાં મોટી ઘટના છે. જો કે, તેની પહેલાં પણ ઘણા નેતાઓ ઉપર હુમલા થયા છે તો ઘણા નેતાઓની સરાજાહેર હત્યા પણ કરવામાં આવી છે. અમેરિકન રાજકારણમાં હિંસા અને હત્યા અવિભાજ્ય અંગની જેમ જોડાઈ ગયા છે. આ રાજકીય હિંસામાં તાજેતરમાં જ નામ આવે છે મેલિસા હોર્ટમેનનું. તેમને થોડા સમય પહેલાં જ ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી અને પોલિસ એક ગનમેનને પકડયો હતો. ગત વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકન પ્રમુખપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો. તેમાં રેલીમાં આવેલી એક વ્યક્તિનું મોત થયું હતું અને ટ્રમ્પને કાન ઉપર ઈજા થઈ હતી.

સ્ટીવ સ્કેલાઈસને પણ ૨૦૧૭માં ગોળી મારવામાં આવી હતી. તત્કાલિન રિપબ્લિકન નેતાને ચેરિટી બેઝબોલ ગેમ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. તેવી જ રીતે ૨૦૧૧માં ગેબ્રિઅલ ગિફોર્ડ્સની ઉપર પણ ગોળીબાર કરાયો હતો. તે આમાંથી બચી ગયા હતા અને આ ગોળીબારમાં એક ફેડરલ જજ અને કોર્ટના કેટલાક સભ્યો તથા એક કોંગ્રેેસવુમન સહિત છ લોકોનાં મોત થયા હતા. તેમની પહેલાં અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રેગન ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયે વોશિંગ્ટના હોટેલ હિલ્ટન ખાતે રોનાલ્ડ રિગન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ રેગન ૧૨ દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, રેગન પહેલાં અમેરિકી રાજનેતાની ૧૯૭૮માં હત્યા કરવામાં આવી હતી. સાન ફ્રાન્સિસ્કોના રાજકારણી હાર્વે મિલ્કને ગે રાઈટ્સ માટે કામ કરવા બદલ અને તેમનું સમર્થન કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તેમને ગોળી મારવામાં આવી હતી અને તેમનું મોત થયું હતું. તેઓ અમેરિકાના પહેલાં મુક્ત રીતે પોતાને ગે જાહેર કરનારા નેતા હતા. તેઓ જાતીગત ભેદભાવને ઓછા કરીને લોકોને લાભ આપવાના વિચાર માટે જાણીતા થયા હતા. તેવી જ રીતે ૧૯૭૨માં ચૂંટણી પ્રચાર દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જ્યોર્જ વાલેસ ઉપર ગોળીબાર કરાયો હતો. તેમને ચાર ગોળીઓ વાગી હતી અને તેઓ આખી જિંદગી પેરલાઈઝડ રહ્યા હતા. વિયેતનામ યુદ્ધના સમયગાળામાં તેમના નિવેદનોના કારણે ઘણા લોકો તેમનાથી રોષે ભરાયેલા હોવાનું તારણ આવ્યું હતું.

અમેરિકાનું સર્જન થયું ત્યારથી પોલિટિકલ વાયોલન્સ તેનો ભાગ છે 

કિર્કની હત્યા તે અમેરિકાના પોલિટિકલ વાયોલન્સની માત્ર નવી કડી છે. આ પહેલાં ચૂંટણી અને રાજકારણના નામે ઘણી હિંસા અને હત્યાઓ થઈ છે.

 દરેકની લાંબી કે ટૂંકી અસર રહેતી હોય છે. અમેરિકાની આઝાદી હોય કે, તેનું સિવિલ વોર હોય કે રિકન્સ્ટ્રક્શન હોય કે સિવિલ રાઈટ્સ મુવમેન્ટ હોય, અમેરિકાએ મોટાપાયે પોલિટિકલ વાયોલન્સ જોયું છે. અમેરિકાના સર્જનથી માંડીને ૨૦૨૫ સુધીમાં ઘણા પોલિટિકલ વાયોલન્સ થયા છે અને ઘણા પોલિટિકલ અસેસિનેશન પણ થયા છે. અમેરિકાની દરેક પેઢીમાં આવા વાયોલન્સ જોવાના અને ભોગવવાના આવ્યા છે. અમેરિકાના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ચૂંટણી અધિકારીઓ, ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો, રાજકીય પક્ષોના નેતાઓ અને પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સામે છેલ્લાં કેટલાક સમયમાં રાજકીય હિંસા વધી ગઈ છે જે અમેરિકાના ભૂતકાળમાં આવી નહોતી. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝનો એક અભ્યાસ જણાવે છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં જે પોલિટિકલ વાયોલન્સ થયું છે તે પહેલાના ૨૫ વર્ષમાં જોવા નથી મળ્યું. 

આવી હિંસાના કારણે ઘણા નેતાઓએ ચૂંટણી માંડીવાળી તો ઘણાએ પોતાના પક્ષ બદલી કાઢયા તો ઘણાએ વોટ આપવાનું પણ ટાળી દીધું હતું. ઘણા લોકો હિંસાના ભયથી રાજકારણમાંથી જ નિવૃત્ત થઈ ગયા. જાણકારોમાં એક જ ચર્ચા છે કે, અમેરિકામાં ક્યાં સુધી આવું પોલિટિકલ વાયોલન્સ જોવા મળશે. અમેરિકા કઈ હદ સુધી અને કઈ કિંમત ચુકવીને ચૂંટણીઓ કરશે કે કરાવશે. 

જ્હોન કેનેડી અને તેમના ભાઈ રોબર્ટ કેનેડીની પણ હત્યા કરાઈ હતી 

અમેરિકન નેતાઓ અને પ્રમુખો ઉપર હુમલાની અનેક ઘટના છે પણ તેમની હત્યાના કિસ્સા પણ ઓછા નથી. ૧૯૬૮માં તત્કાલિન અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીના ભાઈ રોબર્ટ કેનેડીની હત્યા કરવામાં આવી હતી. તેઓ ડેમોક્રેેટિક પાર્ટી તરફથી પ્રમુખપદની રેસમાં હતા. કેલિફોર્નિયા ખાતે તેમની હત્યા કરવામાં આવી હતી. તે જ વર્ષમાં માર્ટિન લ્યુથર કિંગની પણ હત્યા કરવામાં આવી હતી. સિવિલ રાઈટ્સના પ્રણેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની ટેનીસી ખાતે હત્યા કરવામાં આવી હતી. તેમના હત્યારા જેમ્સ રેયની ધરપકડ કરાઈ હતી. તે ૧૯૯૮માં સજા ભોગવવા દરમિયાન મૃત્યુ પામ્યો હતો. બીજી તરફ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના પરિવારજનો પોલિસ પકડેલા ગુનેગારને ખરેખર સાચો ગુનેગાર છે કે નહીં તે મુદ્દે અવઢવમાં હતો. તેમની પહેલાં ૧૯૬૫માં માલ્કમ એક્સની હત્યા કરાઈ હતી. જાતીગત ભેદભાવને કાબુ કરવા કાયદો લાવવાનો પ્રયાસ કરવા દરમિયાન નારાજગીને પગલે તેમના ઉપર હુમલો કરાયો હતો. આ યાદીમાં બીજું મોટું નામ છે જ્હોન એફ કેનેડી. અમેરિકન પ્રમુખ તેમની પત્ની સાથે ૧૯૬૩માં કારમાં જતા હતા ત્યારે ડેલાસ, ટેક્સાસ ખાતે તેમના ઉપર લી હાર્વે ઓરવાલ્ડ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં કેનેડીનું અવસાન થયું હતું. આમ અમેરિકાની ચૂંટણી, નેતા અને રાજકારણ હંમેશા હત્યા અને હિંસાથી ઘેરાયેલા જ રહ્યા છે.