ગાઝા સમજૂતી : ખરેખર શાંતિ સ્થપાશે કે પ્રસિદ્ધિ માટે ટ્રમ્પનું વધુ એક તૂત

- ઈઝરાયેલ અને હમાસ દ્વારા શાંતિ જાળવવાની, હથિયારો સોંપવાની અને સેના પાછી લેવાની સમજુતી કરાઈ છે પણ તે પરીપૂર્ણ થશે કે નહીં તે સવાલ
- પહેલા તબક્કામાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ ગાઝામાંથી પાછા ખસવાનું શરૂ કરશે અને સહમતી રેખા સુધી પાછા જતા રહેશે, બીજી તરફ હમાસ દ્વારા ઈઝરાયેલના કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવશે : ઈઝરાયેલ જણાવે છે કે, તેને હમાસની શરતો માનવાની અને બંધકોને છોડવાની વાત ઉપર વિશ્વાસ નથી. બીજી તરફ હમાસ પણ ઈઝરાયેલ શાંત રહે તે વાત સ્વીકારવા તૈયાર નથી : ગાઝામાં હોસ્પિટલો, ખેતી, બજારો, મકાનો, યુનિવર્સિટીઓ, કોલેજો બધું જ નષ્ટ થઈ ગયું છે. ગાઝાના 90 ટકા મકાનો ક્ષતિગ્રસ્ત છે અથવા નષ્ટ થઈ ગયા છે. આ યુદ્ધમાં 67,000 લોકોનાં મોત થયા છે. 1.70 લાખથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાતમી આક્ટોબર ૨૦૨૩થી ચાલી રહેલા યુદ્ધમાં આખરે શુક્રવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦ મુદ્દાના પ્રસ્તાવો પરનો યુદ્ધવિરામ કરાર ગાઝામાં અમલમાં આવ્યો હતો. જો કે, ઉત્તરી ગાઝામાં ભારે ગોળીબારના અહેવાલો સામે આવતા શાંતિ સ્થાપિત થવા અંગે શંકાઓ ઊભી થઈ છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (ૈંઘખ) એ જાહેરાત કરી હતી કે હમાસ સાથેના યુદ્ધવિરામ કરાર બાદ તેમના સૈનિકો ગાઝામાંથી પાછા ફરી રહ્યા છે. યુદ્ધવિરામ કરાર બાદ એવી આશા છે કે તે ગાઝામાં અસ્થિરતા અને વધતી જતી માનવતાવાદી કટોકટીને અટકાવીને શાંતિ તરફનું એક સકારાત્મક પગલું હોઈ શકે છે. જો કે, યુદ્ધવિરામ કરારની શરતો અને તેના અમલીકરણની વિગતો હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી. અમેરિકાની મધ્યથી થકી થયેલી સમજૂતી પ્રમાણે ઇઝરાયેલની કેબિનેટની મંજૂરી મળ્યાના ૨૪ કલાકમાં આ શાંતિ યોજના ઇઝરાયેલ અમલી બનાવશે. તેના ભાગરૂપે ઇઝરાયેલ શુક્રવાર કે શનિવારથી હુમલા રોકશે.
ઇઝરાયેલના હુમલા રોક્યાના ૭૨ કલાક પછી હમાસ ૨૦ અપહૃતોને મુક્ત કરશે. ઉલ્લેખનીય છે કે, હમાસે આ અપહ્યતોને ૭મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કરેલા હુમલામાં ઉઠાવ્યા હતા. ઇઝરાયેલ પણ લગભગ બે હજારથી વધારે પેલેસ્ટાઇનીઓને છોડશે. આ સમાધાનને ગાઝા યુદ્ધ ખતમ કરવાની દિશામાં પ્રથમ પગલું માનવામાં આવે છે. પ્રમુખ ટ્રમ્પના ૨૦ સૂત્રીય પ્લાનને લઈને હજી પણ ઘણી બધી બાબતો પર અસંમતિ છે, પરંતુ તેના પ્રથમ તબક્કાના અમલને લઈને ઇઝરાયેલ અને હમાસ સંમત થઈ ગયા છે. જ્યારે બાકીની બાબતો પર ચર્ચા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનું સફળ અમલીકરણ સુનિશ્ચિત કરશે. આ દરમિયાન ઇઝરાયેલે અગાઉ જેમ અપહ્યતોને છોડવામાં આવ્યા હતા તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેથી આ વખતે અપહૃતોને હમાસ સન્માનજનક રીતે છોડશે અને તેના પ્રોપગેન્ડાનો કોઈપણ રીતે પ્રચાર નહીં કરે તે પૂર્વશરત રાખવામાં આવી છે.
ઈઝરાયેલ અને ગાઝાના આ સમાધાન વિશે લોકોના મનમાં શંકા છે. ખાસ કરીને આ બંને દેશોના લોકોના જ મનમાં અનેક સવાલો ઊભો થઈ રહ્યા છે. ખાસ કરીને બંને દેશોના લોકોને જ એક તરફ આનંદ છે તો બીજી તફ શંકા છે કે, આ ડીલ લાંબો સમય ચાલશે કે નહીં. બંને દેશો એકબીજાની શરતોને આધિન રહીને કામગીરી કરશે તેના વિશેની ખાતરી માગવામાં આવી રહી છે. ઈઝરાયેલ જણાવે છે કે, તેને હમાસની શરતો માનવાની અને બંધકોને છોડવાની વાત ઉપર વિશ્વાસ નથી. બીજી તરફ હમાસ પણ ઈઝરાયેલ શાંત રહે તે વાત સ્વીકારવા તૈયાર નથી. ખરેખર આ શાંતિ સ્થપાવાની શરૂઆત થઈ તો આગળ શું થશે તે જાણવા જેવું તો છે. બંને દેશો કેટલા દિવસ સુધી શાંત રહે છે અને સ્થિતિ કાબુમાં રહે છે તે આગળ ખબર પડશે.
દુનિયાના મોટાભાગના દેશો દ્વારા ગાઝા અને ઈઝરાયેલના આ પગલાને આવકારવામાં આવ્યું છે. હવે ખાસ વાત એ છે કે, આ સમજુતી ક્યારે અમલમાં આવશે અને તેમાંથી કેટલા મુદ્દા ઉપર અમલ થશે. અત્યાર સુધીના બંનેના યુદ્ધને કારણે ૬૭,૦૦૦થી વધારે લોકોનાં મોત થઈ ગયા છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો ઈઝરાયેલી કામગીરીને નરસંહાર ગણાવી રહી છે. હવે ખરેખર એ જ જોવાનું છે કે, આગળ શું થાય છે. બંને દેશો વચ્ચે સહમતી તો બની ગઈ છે પણ આ શાંતિ યોજનાનો પહેલો તબક્કો કેટલો ઝડપી અમલમાં આવે છે અને કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે.
પહેલા તબક્કાની શરતોની વાત કરીએ તો બંને દેશોએ રજૂઆત કરી છે કે, તેમના કેદીઓને ઝડપથી મુક્ત કરવામાં આવે. એક તરફ હમાસ ઈઝરાયેલના બંધકોને મુક્ત કરશે અને બીજી તરફ ઈઝરાયેલ હમાસના કેદીઓને જવા દેશે. ઈઝરાયેલે આ કેદીઓને ગાઝા શહેરમાંથી જ પકડયા હતા. તે ઉપરાતં એવી પણ સહમતી સાધવામાં આવી છે કે, તબક્કાવાર રીતે ઈઝરાયેલ દ્વારા પોતાના સૈનિકોને પરત બોલાવવામાં આવશે. બંને દેશો વચ્ચે નક્કી થયેલી સહમતીની સરહદ ઉપરથી આ સૈનિકો પાછા જતા રહેશે. ઉલ્લેખનીય છે કે, હજી પણ ગાઝા શહેર અને ઈઝરાયેલ વચ્ચેની સહમતી રેખાને સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી નથી કે જાહેર કરવામાં આવી નથી. એ વાત નક્કી છે કે, ઈઝરાયેલના સૈનિકો ગાઝા શહેરની બહાર નીકળી જશે. તેઓ ગાઝા શહેરની બહાર એવા સ્થાને અડિંગો જમાવશે જ્યાંથી તેઓ ગાઝા શહેર ઉપર નજર રાખી શકે.
એક અહેવાલ પ્રમાણે અમેરિકા દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે બધું જ ગોઠવાઈ ગયું છે અને તેઓ તમામ રીતે શાંતિ જાળવવા માટે સહમત થઈ ગયા છે. વાસ્તવિકતા તેનાથી જુદી છે. હજી ઘણા મુદ્દા એવા છે જેના માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગંભીર મતભેદ સર્જાયેલા છે. ઘણા મહત્ત્વના મુદ્દા બાકી છે જેના ઉપર સહમતી હજી સધાઈ જ નથી. ખાસ કરીને ઈઝરાયેલનો સૈનિકો પાછા બોલાવવાનો સમય અને ઈઝરાયેલી સેના પાછા જવાની સરહદ, ગાઝા પટ્ટીમાં ફરીથી સર્જન કાર્યો શરૂ કરવા અને હમાસનું ભવિષ્ય નક્કી કરવું જેવા મુદ્દા મહત્ત્વના છે. હાલમાં તો માત્ર શરૂઆતના તબક્કામાં જ સહમતી સધાઈ છે અને ઘણું કામ કરવાનું બાકી છે. બંને પક્ષો હાલમાં કેદીઓની અદલાબદલી કરશે પણ કેટલા પ્રમાણમાં કરશે તે પણ નક્કી થયું નથી. ટ્રમ્પ એવા બણગા મારે છે કે, હમાસ દ્વારા કેદીઓને છોડી દેવામાં આવશે એટલે યુદ્ધ અને સંઘર્ષ પૂરો થઈ જશે. બીજી તરફ ઈઝરાયેલનું સ્પષ્ટ માનવું છે કે, હમાસ જ્યાં સુધી શસ્ત્રો નહીં મુકે ત્યાં સુધી યુદ્ધ પૂરું થયેલું ગણાશે નહીં.
અહેવાલો પ્રમાણે હમાસ દ્વારા કેદીઓને છોડવામાં આવશે અને મૃતકોના મૃતદેહ પરત સોંપવામાં આવશે તે પછી યુદ્ધ વિરામ જારી ગણાશે. હમાસ દ્વારા કેદીઓને છોડવા માટે ૭૨ કલાકનો સમય આપવામાં આવ્યો છે. તેઓ કેદીઓ છુટયાના ૭૨ કલાકની અંદર ઈઝરાયેલના કેદીઓને છોડવાનું ચાલુ કરી દેશે. ઈઝરાયેલ માને છે કે, આ કામગીરી શનિવારથી જ શરૂ કરવામાં આવશે. ઈઝરાયેલે સૈનિકો પાછા બોલાવવાની શરૂઆત કરી છે અને હવે તેને પગલે હમાસ પણ બંધકોને છોડનું શરૂ કરી દે તો નવાઈ નહીં. બીજી તરફ ગાઝામાં આ સમાચાર જાહેર થતાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. લોકો આ સમાચારથી આનંદમાં આવી ગયા હતા. બીજી તરફ તેઓ આ ઘટનાથી આનંદમાં આવી ગયા છે. હવે તેમનો આનંદ કેટલો સમય ટકે છે તે જોવાનું રહ્યું.
ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ પણ જણાવ્યું હતું કે, ગુરુવારે મંજૂરી અપાયા બાદ શુક્રવારથી સેના પાછી લેવાનું શરૂ કરવામાં આવશે. શનિવારથી હમાસે કેદીઓને છોડવાનું શરૂ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝાનો સોથ વળી ગયો છે. ગાઝામાં સામાન્ય જીવન જીવવાના મોટાભાગના સ્રોત નષ્ટ થઈ ગયા છે. હોસ્પિટલો, ખેતી, બજારો, મકાનો, યુનિવર્સિટીઓ, કોલેજો બધું જ નષ્ટ થઈ ગયું છે. ગાઝાના ૯૦ ટકા મકાનો ક્ષતિગ્રસ્ત છે અથવા નષ્ટ થઈ ગયા છે. આ યુદ્ધમાં ૬૭,૦૦૦ લોકોનાં મોત થયા છે. ૧.૭૦ લાખથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે પણ હજારો લોકોના મૃતદેહ કાટમાળ નીચે ફસાયેલા છે અને સડી રહ્યા છે. ૨૦,૦૦૦થી વધારે બાળકો સાવ અનાથ અને એકલા થઈ ગયા છે. જાણકારોના મતે ગાઝાનું ફરીથી નિર્માણ કરવામાં આવે તો અંદાજે ૧૫ વર્ષથી વધુનો સમય અને ૫૦ અબજ ડોલરથી વધારેનો ખર્ચ થાય તેમ છે. ત્યારે આ શહેર ફરીથી રહેવા લાયક બની શકે તેમ છે.
યુદ્ધ વિરામ થયા પછી પણ આ સવાલોના ઉકેલ મળવા મુશ્કેલ છે
૧. આ સમજૂતીમાં ક્યાંય સ્પષ્ટ નથી કે હમાસે ક્યારે અને કેવી રીતે હથીયારો છોડવાના છે. તેઓ સંપૂર્ણ રીતે હથીયારો છોડી દેશે અને શાંતિ સ્થપાઈ જશે તેવી પણ કોઈ સ્પષ્ટતા નથી. ઈઝરાયેલ ઈચ્છે છે કે, હમાસ તમામ શસ્ત્રો અને શસ્ત્રાગારો સોંપી દે અને એક સંગઠન તરીકે પણ પોતાની ઓળખ છોડીને વિખરાઈ જાય. જાણકારો માને છે કે, હમાસ કદાચ મોટા હથિયારો અને રોકેટ તથા મિસાઈલ્સ કે ડ્રોન આપી દે પણ આત્મરક્ષા માટે નાના હથિયારો, બંધૂકો અથવા તો પોતાના સુરંગ નેટવર્કનો નકશો તો ક્યારેય નહીં આપે. આ સંજોગોમાં ઈઝરાયેલ સમાધાન લાંબું ચલાવશે કે કેમ?
૨. બીજો સવાલ અહીંયા એ આવે છે કે, જો હમાસ શાસન છોડી દે, હથિયાર છોડી દે અને સંગઠન પણ ન રહે તો ગાઝામાં શાસન કરશે કોણ. સરકાર, યુએન, કોઈ આંતરરાષ્ટ્રીય કમિટી કે પછી બીજું કોઈ તેના વિશે સમજુતીમાં કોઈ ઉલ્લેખ નથી. એક અહેવાલ એવા છે કે, અમેરિકાની આગેવાનીમાં એક આંતરરાષ્ટ્રીય સમિતિ આ દેશ સંભાળશે જેને બોર્ડ ઓફ પીસ નામ આપવામાં આવશે. આ બોર્ડના નિરિક્ષણ હેઠળ એક સૈન્યદળ પણ હશે જે સરહદો અને આંતરિક કાયદો વ્યવસ્થાનું પણ ધ્યાન રાખશે. જો કે આ મુદ્દે હજી કશું જ નક્કી થયું નથી.
૩. આ સમજુતીમાં ત્રીજો મોટો મુદ્દો આવે છે કે, ઈઝરાયેલની સેના ક્યાં સુધી પાછી જશે. હમાસ દ્વારા પણ આ જ સવાલ કરવામાં આવી રહ્યો છે. અહીંયા ટ્રમ્પ ખાતરી આપે છે કે, હમાસ અને ઈઝરાયેલ તમામ બંધકોને છોડી દેશે અને ઈઝરાયેલની સેના પણ ગાઝામાંખી પાછી જતી રહેશે. આ સેના ક્યાં સુધી જશે અને ક્યારે જશે તેની કોઈ સ્પષ્ટતા નથી. અત્યાર જે સહમતી ક્ષેત્રની વાત કરી છે તેની બહાર સેના જતી રહે તો પણ ગાઝાનો ૫૮ ટકા હિસ્સો ઈઝરાયેલના નિયંત્રણમાં આવે તેમ છે. કેટલાક કહે છે કે, ઈઝરાયેલની સેના પૂર્વી ગાઝામાં પણ રહેશે અને તેની સાથે મિસર અને અન્ય સેના પણ જોડાશે. હમાસ આ સ્વીકારે છે કે નહીં તે જોવાનું રહ્યું.
૪ આ કેસમાં ચોથો સવાલ એ છે કે, ગાઝાવાસીઓને માનવીય સહાય કેવી રીતે મળશે અને પુન:નિર્માણની જવાબદારી કોણ લેશે, કેવી રીતે બધું થશે. અહીંયા રસ્તા, મકાનો, હોસ્પિટલ, વીજળી, પાણી, ભોજન, શિક્ષણ અને બધી જ પાયાગત સુવિધાઓ કેવી રીતે ઊભી થશે અને કોના માધ્યમથી કરવામાં આવશે. હાલમાં ઘણા દેશો દ્વારા સંયુક્ત રીતે યુએનની હેઠળ સહાય મોકલવાનું સ્વીકારવામાં આવ્યું છે અને તેઓ મોકલી પણ રહ્યા છે. ખરેખર બોર્ડ ઓફ પીસ અહીંયા બધી જ સ્થિતિ સંભાળી શકશે અને લોકોને તમામ સામગ્રી પહોંચાડી શકશે તેના વિશે અસમંજસ ચાલી રહ્યું છે.









