ડોક્ટર,બુદ્ધિજીવીઓ આતંકવાદ ફેલાવે છે છતાં તપાસ એજન્સીઓ અજાણ

- નિષ્ફળતા કે બેદરકારી : પહલગામ કેસમાં પણ આતંકી હુમલાની પહેલાં કોઈ ટિપ મળી નહોતી અને દિલ્હી બ્લાસ્ટ વિશે પણ એજન્સીઓ અંધારામાં
- આતંકવાદી પ્રવૃત્તિઓ અને તેની સાથે સંકળાયેલી કામગીરીઓની તપાસ અને પગલાં લેવા 31 ડિસેમ્બર 2008ના રોજ આ વિશેષ એજન્સીની રચના કરવામાં આવી હતી : એનઆઈએ દ્વારા આતંકવાદ, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય રાષ્ટ્રીય જોખમો સાથે સંકળાયેલા ગુનાઓની તપાસ કરવામાં આવે છે. તેમાં આતંકવાદી હુમલા, કાવતરા, નકલી નોટોની તસ્કરી, વિસ્ફોટક પદાર્થોની તસ્કરી અને અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે : આ કેસમાં જૈશની મહિલા વિંગ જમાન ઉલ મોમિનાતની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. શાહીન જૈશ અને અંસાર ગજવત-ઉલ-હિંદ સહિત ઘણા પાકિસ્તાની આતંકી સંગઠનોના સંપર્કમાં હતી. તે દિલ્હી સહિત ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં આતંકી હુમલા કરવાની ફિરાકમાં હતી
દિલ્હીમાં તાજેતરમાં થયેલા જબરદસ્ત કાર વિસ્ફોટની ઘટના હકિકતે આતંકી હુમલો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનામાં ૧૧ લોકોનાં મોત થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની વ્યાપક અસર થઈ હતી. દુકાનો, મકાનો અને ઈમારતો ધ્રુજી ગયા હતા. ઘણા કિ.મી દૂર સુધી આ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. હવે આ બ્લાસ્ટના કેટલાક કલાકો બાદ કેન્દ્ર સરકારે આ આતંકી હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીને સોંપી છે. એનઆઈએ દ્વારા આતંકવાદ સાથે સંકળાયેલી બાબતોની તપાસ કરવામાં આવે છે.
જાણકારોના મતે મોટા ઉપાડે એનાઈએને તપાસ સોંપવામાં આવી છે પણ હકિકતે એનઆઈએ આ તપાસ પૂર્ણ કરી શકશે અને તેના દ્વારા જે આતંકીઓ પકડાશે તેને સજા મળશે તેની કોઈ ખાતરી નથી. સૂત્રોના મતે દેશની રાજધાનીમાં લાલ કિલ્લા પાસે આટલો મોટો વિસ્ફોટ થાય છે તેની કોઈ ગુપ્ત માહિતી કે ટિપ કોઈની પાસે નહોતી. દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ હોય કે એનઆઈએ હોય બધા જ નિષ્ફળ ગયા છે.
હવે બ્લાસ્ટ થઈ ગયો છે, આતંકીઓ પોતાનું કામ કરી ગયા છે ત્યાં હવે એનઆઈએને તપાસ સોંપીને કેટલું કામ થશે તે ચર્ચાનો વિષય છે. એનઆઈએની કામગીરી ખાસ વખાણવા લાયક રહી નથી. તેને મળેલા કેસમાંથી માત્ર ૨૦ ટકા કેસ જ ઉકેલાયા છે જ્યારે બાકીના ૮૦ ટકા કેસ હજી પણ તપાસમાં, કોર્ટમાં, બીજા સ્તરે અટકેલા છે. તેની પાસે હાલમાં ૫૫૦થી વધારે પેન્ડિંગ કેસ ચાલી રહ્યા છે. ગત વર્ષે આતંકવાદ અને અન્ય બાબતના ૮૦ કેસ ઉમેરાયા હતા. આ વર્ષનો કુલ આંકડો થવાનો તો હજી બાકી છે પણ એજન્સીની કામગીરી અને નેટવર્કની નિષ્ફળતાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે.
જાણકારો માને છે કે, દેશમાં આટલી ભયાનક રીતે દેશની રાજધાનીમાં હુમલો થાય અને તેના વિશે કોઈને જાણ ન હોય તે ખરેખર ચિંતાજનક છે. પહલગામ હુમલામાં પણ આતંકીઓ આવીને નિર્દોષોની હત્યા કરી ગયા અને એજન્સીઓને ખબર નહોતી તેવી જ રીતે દિલ્હી બ્લાસ્ટ વિશે પણ એજન્સીઓને કશું જ ખબર નહોતી અને હાલમાં પણ અંધારામાં તીર ચલાવી રહ્યા છે.
એનઆઈએ જેવી સંસ્થા કે જેને કેન્દ્ર સરકારે તમામ સત્તા અને પાવર આપેલા છે છતાં તે આતંકીઓની ભાળ મેળવી શકતી નથી. ડોક્ટર્સ અને બુદ્ધિજીવીઓ આતંકવાદની પ્રવૃત્તિઓ કરે છે, દેશમાં બ્લાસ્ટના પ્લાનિંગ કરે છે અને એજન્સીઓ સાવ અંધારામાં રાચી રહી છે. તેમની પાસે કોઈ માહિતી જ નથી. ડોક્ટર સ્તરની વ્યક્તિઓ જે દરરોજ સામાન્ય લોોકની વચ્ચે રહે છે, કામ કરે છે અને સાથે સાથે આતંકવાદ ફેલાવે છે, કટ્ટરતા ફેલાવે છે અને તેની કોઈને જાણ જ નથી. આ રીતે જોઈએ તો દેશમાં કેટલા આવા ગુપ્ત નેટવર્ક હશે. આતંકીઓના સ્લિપર સેલ હશે જેના વિશે આપણી ગુપ્તચર એજન્સીઓ અને તપાસ એજન્સીઓ અંધારામાં છે. એનઆઈએને તપાસ સોંપીને ખાસ કંઈ થયું નથી. જે એજન્સીને હુમલાની કે આતંકીઓની કામગીરીની આગોતરી કોઈ જાણ જ નથી, કોઈ કડી જ નથી તે હવે આતંકી શોધીને લોકોને કેટલો ન્યાય આપી શકશે કે અપાવી શકશે તેની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારે પહેલી વખત મુંબઈ શહેરમાં મોટો આતંકવાદી હુમલો થયો ત્યારે પહેલી વખત આવી ઘટનાઓની તપાસ અને ત્યારબાદના એક્શન માટે એક અલગ અને મજબૂત એજન્સીની જરૂર ઊભી થઈ હતી. તે વખતે ચર્ચાયું કે માત્ર એન્ટી ટેરર ઈન્વેસ્ટિગેટિવ એજન્સી જ નહીં પણ આ એજન્સી એવી હોવી જોઈએ જે આતંકવાદને અટકાવવા, તેની તપાસ કરવા અને તેની સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવા માટે સક્ષમ હોય. એનઆઈએની સ્થાપના ૩૧ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ ૨૦૦૮ના રોજ કરવામાં આવી હતી. આતંકવાદી પ્રવૃત્તિઓ, આતંકી હુમલા અને તેની સાથે સંકળાયેલી કામગીરીઓની તપાસ અને તેની આગળની કામગીરી કરવા માટે આ વિશેષ એજન્સીની રચના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો તેણે ભારતની તત્કાલિન ગુપ્તચર સંસ્થાઓ અને તપાસ એજન્સીઓની કામગીરી અને નબળા નેટવર્કને ઉઘાડા પાડી દીધા હતા. રાજ્ય સ્તરે પણ સરહદોની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લિંક અને કામગીરીના અભાવે તપાસમાં વિલંબ થવો, તપાસ અટકી જવી જેવી સમસ્યાઓ સમસ્યા આવતી હતી. તેના કારણે જ આવા કિસ્સામાં કોઈપણ પ્રકારના બંધન વગર અને વિશેષ અધિકારો સાથે કામગીરી કરી શકે તેવી કેન્દ્રીય એજન્સીની જરૂર સમજાઈ અને એનઆઈએની રચના કરવામાં આવી.
એનઆઈએ દ્વારા આતંકવાદ, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય રાષ્ટ્રીય જોખમો સાથે સંકળાયેલા ગુનાઓની તપાસ કરવામાં આવે છે. તેમાં આતંકવાદી હુમલા, આતંકી કાવતરા, નકલી નોટોની તસ્કરી, વિસ્ફોટક પદાર્થોની તસ્કરી અને તેની સાથે સંકળાયેલા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. એનઆઈએની સૌથી મોટી ખાસીયત એ છે કે, તે સમગ્ર દેશમાં કોઈપણ રાજ્ય સરકારની પરવાનગી લીધા વગર તપાસ કરી શકે છે. તેની પાસે જાતે જ કોઈપણ કેસમાં તપાસ કરવાની સત્તા છે. ૨૦૧૯ના સુધારા બાદ તે દેશની બહાર થયેલા ગુના અને દેશની બહારથી ઓપરેટ થતા ગુનાની તપાસ પણ કરવા સક્ષમ થઈ ગઈ છે. તેના માટે ભારતે વિદેશો સાથે સંધિઓ કરેલી હોવી જોઈએ અને વિદેશી કાયદા તેની મંજૂરી આપતા હોવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આતંકવાદ વિરોધી સંગઠનો સાથેની સમજૂતી અને અન્ય કામગીરીઓનં પણ અમલીકરણ કરવાની જવાબદારી એનઆઈએ પાસે છે.
એનઆઈએ ગૃહમંત્રાલયને આધિન કામ કરે છે. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સમગ્ર દેશમાં તેની આઠ અન્ય કચેરીઓ પણ છે. તેમાં આઈપીએસ, આઈઆરએસ અને કેન્દ્રીય સશસ્ત્રદળની સાથે સાથે રાજ્ય પોલીસના અધિકારીઓ પણ ડેપ્યુટેશન પર ફરજ બજાવવા આવતા હોય છે. સામાન્ય રીતે આતંકવાદ સંબંધી ઘટનાઓ પછી તેની તપાસનું કામ એનઆઈએને સોંપવામાં આવે છે. કેન્દ્ર ગૃહ મંત્રાલય એનઆઈએને આવી ઘટનાઓની તપાસ સોંપી જ દેતું હોય છે. રાજ્ય સરકારને પણ જો કોઈ કેસ વધારે ગુંચવણ ભરેલો અને આતંકી નેટવર્ક સાથે જોડાયેલો લાગે તો તેઓ પણ કેન્દ્ર સરકારને અપિલ કરીને એનાઈએને તપાસ અપાવી શકે છે. કેન્દ્રની મંજૂરી મળે તો તેવા કેસ પણ એનઆઈએને ટ્રાન્સફર કરવામાં આવે છે. મોટાભાગે આતંકી હુમલા થયાના ગણતરીના કલાકો અને સમયમાં જ એનઆઈએને તપાસ સોંપી દેવામાં આવે છે જેથી તેઓ યોગ્ય તપાસ કરી શકે અને કેસનો ઉકેલ લાવવામાં ઝડપ વધી શકે.
જાણકારોના મતે, એનઆઈએની પાસે કેટલાક વિશેષ અધિકાર છે. તે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે, વોરંટ વગર તપાસ કરી શકે છે, તેને તપાસી શકે છે, તેનો ડેટાબેઝ તૈયાર કરી શકે છે. તે ડ્રગ્સના સ્મગલિંગ અને નકલી નોટોના સ્મગલિંગ જેવા કેસમાં પણ સ્વતંત્ર રીતે તપાસ કરી શકે છે. છતાં આ કેસમાં તેની પાસે કોઈ માહિતી કે ટિપ્સ નહોતા. હવે ડોક્ટરની ધરપકડ કરીને કે પૂછપરછ કરીને કેટલી માહિતી બહાર આવશે અને આ સ્લિપર સેલ નેટવર્ક અટકશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ કાર બ્લાસ્ટની તાર જૈશ-એ-મોહમ્મદની મહિલા શાખા સાથે જોડાયેલા છે. લખનઉની ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ બાદ આ દિશામાં તપાસના ચક્રો વધારે ગતિમાન થયા છે. ડોક્ટર શાહીનને મોટી સંખ્યામાં વિસ્ફોટકો સાથે ઝડપી પાડવામાં આવી છે.
શાહીન જૈશની મહિલા શાખા સાથે જોડાયેલી હોવાની આશંકા છે અને તેની સાથે સાથે દિલ્હી બ્લાસ્ટમાં પણ તેની મોટી ભૂમિકા હોવાની તપાસ ચાલી રહી છે.
જૈશની મહિલા વિંગ જમાત ઉલ મોમીનાત સાથે જોડાયેલી શાહીન બ્લાસ્ટની માસ્ટરમાઈન્ડ
દિલ્હી કાર બ્લાસ્ટ સાથે સંકળાયેલા સૂત્રો માને છે કે, આ કેસમાં જૈશ એ મોહમ્મદનો સીધો કે આડકતરો રોલ છે. ખાસ કરીને તેની મહિલા શાખા દ્વારા આ આત્મઘાતી હુમલો કરાયો છે. તાજેતરમાં પકડાયેલી ડોક્ટર શાહીન શાહિદ હકિકતે પાકિસ્તનમાં આવેલા આતંકવાદી સંગઠન જૈશની મહિલા વિંગ જમાત ઉલ મોમીનાત સાથે સંકળાયલી હતી અને આ સંગઠનનું ભારતનું સુકાન તેની પાસે હતું. આ સંગઠનનું મુખ્ય સુકાન મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર પાસે છે જેનો પતિ થોડા મહિના પહેલાં ભારતના ઓપરેશન સિંદૂરના હુમલામાં મૃત્યુ પામ્યો હતો. શાહીન જૈશ અને અંસાર ગજવત-ઉલ-હિંદ સહિત ઘણા પાકિસ્તાની આતંકી સંગઠનોના સંપર્કમાં હતી. તે દિલ્હી સહિત ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં આતંકી હુમલા કરવાની ફિરાકમાં હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં અધિકારીઓને આઈઈડી બનાવવાની ૨૯૦૦ કિલોગ્રામથી વધુ સામગ્રી મળી આવી છે જે જપ્ત કરાઈ છે. ડો. શાહિદ ફરીદાબાદમાં અલ ફલહ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. તે યુનિવર્સિટી દ્વારા ટેરર ફંડિંગ અને આતંકીઓની ભરતીનું કામ કરતી હતી કે કેમ તેની તપાસ થશે. શાહિદની કારમાંથી એક એસોલ્ટ રાઈફલ અને તેના રૂમમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેના પગલે તેના ઉપર ગાળીયો વધારે કસાયો છે. ખાસ વાત એ છે કે, જૈશ-એ-મોહમ્મદ દ્વારા જમાત-ઉલ-મોમીનાત નામનું મહિલાઓનું આતંકી સંગઠન શરૂ કરાયું છે. જે આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે તેમની વિધવાઓ અને અન્ય આતંકીઓની પત્નીઓ તથા આર્થિક રીતે નબળા ઘરની મહિલાઓને બ્રેઈન વોશ કરીને આ આતંકવાદી સંગઠન સાથે જોડવામાં આવે છે. તેમને પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણામાં તાલિમ આપવામાં આવે છે અને ભારત વિરોધી ગતિવિધિઓમાં પ્રવૃત્ત કરવામાં આવે છે. તેમને હિન્દુ મહિલાઓ વિરુદ્ધ હેટ સ્પીચ આપવામાં આવે છે અને પુરુષ આતંકવાદીઓની જેમ આત્મઘાતી હુમલા બનવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.








