Editorial

ઈરાનમાં હવે કાળો વરસાદ થયો : વધુ એક આકાશી જોખમ

By GS TEAM
12 Mar 20268 mins read
ઈરાનમાં હવે કાળો વરસાદ થયો : વધુ એક આકાશી જોખમ

- અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાનના ક્રૂડ ભંડારોને બોમ્બથી ઉડાવતા નીકળેલા ધુમાડાથી આકાશમાં એસિડિક પ્રક્રિયા થઈ ઝેરી વરસાદ પડી રહ્યો છે

- ઈરાન ઉપર એક વાવાઝોડું સર્જાયું છે. વાવાઝોડાના વાદળોએ નીચેથી આવતા કાળા ધુમાડા, પેટ્રોલિયન બાષ્પ અને કચરાને પોતાનામાં સમાવી લીધા. કેમિકલ અને ક્રૂડના કણોને લીધે તેહરાનમાં કાળો વરસાદ પડવા લાગ્યો. આ કાળો વરસાદ શહેરમાં ચારેકોર ફેલાઈ ગયો. જમીન, મકાનો અને ખુલ્લામાં રહેલી તમામ વસ્તુઓ ઉપર કાળું લેયર બની ગયું : આ ધુમાડાના કારણે ફેફસાં અને ચામડીને નુકસાન થાય છે. આ ધુમાડાથી ફેફસામાં સતત બળતરા થાય છે અને આ વરસાદના સંપર્કમાં આવવાથી ચામડીમાં બળતરા થતી હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આ ધુમાડાવાળા વાતાવરણમાં રહેતું હોય અને બ્લેક રેઈનના સંપર્કમાં આવતું હોય તો તેના સ્વાસ્થ્યને વધારે જોખમ થઈ શકે છે : આ વાવાઝોડામાં ઈરાનમાં જે ક્રૂડ અને કેમિકલ્સ ભળ્યા છે તે પણ આગળ વધી રહ્યા છે. જો આ વરસાદ નહીં પડી જાય અને વાવાઝોડું શમી નહીં જાય તો આગામી દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર પણ મોટું જોખમ સર્જાશે. અહીંયા પણ એસિડ રેઈન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે

ઈરાનમાં હાલ અનેક વિસ્તારોમાં કાળા ભમ્મર વાદળો ઘેરાયેલા જોવા મળે છે. આ વાદળો ચોક્કસ વરસાદના છે પણ માત્ર વરસાદના જ છે તેવું નથી. ઈરાન ઉપર ઈઝરાયેલ-અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના કારણે ક્રૂડના અનેક કુવાઓ અને સ્ટોરેજ નષ્ટ થવા લાગ્યા છે. તેના કારણે સતત આગ સળગી રહી છે અને આકાશમાં કાળો ધુમાડો છવાઈ રહ્યો છે. ઈરાન યુદ્ધની તાજેતરમાં એક ભયાનક તસવીર જોવા મળી હતી. માનવ સર્જીત વિનાશ અને કુદરતના સંયોજનથી તૈયાર થયેલી આ તસવીર હતી. તાજેતરમાં ઈરાનની રાજધાની તેહરાનમાં વરસાદ પડયો હતો. આ વરસાદ કાળો વરસાદ હતો. લોકોને બ્લેક રેઈન કહેતા હતા. આ વરસાદમાં ક્રૂડના અવશેષો હતા અને તેના કારણે વરસાદ કાળો અને ચિકાશ ધરાવતો હતો. કેટલાક લોકો તેને એસિડનો પણ વરસાદ કહેતા હતા. કેટલાક તેને પેટ્રોલ રેઈન પણ કહે છે. 

હકિકતે એવું બન્યું હતું કે, ઉત્તરી ટ્રોપિક સ્ટોર્મ જ્યારે ઈરાન ઉપરથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેમાં મોટા મોટા વાદળા બંધાયા છે. આ વાદળામાં સતત ભડકે બળી રહેલા ક્રૂડ ઓઈલના સ્ટોરેજમાંથી નીકળતા ધુમાડા પણ ભેગા થઈ ગયા હતા. સતત બળી રહેલા સ્ટોરજમાંથી નીકળતા આ ધુમાડામાં ક્રૂડના કણો હતા જે વાદળના પાણીમાં ભળી ગયા. ઈરાન ઉપર એક ચક્રવાત સર્જાયું છે. આ સ્ટોર્મ કેસ્પિયન વિસ્તારમાં સર્જાયું અને દક્ષિણ દિશામાં આગળ વધતા તે તહેરાન સુધી પહોંચી ગયું. વાવાઝોડાનું વાદળ પણ ભીષણ છે. તેમાં આ વાદળોએ નીચેથી આવતા કાળા ધુમાડા, પેટ્રોલિયન બાષ્પ અને કચરાને પોતાનામાં સમાવી લીધા. તેનું પરિણામ એ આવ્યું કે જ્યારે આ વાવાઝોડું વરસાદ બનીને તૂટી પડયું ત્યારે તેમાં રહેલા કેમિકલ અને ક્રૂડના કણોને લીધે કાળો વરસાદ પડવા લાગ્યો. આ કાળો વરસાદ શહેરમાં ચારેકોર ફેલાઈ ગયો. જમીન, મકાનો અને ખુલ્લામાં રહેલી તમામ વસ્તુઓ ઉપર કાળું લેયર બની ગયું.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ દ્વારા તબક્કાવાર રીતે ઈરાનના ક્રૂડના મહત્ત્વના કેન્દ્રો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલ અને અમેરિકાના ફાઈટર જેટ્સ દ્વારા જે બોમ્બમારા કરવામાં આવ્યા તેના કારણે ઈઝરાયેલના આ ઓઈલ ડેપોને વ્યાપક નુકસાન થયું છે. તેને ઠારવા માટે પણ કામગીરી કરી શકાય તે સ્થિતિ નથી. આ સંજોગોમાં સતત આગ સળગી રહી છે અને કાળો ધુમાડો આકાશમાં જઈ રહ્યો છે. તેના કારણે ક્રૂડના અવશેષો ધરાવતા કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા છે. 

ચિંતાજનક બાબત એ છે કે, તહેરાન અને તેની આસપાસના પ્રદેશોમાં લોકોએ ફરિયાદ કરી છે કે આ ધુમાડાના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાના કારણે જે વરસાદ પડી રહ્યો છે તે પણ કાળો અને ક્રૂડથી ભરેલો છે. તેના કારણે ચામડીમાં ઈરિટેશન અને અન્ય સમસ્યાઓ થઈ રહી છે. 

કેટલાક લોકો માને છે કે, આકાશમાંથી એસિડનો જ વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ જાણકારોના મતે આ ક્રૂડ ભેળેલું પાણી છે જેથી તે કાળું છે અને તેમાં એસિડ જેવા તત્ત્વો નથી. આ અંગે નક્કર કોઈ અહેવાલ આવી શકે તેમ નથી. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, જ્યારે આવા તેલના કુવામાં આગ લાગે છે અને ભયાનક પ્રદુષણ ફેલાય છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોય છે. એક તરફ વાતાવરણમાં ધુમાડાનું ઝેર ફેલાયેલું હોય છે જ્યારે કાળો વરસાદ પડે ત્યારે તેમાં હાઈડ્રોકાર્બન અને અન્ય ઝેરી રસાયણો હોય છે જેના કારણે વ્યાપક સમસ્યા સર્જાતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ નોંધ્યું છે કે, આ ધુમાડાના કારણે ફેફસાં અને ચામડીને નુકસાન થાય છે. આ ધુમાડાથી ફેફસામાં સતત બળતરા થાય છે અને આ વરસાદના સંપર્કમાં આવવાથી ચામડીમાં બળતરા થતી હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આ ધુમાડાવાળા વાતાવરણમાં રહેતું હોય અને બ્લેક રેઈનના સંપર્કમાં આવતું હોય તો તેના સ્વાસ્થ્યને વધારે જોખમ થઈ શકે છે. જાણકારો માને છે કે, ઈરાન ઉપરથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવે આ વાવાઝોડામાં ઈરાનમાં જે ક્રૂડ અને કેમિકલ્સ ભળ્યા છે તે પણ આગળ વધી રહ્યા છે. જો આ વરસાદ નહીં પડી જાય અને વાવાઝોડું શમી નહીં જાય તો આગામી દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર પણ મોટું જોખમ સર્જાશે. અહીંયા પણ એસિડ રેઈન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

હવામાન ખાતાએ જણાવ્યું કે, હાલમાં અફઘાનિસ્તાનનું જે વાતાવરણ છે તે વધુ એક ચક્રવાતનું સર્જન કરી શકે છે. તેના કારણે આગામી સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વરસાદ, તોપાની પવન ફુંકાવો અને કરાં પડવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં જો ઈરાન તરફથી પ્રદુષણ ધરાવતું ચક્રવાત અહીંયા આવ્યું તો સમસ્યા સર્જાશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વાતાવરણમાં રહેલું પ્રદુષણ અને ઈરાન ઉપરથી આવેલા ચક્રવાતમાં રહેલું પ્રદુષણ ભેગા થઈને નવા રાસાયણિક સમીકરણો રચી શકે છે. આ રસાયણો ધરાવતા વાદળો વધુ વિસ્તારોમાં ફેલાઈ શકે છે. જાણકારો સ્પષ્ટ પણે માને છે કે, હાલમાં જે થઈ રહ્યું છે તે માનવીય ભુલ અને કુદરતની અસરની સંયુક્ત અસર છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ પેટ્રોલ વરસાદ કે પછી એસિડ વરસાદ અથવા તો બ્લેક વરસાદના સંપર્કમાં આવનારા લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવાની ચેતવણી આપવામાં આવી છે. જાણકારોએ આ અંગે ગાઈડલાઈન્સ અને સાવચેતીના ઉપાયો પણ જારી કર્યા છે. જાણકારોના મતે જો આ કાળા વરસાદના સંપર્કમાં સીધા આવવાનું થાય તો તાકીદે ઘરે પહોંચ્યા બાદ એન્ટિબેક્ટેરિયલ સાબુ થકી સ્નાન કરી લેવું જોઈએ. આ સિવાય ખાસ કરીને આંખોની સુરક્ષા ખાસ કરવી જોઈએ. આ વરસાદના છાંટા જો આંખોમાં જશે તો બળતરા થશે અને અસહ્ય પીડા થશે. લાંબા સમય સુધી આ વરસાદી પાણી આંખમાં જાય તો તેનાથી કાયમી નુકાસન જવાની પણ શક્યતા છે. આવી સ્થિતિમાં અચાનક આંખમાં વરસાદી પાણી જતું રહેતો પહેલાં આંખો સાફ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ સંજોગોમાં આંખો મસળવાથી વધારે નુકસાન થશે.

તે ઉપરાંત લોકોને એન-૯૫ અને એન-૯૯ માસ્ક પહેરવાની સુચના પણ જારી કરવામાં આવી છે. સામાન્ય માસ્ક અને કપડાંમાં ક્ડના રજકણો રોકી શકાતા નથી. આ સંજોગોમાં આ કાળો ધુમાડો અને કાર્બન શરીરમાં પ્રવેશ કરે છે. ક્રૂડના ધુમાડામાં રહેલી ગંધ અને હાનીકારક તત્ત્વો ફેફસાંને નુકસાન પહોંચાડે છે. ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનો પ્રયાસ કરવો અથવા તો એર પ્યોરીફાયર ઘર અને ઓફિસમાં ચાલુ રાખવું. ઘરના બારી-દરવાજા સદંતર બંધ રાખવા જેથી આવા હાનીકારક વાયુ ઘરમાં પ્રવેશે નહીં. આ સિવાય ફળો, શાકભાજી કે ભોજનના પદાર્થો આવા વરસાદ કે ધુમાડાના સંપર્કમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. વરસાદી ઝેરી પાણી અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં ન જતું રહે તેની પણ સાવચેતી રાખવી જોઈએ. 

ઘરની બહારની વસ્તુઓ કે ગાડીઓ કે અન્ય વાહનો અને સાધનોની સફાઈ પણ ધ્યાન રાખીને કરવી. હાથનો સીધો સંપર્ક ન થાય તે જોવું. મોજા પહેરીને કે જાડા કાપડની મદદથી સાફસફાઈ કરવી. પેટ્રોલિયમ અવશેષોના સીધા સંપર્કમાં આવવાથી ચામડી લાલ થઈ જવી કે સોજો આવવા જેવી સમસ્યા થઈ શકે છે. બાળકો, બીમાર અને વડીલોને આ વાતાવરણમાં ઘરની બહાર ન જવા દેવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ખાસ કરીને અસ્થમા, ફેફસાં અને શ્વસનના અન્ય રોગો ધરાવતા દર્દીઓને આ બધાથી અત્યંત સાચવવા જણાવાયું છે.

એસિડ રેઈનથી શ્વાસમાં તકલીફ અને કેન્સર સુધીની બિમારીઓ થઈ શકે છે

એસિડ રેઈન અથવા તો કાળા વરસાદથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જાણકારોએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાનના લોકોએ આ વરસાદમાં બહાર જવાનું ટાળવું જોઈએ. જો યુદ્ધગ્રસ્ત વિસ્તાર હોય તો ક્યાંક સુરક્ષિત સ્થાનમાં આશરો લઈ લેવો જોઈએ. આ વરસાદના સીધા સંપર્કમાં આવવાથી શક્ય હોય ત્યાં સુધી બચવું જોઈએ. આ કાળા વરસાદની ટૂંકાગાળાની અને લાંબા ગાળાની અસરો થઈ શકે છે. તેનાથી લાંબા ગાળે જીવલણે સમસ્યાઓ થઈ શકે છે. જાણકારોના મતે આ એસિડ રેઈનમાં પેટ્રોલ અને ક્રૂડના અનેક ઝરી રસાયણો ભળી ગયેલા હોય છે. કાળા ધુમાડમાં રહેલા ઝેરી ગેસ અને ક્રૂડના ઝેરી તત્વો ભેગા થઈને નવું જ રાસાયણિક સમીકરણ બનવાવે છે. 

આ વરસાદના સંપર્કમાં આવવું માણસો અને પ્રાણીઓ તમામ માટે જોખમી છે. આ કાળા વરસાદના કારણે ચામડીમાં બળતરા થવી, આંખો બળવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં બળતરા થવી, માથું દુ:ખવું, ચક્કર આવવા જેવી ટૂંકાગાળાની સમસ્યા થઈ શકે છે. બીજી તરફ અસ્થમા અને શ્વાસની સમસ્યા ધરાવતા લોકો માટે તો આ વરસાદ જીવલેણ જ બની શકે છે. તેમણે તો આ વાતાવરણમાં બહાર નીકળવાનું જ જોખમ ન લેવું જોઈએ. જાણકારોના મતે કાળા વરસાદની જો લાંબાગાળાની સમસ્યા વિશે વિચારીએ તો તે પણ ભયાવહ છે. જાણકારો કહે છે કે, આ ઝેરી વાતાવરણમાં લાંબા સમય સુધી રહેવાથી કે આ વરસાદમાં લાંબા સમય સુધી રહેવાથી પ્રદુષણ શરીરમાં જાય છે. તેના કારણે ચામડીનું કેન્સર, ફેફસાંનું કેન્સર અને અન્ય કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. તે ઉપરાંત ન્યૂરોલોજિકલ સમસ્યાઓ અને હૃદયરોગ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. વ્યક્તિને એટેક આવવા સુધીની કપરી સ્થિતિ આવી શકે છે. આવા વાતાવરણમાં લાંબા સમય સુધી રહેવાથી વ્યક્તિને જીવનું જોખમ ઊભું થાય છે.