Editorial

ERASR : સમુદ્રના પેટાળમાં પણ ભારતનું સુરક્ષા કવચ મજબૂત

By GS TEAM
12 Jul 20257 mins read
ERASR : સમુદ્રના પેટાળમાં પણ ભારતનું સુરક્ષા કવચ મજબૂત

- સાઈલન્ટ ગાર્ડિયન : ચીન, પાકિસ્તાન જેવા દુશ્મનોની વોરશીપ અને સબમરીનોને નાથવા ભારતે વિકસાવ્યું બ્રહ્માસ્ત્ર

- દેશના દરિયા અને તેના પેટાળની સુરક્ષા માટે ભારતે પણ મજબૂત કવચ વિકસાવવું પડે તેમ હતું. ઈઆરએએસઆરના વિકસાવવાથી ભારતને મોટો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મળી ગયો છે : નવી રોકેટ સિસ્ટમની રેન્જ 8.5 કિ.મી જેટલી છે. તે ઉપરાંત તેનો રિએક્શન ટાઈમ પણ વધારે ઝડપી છે. આમ સરેરાશ ભારતના રિએક્શન ટાઈમ અને ક્ષમતામાં 60 ટકાનો વધારો થયો છે : ઈલેક્ટ્રોનિક ટાઈમ ફ્યૂઝ દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય ઉંડાઈએ વિસ્ફોટ કરવાની ક્ષમતા આપે છે જેના કારણે ટાર્ગેટ નષ્ટ કરવામાં જરાય ભુલ થાય નહીં. 

ભારતીય નેવીમાં એક નવા યુગની શરૂઆત થઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં ભારત દ્વારા સફળતાપૂર્વક એક્સ્ટેન્ડેડ રેન્જ એન્ટી-સબમરીન રોકેટ (ERASR)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યંત શક્તિશાળી અને સ્વદેશી આ વેપન સિસ્ટમ ભારતીય નેવીની ક્ષમતાને અનેકગણી વધારી દેનારું છે. ભારતીય દરિયાઈ સીમામાં ઘુસનારી પાકિસ્તાન કે ચીન અથવા તો દુશ્મનોની સબમરીનોની દૂરથી જ શોધી કાઢીને નષ્ટ કરવામાં આ ડિફેન્સ સિસ્ટમ અત્યંત સફળ સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે, આ ડિફેન્સ સિસ્ટમ ભારત દ્વારા વિકસાવવામાં આવી છે. તેના કારણે નેવલ ડિફેન્સમાં ભારત માટે આત્મનિર્ભરતાના એક નવા જ યુગની શરૂઆત થઈ રહી છે.

વાસ્તવિકતા એ છે કે, છેલ્લાં ઘણા સમયથી દુનિયાભરમાં નેવલ સેક્ટરમાં પણ અધધ વિકાસ થયો છે. દુનિયાભરના દેશો દ્વારા એડવાન્સ સબમરીનો વિકસાવવામાં આવી છે. આ સંજોગોમાં દેશના દરિયા અને તેના પેટાળની સુરક્ષા માટે ભારતે પણ મજબૂત કવચ વિકસાવવું પડે તેમ હતું. ઈઆરએએસઆરના વિકસાથી ભારતને મોટો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મળી ગયો છે. આ એક એવું હથિયાર છે જેના દ્વારા ભારત દરિયામાં પોતાની પહોંચ વધારી શકશે. ખાસ કરીને હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની મજબૂતી વધશે અને દરિયાઈ સુરક્ષા અભેદ્ય બનશે. બિનજરૂરી અને અચાનક થતા હુમલા અને સબમરીનોના ભયસ્થાનથી ભારતને રાહત મળશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતની કવચ ક્ષમતા વિકસવાની સાથે સાથે તેની મારણ ક્ષમતામાં પણ વધારો થયો છે. અત્યાર સુધી ભારત પાસે જે પણ એન્ટી સબમરીન રોકેટ હતા તેની લિમિટ માત્ર પાંચ કિ.મી સુધીની જ હતી. તેના કારણે ઘણી વખત વળતો હુમલો કરવામાં કે બચાવ કરવામાં ઓછો સમય મળતો હતો. તે ઉપરાંત રેન્જ ખૂબ જ ઓછી હોવાથી આપણા પક્ષે પણ નુકસાન થવાની શક્યતા રહેતી હતી. આ ભયસ્થાનોને કારણે ભારતે સતત સજાગ રહેવું પડતું હતું. નવી રોકેટ સિસ્ટમની રેન્જ ૮.૫ કિ.મી જેટલી છે. તે ઉપરાંત તેનો રિએક્શન ટાઈમ પણ વધારે ઝડપી છે. આમ સરેરાશ ભારતના રિએક્શન ટાઈમ અને ક્ષમતામાં ૬૦ ટકાનો વધારો થયો છે. હવે સ્થિતિ એવી છે કે, દરિયાની સપાટી ઉપર રહીને જ ભારતીય જહાજો અને ભારતીય નેવી દરિયાના પેટાળામાં રહેલા ખતરાને દૂરથી જ પારખી જઈને દૂરથી જ નિશાન બનાવીને નષ્ટ કરી શકશે. આ રોકેટ સિસ્ટમ દ્વારા ભારતની ડિફેન્સિવ ક્ષમતામાં અદ્વિતિય વધારો થયો છે.

ERASRમાં જે ટેક્નોલોજિકલ એડવાન્સ સિસ્ટમ જોવા મળી રહી છે તે ભારતના વિકાસ અને એન્જિનિયરિંગ સેક્ટરની ક્ષમતાને સિદ્ધ કરે છે. જૂના રોકેટમાં માત્ર સિંગલ સ્ટેજ મોટર સિસ્ટમ જોવા મળતી હતી પણ અત્યાધુનિક ERASRમાં બે સ્ટેજની સોલિડ પ્રોપ્લશન સિસ્ટમ ઈનબિલ્ટ કરવામાં આવી છે. નવા રોકેટને એ રીતે જ ડિઝાઈન કરવામાં આવ્યા છે કે, તેઓ ટૂંકા અંતરે અને લાંબા અંતરે એક સરખી ક્ષમતા સાથે એટેક કરીને ટાર્ગેટ નષ્ટ કરી શકે છે. ભારતીય એન્જિનિયરિંગની ક્ષમતાની વાત કરીએ તો આ રોકેટને એટલા એડવાન્સ કરાયા છે કે તેનું સ્વદેશી ઈલેક્ટ્રોનિક ટાઈમ ફ્યૂઝ તેને વિશેષ બનાવી દે છે. આ ઈલેક્ટ્રોનિક ટાઈમ ફ્યૂઝ દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય ઉંડાઈએ વિસ્ફોટ કરવાની ક્ષમતા આપે છે જેના કારણે ટાર્ગેટ નષ્ટ કરવામાં જરાય ભુલ થાય નહીં. ચોક્કસ સમયે, ચોક્કસ અંતરે અને ચોક્કસ રીતે વિસ્ફોટ કરવાથી ટાર્ગેટ નષ્ટ થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. 

ઈન્ડિયન નેવી દ્વારા ચાર દિવસ પહેલાં જ તેનું પરીક્ષણ પૂરું કરવામાં આવ્યું છે. ૨૩ જુલાઈથી શરૂ કરવામાં આવેલા આ પરીક્ષણમાં તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. આઈએનએસ કવરત્તી નામના આધુનિક યુદ્ધ જહાજ ઉપરથી આ રોકેટ ફાયર કરીને તેની ચકાસણી કરવામાં આવી હતી. દરિયામાં કુલ ૧૭ જેટલા રોકેટ છોડીને તમામ રોકેટ્સની લક્ષ્ય સુધી પહોંચવાની ક્ષમતા, તેની ઝડપ, તેની ઈલેક્ટ્રોનિક ફ્યૂઝ કેપેસિટી, વોરહેડની ક્ષમતા, સચોટ વિસ્ફોટ કરવાની આવડત અને ટાર્ગેટ પાર પાડવાની ક્ષમતાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું. 

ઉલ્લેખનીય છે કે, ડીઆરડીઓ દ્વારા ERASRનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તીન સાથે પુણેની આર્મેન્ટ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા પણ જોડાઈ હતી. આ બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા અદ્વિતિય રોકેટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી તથા નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજિકલ લેબોરેટરી દ્વારા પણ વ્યાપક મદદ કરવામાં આવી છે. જાણકારોના મતે ઈન્ડિજિનિયસ રોકેટ લોન્ચર સિસ્ટમ ભારતીય યુદ્ધ જહાજોમાં પહેલેથી જ નાખવામાં આવેલા છે. તમામ જાહેજોમાં તેને થોડા અપગ્રેડ કરવામાં આવે એટલે નવી ઈઆરએઆસઆરને તેની સાથે જોડી શકાય તેમ છે. ફીટ એન્ડ ફર્ગેટ મોડલ ઉપર કામ કરતી આ ડિઝાઈન એટલી ઉપયોગી છે કે, તેના માટે નેવીને વધારાનો ખર્ચો કરવાની, જહાજોમાં સુધારા વધારા કરવાની કે પછી નવા પ્લેટફોર્મ ઊભા કરવાની કોઈ જરૂર નથી. ખૂબ જ સામાન્ય ખર્ચામાં વર્તમાન સિસ્ટમને અપગ્રેડ કરીને નવી સિસ્ટમ સાથે જોડી શકાય તેમ છે.

મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ સમગ્ર ઈઆરએએસઆરની કામગીરી ભારતમાં જ કરવામાં આવી હતી. ભારત ડાયનામિક્સ લિમિટેડ હૈદરાબાદ તથા સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ નાગપુર દ્વારા સંયુક્ત રીતે તેની બનાવટનું કામ જોવામાં આવ્યું હતું. ભારતનું એક જ લક્ષ્ય હતું કે, નેવીના વોરહેડ્સમાં પણ વિદેશી કંપનીઓ ઉપર આધારિત રહેવાનું વલણ ઘટે અને સ્વદેશી ઉત્પાદન વધે. સ્વદેશી નિર્માણને કારણે સ્થાનિક સ્તરે નોકરીની તકો વિસ્તરે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ભારતની વોરહેડ ડિઝાઈનિંગ કેપેસિટિને વેગમળે તથા ભારત પોતાના જ રિસોર્સિસ અને ટેલેન્ટની મદદથી સ્થાનિક સ્તરે જ એડવાન્સ વેપન સિસ્ટમનું નિર્માણ કરી શકે.

આ તમામ લક્ષ્યની પ્રાપ્તી થવા અંગે સરકારે આનંદ પણ વ્યક્ત કર્યો હતો. થોડા દિવસ પહેલાં જ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ડીઆરડીઓ સાથે બીજી સ્થાનિક ઘણી ડિફેન્સ કંપનીઓએ જોડાણ કરીને ઈઆરએએસઆરને વિકસાવવા માટે કામગીરી કરી તે આવકારદાયક છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભારતીય નેવીને મજબૂત બનાવવા માટે તથા દરિયાઈ સરહદોના સંરક્ષણ માટે નેવીને અત્યાધુનિક હથિયારોઆપવા માટે સ્વદેશી બનાવટના જ હથિયારો વિકસાવવામાં આવે તેના માટે મોદી સરકાર મક્કમ હતી અને તેના આધારે જ કામ થયું છે. 

હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય દરિયાઈ સીમા અને વ્યાપરિક સીમાના રક્ષમ માટે ભારતે સતત સચેત અને સજ્જ રહેવું પડે છે. તેમાંય ૭૫૦૦ કિ.મી વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી સબમરીન એક્ટિવિટીમાં વ્યાપક વધારો જોવા મળ્યો છે. તેના કારણે ભારતના જ નહીં પણ વૈશ્વિક વ્યાપારને પણ જોખમ રહેલું છે. ભારતના ૭૫૦૦ કિ.મીના વ્યાપારિક સામુદ્રીક માર્ગને સુરક્ષા પૂરી પાડવી તે તાકીદની જરૂરીયાત છે. ઈઆરએએસઆર દ્વારા ભારતીય નેવી પોતાની સરહદો અને વ્યાપારી માર્ગોને વધારે સુવિધાપૂર્વક, સક્ષમ રીતે અને સતર્કતાથી જાળવી શકે તેમ છે. ખાસ કરીને દરિયાની નીચે થઈ રહેલી કામગીરીઓને કાબુ કરવા, નાથવા અને જરૂર પડે નષ્ટ કરવા પણ પગલાં લઈ શકાય તેમ છે. ભારતીય ડિફેન્સ સેક્ટરમાં આ ખૂબ જ યોગ્ય સમયે કરવામાં આવેલો મોટો સુધારો છે જેના લાંબાગાળાના પરિણામો જોવા મળશે. 

ભારતીય સંસોધકો, એન્જિનિયર, વિજ્ઞાાનિઓ અને ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગો સાથે મળીને ઉત્તમ સ્વદેશી સર્જનો કરી શકે છે તેનું આ એક્સ્ટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ ઉદાહરણ છે. ભારતની વધી રહેલી સૈન્ય તાકાત અને સંશોધનો, આત્મનિર્ભરતાનું આ પ્રતિક છે.

હિંદમહાસાગરમાં ભારતની સામરિક શક્તિમાં વધારો

જાણકારોના મતે ERASRનો વિકાસ થવો તે ભારત માટે જ નહીં સમગ્ર હિંદ મહાસાગર વિસ્તાર માટે મહત્ત્વનું છે. ભારતે વિકાસાવેલી આ રોકેટ સિસ્ટમ દુશ્મનોની સબમરીનોને દૂરથી જ ટાર્ગેટકરીને નષ્ટ કરી દેશે. તેનાથી હિંદ મહાસાગરમાં ભારતની સામરિક શક્તિ વધશે. 

આ રોકેટ સંપૂર્ણ રીતે ભારતમાં બનેલા છે તેથી તેના ઉત્પાદન, સાધનો, સંસાધનો માટે વિદેશી કંપનીઓ કે તાકાતો ઉપર આધારિત રહેવું પડશે નહીં. ડીઆરડીઓ, નૌસેના, ખાનગી ડિફેન્સ કંપનીઓના સંયુક્ત સાહસ દ્વારા આ રોકેટનું નિર્માણ થયું છે તે ભારતના વિકાસને દર્શાવે છે. 

ખાસ વાત એવી પણ છે કે, ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સુરક્ષા સાધનોની માગમાં વધારો થયો છે. આગામી સમયમાં ERASRના કારણે ભારત વૈશ્વિક બજારમાં એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે. આગામી સમયમાં ભારતની મિસાઈલો ઉપરાંત નેવીના આ રોકેટ સિસ્ટમની પણ વૈશ્વિક માગ ઊભી થાય તો નવાઈ નહીં. તેની ખાસીયતોની વાત કરીએ તો, આ રોકેટનો ઉપયોગ સબમરીનો નષ્ટ કરવા માટે જ થશે. તેની રેન્ડ ૮.૫ કિ.મી સુધીની છે. તે ભારતના દરેક યુદ્ધ જહાજો ઉપર સ્વદેશી રોકેટ લોન્ચર સાથે જોડાઈને કામ કરી શકશે. તેમાં ટ્વિન રોકેટ મોટર કન્ફિગરેશન છે જે અલગ અલગ ડિસ્ટન્સ ઉપર સમાન રીતે પ્રહાર કરી શકે છે. તેમાં સ્વદેશી ઈલેક્ટ્રોનિક ટાઈમ ફ્યૂઝ છે જે યોગ્ય સમયે વિસ્ફોટ કરીને ટાર્ગેટ નષ્ટ કરી દેશે. 

તેમાં રહેલા વોરહેડ્સ ગમે તે સબમરીનને નષ્ટ કરવા સક્ષમ છે. ભારત માટે એન્ટી સબમરીન વોરફેરમાં આત્મનિર્ભતાનું આ પહેલું પગલું છે.