બ્લોક એવરીથિંગ : ફ્રાન્સમાં સરકારી નીતિ સામે જનાક્રોશ

- વડા પ્રધાન બાયરૂએ રજૂ કરેલા બજેટથી જનતા અને વિપક્ષો નારાજ, 1 લાખથી વધુ લોકોનું રસ્તા પર હિંસક આંદોલન
- ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા અને અવિચારી બજેટ તથા સરકારી નીતિના વિરોધમાં જનતા આકારપાણીએ, દેશવ્યાપી આંદલોન શરૂ થયા, બદલાતા અને ખોટકાયેલા રાજકારણે હવે મેક્રોં એન્ડ કંપની સામે સવાલ ખડા કર્યા છે : પૂર્વ વડા પ્રધાન બાયરૂ ૩૫ અબજ યુરોનો કાપ ધરાવતી યોજના લઈ આવ્યા અને લોકોનો તથા વિપક્ષોનો રોષ ભભૂકી ઉઠયો. તેઓ સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ સામે ૩૬૪ સામે ૧૯૪ મતથી હારી ગયા અને તેમને પદ છોડવું પડયું : સરકાર દ્વારા છેલ્લાં ઘણા સમયથી દેવું ઘટાડવા માટે અને દેવું ભરપાઈ કરવા માટે સરકારી યોજનાઓમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સરકાર સમાજ કલ્યાણ અને પ્રજા કલ્યાણની યોજનાઓમાં જ કાપ મુકી રહી છે. તેના પગલે આ આર્થિક સુધારા પ્રજાનો લાભ ખેંચી રહ્યા છે. તેના કારણે મજૂર વર્ગ, ગરીબ વર્ગ અને મધ્યમવર્ગને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે
દુનિયામાં જાણે કે છેલ્લાં એકાદ વર્ષથી જનક્રાંતિ શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે. શ્રીલંકા, ત્યારબાદ બાંગ્લાદેશ અને તાજેતરમાં નેપાળમાં હિંસક જનક્રાંતિ જોવા મળી હતી. નેપાળમાં ફાટેલી સરકાર વિરોધી આગ હજી ઠંડી નથી પડી ત્યાં ફ્રાન્સ ભડકે બળવા લાગ્યું છે. ફ્રાન્સની સરકારે રજૂ કરેલા બજેટ અને અન્ય આર્થિક નિર્ણયોને કારણે ફ્રાન્સમાં લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. બુધવારે ફ્રાન્સની રાજધાની પેરિસ સહિત નાના મોટા શહેરો સહિત કુલ ૩૦ સ્થળોએ ભયાનક આંદોલન શરૂ થયું હતું. ૧ લાખથી વધારે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી ગયા હતા. ફ્રાન્સની જનતા દ્વારા બ્લોક એવરીથિંગ નામનું આંદોનલ શરૂ કરવામાં આવ્યું હતું. રસ્તા રોકવાથી માંડીને, રેલવે અને અન્ય જાહેર પરિવહન રોકવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ૮૦,૦૦૦થી વધારે પોલીસ કર્મીઓ વિરોધ પ્રદર્શન રોકવા માટે ઉતારી દેવાયા હતા પણ સ્થિતિ કાબુમાં આવી રહી જ નથી.
માસ્કધારીઓ અને દેખાવકારો દ્વારા વિવિધ સ્થળે અને રસ્તે કચરાના મોટા મોટા ડબ્બા અને બેરિકેડ્સ મુકીને રસ્તા રોકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બોરાદો અને માર્સિલે જેવા શહેરોમાં તે જનતા રસ્તે ઉતરી આવી છે અને મોટા રસ્તા ઉપર ચક્કાજામ કરી દીધો છે. પોલીસ ઉપર પણ સળગતા કાંકડા અને બોટલો ફેંકવામાં આવી રહ્યા છે. પેરિસના રેલવે હબ ગારે દૂ નોર સ્ટેશન ઉપર પણ જનતા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું છે. પોલીસે ૨૦૦થી વધારે લોકોની ધરપકડ કરી છે પણ સ્થિતિ કાબુમાં આવ રહી નથી. જાણકારોના મતે પેરિસમાં અને અન્ય શહેરોમાં આંદોલનની સ્થિતિ વધુ વિકટ બને તેવા અણસાર છે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન બાયરૂની નીતિઓના કારણે આ વિરોધ થયો છે અને તેમને રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં દ્વારા સત્તા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે છતાં જનતાનો અસંતોષ શાંત થઈ રહ્યો નથી. ૨૪ કલામાં બાયરૂને દૂર કરીને તેમના સ્થાને લેકોર્નુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. પૂર્વ વડા પ્રધાન બાયરૂ ૩૬૪ સામે ૧૯૪ મતથી હારી ગયા અને તેમને પદ છોડવું પડયું. તેઓ ૩૫ અબજ યુરોનો કાપ ધરાવતી યોજના લઈ આવ્યા અને લોકોનો તથા વિપક્ષોનો રોષ ભભૂકી ઉઠયો.
જાણકારોના મતે પૂર્વ પીએમ બાયરૂ દ્વારા જુલાઈમાં જ વર્ષ ૨૦૨૬નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ૩૫ અબજ યુરો સહીતા ખર્ચના અને યોજનાના કાપ સહિત કુલ ૪૪ અબજ યુરોનો કાપ મુકવાની અને બચાવવાની યોજના હતી. બાયરૂનું કહેવું હતું કે, દેશનુંનું દેવું વધારે છે અને તેને ઝડપથી ઓછું કરવા અને ચુકતે કરવા માટે દેશના બજેટને કન્ટ્રોલ કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે હાલમાં ફ્રાન્સનું દેવું તેના જીડીપીના ૧૧૩ ટકા જેટલું થઈ ગયું છે. તેના કારણે તેને કાબુ કરવું જરૂરી છે. સરકાર પોતાના ખર્ચા નહીં ઘટાડે અને ટેક્સ તથા રેવન્યૂમાં સુધારા નહીં કરે તો આગામી વર્ષોમાં ફ્રાન્સની ઈકોનોમી ઉપર બોજો વધતો જશે. તેના કારણે બજેટમાં ઘણી જગ્યાએ સરકારી ખર્ચા ઘટાડવામાં આવ્યા અને બોજો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સરકારની આ યોજનાના કારણે મોટાપાયે રાજકીય વિવાદ થયો અને પ્રજા પણ તેમાં કૂદી પડી. ડાબેરીઓ અને મજૂરસંઘોનું માનવું છે કે, તેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર સીધી અસર પડશે અને સામાજિક યોજનાઓમાં ઘટાડો થવાથી લોકોને નુકસાન થશે. તેના કારણે રાજકીય ઉપરાંત પ્રજામાં પણ બજેટનો વ્યાપક વિરોધ થવા લાગ્યો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આવું જ બન્યું હતું. બજેટ રજૂ કર્યા બાદ તત્કાલિન વડા પ્રધાને રાજીનામું આપવું પડયું હતું. ફ્રાન્સના રાજકારણમાં છેલ્લાં ઘણા સમયથી બજેટ ખૂબ જ મોટા વિવાદનું કારણ બની રહ્યું છે. દર વર્ષે બજેટમાં જ નક્કી થાય છે કે, સરકાર કયા ક્ષેત્રોમાં ખર્ચા ઉપર કામ મુકશે અને કયા સેક્ટરમાં ખર્ચમાં વધારો કરવામાં આવશે. આ બંને બાબતોના લીધે જ સત્તા અને વિપક્ષમાં મોટી ખેંચતાણ ચાલતી હોય છે. ગત વર્ષે પણ બજેટના કારણે બખેડો થયો હતો. ૨૦૨૪માં વડા પ્રધાન મિશેલ બાનયરે સંસદમાં બજેટ રજૂ કર્યું અને તેના કારણે મોટાપાયે વિરોધ થવા લાગ્યો હતો. ડાબેરીઓ દ્વારા સરકાર ઉપર આરોપ મુકવામાં આવ્યો હતો કે, આ બજેટ ગરીબ વિરોધી અને જનતા વિરોધી બજેટ છે. તેમાં પણ સામાજિક યોજનાઓમાં કાપ મુકવામાં આવ્યો હતો તેથી તેને દેશની જનતા વિરોધ બજેટ કહેવામાં આવ્યું હતું. બીજી તરફ અન્ય કેટલા પક્ષોનું માનવું હતું કે બજેટમાં જે ટેક્સ અને આર્થિક નીતિઓ જાહેર કરવામાં આવી છે તેના કારણે તેમના હીતોનું રક્ષણ થતું નથી. આ રીતે તમામ વિપક્ષો એકજૂથ થવા લાગ્યા અને સરકાર દ્વારા રજૂ થયેલા બજેટનો વિરોધ કરવા લાગ્યા. તેના કારણે તેઓ સંસદમાં સરકાર વિરોધી અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવ્યા. તેમણે જણાવ્યું કે, બાર્નિયરની સરકાર હવે વિશ્વાસપાત્ર રહી નથી. ડિસેમ્બર ૨૦૨૪માં અવિશ્વાસના પ્રસ્તાવ સામે મતદાન કરવામાં આવ્યું અને સરકાર લઘુમતીમાં આવી ગઈ. પ્રસ્તાવ પસાર થઈ ગયો અને તેની સાથે જ બાર્નિયરની સરકાર પડી ભાંગી. રાષ્ટ્રપ્રમુખ મેક્રોંને તાત્કાલિક નવા વડા પ્રધાનની પસંદગી કરવી પડી હતી.
ફ્રાન્સમાં હાલમાં જે વિરોધ અને વિદ્રોહ ચાલુ થયા છે તે પણ જનતાનો તાત્કાલિક રોષ હોય તેવું નથી. ફ્રાન્સમાં ઘણા સમયથી સરકારી નીતિઓ સામે લોકો અકળાયેલા અને ઉશ્કેરાયેલા હતા. જનતાનો મોટો વર્ગ એવું માને છે કે, રાષ્ટ્ર પ્રમુખ મેક્રોં અને તેમની સરકાર દ્વારા જે નીતિઓ ઘડવામાં આવી રહી છે જેનાથી સામાન્ય જનતાને લાભ થવાના બદલે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ધનિકોને મોટાપાયે ફાયદો થઈ રહ્યો છે.
બીજી મોટી બાબત એવી છે કે, સરકાર દ્વારા છેલ્લાં ઘણા સમયથી દેવું ઘટાડવા માટે અને દેવું ભરપાઈ કરવા માટે સરકારી યોજનાઓમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
સરકાર સમાજ કલ્યાણ અને પ્રજા કલ્યાણની યોજનાઓમાં જ કાપ મુકી રહી છે. તેના પગલે આ આર્થિક સુધારા પ્રજાનો લાભ ખેંચી રહ્યા છે. તેના કારણે મજૂર વર્ર્ગ, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે. તે ઉપરાંત રાજકીય સ્તરે પણ મોટાપાય અસ્થિરતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ સેબેસ્ટિયન લેકોર્નુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, લેકોર્નું બે વર્ષથી પણ ઓછા સમયમાં ફ્રાન્સના પાંચમાં વડા પ્રધાન બન્યા છે. તેના કારણે લોકોમાં રાજકીય અસ્થિરતા સામે અસંતોષ વધવા લાગ્યો છે. તેના કારણે લોકોએ લેકોર્નુની નિમણુકની સાથે જ સરકાર ઉપર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે.
ખાસ વાત એ છે કે, ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા હવે સપાટી ઉપર આવી રહી છે. અહીંયા રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં અને તેમના સાથી દ્વારા બનાવવામાં આવેલી સરકારમાં સતત ડખા પડી રહ્યા છે. દેશના તત્કાલિન સંરક્ષણ મંત્રી લેકોર્નુને એકાએક વડા પ્રધાન બનાવવાની મજબૂરી આવી છે. ફ્રાન્સમાં બે વર્ષથી ઓછા સમયમાં આ પાંચમા વડા પ્રધાન આવ્યા છે. તેમાંય એક વર્ષથી ઓછા સમયમાં ચાર વડા પ્રધાન બદલાઈ ગયા છે. સોમવારે જ ફ્રાંંસ્વા બાયરૂ સંસદમાં વિશ્વાસનો મત હારી ગયા અને તેમને સત્તા છોડવી પડી. તેમના ગયા બાદ લેકોર્નુને વડા પ્રધાનપદ સંભાળવા આપવામાં આવ્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગેબ્રિયલ અટલે વડા પ્રધાનપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમના ગયા બાદ માઈકલ બર્નિયર વડા પ્રધાન બન્યા હતા. ડિસેમ્બરમાં તેઓ બજેટ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમની સામે અવિશ્વાસ લાવવામાં આવ્યો અને તેમણે પદ છોડી દીધું. તેમના સ્થાને બાયરૂને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. તાજેતરમાં જુલાઈમાં તેમણે બજેટ રજૂ કર્યું અને સપ્ટેમ્બરમાં તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને પદ ઉપરથી દૂર કરાયા છે. હવે લેકોર્નુ કેવું બજેટ લાવે છે તેના ઉપર બધાની નજર છે. જાણકારો માને છે કે, મેક્રોં અન્ડ કંપનીનો છેલ્લાં બે વર્ષનો રેકોર્ડ જોતાં લાગી રહ્યું છે કે, તેમની પાર્ટીના હવે વળતા પાણી દેખાઈ રહ્યા છે. પ્રજાનો વિદ્રોહ અને વિપક્ષોનો વિરોધ સત્તા ડગમગાવી દે તો નવાઈ નહીં.
ફ્રાન્સ માટે બજેટ ક્રાઈસિસ હવે રાજકીય ક્રાઈસિસ પણ બની ગઈ
ફ્રાન્સમાં ચાલી રહેલા જનાક્રોશ અંગે જાણકારોમાં મતમતાંતર ચાલી રહ્યા છે. કેટલાક તેને આર્થિક ક્રાંતિ કહી રહ્યા છે તો કેટલાક તેને રાજકીય ક્રાંતિ કહી રહ્યા છે.
એકંદરે જોવા જઈએ તો આ જનક્રાંતિ છે જેણે સરકાર અને સરકારી સિસ્ટમમાં આમૂલ પરિવર્તન લાવવા માટેનો શંખનાદ કરી દીધો છે. જાણકારો માને છે કે, ફ્રાન્સનો આર્થિક વિકાસ મંદ પડી ગયો છે, પબ્લિક ડેટમાં વધારો થયો છે અને દેવામાં વધારો થવાથી વ્યાજદરોમાં પણ વધારો નોંધાયો છે. બોરોઈંગ કોસ્ટ વધવાના કારણે સરકાર ઉપર ભારણ વધી રહ્યું છે. ફ્રાન્સમાં જે ફુગાવાની પરિસ્થિતિ છે તેણે રોકાણકારોમાં ચિંતા જન્માવી છે. લોકો માની રહ્યા છે કે, દેશનું બજેટનું ભારણ અયોગ્ય રીતે વધી રહ્યું છે અને તે કાબુમાં આવે તેવા હાલ કોઈ અણસાર નથી. બીજી તરફ તેની ક્રેડિટ રેટિંગમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બાયરૂ દ્વારા આ આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે નવી નીતિઓ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાયરૂ દ્વારા લાગુ કરવામાં આવેલી નીતિઓના કારણે પ્રજાને વધારે ભોગવવાનું આવી રહ્યું હોવાનો મત ફેલાયો છે. તે ઉપરાંત વિપક્ષો દ્વારા તેને રાજકીય રંગ આપવામાં આવ્યો છે. આ કારણે મુદ્દો વધારે વિકટ અને વિસ્ફોટક બની ગયો છે. જાણકારો માને છે કે, ૧૨ સપ્ટેમ્બરના રોજ ફિચ દ્વારા ફ્રાન્સના ક્રેડિટ રેટિંગ અંગે સમીક્ષા કરવામાં આવશે. તે દરમિયાન જો આથક સુધારા નહીં જણાય તો તેના રેટિંગમાં ઘટાડો કરવામાં આવશે અને તેના કારણે આર્થિક સંકટ વધારે આકરું બનશે. આ ઉપરાંત મેક્રોં દ્વારા ૨૦૨૩માં સરકારી કર્મચારીઓ અને અન્ય સેક્ટરમાં નિવૃત્તિની ઉંમર ૬૪ કરવામાં આવી તે સમયતી લોકોમાં આક્રોશ ફેલાયેલો છે. સરકારના આ નિર્ણયથી યુવાનોને રોજગારી મળવામાં ઘણો વિલંબ થશે અને દર વર્ષે નવા તૈયાર થતા યુવાનોને કોઈ નોકરી મળશે જ નહીં. તેના કારણે જનતાનો આક્રોશ જ્વાળામુખી બનીને ફાટી નીકળ્યો અને બાયરૂની સરકારને ભસ્મ કરી ગયો.









