Editorial

'શ્રિંકફ્લેશન' : પ્રજાના ખિસ્સાં કાતરવાનો બજારનો નવો કીમિયો

By GS TEAM
11 Nov 20258 mins read
'શ્રિંકફ્લેશન' : પ્રજાના ખિસ્સાં કાતરવાનો બજારનો નવો કીમિયો

કાયદાના અભાવે લોકોને ભાવ નહીં વધારવાના અંધારામાં રાખીને વસ્તુઓનું વજન ઘટાડીને પેકેટ મોટા રાખવાનો અનેક કંપનીઓનો પેંતરો 

- એક સમયે એક લિટર તેલ કે શેમ્પૂ કે અન્ય લિક્વિડ પ્રોડક્ટની બોટલમાં ૧ લિટર જ પ્રોડક્ટ મળતી હતી જે હવે ૯૦૦ એમએલ થઈ ગઈ છે. તેવી જ રીતે ૨૦ રૂપિયાના તૈયાર નૂડલના પેકેટમાં પહેલાં ૧૦૦ ગ્રામ નૂડલ આવતા હતા જે હવે ૮૦ ગ્રામ થઈ ગયા છે. પેકેટની કિંમત ૨૦ રૂપિયા જ રહી છે ઃ જાપાનની જ વાત કરીએ તો ત્યાં પેકેજિંગ ઈન્ડસ્ટ્રી માટે સખત કાયદા છે. તેમાં ચોકલેટના પેકેટ ઉપર ચોકલેટની સાઈઝ એટલી જ બતાવવી પડે જેટલી કે પેકેટની અંદર છે. તેનાથી મોટી સાઈઝની ચોકલેટ તમે પેકેટ ઉપર દોરી શકો નહીં ઃ પહેલાની અને અત્યારની કિંમતમાં તફાવત નથી પણ વસ્તુનું તોલમાપ ઓછું થઈ ગયું છે. એક સાબુ પહેલાં ૧૦ દિવસ ચાલતો હતો તે હવે સાત જ દિવસ ચાલે છે. આપણને લાગે છે કે, સાબુ વહેલો પૂરો થઈ ગયો પણ હકિકતે તેનું માપ ઘટી ગયું છે તે આપણે જાણતા નથી 

દુનિયાભરમાં એક નવી સ્થિતિ આકાર લઈ રહી છે અને કદાચ આપણું ધ્યાન તેના તરફ હજી ગયું જ નથી. મોટાભાગની કંપનીઓ દ્વારા તેમની પ્રોડક્ટમાં કાપ મુકવામાં આવી રહ્યો છે. આપણે ટૂથપેસ્ટ, કોફી, ચા, તેલ, પેકેટ ફૂડ વગેરે ખરીદીએ છીએ તેની કિંમત યથાવત્ છે પણ તે પેકેટમાં આવતી વસ્તુનું વજન ઘટી રહ્યું છે. પહેલાં જે પેકેટમાં ૫૦ ગ્રામ વસ્તુ મળતી હતી તે હવે એટલી જ કિંમતમાં ૪૦ ગ્રામ કે ૪૫ ગ્રામ થઈ ગઈ છે. મોબાઈલમાં પણ એક સમયે રિચાર્જ કરાવતા હતા તો તે ૩૦ દિવસ હતું તે હવે ૨૮ દિવસ થઈ ગયા છે. પ્રોડક્ટની કિંમતમાં કોઈ ફરક પડયો નથી બસ તેની માત્રા ઘટી ગઈ છે અને લોકોનું તેના તરફ ધ્યાન જ નથી અથવા તો તેના વિશે લોકોને ખ્યાલ જ નથી. આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને બજારમાં શ્રિંકફ્લેશનના નામે ઓળખવામાં આવે છે.

સામાન્ય ભાષામાં સમજીએ તો શ્રિંક એટલે નાનું થવું અને ઈન્ફેલશન તો આપણે જાણીએ જ છીએ કે ફગાવો છે. વાત એવી છે કે, કંપનીઓ દ્વારા તેમની પ્રોડક્ટનું વજન ઘટાડી દેવાયું છે અને ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. એક સમયે એક લિટર તેલ કે શેમ્પૂ કે અન્ય લિક્વિડ પ્રોડક્ટની બોટલમાં ૧ લિટર જ પ્રોડક્ટ મળતી હતી જે હવે ૯૦૦ એમએલ થઈ ગઈ છે. તેવી જ રીતે ૨૦ રૂપિયાના તૈયાર નૂડલના પેકેટમાં પહેલાં ૧૦૦ ગ્રામ નૂડલ આવતા હતા જે હવે ૮૦ ગ્રામ થઈ ગયા છે. પેકેટની કિંમત ૨૦ રૂપિયા જ રહી છે. બજારમાં બતાવાયા છે કે અમે ભાવ વધારતા નથી પણ અમે પ્રોડક્ટમાં કટકી કરીએ છીએ તેવું કોઈ બતાવતું નથી અને લોકો જોતા પણ નથી. જાણકારોના મતે ભારતમાં ૨૦૨૪-૨૫થી આ શ્રિંકફ્લેશનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ઘણી બધી કંપનીઓ દ્વારા આ પેટર્નનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીઓ દ્વારા દલીલ કરવામાં આવે છે કે, કાચા માલની કિંમત વધી છે, પરિવહન ખર્ચ વધ્યો છે છતાં અમે પ્રોડક્ટના ભાવ વધારતા નથી પણ તેને કાબુ કરવા અમે પ્રોડક્ટનું વજન ઓછું કરી દીધું છે.

જાણકારોના મતે શ્રિંકફ્લેશનની સૌથી મોટી અસર ગરીબ અને લોઅર મીડલ ક્લાસના લોકોને પડે છે. તેઓ અજાણતા જ વધારે પૈસા આપીને ઓછી વસ્તુ મેળવી રહ્યા છે. સમસ્યા એ છે કે, પેકેજિંગમાં કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી પણ તેની અંદર રહેલી પ્રોડક્ટનું કદ નાનું થઈ જાય છે, તેનું વજન ઓછું કરી દેવાય છે, તેની માત્ર ઘટાડી દેવાય છે. સાબુ લઈએ તો તેનું પેકિંગ એવું જ દેખાય છે પણ પહેલાં જે સાબુ આવતો હતો અને હાલ જે સાબુ આવે છે તેમાં ૧૦ થી ૧૫ ટકાનો તફાવત આવી ગયો છે. ગ્રાહકો છેતરાઈ રહ્યા છે પણ તેના તરફ ધ્યાન જતું જ નથી. મહત્ત્વની વાત એ છે કે, કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સને અસર થતી નથી કારણ કે ભાવમાં કોઈ ફેરફાર કરાયા નથી. માત્ર પ્રોડક્ટ ઓછી મળે છે. 

જાણકારો માને છે કે, કાયદાની આડમાં આ એક મોટું છીંડુ છે જેનો કંપનીઓ દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.

ચર્ચા એવી પણ ચાલે છે કે, તેને કાયદાનો ભંગ કહી શકાય કે નહીં. હકિકત એવી છે કે, ભારતમાં પેકેજિંગ અને લેબલિંગ માટે ઘણા કાયદા છે પણ દુનિયાના અન્ય દેશો કરતા અહીંયા લાલિયાવાડી વધારે છે. જાપાનમાં નિયમ છે કે, તમારે પેકેટ ઉપર પ્રોડક્ટનો ફોટો એટલા જ કદનો મુકવો પડે જેટલી પ્રોડક્ટ અંદર છે. તેનાથી વધારે મોટો ફોટો પણ મુકી શકાતો નથી.

 ભારતમાં એવો કાયદો છે કે, કોઈપણ પ્રોડક્ટના પેકેટ ઉપર તમામ જાણકારી હોવી જોઈએ. તેમાં વપરાયેલી વસ્તુઓ, બનાવનાર કંપનીની વિગતો, આયાત કરનાર હોય તો તેનું નામ, પ્રોડક્શન તારીખ, એક્સપાયરી ડેટ વગેરે લખવામાં આવે છે. તે ઉપરાંત પ્રતિ યુનિટ કિંમત પણ લખવી પડે છે. મોટાભાગે લોકોનું ધ્યાન આ વિગતો ઉપર જતું જ નથી. તેઓ જોયાજાણ્યા વગર જ ઓછી વસ્તુ ખરીદી રહ્યા છે. 

જાપાનની જ વાત કરીએ તો ત્યાં પેકેજિંગ ઈન્ડસ્ટ્રી માટે સખત કાયદા છે. તેમાં ચોકલેટના પેકેટ ઉપર ચોકલેટની સાઈઝ એટલી જ બતાવવી પડે જેટલી કે પેકેટની અંદર છે. તેનાથી મોટી સાઈઝની ચોકલેટ તમે પેકેટ ઉપર દોરી શકો નહીં. ત્યાંના કાયદા પ્રમાણે પેકેટ ઉપર કોઈપણ વસ્તુની તસવીર છે તો તે ડેકોરેશન માટે નથી પણ કંપની દાવો કરે છે કે, પેકેટ ઉપર દર્શાવેલી વસ્તુ જ અંદર છે અને આવી જ સ્થિતિમાં છે. બિસ્કિટના પેકેટ ઉપર જો ટોપિંગ્સ અથવા ઈનગ્રેડિયન્ટ્સની વાત કરી હોય તો પેકેટની અંદર પણ બિસ્કિટમાં તેવું બધું જ હોવું જોઈએ નહીંતર કાયદેસરના પગલાં લેવાય છે. તેમાંય જ્યૂસ મુદ્દે તો નિયમો વધારે કડક છે. કોઈપણ રેડીમેડ જ્યુસના પેકેટમાં ૫ ટકા કરતા ઓછા અસલી ફળોનો ઉપયોગ થયો હોય તો પેકેટ ઉપર ફળોનું કાર્ટુન અથવા ચિત્ર જ મુકી શકાય છે. જ્યૂસમાં ૫ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે ફળોની માત્રા હોય તો ફળોની સાચી તસવીર પેકેટ ઉપર મુકી શકાય છે. જ્યૂસના પેકેટમાં ૧૦૦ ટકા ફ્રૂટ જ્યૂસ જ હોય તો જ પેકેટ ઉપર કાપેલા ફ્રૂટની તસવીર મુકી શકાય છે. આ તમામ નિયમોનું કડકાઈથી પાલન થાય છે અને ભંગ કરનાર સામે સખત પગલાં લેવાય છે. બીજી તરફ ભારતમાં આવા કોઈ જ નિયમો નથી.

બીજા દેશોની વાત કરીએ તો ફ્રાન્સમાં એક મોટી રિટેલ ચેન છે જેણે પ્રોડક્ટનો ભાવ વધારો થતાં કંપનીનો માલ લેવાનો બંધ કરી દીધો. ગત વર્ષે કેરફોર નામની રિટેલ ચેન દ્વારા પેપ્સીકો કંપનીની પ્રોડક્ટ તેમના આઉટલેટમાંથી દૂર કરવામાં આવી કારણ કે કંપનીઓ ભાવ વધારો કર્યો હતો. રિટેલ કંપનીએ પોતાના તમામ આઉટલેટમાં ગ્રાહકો માટે બોર્ડ લગાવી દીધું કે, પેપ્સીકોએ પ્રોડક્ટમાં એકાએક ભાવ વધારો કર્યો છે. તેવી જ રીતે હંગેરી દ્વારા શ્રિંકફ્લેશન સામે સખત પગલાં લેવામાં આવ્યા છે. તેમાં દુકાનોને જણાવી દેવાયું છે કે, તેમને બોર્ડ લગાવવું પડશે અને તેમાં આકાર, વજન ઘટી ગયું હશે તે તમામ પ્રોડક્ટની યાદી લખવી પડશે. અમેરિકામાં પણ આ મુદ્દે આકરા પગલાંની તૈયારીઓ છે. તેમાં ગત વર્ષે જ શ્રિંકફ્લેશન પ્રિવેન્શન એક્ટ ૨૦૨૪નો ખરડો અમેરિકન કોંગ્રેસમાં રજૂ કરી દેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, અનેક ગ્રાહકો દ્વારા વિવિધ કંપનીઓ અને પ્રોડક્ટ સામે વજન, આકાર અને અન્ય બાબતે કેસ કરવામાં આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને જ કાયદાનો ગાળીયો કસવા આ ખરડો લવાયો છે. આ વર્ષે તેને મંજૂરી મળી જાય તેવું દેખાઈ રહ્યું છે.


- સામાન્ય લોકોના ખિસ્સાં ઉપર અસામાન્ય તરાપ મારતી કંપનીઓ સામે તંત્રનું મૌન 

શ્રિંકફ્લેશન વિશે જાણકારો માને છે કે, સામાન્ય લોકના ખિસ્સા ઉપર તેની અસામાન્ય અસર થઈ રહી છે. ભારતમાં લાખો-કરોડો લોકો છે જેઓ ખૂબ જ ઓછી આવકમાં તેમનું ઘર ચલાવે છે, જીવન જીવે છે, તેમના ખિસ્સા ખોટી રીતે ખાલી થઈ રહ્યા છે. સામાન્ય રીતે જોતાં આ સ્થિતિ સમજાય તેવી અને અસર કરે તેવી દેખાતી નથી. ભારતમાં સ્થિતિ એવી છે કે, કોઈપણ કંપની કે કન્ઝયુમર કેર દ્વારા આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવતી નથી. લોકોની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓમાં તોલ-માપ ઘટી રહ્યું છે. 

એક સમયે જે પેકેટમાં ૧૦૦ ગ્રામ વસ્તુ આવતી હતી તે જ પેકેટમાં હવે ૮૦ ગ્રામ વસ્તુ આવે છે. પહેલાની અને અત્યારની કિંમતમાં તફાવત નથી પણ વસ્તુનું તોલમાપ ઓછું થઈ ગયું છે. ઉદાહરણ તરીકે જો એક સાબુ પહેલાં ૧૦ દિવસ ચાલતો હતો તે હવે સાત જ દિવસ ચાલે છે. આપણને લાગે છે કે, સાબુ વહેલો પૂરો થઈ ગયો પણ હકિકતે તેનું માપ ઘટી ગયું છે તે આપણે જાણતા નથી. કંપનીઓ અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પારદર્શકતા દાખવવામાં આવતી નથી અને તેના કારણે ગ્રાહકોના ધ્યાનમાં કશું જ આવતું નથી. તે ઉપરાંત અભણ, અંતરિયાળ વિસ્તારમાં રહેતા, રોજમદારો વગેરે લોકો માત્ર વસ્તુ ખરીદે છે, તેના લેબલિંગ વિશે તેમને કોઈ સમજ નથી અને તેથી છેતરાય છે. મોટા શહેરોમાં અને મેટ્રો શહેરોમાં વધુ ભણેલા લોકો છે જેમના માત્ર એક્સપાયરી ડેટ જોવામાં રસ છે પણ લેબલિંગની પાછળના આ જુગાડ ખબર નથી અને તેથી તેઓ પણ છેતરાય છે. તેના કારણે ગ્રાહકોના વિશ્વાસ સાથે છેતરપિંડી થઈ રહી છે અને તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે. ભારતમાં પેકેજિંગના જે કાયદા છે તેમાં ઘણા છિંડા છે અને તેનો જ ઉપયોગ અધિકારીઓ અને કંપનીઓ માલ બચાવવામાં કરે છે. તેના પગલે છેવાડાના ગ્રાહકને તો શ્રિંકફ્લેશન વિશે કોઈ સમજ પડતી જ નથી. છેલ્લાં કેટલાક સમયથી પ્રતિ ગ્રામ, પ્રતિ મિલિ લિટર જેવી બાબતો સાથેના પેકિંગ આવે છે. તેમ છતાં ગ્રાહકોને પૂરતો લાભ મળતો નથી. બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તો સુપરમાર્કેટમાં પણ દરેક શેલ્ફ ઉપર દરેક પ્રોડક્ટનો પ્રતિ ગ્રામ ભાવ અને કિંમત લખવાનો નિયમ છે જેનાથી ગ્રાહકોને દરેક વસ્તુની સાચી કિંમત જાણવા મળે અને કેટલી વસ્તુ મળી રહી છે તેનો પણ ખ્યાલ આવે. જાણકારો માને છે કે, ભારત જેવો દેશ જ્યાં કરોડો લોકો લિમિટેડ બજેટ સાથે જીવતા હોય છે તેમની સાથે અદ્રશ્ય છેતરપિંડી થઈ રહી છે. શ્રિંકફ્લેશન ભલે વિદેશથી આવેલો અને બિઝનેસની દુનિયામાં ચર્ચાતો એક ટેકનિકલ શબ્દ છે પણ હકિકતે તે વિકાસશિલ દેશો અને ગરીબ દેશોના કરોડો ગરીબ લોકોના ખિસ્સા ખાલી કરવાનો આડકરતો ધંધો કહી શકાય તેમ છે. 

ભારત અને એશિયા તથા આફ્રિકાના દેશો ઉપર તેની ઉપર કન્ટ્રોલ નહીં આવે તો કરોડો લોકોના ખિસ્સાં દરરોજ ખાલી થશે અને તેઓ લાચાર બનીને જોતા રહેશે. સરકારે આ દિશામાં નક્કર પગલાં લેવા જ પડશે.