Editorial

વિશ્વમાં 1.5 અબજ લોકો અંગ્રેજી, 61 કરોડ લોકો હિન્દી બોલે છે

By GS TEAM
10 Aug 20257 mins read
વિશ્વમાં 1.5 અબજ લોકો અંગ્રેજી, 61 કરોડ લોકો હિન્દી બોલે છે

- વિશ્વમાં કેટલાક પ્રદેશોમાં અને હાલમાં ખાસ કરીને ભારતમાં ભાષાનો વિવાદ ચાલે છેે ત્યારે જાણવું રહ્યું કે, વિશ્વના મોટા ભાગના દેશોમાં અંગ્રેજી સર્વસ્વીકૃત ભાષા

- વૈશ્વિક ભાષાઓમાં અંગ્રેજી, મેન્ડેરિન અને હિન્દી ટોચના ત્રણ સ્થાને આવતી ભાષાઓ ઃ વિશ્વમાં ૭,૦૦૦ ભાષાઓ બોલાય છે, જેમાંથી ૨૩ ભાષા સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે, ૧.૨ અબજ લોકો મેન્ડેરિન ભાષા બોલે છે, ૯.૯૩ કરોડ લોકો મરાઠી, ૯.૫૮ કરોડ લોકો તમિલ અને ૯ કરોડ લોકો પંજાબી ભાષા બોલે છે ઃ વિશ્વમાં ૫૫.૮ કરોડ લોકો સ્પેનિશ, ૩૩.૫ કરોડ લોકો અરબી, ૩૧.૨ કરોડ લોકો ફ્રેન્ચ, ૨૮.૪ કરોડ લોકો બંગાળી, ૨૬.૭ કરોડ લોકો પોર્ટુગીસ, ૨૫.૩ કરોડ લોકો રશિયન અને ૨૪.૬ કરોડ લોકો ઉર્દુ બોલે છે

વિશ્વમાં બોલચાલમાં ઘણી ભાષાઓ અને તેની પેટા ભાષાઓનું ચલણ છે. તેમ છતાં એવી કેટલીક ભાષાઓ જે સ્પષ્ટ રીતે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે બોલાવામાં આવે છે. આ ભાષાઓ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે સમગ્ર વિશ્વમાં સંદેશાવ્યવહાર અને વાતચીત માટે અંગ્રેજી ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના દેશો દ્વારા આ ભાષા થકી એકબીજા સાથે શાબ્કિત સેતુ સાધવામાં આવે છે. જાણકારોના મતે વિશ્વમાં ૭૦૦૦ જેટલી ભાષાઓ બોલવામાં આવે છે. તેમાંથી ૨૫ ભાષાઓ એવી છે જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. જાણકારો દ્વારા ભાષા અને બોલીઓ વચ્ચે ખૂબ જ મોટો તફાવત રાખવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે, ભાષા અને બોલી અલગ છે. તે ઉપરાંત લિપીનો ઉપયોગ પણ થાય છે, તેમ છતાં ભાષાનું આગવું મહત્ત્વ છે. સમગ્ર વિશ્વમાં અંગ્રેજી સૌથી વધારે બોલાતી અને સ્વીકારાયેલી ભાષા છે. જાણકારોના મતે વર્તમાન સમયમાં અંગ્રેજી એવી ભાષા છે જેનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. 

એક સમયે જેમ ગ્રીક અને લેટિન ભાષા હતી તેમ વર્તમાન અને આધુનિક સમયમાં અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. અંગ્રેજી જાણનારા લોકોને વિશ્વની બીજી ભાષાઓ શીખવામાં અને કેટલીક અઘરી ભાષાઓ શીખવામાં પણ સાથ અને સફળતા મળે છે તેવું માનવામાં આવી રહ્યું છે. વેપાર હોય કે, રાજકારણ કે પછી શિક્ષણ અથવા તો રોજગારી કે પછી આંતરરાષ્ટ્રીય સોદા અને અવકાશમાં જવાની વાતો હોય તમામ સ્તરે અંગ્રેજી ભાષા દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવે છે. લોકો અને સરકારો દ્વારા પોતાના દેશની મૂળભાષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા રહેવા અને સંવાદ સાધવા અંગ્રેજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વના ૩૭.૩૦ કરોડ લોકોની તે મૂળ ભાષા છે. જ્યારે વિશ્વમાં ૧.૫ અબજ લોકો અંગ્રેજી ભાષા બોલે છે. જાણકારોના મતે  જે વ્યક્તિને અંગ્રેજી અને સ્પેનિશ આવડતું હોય તે લોકો ઈન્ટરનેટ ઉપર મળનારા દર ત્રણમાંથી એક વ્યક્તિઓને સમજી શકે છે. આ ઉપરાંત વૈશ્વિક વેબસાઈટ ઉપર પિરસાતું ૬૦ ટકા કન્ટેન્ટ તેઓ સમજી શકે છે.

અંગ્રેજી બાદ વિશ્વમાં જો સૌથી વધારે બોલાતી ભાષા હોય તો તે મન્ડેરિન છે. આ ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ છે. આ ભાષા વિશ્વમાં ૧.૨ અબજ લોકો બોલી છે. તેની ખાસીયત એવી છે કે, આ લોકોમાંથી ૯૩ કરોડ લોકોની તો આ મૂળ ભાષા એટલે કે ફર્સ્ટ લેન્ગેવેજ છે. ચીનની સૌથી વધારે વસતી પોતાની માતૃભાષામાં જ વાત કરે છે. માતૃભાષાની રીતે વિચારીએ તો મન્ડેરિન વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષા છે. ચીનની વસતી જ વિશ્વમાં સૌથી વધારે હોવાથી મન્ડેરિન આ રીતે સૌથી વધારે બોલાતી ભાષા ગણાય. મન્ડેરિન વિશે કહેવાય છે કે, તે સ્પષ્ટ ભાષા નથી. તે લિપી અને બોલીનો સંગમ છે. સામાન્ય લોકોને સમજાતી નથી. 

વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે આવે છે. વિશ્વમાં ૬૦.૯ કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે. વિશ્વના ૩૪.૪૦ કરોડ લોકોની માતૃભાષા પણ છે. ભારતમાં આ ભાષા સૌથી વધારે બોલાય છે. ભારતની વાત કરીએ તો અહીંયા ૧૨૧ બોલીઓ અને ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હિન્દી ટોચના સ્થાને આવે છે. ખાસ કરીને ઉત્તરભારતમાં હિન્દી બોલનારા લોકોની સંખ્યા વધારે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ થોડા ઘણા પ્રમાણમાં હિન્દી બોલાય છે. નેપાળમાં ચોથા ભાગની વસતી હિન્દીનો ઉપયોગ કરે છે. ભારતમાં વસતીનું પ્રમાણ વધારે છે છતાં ભાષાની અને સંસ્કૃતિની વૈવિધ્યતાને પગલે અહીંયા લોકો પોતાની અનુકુળતા પ્રમાણે ભાષા બોલે છે. ચીનને સમાંતર વસતી હોવાથી મોટાભાગના લોકો અને રાજ્યોમાં પોતાની ભાષા હોવાના કારણે હિન્દી બોલનારો વર્ગ થોડો ઓછો છે. તેના કારણે જ વૈશ્વિક સ્તરે હિન્દી ત્રીજા ક્રમે આવતી ભાષા છે. ભારતની જ વાત કરીએ તો અહીંયા ૯.૯૩ કરોડ લોકો મરાઠી, ૯.૫૮ કરોડ લોકો તમિલ અને ૯ કરોડ લોકો પંજાબી ભાષાનો ઉપયોગ કરે છે. 

ફ્રેન્ચ કોલોનીના વિસ્તરણ દરમિયાન ફ્રેન્ચ ભાષા વિશ્વમાં ફેલાઈ હતી. સ્પેનિશ અને અંગ્રેજી બાદ ફ્રેન્ચ ભાષા કોલોનિયલ એરામાં વિસ્તરી હતી. તેના કારણે ૨૯ દેશોમાં ફ્રેન્ચ ભાષા બોલવામાં આવે છે. જાણકારોના મતે જેમ અંગ્રેજી બિઝનેસ અને રાજકારણ માટેની વૈશ્વિક ભાષા છે તેવી જ રીતે ફ્રેન્ચની પણ અલગ ઓળખ છે. ફ્રેન્ચને સંસ્કૃતિ અને કલાની ભાષા માનવામાં આવે છે. વિશ્વમાં ૩૧.૨ કરોડ લોકો ફ્રેન્ચ બોલે છે. બીજી તરફ ફ્રેન્ચની જ્યારે માતૃભાષા તરીકે સ્થિતિ જોઈએ તો વિશ્વમાં માત્ર ૮ કરોડ લોકોની જ માતૃભાષા છે. 

વિશ્વમાં આ ત્રીજી ભાષા એવી છે જેમની મૂળભાષા અથવા તો માતૃભાષા ફ્રેન્ચ નથી છતાં તે વ્યાપક સ્તરે બોલાય છે. 

દુનિયામાં અરબી ભાષા મોટા પ્રમાણમાં બોલવામાં આવે છે પણ આ ભાષા વિશે ઘણી વિચિત્રતા છે. અરબી ભાષા સદીઓથી બોલાય છે પણ સમયાંતરે તેમાં સુધારા-વધારા થયા છે.  અરબી ભાષા વિવિધ લહેકા અને બોલી થકી બોલવામાં આવી છે. તેના કારણે આધુનિક અરબી ભાષા કોઈની મૂળ ભાષા નથી. આ એકમાત્ર એવી ભાષા છે જે કોઈની પણ માતૃભાષા નથી. આધુનિક અરબી એવી ભાષા છે જે આ દેશોમાં અખબારોમાં, ન્યૂઝ ચેનલ્સમાં, ફિલ્મોમાં, વેપાર માટે અને અન્ય કામગીરીઓમાં ઉપયોગમાં લેવાય છે. વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં બંગાળી અને પોર્ટુગીઝનો પણ સમાવેશ થાય છે. બંગાળી ભાષાની વાત કરીએ તો તે બાંગ્લાદેશની માતૃભાષા અને રાષ્ટ્રભાષા છે. 

આ સિવાય ભારત અને બર્માના કેટલાક પ્રાંતોમાં આ ભાષા બોલાય છે. બાંગ્લાદેશ જેવા નાનકડા દેશની માતૃભાષા વિશ્વની આ યાદીમાં સ્થાન પામી છે. વિશ્વમાં ૨૮.૪ કરોડ લોકો આ ભાષાનો ઉપયોગ કરે છે. તેમાંથી ૨૩ કરોડ લોકોની આ માતૃભાષા છે. તેવી જ રીતે પોર્ટુગીઝ ભાષા પણ આશ્ચર્યજનક રીતે આ યાદીમાં છે. યુરોપના ૯ દેશો, સાઉથ અમેરિકા, આફ્રિકા અને એશિયામાં પોર્ટુગીઝનો અધિકારિક ભાષા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વૈશ્વિક યાદીમાં આઠમા ક્રમે આવતી આ ભાષાનો ૨૬.૭ કરોડ લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ૨૩.૨ કરોડ લોકોની આ માતૃભાષા છે. યુરોપના નવ દેશોને બાદ કરતા બ્રાઝિલ એક એવો દેશ છે જેમાં પોર્ટુગીઝ ભાષાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. યુરોપના દેશોની વાત કરીએ તો ત્યાં અંગ્રેજી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, સ્પેનિશ અને રશિયન ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયા દુનિયાનો એવો દેશ છે જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે છતાં તેની ભાષા વૈશ્વિક યાદીમાં નવમા ક્રમે આવે છે.

 વિશ્વમાં ૧૯ દેશોમાં રશિયન બોલવામાં આવે છે તથા ચાર દેશોમાં તે અધિકારિક ભાષા જાહેર કરાયેલી છે. 

તેની બીજી ખાસિયત એવી છે કે, યુરોપના દેશોમાં રશિયન સૌથી વધારે લોકો દ્વારા બોલાતી માતૃભાષા છે. વિશ્વમાં ૨૫.૫ કરોડ લોકો રશિયન બોલે છે તેમાંથી ૧૫.૫ કરોડ લોકોની આ માતૃભાષા કે મૂળભાષા છે. બીજી તરફ પાકિસ્તાનમાં હિન્દી અને ઉર્દુ બે ભાષા બોલાય છે. બંને અધિકારિક રીતે બોલવામાં આવે છે. વિશ્વમાં ૨૪.૬ કરોડ લોકો ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે. તેમાંથી ૭ કરોડ લોકોની તે માતૃભાષા છે. ઉર્દુને પર્શિયન ભાષાનું આધુનિક સ્વરૂપ પણ માનવામાં આવે છે.

- ઈન્ડોનેશિયામાં ભાષા વૈવિધ્ય ખૂબ જ વધારે અહીંયા 200 પ્રકારની ભાષા બોલાય છે

ઈન્ડોનેશિયા પણ ભાષાની બાબતમાં ભારતની જેમ વૈવિધ્યતા ધરાવતો દેશ છે. બહાસા ઈન્ડોનેશિયન આમ તો ઈન્ડોનેશિયાની અધિકારિક ભાષા છે છતાં અહીંયા ૨૦૦ પ્રકારની ભાષાઓ બોલાય છે. 

દુનિયાનો ચોથા ક્રમનો સૌથી વધુ વસતી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આ ભાષા માત્ર બે લોકો વચ્ચે સેતુ સધાય તે માટે સ્વીકારવામાં આવી છે. બાકી ૨૦૦ જેટલી ભાષાઓ વધારે પ્રમાણમાં બોલાય છે અને દરેક લોકો પોતાના પ્રાન્ત અને સમુદાયાના આધારે પોતાની ભાષાનો પ્રયોગ કરતા હોય છે. માત્ર ૨૫.૨ કરોડ લોકો બહાસા ઈન્ડોનેશિયન ભાષાનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત આ ભાષા માત્ર ૪,૩૬ કરોડ લોકોની જ માતૃભાષા છે. બીજી તરફ જર્મન ભાષાનું કંઈક અલગ જ સ્તર છે. યુરોપમાં તેનું ચલણ વધારે છે. 

જર્મની ઉપરાંત ઓસ્ટ્રિયા, લેશેનસ્ટેન, સ્વીટ્ઝર્લેન્ડ અને લક્ઝમ્બર્ગમાં આ ભાષાનો ઉપયોગ વધારે થાય છે. ૧૩.૫ કરોડ લોકો વૈશ્વિક સ્તરે આ ભાષાનો ઉપયોગ કરે છે. 

- સ્પેનિશ વિશ્વમાં રોમાન્સની ભાષા તરીકે જાણીતી

સ્પેનિશ ભાષાની અનોખી ખાસીયત જોવા મળે છે. વિશ્વમાં ૫૬ કરોડ લોકો સ્પેનિશ ભાષા બોલે છે. તેમાંથી ૪૭.૪૭ કરોડ લોકોની તો માતૃભાષા છે. માતૃભાષાની રીતે જોઈએ તો સ્પેનિશ વિશ્વમાં બીજા ક્રમની સૌથી વધારે બોલાતી ભાષા છે. આ ઉપરાંત તેને લેન્ગવેજ ઓફ રોમાન્સ પણ કહેવાય છે. તે રોમાન્સની ભાષા છે. આ સિવાય ઈન્ટરનેટ ઉપર કન્ટેન્ટ જનરેટ કરવા માટે અને સ્પ્રેડ કરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રીજા ક્રમની ભાષા છે. 

સ્પેન દ્વારા કોલોનિયલ સમયમાં વિસ્તરણ કરવામાં આવતા અમેરિકા ઉપરાંત આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં સ્પેનિશ બોલાય છે. વિશ્વમાં આજે ૨૧ દેશો છે જ્યાં સ્પેનિશ બોલવામાં આવે છે. તેમાં પણ નવાઈની વાત એવી છે કે, વિશ્વમાં સ્પેનિશ બોલનારા સૌથી વધારે લોકો સ્પેન બાદ અમેરિકામાં છે. આ મુદ્દે અમેરિકા બીજા ક્રમે છે.