ભ્રષ્ટાચાર સામેની જેન ઝીની ક્રાંતિએ નેપાળને હચમચાવી દીધું

- નેપાળમાં માત્ર સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ જ નહીં, બેરોજગારી, ગરીબી, મોંઘવારી જેવા ઘણા મુદ્દાએ યુવાનોને ઉશ્કેર્યા
- નેપાળમાં ઓલી સરકાર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકાયો તે એકમાત્ર કારણ નહોતું કે યુવાનો સરકાર સામે પડયા. છેલ્લાં ઘણા વર્ષોથી યુવાનો બધું જ સહન કરતા આવ્યા હતા અને હવે તેમનો ગુસ્સો સોશિયલ મીડિયાના પ્રતિબંધને નિમિત્ત બનાવીને ફાટી નીકળ્યો જેણે નેપાળના રાજકારણને અને સરકારી તંત્રને ભડકે બાળ્યું : નેતાઓના સંતાનો વિદેશ ફરવા જાય, ભણવા જાય, વેકેશન કરવા જાય. પાછા આવે ત્યારે મોંઘી વસ્તુઓ, ગાડીઓ લઈને આવે. સામાન્ય માણસના સંતાનો મજૂરી કરવા વિદેશ જાય અને પાછા કોફિનમાં આવે તો ક્યારેક ખાલી હાથે અને હતાશ થઈને આવે. આવી અસમાનતાએ યુવાનોમાં આક્રોશ ફેલાવ્યો હતો : અહીંયા જાતીય, પ્રાદેશિક, સાંસ્કૃતિક આધારે પણ લોકો સાથે ખૂબ જ ભેદભાવ કરવામાં આવે છે. ખાસ કરીને મધેસી, થારૂ અને અન્ય જનજાતીય સમુદાયોના યુવાનોને સમાન અવસર મળતા જ નહોતા તેથી લોકોનો રોષ વધવા લાગ્યો અને સામાજિક ન્યાય અને સમાનતા માટે પણ ક્રાંતિ શરૂ થઈ
નેપાળમાં છેલ્લાં બે દિવસમાં જે બન્યું તેણે સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. દુનિયાના નકશામાં જોવા મળતો સાવ નાનકડો દેશ જ્યાં વસતી સાવ નહીવત છે ત્યાં મોટી ક્રાંતિ થઈ, યુવા ક્રાંતિ થઈ અને કદાચ એમ કહીએ કે જેન ઝી ક્રાંતિ થઈ જેણે સમગ્ર દેશમાં ઉથલપાથલ મચાવી દીધી. નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર દ્વારા નેપાળમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના કારણે યુવાનોને સહનશક્તિનો બંધ તૂટી ગયા આક્રોશ ફાટી નીકળ્યો. છેલ્લાં ઘણા વર્ષથી સરકાર અને સરકારી નીતિઓ તથા દેશની સ્થિતિ મુદ્દે નેપાળના યુવાનો ચિંતામાં અને આવેશમાં હતા. તાજેતરમાં ઓલી સરકારે જે પગલું લીધું તેણે બધું વેરવીખેર કરી નાખ્યું. યુવાનોનો આક્રોશ વિદ્રોહ બનીને સરકાર ઉપર તૂટી પડયો. ચારેતરફ તોડફોડ, અરાજકતા, હિંસા, આંદોલન, સરકારી કચેરીઓમાં, સંસદ ભવન સુધી યુવાનોએ કુચ કરી દીધી. દેશના વડા પ્રધાન ઓલીને દેશ છોડીને નાસી જવું પડયું. બે દિવસમાં તો ઓલીની સરકાર પણ પડી ગઈ અને સત્તાથી વિમુખ થઈ જવું પડયું. જાણકારો માને છે કે, નેપાળમાં ઓલી સરકાર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકાયો તે એકમાત્ર કારણ નહોતું કે યુવાનો સરકાર સામે પડયા. છેલ્લાં ઘણા વર્ષોથી યુવાનો બધું જ સહન કરતા આવ્યા હતા અને હવે તેમનો ગુસ્સો સોશિયલ મીડિયાના પ્રતિબંધને નિમિત્ત બનાવીને ફાટી નીકળ્યો જેણે નેપાળના રાજકારણને અને સરકારી તંત્રને ભડકે બાળ્યું.
ઉલ્લેખનીય છે કે, નેપાળના યુવાનો દ્વારા જે રેલીઓ કાઢવામાં આવી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કે પછી સોશિયલ મીડિયા ઉપર ટ્રન્ડ ચલાવવામાં આવ્યા તે બધા જ નેપો કિડ્સના હતા. નેપાલ નેપો કિડ્સ, નેપો કિડ્સ, નેપાલ નેપો બેબી જેવા ઘણા ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. મૂળ વાત એવી હતી કે, નેતાના પરિવારજનો, સંતાનો વિદેશમાં ફરવા જાય, ભણવા જાય, શોપિંગ કરવા જાય અને અત્યંત વૈભવી જીવન પસાર કરે. આ બધું જ તેઓ સોશિયલ મીડિયામાં શેર પણ કરે. બીજી તરફ સ્થાનિક યુવાનોને ઘણુ ભોગવવાનું આવતું જેની સામે કોઈ જોવા તૈયાર નહોતું. નેપાળના નેતાઓ અને પાવરફુલ પરિવારોના સંતાનો કે જેને નોપો કિડ્સ કહેવાય છે તેઓ કોઈપણ યોગ્યતા કે સંઘર્ષ વગર બધું મેળવી લે છે. તેમના પરિવારની સત્તા, રાજકીય વગ અને આર્થિક તાકાતના જોરે ઉંચા પદ, ધંધા રોજગાર, સુખ-સાહ્યબી અને બીજું ઘણું મેળવી લે છે.
નેપોટિઝમ એટલે કે પરિવારવાદના ઉપરથી નેપો શબ્દ આવ્યો છે. જે વ્યક્તિ, સંતાન કે પરિવારનું સભ્ય પોતાના પરિવારના પાવર અને પૈસાના જોરે કંઈક મેળવી લે છે તેને નેપો કહેવામાં આવે છે. નેપાળમાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના સંતાનો, સગાઓ, પરિવારના સભ્યોને સરકારી નોકરીઓ, રાજકીય પદો, કોન્ટ્રાક્ટ અને અન્ય સુવિધાઓમાં ગેરકાયદે લાભ આપવામાં આવ્યો છે. સામાન્ય લોકોને, યુવાનોને સખત મહેનત પછી પણ અવસર મળતો નહોતો, નોકરીઓ મળતી નહોતી, રોજગાર મળતા નહોતા. નેતાઓના સંતાનો વિદેશમાં ભણતા, મોંઘી ગાડીઓમાં ફરતા, બ્રાન્ડેડ કપડાં પહેરતાં અને વેકેશન માણવા પણ વિદેશ જતાં. સામાન્ય લોકોને રોજગારીના પણ સાંસા હતા. આ કારણે જ યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. નેતાઓના સંતાનોએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટ અને સ્ટોરીએ નેપાળના યુવાનોને વધારે ગુસ્સે કરી દીધા, આક્રોશમાં લાવી દીધા. તેના કારણે જ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓની સામે રાજકારણીઓના નેતાઓની સવલતોની વાત કરવા માટે નેપો કિડ્સ હેશટેગ વાઈરલ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચારના પ્રતિક તરીકે તેનો સોશિયલ મીડિયામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેપાળમાં ઓમની કાંડ અને લલિતા નિવાસ જેવા બહુચર્ચિત ભ્રષ્ટાચારના કાંડને કારણે યુવાનો ગુસ્સે જ હતા. તેમાં સોશિયલ મીડાય બેન સામે આવ્યું અને ભારેલા અગ્નિમાં પેટ્રોલ છંટાયું હોય તેમાં મોટો ભડકો થયો અને નેપાળ હચમચી ગયું.
નેપાળમાં બીજી મોટી બાબત બેરોજગારીની છે. યુવાનો તેના કારણે ઘણા વર્ષોથી પીડાઈ રહ્યા છે. અહીંયા બેરોજગારીનો દર ૧૯ ટકા છે. સરેરાશ જોવા જઈએ તો ખૂબ જ વધારે છે. તેના કારણે હજારોની સંખ્યામાં યુવાનો બીજા દેશોમાં, યુદ્ધગ્રસ્ત દેશોમાં નોકરી કરવા મજબૂર બને છે. આર્થિક અસમાનતા અને બેરોજગારીના કારણે યુવાનો નિરાશામાં ધકેલાયેલા હતા. સોશિયલ મીડિયામાં યુવાનોએ અવાજ પણ ઉઠાવ્યો હતો કે, નેતાઓના સંતાનો વિદેશ ફરવા જાય, ભણવા જાય, વેકેશન કરવા જાય. પાછા આવે ત્યારે મોંઘી વસ્તુઓ, ગાડીઓ લઈને આવે. સામાન્ય માણસના સંતાનો મજૂરી કરવા વિદેશ જાય અને પાછા કોફિનમાં આવે તો ક્યારેક ખાલી હાથે અને હતાશ થઈને આવે. આવી અસમાનતાએ યુવાનોમાં આક્રોશ ફેલાવ્યો હતો.
બેરોજગારીની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ ચરમસીમાએ હતો. નોકરીઓમાં પણ લાંચ અને ગોઠવણોના કારણે સામાન્ય લોકો ઉશ્કેરાયેલા હતા, દુ:ખી હતા અને ગુસ્સામાં હતા. જાણકારોના મતે નેપાળના યુવાનોમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનોની સંખ્યા ઘણી વધારે છે છતાં તેમને રોજગારી મળતી નથી. તેમની પાસે પૂરતા અવસરો જ નથી. નોકરીઓમાં પહેલેથી જ ગોઠવણ થઈ જાય છે. ખેતી આધારિત અર્થતંત્ર હોવાના કારણે આધુનિક ઉદ્યોગો કે સ્ટાર્ટઅપનો પણ નેપાળમાં યોગ્ય વિકાસ થયો નહીં. રોજગારીની સમસ્યા વધતી ગઈ અને તેના કારણે લોકોમાં આર્થિક અસમાનતા અને ગરીબીની સ્તરમાં પણ મોટો ઉછાળો આવવા લાગ્યો.
નેપાળમાં શિક્ષણનું સ્તર પણ જૂનું અને રૂઢીગત છે જેમાં કોઈ ફેરફાર નથી. આધુનિક ટેક્નોલોજીકલ શિક્ષણ યોગ્ય રીતે અપાતું નથી. તેના માટેના પૂરતા સંસાધનો નથી. રોગજગારી ઊભી થાય તેવું પણ શિક્ષણ અપાતું નથી કે તેવા અભ્યાસક્રમ પણ નથી. તેના કારણે યુવાનોને પોતાના જ દેશમાં યોગ્ય રોજગારી મળતી નથી અને બીજા દેશો તરફ મીટ માંડવી પડે છે. દેશમાં જે રોજગારી છે તેમાં ગોઠવણ થઈ જાય છે તેથી રોજગારથી વંચિત રહેવું પડે છે. તેના પગલે પણ યુવાનોમાં અસંતોષ વધતો જતો હતો.
નેપાળની અન્ય મોટી સમસ્યાની વાત કરીએ તો ત્યાં ગરીબી અને આર્થિક અસમાનતા પણ મોટાપાયે જોવા મળતી રહી છે. દેશમાં ગરીબોને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી, રોજગાર મળતા નથી, સામાજિક સુવિધાઓ મળતી નથી, રાજકીય લાભ મળતા નથી. બીજી તફ ધનિકોને, નેતાઓને, વગદાર લોકોને તેમના સંતાનો અને પરિવારજનોને અઢળક સુવિધાઓ મળી રહી છે. તેના કારણે પણ જનતા ત્રસ્ત છે. સામાન્ય લોકોના સંતાનોને સંઘર્ષ અને ધનિકો તથા નેતાઓના સંતાનોને મોજ-મજા જેવી બાબત ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી હતી.
માત્ર આર્થિક અસમાનતા જ નહીં, જાતીગત અને સામાજિક અસમાનતાએ પણ લોકોમાં રોષ વધાર્યો હતો. અહીંયા જાતીય, પ્રાદેશિક, સાંસ્કૃતિક આધારે પણ લોકો સાથે ખૂબ જ ભેદભાવ કરવામાં આવે છે. ખાસ કરીને મધેસી, થારૂ અને અન્ય જનજાતીય સમુદાયોના યુવાનોને સમાન અવસર મળતા જ નથી. તેમને છેવાડાના જ ગણવામાં આવે છે અને તેવો જ વ્યવહાર કરવામાં આવે છે. તેના પગલે ઘણા સમયથી વિવિધ સમાજના લોકો અને યુવાનો દ્વારા સામાજિક ન્યાયની માગણી પણ કરવામાં આવેલી હતી. આ ઘટનાના કારણે સંઘર્ષ વધારે મોટો થયો અને યુવાનોનો ગુસ્સો અને જુસ્સો પણ વધી ગયો જેમાં વિશાળ જનઆંદોલન છેડાઈ ગયું.
ઉલ્લેખનીય છે કે, આ સમસ્યાઓની સાથે સાથે નેપાળમાં રાજકીય અસ્થિરતા પણ વધી રહી હતી જેના કારણે યુવાનો નારાજ હતા. જાણકારોના મતે રાજકીય અસ્થિરતાના કામે વારંવાર સરકાર બદલાતી હતી.
સરકાર બદલાવાના કારણે લોકોની જે માગણીઓ હતી, લોકોની જે સસ્યાઓ હતી તેનું કોઈ નિવારણ આવતું જ નહોતું. બીજી તરફ રાજકારણીઓ દ્વારા યુવાનોની ધરાર અવગણના કરવામાં આવી રહી હતી. બીજી તરફ યુવાનો પોતાના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકામાં જોતા હતા. જે પણ સરકાર આવતી તેમની રાષ્ટ્રીય નીતિઓમાં યુવાનોની વાતો ખૂબ જ ઓછી થતી હતી.
તેમને લગતી પોલિસી પણ યોગ્ય બનતી નહોતી. નેપાળમાં ઘણા સમયથી મુખ્ય રાજકીય પક્ષો એકબીજા સાથે સંઘર્ષમાં જ ઉતરેલા છે. તેના કારણે નેપાળમાં રાજકીય ધમાસાણ ચાલે છે જેના પરિમાણે છેલ્લાં કેટલાક વર્ષથી કોઈ સ્થિર સરકાર આવી નથી. નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને મધેસી દળ દ્વારા વારંવાર ગઠબંધન બનાવીને તોડવામાં આવતું હતું જેના પગલે રાજકીય અસ્થિરતા વધતી હતી.
રાજકીય અસ્થિરતા અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત યુવાનોના આક્રોશનો જ્વાળામુખી ફાટયો
છેલ્લાં ૧૦ વર્ષમાં નેપાળમાં લગભગ ૧૫થી વધારે વખત સરકાર બની અને પડી ગઈ છે. દર વખતે નવા નેતા આવે જે જૂની નીતિઓને બદલી કાઢે અને સમગ્ર સ્થિતિ પલટાઈ જાય.
બદલાતી સરકારો, બદલાતી નીતિઓ અને બદલાતા નેતાઓના કારણે નેપાળમાં ક્યારેય વિકાસ કામ પૂરા થયા નહીં કે નવા શરૂ થયા નહીં. બીજી વાત એવી છે કે, નેપાળમાં એક દાયકા પહેલાં એટલે કે ૨૦૧૫માં તત્કાલિન સરકાર દ્વારા નવું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. તે સમયે મધેસી અને અન્ય લઘુમતી સમુદાયો દ્વારા તેનો મોટાપાયે વિરોધ કરાયો હતો. તેમણે બંધારણ સ્વીકાર્યું નહોતું. તેના કારણે બંધારણ લાગુ કરવામાં વિલંબ થતો રહ્યો, રાજકીય અસ્થિરતા વધતી ગઈ. સતત વિરોધ પ્રદર્શનો, હડતાળો અને હિંસે કારણે દેશની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ. આ સિવાય અન્ય એક કારણ એવું છે જે દરેક દેશમાં વકરેલું જ છે. બગડેલી શાસન વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર. નેપાળમાં ઘણા નેતાઓ અને સરકારી ઉચ્ચ અધિકારીઓના ભ્રષ્ટાચારના કિસ્સા દરરોજ સામે આવતા હતા. પ્રજાને જરૂરી સેવાઓ પણ મળતી નહોતી, તેનો જવાબ આપનાર પણ કોઈ નહોતું અને પ્રજાની જાણે કે ધરાર અવગણના જ કરવામાં આવતી હતી. યુવાનો આ સ્થિતિના કારણે દુ:ખી હતા નેતાઓ પાસે જવાબ ઈચ્છતા હતા. સરકારી કામગીરીમાં, કોન્ટ્રાક્ટ આપવામાં, સરકારી યોજનાઓમાં ક્યાંય પારદર્શકતા નહોતી, માત્ર નેતાઓ અને અધિકારીઓના સગા, પરિવારજનો અને મળતીયાઓને જ કોન્ટ્રાક્ટ મળતા, કામગીરી મળતી કે ફાયદા મળતા હતા. યુવાનોને સ્વચ્છ રાજકારણ, પારદર્શક નીતિઓ, રોજગારી, સમાનતા, યોગ્ય અવસરો, સુનિયોજિત અને આધુનિક શિક્ષણ મળે અને સામાજિક ન્યાયનો લાભ મળે તેવી ઈચ્છા હતી.
આ તમામ સ્તરે ઘણા વર્ષોથી દબાયેલો ગુસ્સો જ્વાળામુખી બનીને ફાટયો. આ યુવા ક્રાંતિએ હવે નેપાળમાં પરિવર્તનની લહેર ફેલાવી દીધી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.








