Editorial

જાતીગત સમીકરણ : બિહાર ચૂંટણીનું સૌથી અગત્યનું પાસું

By GS TEAM
10 Oct 20258 mins read
જાતીગત સમીકરણ : બિહાર ચૂંટણીનું સૌથી અગત્યનું પાસું

- ચૂંટણી જાહેર થતાં જ આરજેડી ગઠબંધન અને એનડીએ ગઠબંધન દ્વારા નાના-મોટા તમામ સમુદાયોને રિઝવવાની કવાયત ચાલુ

- બિહાર ચૂંટણીમાં કોઈપણ પાર્ટી અથવા ગઠબંધન માત્ર એક જ જાતીના કે સમુદાયના ભરોસે ચૂંટણી જીતી શકે તેમ નથી. બિહારની ચૂંટણીમાં વિજયી થવા માટે તમામ પક્ષોના સમીકરણો સમજવા પડે છે. તેમાંય ઈકોનોમિક બેકવર્ડ ક્લાસ અને મહાદલિત જેવા મોટા મુદ્દા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે : યાદવ વોટ આ રાજ્યમાં જીતવા માટે ખૂબ જ મહત્ત્વના છે. બિહારમાં તેમની વસતી અંદાજે 14.3 ટકા છે. આ યાદવ વોટ સૌથી વધારે આરજેડી સાથે જોડાયેલા છે. તેઓ પહેલાં લાલુ યાદવ અને હવે તેજસ્વી યાદવ સાથે પણ એટલા જ પ્રામાણિકતાથી જોડાયેલા છે : હિન્દુ સવર્ણો ભાજપ માટે સૌથી મજબૂત વોટબેન્ક બની ગયા. હાલના સમયમાં રાજપૂત, બ્રાહ્મણ, ભૂમિહાર, કાયસ્થ જેવા મતદારો એનડીએની પડખે હોય છે. અહીંયા મુસ્લિમ સમુદાય મોટાભાગે બીસી, ઓબીસી, એસસી, ઈબીસી જેવા વિવિધ પેટા વિભાગોમાં વહેંચાયેલો છે છતાં તેમની અસર મોટી છે. મોટાભાગના મુસ્લિમો ઓબીસી અને ઈબીસીમાં આવે છે. મતદાનની વાત આવે ત્યારે સમગ્ર સમુદાય એકજૂથ થઈને જ વોટ કરે છે

બિહારમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ બિહારમાં આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. બિહારમાં ૬ નવેમ્બર અને ૧૧ નવેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી થશે અને ૧૪ નવેમ્બરના રોજ ૨૪૩ વિધાનસભાઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બરે પૂરો થતો હોવાથી તેની પહેલાં નવી સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે ભાજપ અને જેડીયુના ગઠબંધનની સામે આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન મેદાને પડયા છે. બિહારની ચૂંટણીની એક ખાસીયત એ છે કે, આ ચૂંટણીમાં જાતીગત સમીકરણ હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિવિધ જાતીઓ, તેમની સંખ્યા, તેમની એકજૂથતા અને રાજકીય એકતા જ ચૂંટણી પરિણામોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બિહાર ચૂંટણીમાં કોઈપણ પાર્ટી અથવા ગઠબંધન માત્ર એક જ જાતીના કે સમુદાયના ભરોસે ચૂંટણી જીતી શકે તેમ નથી. બિહારની ચૂંટણીમાં વિજયી થવા માટે તમામ પક્ષોના સમીકરણો સમજવા પડે છે. તેમાંય ઈકોનોમિક બેકવર્ડ ક્લાસ અને મહાદલિત જેવા મોટા મુદ્દા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. આ તમામ સાંઠગાંઠની જોડે પક્ષોએ પોતાના મૂળ વોટબેંક તો જ જાળવી રાખવા પડે છે. ઉમેદવાર નક્કી કરવાથી માંડીને પ્રમુખની પસંદગી અને સીએમનો ચહેરો પણ જાતીગત સમીકરણનો જ એક ભાગ બની જાય છે. બિહારમાં તે ખૂબ જ ઉંડી છાપ છોડતું હોય છે. 

બિહારના રાજકારણમાં સૌથી મોટું નામ યાદવોનું આવે છે. યાદવ વોટ આ રાજ્યમાં જીતવા માટે ખૂબ જ મહત્ત્વના છે. બિહારમાં તેમની વસતી અંદાજે ૧૪.૩ ટકા છે. આ યાદવ વોટ સૌથી વધારે આરજેડી સાથે જોડાયેલા છે. તેઓ પહેલાં લાલુ યાદવ અને હવે તેજસ્વી યાદવ સાથે પણ એટલા જ પ્રામાણિકતાથી જોડાયેલા છે. એક સમયે આરજેડી દ્વારા યાદવોની વસતીમાં અન્ય સમુદાયનો ઉમેદવાર મુકવામાં આવે તો પણ યાદવો તે ઉમેદવારને જીતાડી આપવાની તાકાત ધરાવે છે. તેઓ આરજેડીના સંગઠનમાં રહેલા પક્ષોને પણ ખોબે ખોબે વોટ આપે છે. મુસ્લિમ વોટ અને યાદવ વોટનું જે સમીકરણ બને છે તેના કારણે જ વિધાનસભા ચૂંટણીમાં આરજેડીનો હાથ કાયમ ઉપર રહે છે. 

સમુદાયોની વાત કરીએ તો, બિહારમાં હિન્દુ સવર્ણોની વસતી ૧૫.૫ ટકા છે. રાજકીય રીતે તેમનું પણ મહત્ત્વ ખૂબ જ છે. બિહારમાં ઓબીસીનું રાજકારણ શરૂ થયું તેના પહેલાં સુધી હિન્દુ સવર્ણો જ સત્તાના કેન્દ્રમાં રહેતા હતા. આઝાદી પછી ઘણા લાંબા સમય સુધી તેઓ કોંગ્રેસની પડખે રહ્યા હતા. ત્યારબાદ લાલુના કાર્યકાળમાં ઓબીસીનું બળ વધ્યું અને કોંગ્રેસનું પતન થયું. ત્યારથી આ વર્ગ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. સવર્ણોને ત્યારબાદ ભાજપને સાથ મળ્યો અને આ જોડાણ મજબૂત થતું ગયું. હિન્દુ સવર્ણો ભાજપ માટે સૌથી મજબૂત વોટબેન્ક બની ગયા. હાલના સમયમાં રાજપૂત, બ્રાહ્મણ, ભૂમિહાર, કાયસ્થ જેવા મતદારાઓ એનડીએની પડખે હોય છે. ઘણી બેઠકો ઉપર તેમની સંખ્યા કદાચ વત્તાઓછા પ્રમાણમાં હશે પણ બેઠકના સમીકરણમાં તેમનું મોટું મહત્ત્વ છે.

મુસ્લિમ સમુદાયની હાજરી પણ બિહારમાં મોટા પ્રમાણમાં છે. અહીંયા ૧૭.૭ ટકા મુસ્લિમ વસતી છે. તેઓ પણ ચૂંટણીને નિર્ણાયક તબક્કે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આમ જોવા જઈએ તો અહીંયા મુસ્લિમ સમુદાય મોટાભાગે બીસી, ઓબીસી, એસસી, ઈબીસી જેવા વિવિધ પેટા વિભાગોમાં વહેંચાયેલો છે છતાં તેમની અસર મોટી છે. મોટાભાગના મુસ્લિમો ઓબીસી અને ઈબીસીમાં આવે છે. મતદાનની વાત આવે ત્યારે સમગ્ર સમુદાય એકજૂથ થઈને જ વોટ કરે છે ત્યારે તેમના આંતરિક વિખવાદ અને જૂથવાદ આડે આવતા નથી. 

મોટાભાગે પોલરાઈઝેશન માટે તેમનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે અને તેઓ કરવા પણ દેતા હોય છે. પોતાના નક્કી કરેલા ઉમેદવારને જીતાડવા માટે આ પ્રકારે કામ થતું હોય છે. પારંપરિક રીતે આ સમુદાય મોટાભાગે લાલુના પક્ષને અને તેમના ગઠબંધનને જ પ્રાધાન્ય આપે છે. ગત વિધાનસભામાં ચિત્ર થોડું બદલાયું હતું. ખાસ કરીને સિમાંચલ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયો દ્વારા ઓવૈસીની પાર્ટીને વધારે મત આપવામાં આવ્યા હતા અને તેના કારણે ગઠબંધનને નુકસાન થયું હતું. ઓવૈસીએ અહીંયા પાંચ બેઠકો જીતી હતી. તેના કારણે જ ઓવૈસીનો પક્ષ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયો હતો. આ વખતે આ સમુદાયના વોટ વહેંચાય નહીં તેના માટે મહાગઠબંધન ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે ઓવૈસી દ્વારા મતોનું વિભાજન ન કરવામાં આવે અને ગઠબંધન પોતાની જૂની ક્ષમતા પ્રમાણે આગળ વધે તેવી ગણતરી છે. બીજી તરફ ઓવૈસી આ વખતે અન્ય જિલ્લાઓમાં પણ મુસ્લિમ વોટ પોતાની તરફ ખેંચવા માટે મહેનત કરતા હોવાનું જણાઈ રહ્યું છે. 

બિહારના રાજકારણમાં લવ-કુશ તરીકે જાણીતો સમુદાય એટલે કે કુર્મી-કુશવાહા છે. તેઓ જોડતોડના રાજકારણમાં સૌથી વધારે ઉપયોગી સાબિત થયા છે. આ બંને જાતીઓની ભાગીદારી રાજ્યની કુલ વસતીમાં અનુક્રમે ૨.૮ ટકા અને ૪.૨ ટકા છે. આ સમુદાયો પણ ઓબીસીમાં જ આવે છે. એક સમયે આ સમુદાયો એટલા મજબૂત હતા કે, હિન્દુ સવર્ણોની સંખ્યા વધારે હતી છતાં રાજકીય સ્પર્ધા પૂરી પાડતા હતા. લાલુના કાળમાં આ સમુદાયોને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. તેથી તેઓ આરજેડીથી નારાજ છે. નીતીશ કુમારે કુર્મી સમુદાયના નેતા તરીકે આ સ્થિતિનો લાભ લીધો અને એક મજબૂત રાજકીય અને સામાજિક મંચ ઊભો કર્યો. આ સમીકરણ સાધીને તેઓ એક દાયકાથી વધારે સમયથી બિહારના સત્તાની ડોર પોતાના હાથમાં લઈને બેઠા હતા. ધાનુક જેવા નાના સમુદાયો પણ તેમને સમર્થન આપે છે અને તેના કારણે નીતીશનો પક્ષ વધારે ને વધારે મજબૂત થતો જાય છે. હાલમાં ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ કુશવાહા સમુદાયના જ છે જે આગામી ચૂંટણીમાં આ સમુદાયના વોટ ખેંચી લાવવામાં મદદ કરશે તેવી એનડીએ ગઠબંધનને આશા છે. 

જાણકારોના મતે પાસવાન અને દુસાધ જાતીઓ પણ દલિત સમુદાયનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેઓ પારંપરિક રીતે રામવિલાસ પાસવાન માટે વફાદાર હતા. તેમના પક્ષ લોક જનશક્તિ પાર્ટીનો તેઓ આધાર પણ હતા. હાલમાં એલજેપીની કમાન રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાનના હાથમાં છે. રામવિલાસ પાસવાન ભારતીય રાજકારણમાં કાયમ કિંગમેકરની ભૂમિકામાં જ રહ્યા હતા. તેમના સમર્થન દ્વારા જ રાજ્ય અને કેન્દ્રમાં ઘણી વખત સરકારનું નિર્માણ થતું હતું. ૨૦૨૦ની વિધાનસભામાં એલજેપી દ્વારા મજબૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેના કારણે નીતીશ કુમારની જેડીયુની બેઠકોનું ખૂબ જ ધોવાણ થયું હતું. જેડીયુના ફાળે ૪૩ બેઠકો જ આવી હતી. જે તેની પહેલાની ચૂંટણીમાં ૭૧ બેઠકો લાવી હતી. ગત વિધાનસભા ચૂંટણીએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું હતું કે, કોઈપણ ગઠબંધનની જીત કે હાર નક્કી કરવા માટે પાસવાન-દુસાધ વોટબેંક ખૂબ જ મહત્ત્વની બની જાય છે. તે કિંગમેકરની જ ભૂમિકામાં જોવા મળે છે. 

રવિદાસ અને ચમાસ સમુદાયની વસતી બિહારમાં અંદાજે પાંચ ટકા જેવી છે. આમ જોવા જઈએ તો પાસવાન સમુદાય જેટલું જ તેમનું પ્રતિનિધિત્વ છે. આ સમુદાયની નબળાઈ એ છે કે, તેમાં ક્યાંય સંપ જોવા મળતો નથી. આ સમુદાયમાં બધાને ભેગા રાખી શકે તેવો કોઈ મજબૂત નેતા કે કેન્દ્રીય વ્યક્તિ નથી. તેઓ સતત આંતરિક રીતે જ જાતભાતના ભાગમાં અને સમુદાયોમાં વહેંચાતા રહે છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટ માલે, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને સમર્થન આપતા જોવા મળ્યા છે. કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં તેઓ આરજેડીના ઉમેદવારોને પણ સમર્થન આપતા હોવાનું સામે આવ્યું છે. આરજેડી અને તેના સાથી પક્ષો પણ રવિદાસ-ચમાર સમુદાયમાં પોતાની પકડ મજબૂતક રવા અને તેમનું સમર્થન સતત મળતું રહે તેના માટે પ્રયાસ કરતા હોય છે. 

એનડીએના સમર્થક ગણાતા મુસહરની વસતી ખૂબ જ ઓછી અને વણિકોની વસતી વધારે

જાણકારોના મતે બિહારના રાજકારણમાં મુસહર સમુદાય જે અનુસુચિત જાતીમાં આવે છે તેમાં મોટાભાગે ગરીબ અને વંચિત સમુદાય તરીકે જ જોવામાં આવે છે. બિહારમાં તેમની વસતી અંદાજે ૩.૧ ટકા જેટલી છે. તેમની વસતી જ ખૂબ જ નાની છે. આ સમુદાય પારંપરિક રીતે પોતાના સૌથી મોટા અને પ્રભાવશાળી નેતા જીતન રામ માંઝીને મુક્તમને સમર્થન આપતા હોય છે. માંઝીની પાર્ટી જેની સાથે પણ ગઠબંધનમાં જોડાય છે તેમને આ સમુદાય દ્વારા સમર્થન આપવામાં આવતું હોય છે. બંગાળની સરહદે રહેલા સિમાંચલ વિસ્તારમાં આ સમુદાયની વસતી વધારે છે. તેઓ અહીંયાના મતદાતાઓ છે. ઘણી વખત તેમના મતદાનના કારણે સ્થાનિક સ્તરે સમીકરણો ફરી જતા હોય છે. મોટાભાગે તેઓ ભાજપ અને એનડીએનું સમર્થન કરતા જોવા મળ્યા છે. બીજી તરફ બિહારમાં વણિકોની વસતી પણ વધારે છે. તેઓ કુલ વસતીના ૧૩.૧ ટકા જેટલા છે. તેઓ મોટાભાગે બિઝનેસ સાથે જ જોડાયેલા છે. વણિકોમાં પણ તેલી (અંદાજે ૨.૮ ટકા), કાનૂ (૨.૨ ટકા), જેવી પેટા જાતીઓ પણ જોવા મળે છે. તેઓ અત્યંત પછાત સમુદાયમાં સ્થાન ધરાવે છે. તેમની વચ્ચે રહેલા આ ભેદભાવને કારણે જ વણિક સમુદાય ક્યારેય ભેગો થઈને કે એકજૂથ થઈને મોટી વોટબેન્ક હોવા છતાં તે રીતે કામ કરી શકતો નથી. શહેરમાં રહેનારા અને આર્થિક રીતે સદ્ધર કહી શકાય તેવા તમામ વણિક સમુદાયો ભાજપનું સમર્થન કરતા જોવા મળ્યા છે. ગામડામાં રહેતા અને આર્થિક રીતે નબળા વણીકો જેઓ ઈબીસીની કેટેગરીમાં આવે છે તેઓ પહેલાં ઓબીસી સાથે જોડાઈને સમર્થન આપતા હતા. વર્તમાન સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સમર્થનને કારણે વણિક સમુદાયના મોટાભાગના લોકો હવે ભાજપના અને એનડીએના સમર્થક બની ગયા છે.