સેટેલાઈટ લોન્ચિંગ : ભારત હવે અંતરિક્ષ ક્ષેત્રે મહાશક્તિ બની રહ્યું છે

ઈસરોએ પોતાના સૌથી શક્તિશાળી ગણાતા બાહુબલી રોકેટ (એલવીએમ૩-એમ૫)ની મદદથી સૌથી વધુ વજન ધરાવતા ઉપગ્રહ જીસેટ-૭આરને અવકાશમાં તરતો મુક્યો હતો
હવે વિવિધ દેશો દ્વારા મંગળ, શુક્ર અને અન્ય દૂરના ગ્રહો સુધી પહોંચવાની તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે. તેઓ અવકાશમાં પોતપોતાના સ્પેસ સ્ટેશન બનાવવા માગે છે, ત્યારે આ સ્પર્ધા હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે : અમેરિકી ખાનગી કંપની સ્પેસએક્સ દ્વારા હાલના સમયે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવી તથા સ્ટારશિપ વિકસિત કરવામાં આવી રહ્યું છે. ચીન પણ પોતાના ભારે રોકેટ લોંગ માર્ચ૫બી તથા લોંગ માર્ચ-૯ જેવા સુપર રોકેટ્સનું નિર્માણ કરી રહ્યું છે. રશિયાનું પ્રોટોન અને એંગારા પણ આ જ કેટેગરીમાં સજ્જ થઈ ગયા છે : કોઈપણ દેશને ચંદ્ર ઉપર સમાનવ મિશન કરવું હોય તો તેના રોકેટની ક્ષમતા પાંચ ટન વજન લઈ જવાની હોવી જોઈએ. ઈસરોના એલવીએમ૩ એમ-૫ રોકેટની ક્ષમતા પણ તેના જેટલી જ છે તેથી ઈસરોના નામનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે
ભારત આત્મનિર્ભરતા, વિકાસ અને વિવિધતાના નવા માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે. કોઈપણ સેક્ટર હોય તેમાં ભારત મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયાને પ્રમોટ કરી રહ્યું છે. તેમાંય જ્યારે અંતરિક્ષ અને અવકાશી મિશનની વાત આવે ત્યારે વિશ્વભરમાં ઈસરોની બોલબાલા છે. હાલમાં દુનિયામાં જે રીતે સ્પેસવોર ચાલી રહી છે તેમાં ઈસરોનું નામ ટોચના સ્થાને લેવાઈ રહ્યું છે. ઈસરો પોતાના વિવિધ મિશન દ્વારા નાસાને સ્પર્ધા પૂરી પાડી રહ્યું છે. ઈસરોએ વિશાળ ઉપગ્રહો અને મોટી સંખ્યામાં ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકીને જે રેકોર્ડ બનાવ્યા છે તેને કોઈ આંબી શકે તેમ નથી. વિવિધ સ્તરે વિવિધ મિશન દ્વારા ઈસરોઓ વૈશ્વિક સ્તરે પોતાના ક્ષમતા અને યોગ્યતાને સાબિત કર્યા છે. અવકાશમાં ઉપગ્રહ છોડવા હોય કે, મંગળ સુધી યાન પહોંચાડવું હોય કે ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર યાન ઉતારવું હોય, તમામ કાર્યો ઈસરો દ્વારા ખૂબ જ સરળતાથી પૂરા પાડવામાં આવ્યા છે.
ઈસરોના પ્રસિદ્ધિના મોર મુગટમાં વધુ એક છોગું તાજેતરમાં ઉમેરાયું છે. ઈસરોએ પોતાના સૌથી શક્તિશાળી ગણાતા રોકેટ (એલવીએમ૩-એમ૫) કે જેને બાહુબલી રોકેટ પણ કહેવાય છે તેની મદદથી સૌથી વધુ વજન ધરાવતા ઉપગ્રહ જીસેટ-૭આરને અવકાશમાં તરતો મુક્યો હતો. સામરિક અને ભારતીય નૌસેનાના સંસાધનોના સંચાલનના વિકાસ માટે મદદ કરવાના આશયથી આ સેટેલાઈટ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. ઉપગ્રહ તૈયાર કરવાથી માંડીને તેને અવકાશમાં તરતો મુકવા સુધીની ભારતની આત્મનિર્ભરતાની સફરને તેના કારણે વેગ મળ્યો છે. ભારતે હાલમાં છોડેલા આ ઉપગ્રહ અને રોકેટને કારણે સમગ્ર વિશ્વમાં ભારતની શાખ વધી છે. ચારે તરફ અવકાશી મિશનો માટે ભારતની ડિમાન્ડ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે અંતરિક્ષ મિશનની વાત આવે છે અને તેમાં કામગીરીની વાત આવે છે ત્યારે હવે વજનદાર ઉપગ્રહો, સેટેલાઈટ્સ અને શક્તિશાળી રોકેટ્સની ચર્ચા થાય છે.
ભવિષ્યની અંતરિક્ષની હોડ હવે માત્ર ચંદ્ર સુધી જવાની નહીં હોય. હવે વિવિધ દેશો દ્વારા મંગળ, શુક્ર અને અન્ય દૂરના ગ્રહો સુધી પહોંચવાની તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે. તેઓ અવકાશમાં પોતપોતાના સ્પેસ સ્ટેશન બનાવવા માગે છે, પોતાની રીતે કામ કરવા માગે છે ત્યારે આ સ્પર્ધા હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે. હાલમાં ઈસરો સૌથી વધુ સેટેલાઈટ્સ અવકાશમાં છોડવામાં ચર્ચામાં છે. ભવિષ્યના પ્રોજેક્ટ્સને જોઈએ તો અમેરિકી સ્પેસ એજન્સી નાસા, રશિયન એજન્સી રાસકાસમાસ, ચીનીની સીએનએસએ તથા યુરોપની ઈએસએ જેવી એજન્સીઓ તથા સ્પેસએક્સ જેવી ખાનગી કંપનીઓ સાથે પણ ઈસરોને સ્પર્ધા છે.
જાણકારોમાં ચર્ચા છે કે, અમેરિકી ખાનગી કંપની સ્પેસએક્સ દ્વારા હાલના સમયે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવી તથા સ્ટારશિપ વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ રોકેટ્સ એટલા હેવીવેટ હશે કે તેઓ ૧૦૦ ટન વજનના પેલોડ્સ સાથે અવકાશમાં જઈ શકશે. ચીન પણ પોતાના ભારે રોકેટ લોંગ માર્ચ૫બી તથા ભવિષ્યના અન્ય મિશનો માટે લોંગ માર્ચ -૯ જેવા સુપર રોકેટ્સનું નિર્માણ કરી રહ્યું છે. તેવી જ રીતે રશિયાનું પ્રોટોન અને એંગારા પણ આ જ કેટેગરીમાં હેવીવેટ રોકેટ બનવા માટે સજ્જ થઈ ગયું છે.
સ્પેસમાં સુપરપાવર બનવાની આ હોડ વચ્ચે ઈસરો દ્વારા કંઈક અદ્વિતિય કરી બતાવવામાં આવ્યું છે. ઈસરોએ સાડા ચાર ટન વજન ધરાવતો જીસેટ-૭આર સેટેલાઈટને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મુકી દીધો છે. તેના દ્વારા ભારતની સામરિક, વૈજ્ઞાાનિક અને વ્યાપારિક મિશન અને ક્ષમતામાં એટલો મોટો વધારો થયો છે કે, દુનિયાના વિવિધ દેશો ભારતની મદદ માગી રહ્યા છે. તેના કારણે ઈસરો આ સ્પેસરેસમાં મોખરે આવી ગયું છે.
ખાસ વાત એ છે કે, જીસેટ-૭ ભારતનો અત્યારસુધીનો સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. ઘણા આધુનિક સ્વદેશી ટેક્નોલોજી ધરાવતા પાર્ટ્સનો આ સેટેલાઈટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતીય નૌસેનાના સંચાલન અને સામરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે આ સેટેલાઈટ વિકસાવવામાં આવ્યો હતો. ભારે વજન ધરાવતા સેટેલાઈટને અવકાશમાં છોડવામાં સફળતા મળવી તે સાબિત કરે છે કે, સ્પેસરેસમાં ભારત હવે એ સ્તરે પહોંચી ગયું છે કે રશિયા અને અમેરિકાની એજન્સીઓને સ્પર્ધા પૂરી પાડી શકે છે. એક સમય હતો જ્યારે દુનિયા પાસે રશિયા અને અમેરિકાની એજન્સીઓ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો.
ખાસ કરીને જીસેટ-૭ આરની ક્ષમતાની વાત કરીએ તો તેને ભારતીય નૌસેના માટે અત્યાર સુધીનો સૌથી આધુનિક કોમ્યુનિકેશન સેટેલાઈટ માનવામાં આવે છે. તેનાથી નૌસેનાની અંતરિક્ષ આધારિત કોમ્યુનિકેશન સિસ્ટમ તથા સમુદ્રમાં કરવામાં આવી રહેલું સર્વેલન્સ અનેકગણા મજબૂત થઈ ગયા છે. આ સેટેલાઈટ દ્વારા હિંદ મહાસાગર વિસ્તારમાં વધારે સારી રીતે અને મોટા વિસ્તારમાં ટેલિકોમ્યુનિકેશનની સુવિધાઓ મળી રહેશે. તેમાં ઓડિયો, વીડિયો અને ડેટાને ઝડપથી મેળવવા અને ટ્રાન્સમીટ કરવા માટેના આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે જે ભારતીય નૌસેનાને જહાજો, વિમાનો, સબમરીન્સ અને સમુદ્રમાં થતી અન્ય ગતિવિધિ ઉપર નજર રાખવામાં મદદ કરશે. તેના દ્વારા સુરક્ષિત, અબાધિત અને વાસ્તવિક સમયમાં કોમ્યુનિકેશનનું કામ થશે. તેના દ્વારા વિશાળ મહાસાગરોમાં ફરતી અને દેશની સરહદોનું રક્ષણ કરતી નૈસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.
લગભગ સાડા ચાર ટન વજનના આ સેટેલાઈટને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલવાની ઘટના જ ભારત માટે મહત્ત્વના માઈલસ્ટોન જેવી છે. એલવીએમ૩ એમ-૫ રોકેટ દ્વારા આ સેટેલાઈટ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. તેના કારણે જ આ રોકેટને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે. રોકેટ વિજ્ઞાાનના ક્ષેત્રમાં આ પ્રકારના જીએસએલવી રોકેટની સફળતા જ બહુ મોટી વાત છે.
આ રોકેટની સરખામણી કરવી હોય તો અમેરિકાના એ મિશન સાથે કરવી જોઈએ જે તેનું પહેલું સમાનવ ચંદ્ર મિશન હતું.
આજથી સાડા પાંચ દાયકા પહેલાં નાસાના જે યાન એપોલો-૧૧ દ્વારા નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પહોંચ્યા હતા તેનું વજન ૪,૯૩૨ કિલો હતું. તેનો અર્થ એ થયો કે, કોઈપણ દેશને ચંદ્ર ઉપર સમાનવ મિશન કરવંક હોય તો તેના રોકેટની ક્ષમતા પાંચ ટન વજન લઈ જવાની હોવી જોઈએ. ઈસરોના એલવીએમ૩ એમ-૫ રોકેટની ક્ષમતા પણ તેના જેટલી જ છે. આ રોકેટના પરીક્ષણે એવું પણ સાબિત કરી દીધું છે કે, ભારત જો ચંદ્ર ઉપર સમાનવ અભિયાન કરવા માગે તો તેને લઈ જવા માટે ભારત પાસે પૂરતી વ્યવસ્થા છે. ભારતે તે સફળતાપૂર્વક કરી બતાવ્યું છે.
સ્પેસ ટેક્નોલોજીના જાણકારોનું માનવું છે કે, આ સેટેલાઈટ લોન્ચિંગ થકી ઈસરોએ સાબિત કરી દીધું છે કે, આ અંતરિક્ષ અભિયાન હવે માત્ર ભારત કે ભારતીયોની જિજ્ઞાાસાનો મુદ્દો નથી પણ ભારત હવે એક પછી એક તબક્કે આ ક્ષેત્રમાં સફળતા મેળવતો જાય છે.
સતત મળતી સફળતા અને મોટા મોટા અભિયાનો દ્વારા ભારતે સ્પેસ રેસમાં સંશોધન અને કામગીરીના અનેક રસ્તા ખોલી કાઢયા છે. ઈસરોએ આ સફળતા દ્વારા વ્યાપારિક ક્ષમતા મેળવવાની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રમાં પણ દેશની જરૂરીયાતો પૂરી કરી છે. સ્પેસ રેસમાં હાલના સમયમાં જોઈએ તો અમેરિકા અને રશિયા બાદ ચીનના નામની બોલબાલા છે. તેણે અવકાશમાં સમાનવ મિશન મોકલી દીધું છે અને તેનાથી આગળ ચંદ્ર ઉપર જઈને ખનિજોનું ખનન કરીને તેને ધરતી ઉપર લાવવાની કામગીરી અંગે પણ તે સજ્જ થઈ રહ્યું છે. બીજી તરફ તે પોતાના રોકેટ દ્વારા વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકવાના સેક્ટરમાં પણ ઘુસણખોરી કરવા માગે છે.
બીજી તરફ ઈસરોએ પણ અંતરિક્ષ અભિયાનો અને સ્પેસ ટેક્નોલોજીમાં અનેક સિદ્ધિ હાંસલ કરી છે. પોતાની સ્થાનાથી માંડીને અત્યાર સુધીની સાડા પાંચ દાયકાની સફરમાં ઈસરોએ અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. વિશાળ અને મજબૂત લોન્ચિંગ રોકેટ્સ દ્વારા વિવિધ સેટેલાઈટ્સને અવકાશમાં તરતા મુકવાની ક્ષમતા સાથે અનેક સ્વદેશી અભિયાનો પણ હાથ ધર્યા છે.
આ ઉપરાંત એક સાથે મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ અંતરિક્ષમાં મોકલવા અને તરતા મુકવાની સિદ્ધિ પણ ઈસરોએ પ્રાપ્ત કરેલી છે. બીજી તરફ ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર લેન્ડિંગ કરવાથી માંડીને પહેલાં જ પ્રયાસમાં મંગળ સુધી પહોંચીને તેના ઉપર સંશોધન કરવાના સફળ અભિયાનોએ સ્પેસ સેક્ટરમાં ભારતની ક્ષમતા અને સ્થિતિને સારી રીતે જાણી લીધી છે. તેમાંય છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ઈસરોએ ઘણા નવા મોરચે એકસાથે કામગીરી આગળ વધારી છે જે તેની વધતી ક્ષમતા અને માળખાનો પરિચય આપે છે.
૨૦૨૩માં ચંદ્ર ઉપર લેન્ડિંગ કરવા સાથે ઈસરોએ દુનિયામાં ડંકો વગાડી દીધા
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં ઈસરો દ્વારા ઘણા ક્ષેત્રમાં સફળતા મેળવવામાં આવી હતી. તેમાં ખાસ કરીને ચંદ્ર ઉપર યાન મોકલવાની સફળતાની ચારેકોર ચર્ચા થઈ હતી. ચંદ્રયાન-૩ અભિયાન દ્વારા ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર યાન લેન્ડ કરાવીને પોતાના ક્ષમતા અને આયોજનનો પરચો આપ્યો હતો. તે સમયે આ કામગીરી કરનારો ભારત દુનિયાનો પહેલો અને એકમાત્ર દેશ બની ગયો હતો. આ સફળતાની દુનિયાભરમાં ચર્ચા એટલા માટે થઈ હતી કે, અમેરિકા જેવા મહાસત્તા પણ આ કામ કરી શકી નહોતી. તે વર્ષે રશિયાએ પોતાનું યાન ઉતાર્યું હતું અને ઉતાવળે થયેલું અભિયાન સંપૂર્ણ રીતે પૂરું થયું નહોતું. ભારતને ચંદ્રયાને ચંદ્ર ઉપર ઉતરાણ કરીને પાછો સંપર્ક સાધ્યો હતો અને ભારતની સફળતાનો દુનિયાભરમાં ડંકો વાગાડી દીધો હતો. ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર જવા માટે ઘણા દાયકાઓથી દુનિયાભરની સ્પેસ એજન્સીઓ કામગીરી કરી રહી છે. વૈજ્ઞાાનિક રીતે અને ટેક્નિકલી ચંદ્રની આ સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરવું અને ત્યારબાદ તેની સાથે સંપર્ક સાધવો ખૂબ જ મુશ્કેલ કામ છે. તેને અંતિમ ક્ષણ સુધી પહોંચાડવા માટે અમેરિકા, રશિયા અને ચીન માટે પણ મોટો પડકાર ઊભો થઈ ગયો હતો. ભારતે આ કામગીરી સિદ્ધ કરી બતાવી હતી. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, માત્ર સ્પેસમાં પહોંચી જવાથી કે એકાદુ અભિયાન સફળ કરવાથી કામગીરી પૂર્ણ થતી નથી. કોઈપણ દેશ કે તેની સ્પેસ એજન્સી દ્વારા સ્પેસને લગતી જે પણ કામગીરી કરવાં આવે છે તેના દ્વારા જમીન ઉપર રહેતા લોકોને લાભ થાય છે, દેશના વ્યાપારમાં, સંશોધનમાં કે સંસાધનમાં વધારો થાય છે તો જ આવા અભિયાન કામના છે. દેશના વિકાસમાં લાભ ન આપી શકે તેવા અવકાશી મિશનોનો કોઈ અર્થ સરતો નથી. લોકોને દ્રઢ વિશ્વાસ છે કે, પાંચ દાયકાથી કામ કરી રહેલા ઈસરો દ્વારા આગમી સમયમાં પણ એવા જ અભિયાનો હાથ ધરવામાં આવશે જેનાથી નક્કર આર્થિક વિકાસ થાય, દેશને કંઈક મહત્ત્વનું પ્રાપ્ત થાય અને લોકોને તેનો લાભ મળે.








