Editorial

ટ્રમ્પના સ્ટેબલકોઈન દુનિયાના દરેક વ્યક્તિને ડોલર ખરીદીની તક આફત નોંતરી શકે

By GS TEAM
10 Jul 20256 mins read
ટ્રમ્પના સ્ટેબલકોઈન દુનિયાના દરેક વ્યક્તિને ડોલર ખરીદીની તક આફત નોંતરી શકે

- કોડીથી ક્રીપ્ટોના ચલણી ઈતિહાસમાં સૌથી જોખમી તબક્કો શરૂ થવાની દહેશત

સોનાની અનામતના મૂલ્ય જેટલું જ નાણું બજારમાં ઠાલવવું એવા બ્રેટન વુડ્સ કરારમાંથી અમેરિકા ૧૯૭૧માંથી બહાર નીકળી ગયેલું. આ એવો કરાર હતો જેના કારણે કોઈ દેશ મનફાવે એ રીતે નાણા છાપી તેનો પુરવઠો વધારી દુનિયા ઉપર રાજ કરી શકે નહીં. અમેરિકન અર્થતંત્રમાં જંગી દેવું. ભારે નાણા પુરવઠાની ચિંતા છે અને ડોલર નબળો પડી રહ્યો છે. હવે, અમેરિકા ફરીએકવાર દુનિયાની નાણા વ્યવસ્થા સામે ભારે જોખમ ઉભા કરી શકે એવા સ્ટેબલ કોઈન સાથે તૈયાર થયું છે. ટ્રમ્પે આ માટે કાયદો પસાર કર્યો છે જે એક સ્ટેબલકોઈન નામના ક્રીપ્ટો ચલણને માન્યતા આપશે. અમેરિકન કાયદા અનુસાર તે કોઈન માટે અનામત તરીકે ડોલર રાખવા ફરજયાત છે. પણ, કોઇપણ દેશનો નાગરિક અમેરિકામાં બેંક ખાતા વગર ડોલરની પરોક્ષ ખરીદી કરી શકે, કોઇપણ બંધન વગર દુનિયાના કોઇપણ ત્રાહિત વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે એ જોખમી છે. અમેરિકા પોતે જ ડોલરનો વિકલ્પ ઉભું કરી રહ્યું છે!

કોડીથી ક્રીપ્ટો સુધીના મુદ્રા કે ચલણના લાંબા ઈતિહાસમાં ક્રાંતિકારી - પણ જોખમી - પરિવર્તન આવી રહ્યું છે. દુનિયામાં અત્યારે દરેક ભૌગોલિક, રાજકીય, લશ્કરી અને આર્થિક જોખમો સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સીધો સંબંધ છે એમ આ પરિવર્તન સાથે પણ ટ્રમ્પ, તેમનું વહીવટીતંત્ર જોડાયેલા છે. અમેરિકન ડોલરની બજાર કિંમત, તેની અનામત સાથે જોડાયેલા પણ ખાનગી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી ક્રીપ્ટોકરન્સી સ્ટેબલકોઈન તરીકે ઓળખાય છે. બીટકોઈન, એથર કે બીજા હજારો ક્રીપ્ટો ચલણ વિશ્વના કોઈ અન્ય ચલણ સાથે જોડાયેલા નથી. ક્રીપ્ટોના ભાવ ઉપર અન્ય ચલણના ભાવની કોઈ અસર નથી હોતી. એ માત્ર બ્લોકચેઈન નામની ડિજિટલ ટેકનોલોજીથી સર્જાય છે પણ સ્ટેબલકોઈન અલગ છે. તે ડોલર સાથે જોડાયેલા છે. 

સ્ટેબલકોઈનનો વિચાર નવો નથી પણ તેની સ્વીકૃતિ ટ્રમ્પ વહીવટીતંત્રના કારણે વધી રહી છે. 

કોરોનાના લોકડાઉન સમયે વિશ્વના વિવિધ સ્ટેબલકોઈનનું કુલ બજાર મૂલ્ય ૪ અબજ ડોલર હતું જે ટ્રમ્પના ચૂંટણી અભિયાન અને તેની સાથે વધવા માંડયું. નવેમ્બર ૨૦૨૪માં ચૂંટણી સમયે કુલ બજાર મૂલ્ય ૧૭૦ અબજ ડોલર હતું જે અત્યારે ૨૫૯ અબજ ડોલર આંકવામાં આવે છે. 

સ્ટેબલકોઈનની માન્યતા વધારે પ્રબળ બનશે કારણ કે તા.૧૭ જૂન ૨૦૨૫ના રોજ અમેરિકાની સેનેટે જીનિયસ એક્ટ નામનો કાયદો પસાર કર્યો છે. આ કાયદો સ્ટેબલકોઈનની સ્વીકૃતિને કાયદેસર બનાવે છે. અમેરિકન ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ તેના ઉપર નિયમ બનાવી શકશે, કંપનીઓ અને ઓનલાઈન પેમેન્ટમાં તેને સ્વીકૃતિ મળશે. 

આ સ્વીકૃતિ સાથે બજારમાં ચિંતા વધી રહી છે. અત્યારે વિવિધ સ્ટેબલકોઇનમાં ૭૦ ટકા ડોલર સાથે જોડાયેલા છે. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ માને છે કે કોઈ વૈશ્વિક સ્વીકૃતિ સાથે - દુનિયામાં દરેક વ્યક્તિ ખરીદી શકે, દરેક તેમાં વ્યવહાર કરી શકે એવું ચલણ રજૂ કરે તો જોખમ વધશે અને એટલા માટે નિયંત્રણ અંગે અત્યારથી જ વિચાર કરવો જરૂરી છે. 

નાણાની દુનિયા જે કળણ સામે ઉભી છે તેના જોખમો સમજવા જરૂરી છે. દુનિયામાં બે પ્રકારના સ્ટેબલકોઈન છે. એક, બીટકોઈન જેવી જ, અન્ય કોઈ ચલણ સાથે નહીં જોડાયેલી ડીજીટલ માત્ર એલ્ગોરિધમના આધારે તેની માંગ અને પુરવઠો નક્કી કરવામાં આવે એવી ક્રીપ્ટોકરન્સી. બીજી, કોઈ અન્ય ચલણ સાથે (અત્યારે અમેરિકન ડોલર) જોડાયેલી હોય એવા. આ કિસ્સામાં જેણે સ્ટેબલકોઈન બહાર પાડયા છે તે ડોલરની અનામત પોતાની પાસે જમા રાખે છે જેથી અનામત અને ફોરેકસ માર્કેટમાં ડોલરની વધઘટના આધારે ભાવ નક્કી થાય. 

પહેલું જોખમ છે, સ્ટેબલકોઈન પણ બીટકોઈનની જેમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. ક્રીપ્ટોની જેમ એને કોઈ કાયદાના બંધન નડતા નથી. દરેક વ્યક્તિ, ગુનેગારો, ડ્રગ્સ કાર્ટેલ અને ત્રાસવાદીઓ પણ આ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે, સંભવ છે કરી રહ્યા પણ હોય! બીજું, નાણા તરીકે સ્વીકૃતિ મળે દરેક નાણા ધીરનાર - વ્યક્તિ, બેંક કે ફાઈનાન્સિયલ કોર્પોરેશન - પોતાના સ્ટેબલ કોઈન સાથે જ નાણા ધીરવાનું શરુ કરી શકે. આ સ્થિતિ સસ્તી, ઝડપી અને વધારે વિશ્વસનીય હોય શકે. એટલું જ નહીં માત્ર કોઈન જ નહીં પણ તેની સાથે અનામત તરીકે રાખેલા ચલણના ભાવ પણ તેમના નિયંત્રણમાં આવી જાય. બજાર ઉપર પૂરો અંકુશ. સ્ટેબલકોઈનની સાથે અનામત રાખેલા ચલણનો માંગ અને પુરવઠો પણ તેમના કબ્જામાં!

સૌથી મોટું જોખમ અમેરિકા કરતા અન્ય દેશો માટે છે. મોટાભાગના સ્ટેબલકોઈન અત્યારે ડોલર સાથે જોડાયેલા છે પણ તેમાં ૮૦ ટકા જેટલું ટ્રેડીંગ કે વ્યવહારો અમેરિકાની બહાર થાય છે. 

ઇટલીના નાણા મંત્રી જિયાનકાર્લો જીઓરજેટી માને છે કે ટ્રમ્પના ટ્રેડ વોર કરતા સ્ટેબલકોઈન વધારે જોખમી છે. અમેરિકામાં કે અમેરિકન બેંકમાં ખાતું ન હોય છતાં કોઈ વ્યક્તિને પરોક્ષ રીતે લાખો લોકો ડોલરના માલિક થઇ શકે છે જેનાથી દેશની આર્થિક સ્વતંત્રતા ઉપર ખતરો પેદા થઇ શકે. 

અમેરિકન નાણા સંસ્થાઓ સામે બીજો એક પડકાર છે કે બેંકોમાં પડેલી ડિપોઝીટનું શું? અમેરિકન ટ્રેઝરી ડીપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર અમેરિકન બેંકો એકલી ૬.૬ ટ્રીલીયન ડોલર ડિપોઝીટ (જેના ઉપર કોઈ વ્યાજ મળતું નથી) જમા કરાવે છે. આ બધી ડિપોઝીટ સ્ટેબલકોઈનમાં રૂપાંતરિત થઇ શકે એમ છે. ૬.૬ ટ્રીલીયન ડોલર એટલે અમેરિકાના સુરક્ષા બજેટ કરતા ૬ ગણી વધારે, ભારતના અર્થતંત્રના કદ કરતા લગભગ બમણી! ટેકનોલોજી કંપનીઓ કે જે ફાઈનાન્સના બિઝનેસમાં જોડાયેલી નથી એ સ્ટેબલકોઈન બહાર પાડી શકે નહીં એવી જોગવાઈ જીનિયસ એક્ટમાં છે. એમણે કોઈ બેંક સાથે જોડાણ કરવું ફરજીયાત છે. એટલે માઈક્રોસોફ્ટ, ગુગલ કે એપલ આ બિઝનેસ કરી શકે નહીં. દરમિયાન, અમેરિકાની સૌથી મોટી બેંક જેપીમોર્ગન ચેઝ સ્ટેબલકોઈન સાથે તૈયાર છે. આ બેંક ખાતેદારને તેની ડિપોઝીટ જેટલા સ્ટેબલકોઈન ઇસ્યુ કરશે. અત્યારે આ વ્યવસ્થા વ્યક્તિગત ગ્રાહકો માટે નથી પણ ઉદ્યોગો કે કોર્પોરેટ માટે જ છે.

સ્ટેબલકોઈનની સૌથી મોટી ચિંતા અત્યારે માસ્ટરકાર્ડ અને વિઝાને થઇ રહી છે. આ બંને અમેરિકામાં થતા પેમેન્ટ ગેટ-વેમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ઉપર થતા નાણાકીય વ્યવહાર થકી આ બન્ને કંપનીઓ વર્ષે ૧૮૭ અબજ ડોલરની સ્વાઇપ ફી રળે છે. સ્ટેબલકોઈન ડોલરની જેમ જ સ્વીકૃત હોય એટલે કોઇપણ પ્રકારના ગેટ-વે વગર એક વ્યક્તિ બીજીને કે દુકાનદારને પેમેન્ટ કરવા સક્ષમ બનશે. સેનેટે પાસ કરેલા કાયદામાં આ જોગવાઈ છે જ. ભારતમાં રિઝર્વ બેંકને નાણાની માંગ અને પુરવઠાની પૂર્ણ સત્તા છે. 

અમેરિકામાં આ સત્તા અમેરિકન ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ પાસે છે. જીનિયસ એક્સ ટ્રેઝરી ડીપાર્ટમેન્ટને સ્ટેબલકોઈન ઉદ્યોગ, તેના પૂર્ણ (ડોલર) અનામત માટેનો ટેકો, માસિક ઓડિટ અને મની લોન્ડરિંગ રોકવા માટેની સત્તા આપે છે. એક્ટ પસાર થયો ત્યારે ટ્રેઝરી સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમેરિકામાં સ્ટેબલકોઈનનું બજાર વર્તમાન ૨૫૯ અબજ ડોલરથી થોડા વર્ષમાં બે ટ્રીલીયન ડોલર જેટલું થઇ જશે. જીનિયસ એક્ટ હવે કોંગ્રેસમાં ચર્ચા માટે જશે. જોકે, કોંગ્રેસ પોતાનો સ્ટેબલ નાનો કાયદાનું સ્વરૂપ લઇ તૈયાર છે. કોંગ્રેસના કાયદામાં કોઈન ઉપર વ્યાજ નહીં અને સ્ટેબલકોઈનના વિવિધ પાસામાં વિવિધ નિયંત્રણની જોગવાઈ ધરાવે છે. 

ટ્રમ્પની કંપની પોતાનો સ્ટેબલકોઈન ધરાવે છે

વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ના પ્રથમ કાર્યકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્રીપ્ટોકરન્સીની વિરુદ્ધ હતા. એમના મતે ક્રીપ્ટો એક કૌભાંડ છે. પણ હવે તેમના સુર બદલાયા છે. ટ્રમ્પ અમેરિકામાં ક્રીપ્ટોકરન્સીના સૌથી મોટા વકીલ બની ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની ૪૦ ટકા માલિકીની વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્સિયલ નામની કંપનીએ એપ્રિલમાં યુએસડી૧ નામનો સ્ટેબલકોઈન બહાર પાડેલો છે. આ કોઈન માટે અમેરિકન સરકારી ટ્રેઝરી અને ડોલર અનામત રાખવામાં આવે છે. આ કોઈનનું બજાર મૂલ્ય ૧૨ અબજ ડોલર જેટલું આંકવામાં આવેલું છે. જીનિયસ એક્ટ પસાર થયો ત્યારે સરકાર રાષ્ટ્રપતિના વ્યક્તિગત નફા માટે કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ મુક્યો હતો. 

આ ક્રીપ્ટો કરપ્શન તરીકે સેનેટર જેફ મર્કલીએ લેખાવ્યું હતું. ટ્રમ્પે પોતે, ટોકનના વેચાણથી  ૫.૭ કરોડ ડોલરની કમાણી રળી હોવાનું પણ સ્વીકારેલું છે! અહીં એ પણ જાણવું જરૂરી છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના ચૂંટણી અભિયાનમાં ક્રીપ્ટોકરન્સીને માન્યતા મળે, ટ્રમ્પ સૌથી મોટા તરફદાર છે એવી માન્યતાએ ક્રીપ્ટો લોબીએ અભિયાનમાં બે કરોડ ડોલરનું અનુદાન આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.