Editorial

યુક્રેન યુદ્ધ અટકે તો મિનરલ્સ મળે, નહીંતર શસ્ત્રોનું વેચાણ તો વધશે જ

By GS TEAM
10 Aug 20257 mins read
યુક્રેન યુદ્ધ અટકે તો મિનરલ્સ મળે, નહીંતર શસ્ત્રોનું વેચાણ તો વધશે જ

- પુતિન અને ટ્રમ્પની સંભવિત બેઠકમાં પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા બે નેતાઓ મળશે

- દુનિયાને આંચકો ટ્રમ્પે અમેરિકાની ધરતી ઉપર જ પુતિન સાથે બેઠક કરવાની જાહેરાત કરી છે. માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે બન્ને દેશના વડા ભેગા થશે. રશિયા સંકેત આપી રહ્યું છે કે યુક્રેન પોતાની શરતો સ્વીકારે, કેટલાક પ્રાંત જતા કરે તો યુદ્ધ અટકી શકે છે. આ યુદ્ધ અટકે તો અમેરિકા રશિયા ઉપર પ્રતિબંધ લાદે નહીં અને યુક્રેનના મિનરલ રીચ પ્રદેશ ઉપર કબજો મળે! બીજી બાજુ, ચાલતું યુદ્ધ અટકાવી પોતે દુનિયાના શાંતિ દૂત સાબિત થાય એવી ટ્રમ્પની મહેચ્છા છે! યુદ્ધ અટકે નહીં તો પણ અમેરિકાને કોઈ નુકસાન નથી. એ યુક્રેનને શસ્ત્રો પુરા પાડતું રહેશે અને એ પણ અન્ય દેશો (નાટો)એ આપેલા નાણાં ઉપર. 2024માં અમેરિકાએ દુનિયાના 107 દેશોને 318 અબજ ડોલરના આર્મ્સ વેચેલા અને તેમાં યુક્રેન સૌથી મોટું ખરીદદાર હતું. ટ્રમ્પ અને અમેરિકા બન્ને સ્વાર્થી છે. દુનિયાને સામ, દામ અને દંડથી દબાવી રહ્યા છે. દુનિયા ઝુકી પણ રહી છે અને જે ઝુકતા નથી તેના ઉપર ટેરિફનું ટેરર ફેલાવી ઝેર ઓકી રહ્યા છે! છેલ્લા છ મહિનાનો ઘટનાક્રમ સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકા કે ટ્રમ્પ સ્વાર્થ માટે દાયકાઓ જૂની દોસ્તી ભૂલી અચાનક જ રંગ બદલી દુશ્મનાવટ ઉભી કરી શકે. 

પોતાના મિત્ર અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મંત્રણા કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે. આ બેઠક અમેરિકાના અલાસ્કા ખાતે થવાની છે. રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ ખતમ કરવા માટેની એક યોજના ટ્રમ્પ વહીવટીતંત્રને મોકલાવી છે. આ યોજના ઉપર બન્ને દેશના વડા ચર્ચા કરવાના છે. યુદ્ધ અટકાવો નહીંતર વધારે આક્રમક આર્થિક અને રાજદ્વારી  પ્રતિબંધ લાદવા માટે અમેરિકાએ ધમકી આપી હતી. 

આ ધમકીની મુદ્દત શુક્રવારે પૂરી થઇ રહી હતી ત્યાં જ પુતિને દાવ ફેંક્યો અને 'શાંતિ દૂત' હોવાનો દાવો કરનારા,  'નોબેલ પીસ પ્રાઈઝ' મેળવવા ઝંખતા ટ્રમ્પ એ દાવમાં ફસાયા છે. 

અમેરિકન પ્રસાર માધ્યમો અનુસાર પ્રતિબંધ લાગુ થાય નહીં અને રશિયા પોતે યુક્રેન યુદ્ધ ખતમ કરવા તૈયાર જ છે એવો ભાસ ઉભો કરવા માટે પુતિને આ પ્રસ્તાવ મૂક્યો છે. બહુ વિગતો તો જાહેર નથી પણ આ કથિત પ્રસ્તાવના કેટલાક મહત્વના મુદ્દા સમાચારોમાં ચમકી રહ્યા છે. રશિયા ઈચ્છે છે કે ૨૦૧૪માં યુક્રેનના કબજે કરાયેલા ક્રીમિયાના પ્રદેશ ઉપરાંત છેલ્લા સાડા ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન રશિયાએ કબજો જમાવેલા છે તે લુહાન્સ્ક, ડોનસ્ટેક, ઝેપોરીઝીયા અને કેર્સોન પ્રદેશ પણ જોઈએ છે. પુતિન સાથે ટ્રમ્પ મળશે ત્યારે બેઠકમાં કેટલાક ભૌગોલિક પ્રદેશ યુક્રેને આપવા પડે એ અંગે ચર્ચા થશે એવું વ્હાઈટ હાઉસ સત્તાવાર રીતે સ્વીકારે છે.

બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યાર પછી રશિયન વડા પ્રથમ વખત અમેરિકાની ધરતી ઉપર પગ મુકવાના છે. ટ્રમ્પ અને પુતિન પણ ૨૦૧૮ પછી પ્રથમ વખત રૂબરૂ મુલાકાત કરશે. પુતિન - ટ્રમ્પની બેઠક અંગે દુનિયાભરમાં ઉત્સુકતા જાગી છે. રશિયાએ કરેલી શાંતિની દરખાસ્તની વિગતો અમેરિકાએ નાટો અને યુરોપને મોકલી આપી છે. પુતિને બેઠક અંગે ચીન, ભારત અને બ્રાઝિલ સાથે ટેલીફોનિક ચર્ચા કરી છે. જોકે, આ પ્રસ્તાવ યુક્રેનને મંજૂર નથી. રશિયાએ માંગેલા  વિસ્તારો ઉદ્યોગ, સ્ટીલ ઉત્પાદન, કોલસો અને અન્ય મિનરલ્સ ધરાવે છે અને તે યુક્રેનના અર્થતંત્રની કરોડરજ્જુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જમીનનો કોઈ ભાગ જતો કરવા પોતાનો દેશ તૈયાર નહીં હોવાની જાહેરાત શનિવારે કરી છે. 

આ બેઠક ટ્રમ્પ માટે સૌથી મહત્વની છે. રાષ્ટ્રપતિ પદ મેળવ્યાના ૧૦૦ દિવસમાં  રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા નીકળેલા ટ્રમ્પ ઘણી ગુલાંટ અગાઉ મારી ચૂક્યા છે. ફેબુ્રઆરીમાં વ્હાઈટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે બેઠક માટે આવેલા ઝેલેન્સકી સાથે ઉદ્ધત વર્તન આખી દુનિયાએ ટીવી ઉપર જીવંત  જોયું છે. ઝેલેન્સકીને ટ્રમ્પે સ્પષ્ટ સુણાવી દીડું હતું - અમેરિકા છે તો યુક્રેન છે, તમારી પાસે કોઈ શક્તિ નથી અને તમે ખોવાઈ જશે. એટલું જ નહીં ત્યાંથી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખને હાંકી કાઢેલા! આટલી કટુતા ક્યારેય, કોઇપણ બે દેશના વડા વચ્ચેની ચર્ચામાં ઈતિહાસમાં ક્યારેય જોવા મળી ન હતી.  

જોકે, સતત દબાણ અને રશિયા સામે ટકી રહેવા ઝેલેન્સકી અંતે અમેરિકાની શરતો માનવા ઘૂંટણીયે પડયા. 

એપ્રિલમાં અમેરિકા સાથે યુક્રેનના મિનરલ્સ માટે સંધિ થઇ. યુક્રેનના મિનરલ્સ, ક્રૂડ ઓઈલ અને ગેસમાં અમેરિકા અને પશ્ચિમી દેશો એક ફંડ થકી રોકાણ કરશે અને તેની આવક ફંડ અને યુક્રેન વચ્ચે સરખા ભાગે વેચવામાં આવશે. જેવા મિનરલ્સ હાથમાં આવ્યા એ સાથે ટ્રમ્પના સૂર બદલાયા અને તેમણે રશિયા વિરુદ્ધ ઝેર ઓકવા શરૂ કર્યા. પોતે પુતિનના વર્તનથી પોતે નારાજ છે. યુદ્ધ અટકાવવા માટે થઇ રહેલા પ્રયત્નમાં રશિયા સહયોગ નથી આપી રહેલું એવા નિવેદન કરી ચૂક્યા છે. 

આ પછી, નાટો દેશો સાથે સંધિ કરી, અમેરિકાના અબજો ડોલરના શસ્ત્રો, નાટો દેશોના પૈસાથી આપવા સંધિ પણ કરી આવેલા! છેલ્લે એમણે રશિયાને ધમકી આપેલી કે યુદ્ધ વિરામ કરો નહીંતર સૌથી કઠોર આર્થિક પ્રતિબંધ ભોગવો...

રાષ્ટ્રપતિ ટ્રમ્પની દરેક નીતિ અને રીતિ બન્નેમાં બેવડાં ધોરણોની ચાડી ખાય છે. એક, ભારત કરતા ચીન રશિયા પાસેથી વધારે ક્રૂડ ઓઈલ ખરીદે છે પણ તે મામલે અંગે ટ્રમ્પ મૌન છે, ઉલટું ચીનના પ્રમુખ શી જીન્પીંગને મળવા માટે પોતે ઉત્સુક છે, જીન્પીંગ પોતાના મિત્ર છે એમ ટ્રમ્પ કહી રહ્યા છે. બીજું, યુક્રેન ઉપર યુદ્ધમાં નિર્દોષ નાગરિક મરી રહ્યા છે માટે પોતે રશિયાથી નાખુશ હોવાનું જણાવે છે તો ગાઝામાં ભૂખમરો (એટલો ભૂખમરો કે તેની અસર ક્યારેય રિવર્સ થઇ શકે નહીં), સારવાર વગર મરી રહેલા લોકો ઉપર ઈઝરાયેલી સેના બોમ્બ, મિસાઈલ વરસાવે છે છતાં ઇઝરાયેલને સઘળી મદદ કરી રહ્યા છે, ઉલટું ગાઝા ઉપર કબજો જમાવવાની યોજનાને પણ સમર્થન આપી રહ્યા છે! ટ્રમ્પની આ નીતિઓ દુનિયા માટે જોખમી છે. આ માણસ ક્યારે, કોણ ઉપર દોષારોપણ કરી તેને સજા આપે તે નક્કી જ નથી. 

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે અને આ ખરીદીના કારણે રશિયાને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે જરૂરી નાણા મળી રહ્યા હોવાનું બહાનું ધરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર વધારાના ૨૫ ટકા ટેરિફ લાદયા છે. એટલું જ નહીં, ટેરિફનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી ભારત સાથે કોઇપણ પ્રકારની વ્યાપાર સંધિ અંગેની ચર્ચા પણ રાષ્ટ્રપતિએ અટકાવી છે. 

ભારત અને અમેરિકા વચ્ચે દાયકાઓ જુના નાગરિક, મિલિટરી અને રાજદ્વારી સંબંધો ટકી રહેવા ઉપર મોટો પ્રશ્નાર્થ ટ્રમ્પે ઉભો કર્યો છે, ભારતને કઈ ભૂલની સજા મળી રહી છે તે કળવું મુશ્કેલ છે.

સૌથી મોટું કારણ છે કે અમેરિકા અને ્રટ્રમ્પ માત્ર પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઇપણ નીતિ ઘડે છે. દુનિયાનું જે થવું હોય તે થાય, અમેરિકન ડોલર અને મિલિટરી ઇકવીપમેન્ટ બનાવતી કંપનીઓને ફાયદો થવો જોઈએ. ડોલર નબળો પડે નહીં એ માટે બ્રિકસ દેશો ઉપર વધારાના ટેરિફ લાદવાની વાતો, ભારતની આર્થિક પ્રગતિ અને પાકિસ્તાન સાથેના ઘર્ષણમાં અમેરિકાની મધ્યસ્થી નહીં સ્વીકારી એટલે નવી દિલ્હી ઉપર પગલાં, ૫૦ કરોડ લોકો ખેતી, પશુપાલન ઉપર નિર્ભર છે એટલે ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રમાં વિદેશી પ્રવેશની છૂટ નહીં આપતા અમેરિકાએ રશિયન ક્રૂડની વાતો કરી ભારત ઉપર ટેરિફ લાદવા, રશિયા સાથેના આઠ દાયકાના સંબંધો તોડી ભારત અમેરિકાના ઘૂંટણીયે પડે એવી ટ્રમ્પની ઈચ્છા છે. ભારત તાબામાં નહીં આવતા હવે ભારતની ઉગ્ર ટીકા કરતા થઇ ગયા છે. 

વાસ્તવિકતા આયના જેટલી સાફ છે. ટ્રમ્પના શાસન હેઠળ અમેરિકા પોતાની શરતોએ દુનિયા ઉપર કબજો જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. જે દેશ શરતોનો સ્વીકાર કરે તેની સાથે શાંતિ અને જે વિરોધ કરે તેની સામે સીધું કે પ્રત્યક્ષ યુદ્ધ છેડવામાં આવી રહ્યું છે. લશ્કરી યુદ્ધ થાય તો શસ્ત્રો વેંચી અને ટ્રેડ વોરમાં વધારે ટેરિફ લાદી અમેરિકા દુનિયા જીતવા નીકળી પડયું છે.અમેરિકાના બન્ને હાથમાં લાડુ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટના અહેવાલ અનુસાર ૨૦૨૦-૨૪ના ગાળામાં વિશ્વની કુલ આર્મ્સ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ૪૧ ટકા છે, યુક્રેન સૌથી મોટું ખરીદાર છે. વિશ્વના ૧૦૭ દેશોને અમેરિકાએ શસ્ત્રો વેચ્યા છે. અમેરિકાએ એકલા ૨૦૨૪ના વર્ષમાં કુલ ૩૧૮ અબજ ડોલરના શસ્ત્રો દુનિયાને વેચ્યા છે જે પાછલા વર્ષ કરતા ૨૯ ટકા વધારે છે!

રશિયાએ અમેરિકાને 1867માં 72 લાખ ડોલરમાં અલાસ્કા વેચેલું!! 

અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ - ટ્રમ્પ અને પુતિન - જે સ્થળે મળવાના છે તે અલાસ્કાનો ઈતિહાસ રસપ્રદ છે. અમેરિકામાં મિનરલ્સ, ક્રૂડ ઓઈલની સંપત્તિમાં આજે મહત્વનો ભાગ ગણાતું અલાસ્કા એક સમયે રશિયન એમ્પાયરના કબજામાં હતું. 

ઇસ ૧૭૨૧થી ૧૯૧૭ સુધી રશિયન રાજાઓ યુરોપ અને એશિયાના મોટભાગ ઉપર રાજ કરતા હતા. 

બ્રિટીશ હુમલાઓથી બચવાના ભાગરૂપે અને ક્રેમિયાના યુદ્ધમાં પરાસ્ત થયા પછી રશિયાના રાજા એલેકઝાન્ડર દ્વિતિયએ આ ભાગ અમેરિકાને ૧૮૬૭માં માત્ર ૭૨ લાખ ડોલરમાં વેચી દીધો હતો. આજની તારીખે આ રકમ લગભગ ૧૩ કરોડ ડોલર જેટલી થાય છે. મહત્વની વાત છે કે એ સમયે એકપણ રશિયન નાગરિક ક્યારેય અલાસ્કામાં રહ્યો ન હતો અને બીજી તરફ આટલી મોટી જગ્યા ખરીદવા માટે અમેરિકન સરકારમાં થોડી નારાજગી હતી. જોકે, સંસોધન બાદ ૧૯૬૭માં પૃદો બે વિસ્તારમાં ક્રૂડ ઓઈલ મળતા અલાસ્કા અત્યારે અમેરિકાના વૈભવનો એક મહત્વનો ભાગ છે.