અમેરિકન શટડાઉન : ટ્રમ્પનો હઠાગ્રહ કરોડો અમેરિકોને રડાવી રહ્યો છે

- ટ્રમ્પના શાસનમાં આ બીજી વખત અમેરિકન ઈતિહાસનું સૌથી મોટું શટડાઉન લાગુ થયું છે, તંત્ર ઠપ થવાથી કરોડો લોકો પૈસા, ભોજન અને સેવાઓ વગર વલખાં મારે છે
- આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૮માં મેક્સિકો સરહદે દીવાલ બનાવવા માટે સરકારી ફંડના ઉપયોગની વાત કરી હતી. તે સમયે વિરોધ થતા શટડાઉન લાગુ થયું હતું જે ૩૫ દિવસ ચાલ્યું હતું : એક અહેવાલ પ્રમાણે અંદાજે ૭.૩૦ લાખ જેટલા સરકારી કર્મચારીઓને વગર પગારે હાલમાં ફરજ ઉપર હાજર રખાયેલા છે. બીજી તરફ ૭.૫૦ લાખ જેટલા સરકારી કર્મચારીઓ જેમની સેવાની હાલ જરૂર નથી તેમને ફરજીયાત કપાત પગારથી રજા ઉપર ઉતારી દેવાયા છે ઃ હાલમાં ૪ કરોડ કરતા વધારે લોકો દર મહિને સરકારી ફૂડ સ્ટેમ્પ યોજના ઉપર આધાર રાખતા થઈ ગયા છે. આ સરકારી ફૂટ સ્ટેમ્પ યોજનાનું પણ ફંડ અને સપ્લાય ઘટયા છે. તેના કારણે આ યોજના પણ બંધ થવા આવી છે. તેમ થશે તો અમેરિકામાં કરોડો લોકો ભુખમરાનાં ઉંબરે આવી જશે
અમેરિકામાં શટડાઉનને એક મહિનો પૂરો થઈ ગયો. અંદાજે ૪૦ દિવસ થયા ત્યાં તો અમેરિકાની હાલત ખરાબ થવા લાગી છે. અમેરિકન ઈતિહાસનું આ સૌથી લાંબુ શટડાઉન છે. અમેરિકન સંસદમાં સરકારી વિભાગો ચલાવવા માટે સમયસર બજેટ રજૂ કરીને પસાર ન કરાવી શકનાર ટ્રમ્પ સરકારને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રમ્પના તઘલખી નિર્ણયો અને આડોડાઈ હવે ત્યાંની પ્રજાને જ કનડી રહી છે. અમેરિકી કાયદા પ્રમાણે બિલ પસાર ન થાય તો બિન જરૂરી તમામ સરકારી વિભાગો અને સેવાઓ બંધ કરી દેવી પડે છે. ટ્રમ્પ સરકારની અક્ષમતાને પગલે છેલ્લાં ૪૦ દિવસથી લાખો કર્મચારીઓ ઘરે બેઠા છે. જરૂરીયાતમંદ લોકોને ભોજન અને સરકારી સહાય મળતા નથી અને બીજી ઘણી સેવાઓ ખોરવાઈ ગઈ છે.
શટડાઉન હકિકતે તો એક પોલિટિકલ ડેડલોકની સ્થિતિ છે. અમેરિકામાં સરકાર અને વિપક્ષ વચ્ચે જ્યારે પણ ફંડિંગ બિલ વચ્ચે સમહતી સધાતી નથી ત્યારે શટડાઉનની સ્થિતિ આવે છે. અમેરિકામાં અલગ અલગ સરકારી વિભાગો ચલાવવા માટે મોટી સંખ્યામાં ફંડની જરૂર પડે છે. હાલમાં રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ વચ્ચે સરકારી ખર્ચા આપતા આ ફંડિંગ બિલ અંગે સહમતી સધાઈ નથી. તેના કારણે બિલને કાયદાનું સ્વરૂપ અપાયું નહીં અને સરકારી ખર્ચા જાહેર થયા નહીં. તેના પગલે શટડાઉનની સ્થિતિ કથળી રહી છે.
જાણકારોના મતે, હાલમાં રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચે ઘણા મુદ્દે વિવાદ ચાલે છે. તેમાં પણ આ ફંડિંગ બિલની વાત કરીએ તો તેમાં સ્વાસ્થ્ય વીમા અને તેની સાથે જોડાયેલી ટેક્સ ક્રેડિટ સ્કીમનો વિસ્તાર કરવાનો વિવાદ છે.
ડેમોક્રેટિક પાર્ટી આ યોજનાને ચાલુ રાખવા માગે છે જેથી લાખો અમેરિકનોને સસ્તા દરે હેલ્થ ઈન્સ્યોરન્સ મળી શકે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટી એટલે કે સત્તાધારી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. ટ્રમ્પ સરકારમાં આ બીજી વખત બની રહ્યું છે કે, કોઈ મોટા મુદ્દે આટલા લાંબા સમય સુધી શટડાઉનની સ્થિતિ ચાલુ રહી હોય. આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના જ કાર્યકાળમાં ૨૦૧૮-૧૯માં ટ્રમ્પે મેક્સિકો સરહદે દીવાલ બનાવવા માટે સરકારી ફંડના ઉપયોગની વાત કરી હતી. તે સમયે ડેમોક્રેટ્સ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. તેના પગલે બંને પક્ષો સામસામે થઈ ગયા હતા અને ૩૫ દિવસ શટડાઉન ચાલ્યું હતું.
જાણકારોના મતે શટડાઉનનું કારણ ભલે રાજકીય હોય પણ તેની અસર સામાન્ય પ્રજાને પડી રહી છે અને નડી રહી છે.
સરકારી કર્મચારીઓ અને નાગરીકોમાં હાહાકાર મચી ગયો છે. લોકોને પૈસા અને ભોજનની અછતમાં જીવન પસાર કરવું પડી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે અંદાજે ૭.૩૦ લાખ જેટલા સરકારી કર્મચારીઓ જેમની સેવાઓની જરૂર છે તેમને વગર પગારે હાલમાં ફરજ ઉપર હાજર રખાયેલા છે. બીજી તરફ ૭.૫૦ લાખ જેટલા સરકારી કર્મચારીઓ જેમની સેવાની હાલ જરૂર નથી તેમને ફરજીયાત કપાત પગારથી રજા ઉપર ઉતારી દેવાયા છે. લાખો કર્મચારીઓ પગાર ન મળવાના કારણે આર્થિક સંકટમાં આવી ગયા છે.
એક અહેવાલ પ્રમાણે દરરોજ લાખો લોકો ફૂટ બેન્ક ઉપર આધાર રાખતા હતા જેની સંખ્યા હવે કરોડોમાં પહોંચી છે. હાલમાં ૪ કરોડ કરતા વધારે લોકો દર મહિને સરકારી ફૂડ સ્ટેમ્પ યોજના ઉપર આધાર રાખતા થઈ ગયા છે. તેમાં પણ સ્થિતિ એવી આવી છે કે, આ સરકારી ફૂટ સ્ટેમ્પ યોજનાનું પણ ફંડ અને સપ્લાય ઘટયા છે. તેના કારણે આ યોજના પણ બંધ થવા આવી છે. જો ખરેખર આ યોજના બંધ થઈ જશે તો કરોડો લોકો ભુખમરાનાં ઉંબરે આવી જશે.
ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સના મતે હાલમાં અમેરિકામાં જે સ્થિતિ સર્જાઈ છે તે તેના અર્થતંત્ર માટે જોખમી છે. તેના દ્વારા અમેરિકન અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન ગયું છે અને આગળ પણ જઈ શકે છે. તે ઉપરાંત દેશના જીડીપીમાં પણ ઘટાડો આવી શકે છે. બિન જરૂરી તમામ સરકારી સેવાઓ, કચેરીઓ અને સરકારી સાહસો બંધ થઈ જવાના કારણે સરકારની આવક અને શાખ બંનેમાં ઘટાડો થઈ શકે છે.
શટડાઉનની સીધી અસર જીડીપી ઉપર પડી છે. કોંગ્રસનલ બજેટ ઓફિસના એક અહેવાલ પ્રમાણે ૨૦૧૮-૧૯માં જ્યારે અમેરિકામાં ૩૫ દિવસ શટડાઉન રહ્યું હતું ત્યારે અમેરિકન જીડીપીને ૧૧ અબજ ડોલરનો ફટકો પડયો હતો. જાણકારોના મતે વર્તમાન સમયમાં પણ શટડાઉનને ૪૦ દિવસ તો પૂરા થઈ ગયા છે. હજી જો તેનો ઉકેલ નહીં આવે તો અંદાજે ૧૫ થી ૧૭ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. દર અઠવાડીયો અબજો ડોલરનું નુકસાન એકંદરે જીડીપીને મોટી અસર કરશે.
કેટલાક જાણકારો માને છે કે, જો આ શટડાઉન લાંબો સમય ચાલ્યું તો તેનાથી દેશના જીડીપીમાં ૦.૧ થી ૦.૨ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.
શટડાઉનના કારણે સરકારી કર્મચારીઓને અસર થઈ છે તે પણ જોખમી છે. આ ઉપરાંત કન્યુમર ખર્ચને અસર થવાની છે. એકંદરે કામકાજ ઠપ થવાથી લોકોની ખરીદ શક્તિ ઘટવાની છે અને તેની અસર બજાર ઉપર પડવાની છે. હાલમાં ૭.૩૦ લાખ કર્મચારીઓ વેતન વગર કામ કરી રહ્યા છે જ્યારે બાકીના ૭.૫૦ લાખ કર્મચારીઓને કપાત પગારે રજા ઉપર ઉતારી દેવાયા છે. આ કર્મચારીઓનો જ અટવાયેલો પગાર તેમના દૈનિક ખર્ચ અને જીવનધોરણને અસર કરવાનો છે. તેના કારણે તેમનો ગ્રાહક તરીકેનો ખર્ચ ઘટી જવાનો છે.
હવે જ્યારે લાખો કર્મચારીઓ કે જેમની પાસે પગાર જ નથી તેઓ સ્થાનિક દુકાનો, વ્યવસાયો કે સેવાઓને કેવી રીતે બિઝનેસ આપી શકશે. તેમની ખરીદશક્તિ નબળી પડવાના કારણે બાકીના બિઝનેસને પણ આડકતરી અસર થવાની જ છે અને તેના કારણે અર્થતંત્રને મોટી અસર થશે.
બીજી તરફ શટડાઉનના કારણે કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન સાથે જોડાયેલી કામગીરીઓ પણ ધીમે પડી ગઈ છે અથવા તો ખોટકાઈ ગઈ છે. તેના કારણે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ સાથે જોડાયેલા લોકોને પણ શિપમેન્ટ મોકલવામાં અને મગાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેના કારણે વ્યાપારી સોદાઓ અટકી રહ્યા છે અથવા તો વિલંબમાં મુકાઈ ગયા છે. શટડાઉન દરમિયાન શ્રમ વિભાગ, કૃષિ વિભાગ જેવા સરકારી વિભાગો પોતાની કામગીરી અટકાવી દે છે અને તેના કારણે બજારની સ્થિતિ, ઈન્ફેલશન, બેરોજગારી અને બીજા બાબતો વિશે કોઈ માહિતી બહાર આવતી જ નથી. તેના કારણે બજાર પણ અડસટ્ટે જ કામગીરી કરે છે અને નુકસાન થવાની ભીતી રહે છે. બિઝનેસ કરનારા લોકો આ આંકડાઓના અભાવમાં ભવિષ્યના આયોજનો કરી શકતા નથી અને ઘણા લોકો એજન્સીઓની લગામ ન હોવાના કારણે સંગ્રહખોરી અને અછતના નામે ગ્રાહકોને લૂંટવા જેવી કામગીરી કરવામાં પણ પ્રવૃત્ત થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, આર્થિક બાબતોના જાણકારોને સૌથી મોટો ભય અમેરિકન અર્થવ્યવસ્થાને થતી હાનીનો છે. અમેરિકા હાલમાં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ અર્થતંત્રને હાલમાં શટડાઉનના કારણે મોટો ફટકો પડયો છે. સરકારમાં સર્જાયેલી અસ્થિરતા અને ફંડિંગની સમસ્યાના કારણે વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. તેઓ હવે જોખમ વધારવા માગતા નથી.
તેઓ પોતાનું રોકાણ સચવાઈ રહે અને આવી સ્થિતિમાં ન આવવું પડે તેના માટે સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા છે. તેના કારણે બજારમાં એકાએક ડોલરની માગ વધવા લાગી છે અને આગળ પણ વધી શકે છે. ડોલરની માગ વધતા જ ભારતીય રૂપિયા સહિત અન્ય દેશોના ચલણ ઉપર દબાણ વધવા લાગે છે અને બીજા દેશોના અર્થતંત્રને પણ અસર થવા માંડે છે.
- ટ્રાન્સપોર્ટેશન સેવાઓ ખોરવાઈ રહી છે, લાખો પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે
અમેરિકામાં લાગુ થયેલા શટડાઉનને કારણે સૌથી મોટી સમસ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટની થઈ છે. લોકોને આવનજાવન માટે પૂરતી વ્યવસ્થા મળતી નથી. તેમાંય એરલાઈન્સ સેક્ટરને સૌથી મોટો ફટકો પડયો છે. એર ટ્રાફિક કન્ટ્રોલર અને ટીએસએ જેવા અધિકારીઓ વેતન વગર કામ કરવા મજબૂર બન્યા છે. તેના કારણે તેમનામાં થાક, તણાવ અને ગેરહાજરીનો દર વધવા લાગ્યો છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ સિક્યોરિટીની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. તાજેતરમાં આવેલા અહેવાલ પ્રમાણે અમેરિકામાં ન્યૂયોર્ક, લોસ એન્જેલસ, શિકાગો જેવા અમેરિકાના ૪૦ મુખ્ય એરપોર્ટ ઉપર ફ્લાઈટ ઓપરેશમાં ૧૦ થી ૧૨ ટકાનો ઘટાડો આવ્યો છે. નાના નાના એરપોર્ટ ઉપર તો લોકો અટવાઈ રહ્યા છે. ઘણી ખાનગી એરલાઈન્સ દ્વારા ભાડા વધારી દેવાયા છે અને સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી તેવી ફરિયાદો થવા લાગી છે. હાલમાં દરરોજ ૨૦૦૦ જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે. દરરોજ લાખો પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે. લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારોના મતે હાલમાં પણ એફએએની પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી અને તેમાંય શટડાઉનના કારણે સમસ્યા વધી ગઈ છે. હાલમાં અમેરિકામાં એફએએને ૩૫૦૦ જેટલા સ્ટાફની અછત છે તેમાં આ શટડાઉને કર્મચારીઓની સંખ્યા વધારે ઓછી કરી કાઢી છે. હાલમાં ૧૩,૦૦૦ એરટ્રાફિક કન્ટ્રોલર અને ૫૦,૦૦૦ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી ઓફિસર પોતાની ફરજ બજાવી રહ્યા છે પણ તેમને શટડાઉનના કારણે પૂરતો પગાર મળી રહ્યો નથી. તેના પગલે તેઓ તણાવમાં છે. તેમાંથી ઘણા લોકો ફરજ ઉપર હાજર રહેતા નથી અથવા તો ગુલ્લીઓ મારવા લાગ્યા છે. તે ઉપરાંત પોતાની કામગીરી પણ યોગ્ય રીતે કરતા નહીં હોવાની ફરિયાદો આવી છે. જાણકારોના મતે છેલ્લાં બે-ત્રણ દિવસથી દરરોજ ૨૦૦૦ થી ૨૫૦૦ ફ્લાઈટ મોડી પડી રહી છે કે રદ થઈ રહી છે. આ અઠવાડિયાના અંતમાં એટલે કે શનિ-રવિમાં આ આંકડો ૪૦૦૦ ફ્લાઈટ સુધી પહોંચવાની ભીતી છે. બીજી તરફ લોકો ઉપર લુંટાવાનું બીજું સંકટ પણ આવી ગયું છે. ડોમેસ્ટિક ફ્લાઈટ મોટાપાયે રદ થઈ રહી છે અથવા મોડી પડી રહી છે તેના કારણે લોકોને ટેક્સી સેવાઓ લેવી પડી રહી છે. છેલ્લાં એક અઠવાડિયામાં ટેક્સી સેવાઓમાં ભાડામાં તોતિંગ ૨૦ ટકાનો વધારો થઈ ગયો છે.









