Editorial

મેન્ટલ હેલ્થ : ઘાનાના યુવાનો વિશ્વમાં સૌથી વધારે મજબૂત

By GS TEAM
8 Mar 20268 mins read
મેન્ટલ હેલ્થ : ઘાનાના યુવાનો વિશ્વમાં સૌથી વધારે મજબૂત

સેપિયન્સ લેબ દ્વારા કરાયેલા 84 દેશોના અભ્યાસમાં ભારત 60મા ક્રમે : અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ જેવા દેશો પણ પાછળ

- સબ સહારા આફ્રિકામાં આવતા અન્ય નાના, પછાત અને ગરીબ દેશોના યુવાનો પણ માનસિક સ્થિતિ મુદ્દે વધારે મજબૂત અને આગળ છે. આ યાદીમાં ઘાના તો પહેલા ક્રમે છે, જ્યારે નાઈજિરિયા બીજા ક્રમે અને કેન્યા ત્રીજા ક્રમે આવે છે. ઝિમ્બામ્વે ચોથા અને ટાંઝાનિયા પાંચમા ક્રમે આવે છે ઃ બોટમ-૧૦ દેશોમાં વિકસિત દેશોનું નામ આવે છે. આ યાદીમાં હોંગકોંગ ટોચના સ્થાને છે. ત્યારબાદ તાઈવાન બીજા ક્રમે, જાપાન ત્રીજા ક્રમે, બ્રિટન ચોથા અને ચીન પાંચમા ક્રમે છે. બ્રાઝિલ છઠ્ઠા, યુક્રેન સાતમા અને કિર્ગિસ્તાન આઠમા તથા ન્યૂઝીલેન્ડ  નવમા અને બાંગ્લાદેશ ૧૦મા ક્રમે આવે છે ઃ ઘાનામાં યુવાનો પરિવાર સાથે જ રહે છે. તેઓ ભાઈ-બહેનો, સંબંધીઓ સાથે સતત સંપર્કમાં હોય છે. તેઓ પોતાના પરિવારને મદદ કરવાને પ્રાથમિકતા આપે છે. બીજી તરફ અહીંયા આધ્યાત્મિકતા અને ધાર્મિક જોડાણ પણ વધારે છે. તેના કારણે પણ તેમને માનસિક સપોર્ટ મળી રહી છે

સમગ્ર વિશ્વમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની અસર દુનિયાભરના લોકો ઉપર જે રીતે પડી રહી છે તેના સંદર્ભમાં તાજેતરમાં એક વૈશ્વિક અભ્યાસ સામે આવ્યો છે. સેપિયન્સ લેબ દ્વારા તાજેતરમાં ૮૪ દેશોના યુવાનો ઉપર એક અભ્યાસ કરાયો હતો. ગ્લોબલ માઈન્ડ હેલ્થ નામના આ રિપોર્ટમાં ૧૮ વર્ષથી ૩૪ વર્ષના યુવાનોની માનસિક સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાનોના માનસિક સ્વાસ્થ્યનું તારણ જે આવ્યું તેણે સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધું છે. યુથ મેન્ટલ હેલ્થમાં ઘાના દુનિયામાં ટોચના સ્થાને છે. ઘાનાના યુવાનો કે પછી જેને યંગ એડલ્ટ કહેવાય છે તેઓ મજબૂત મનોબળ ધરાવતા અને માનસિક રીતે સ્વસ્થ ગણાય છે. 

આ યાદીમાં ભારતના યુવાનો ઘણા પાછળ છે. આ યાદીમાં ભારતનો ૬૦મો ક્રમ આવે છે. બીજી તરફ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની, ચીન, જાપાન જેવા દેશો પણ આ યાદીમાં ખૂબ જ પાછળ છે. જાપાન તો ઓલમેન્ટ છેલ્લા ક્રમે જ આવે છે તેવું કહેવાય છે. સંશોધકો દ્વારા મેન્ટલ હેલ્થ કોન્સેન્ટના આધારે દરેક દેશને પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા. તેમાં ઘાનાના પોઈન્ટ્સ સૌથી વધારે હતા. તેમાં જણાવાયું હતું કે, વધારે આવક ધરાવતા અને સમૃદ્ધિ ધરાવતા દેશોના યુવાનો નબળી મનોદશા ધરાવતા હતા. બીજી તરફ ગરીબ અને સંઘર્ષ કરનારા દેશોના યુવાનોનું મનોબળ અત્યંત મજબૂત છે.

જાણકારોના મતે ગરીબી, સંઘર્ષ, પીડા અને યાતના છતાં આ યુવાનો આગળ છે. માત્ર ઘાના જ આગળ છે તેવું નથી. સબ સહારા આફ્રિકામાં આવતા અન્ય નાના, પછાત અને ગરીબ દેશોના યુવાનો પણ માનસિક સ્થિતિ મુદ્દે વધારે મજબૂત અને આગળ છે. આ યાદીમાં ઘાના તો પહેલા ક્રમે છે જ પણ નાઈજિરિયા, કેન્યા, ટાંન્ઝાનાનિયા જેવા દેશો પણ આ યાદીમાં ઉપર છે. આ યાદીમાં નાઈજિરિયા બીજા ક્રમે છે જ્યારે કેન્યા ત્રીજા ક્રમે આવે છે. ઝિમ્બામ્વે ચોથા અને ટાંઝાનિયા પાંચમા ક્રમે આવે છે. આ બધા દેશોના પોઈન્ટ્સ વૈશ્વિક સરેરાશ કરતા ઘણા વધારે છે. વૈશ્વિક સરેરાશ ૩૮ છે જ્યારે આ બધા દેશો ૫૦ થી ૬૦ની વચ્ચેના પોઈન્ટ્સ ધરાવે છે. તે ઉપરાંત ૪૦થી ઉપરની ઉંમરના લોકોના મુદ્દે તો ૧૦૦થી વધારે પોઈન્ટ્સ ધરાવે છે. 

આ સિવાય ટોપ-૧૦ દેશોમાં ડોમિનિક રિપબ્લિક, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, રવાન્ડા અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. બીજી તરફ સૌથી ઓછા પોઈન્ટસ ધરાવતા અને સૌથી નીચેના બોટમ-૧૦ દેશોમાં વિકસિત દેશોનું નામ આવે છે. આ યાદીમાં હોંગકોંગ ટોચના સ્થાને છે. ત્યારબાદ તાઈવાન બીજા ક્રમે, જાપાન ત્રીજા ક્રમે, બ્રિટન ચોથા અને ચીન પાંચમા ક્રમે છે. બ્રાઝિલ છઠ્ઠા, યુક્રેન સાતમા અને કિર્ગિસ્તાન આઠમા તથા ન્યૂઝીલેન્ડ  નવમા અને બાંગ્લાદેશ ૧૦મા ક્રમે આવે છે. આ સરેરાશ યાદી જોઈએ તો બેલ્જિયમ અને મેક્સિકો ૫૨મા ક્રમે આવે છે. તેવી જ રીતે ફ્રાન્સ અને અમેરિકા ૫૮મા ક્રમે આવે છે. તેવી જ રીતે અફઘાનિસ્તાન, રશિયા અને ભારતનો આ યાદીમાં ૬૦મો ક્રમ છે. કેનેડા અને પાકિસ્તાન આ યાદીમાં ૬૫મા ક્રમે આવે છે. તે સિવાય જર્મની ૭૧મા ક્રમે અને ઓસ્ટ્રેલિયા ૭૪મા ક્રમે આવે છે. આ તમામ મોટા દેશોના યુવાનો મોટી માનસિક વિડંબણાઓમાં અટવાયેલા છે. તેમની મનઃ સ્થિતિ વધારે મજબૂત નથી. 

જાણકારોના મતે સંશોધકોએ કેટલાક પેરામિટર્સ ઉપર દુનિયાભરના ૮૪ દેશોના યુવાનોની માનસિક સ્થિતિનું મુલ્યાંકન કર્યું હતું. તેમાં ભાવનાત્મક, સામાજિક, સંજ્ઞાાનાત્મક અને શારીરિક ક્ષમતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ માપદંડોના આધારે ઘાનાના યુવાનોને ૧૦૦માંથી ૫૪નો સ્કોર આવ્યો હતો. બીજી તરફ વૈશ્વિક સરેરાશ માત્ર ૩૬ આવે છે. સંશોધકોના મતે ઘાનાના લોકો સહિત આફ્રિકાના યુવાનો આર્થિક પડકારો, સામાજિક પડકારો અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે છતાં તેમનામાં હિંમત, મનોબળ અને સાહસ વધારે છે. તેમના મજબૂત સામુદાયિક સંબંધો, નાની ઉંમરમાં મોબાઈલ અને અન્ય સ્માર્ટ ગેજેટ્સના સંપર્કથી દૂર રહેવું, સુરક્ષા પૂરી પાડતા સાંસ્કૃતિક માળખા વગેરેના કારણે તેઓ માનસિક રીતે વધારે મજબૂત અને સક્ષમ છે. 

બીજી તરફ પશ્ચિમી દેશો અને વિકસિત દેશોમાં બાળકોથી માંડીને યુવાનો ડિજિટલી ઓવરલોડ છે તથા સોશિયલ મીડિયા અને અન્ય બાબતોના કારણે એકલતાનો સૌથી વધારે શિકાર થયેલા જોવા મળ્યા છે. સંપન્ન અને સમૃદ્ધ દેશોમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, ટોક્સિન અને નબળા સામાજિક સંપર્કો અને માળખાના કારણે પેઢીદર પેઢી મનોભાવ નબળા થઈ રહ્યા છે. નવી પેઢી માનસિક રીતે વધારે નબળી આવી રહી છે. તેઓ બદલાતી સ્થિતિ, આર્થિક સંકડામણ, સામાજિક બહિષ્કાર કે સામાજિક ભેદભાવ અથવા તો પરિવર્તનને સ્વીકારી શકતા નથી કે તેમાં એકાએક સેટ પણ થઈ શકતા નથી. આ સિવાય સોશિયલ મીડિયાના કારણે સતત સંઘર્ષ, સરખામણી અને એકલતાના લીધે નાનમ અનુભવતા થઈ ગયા છે. તેના લીધે પણ તેમનું માનસિક દબાણ વધ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ઘાનાના યુવાનો આધાત્મિક રીતે પણ મજબૂત જોડાણ ધરાવે છે. તેના પગલે તેમની માનસિક સ્થિતિ પણ વધારે મજબૂત થાય છે. તેઓ હતાશા, આત્મહત્યાના વિચારો, એકલતા વગેરેથી દૂર રહે છે અને જીવન જીવવા માટેના કૌશલ્ય ઝડપથી શીખીને જીવનને બદલવા પ્રયાસ કરે છે. અહીંયાના યુવાનો સરેરાશ ૧૮ વર્ષની ઉંમરે પહેલી વખત સ્માર્ટફોન કે સ્માર્ટ ગેજેટ વસાવે છે. બીજી તરફ વિકસિત દેશોમાં આ ઉંમર ૧૦થી ૧૪ વર્ષ છે. સ્માર્ટફોન હાથમાં આવતા જ આક્રમકતા, અલગાવ, એકલતા અને સરખામણીના મનોભાવ વધવા લાગે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, ઘાનામાં મજબુત પારિવારિક અને સામુદાયિક માળખું છે જે પણ યુવાનોને માનસિક રીતે મજબૂત રહેવામાં મદદ કરે છે. મજબુત સામુદાયિક જોડાણ, સામાજિક સમર્થન, ટેક્નોલોજી ઉપર ઓછો આધાર, સ્વસ્થ જીવનશૈલી, શારીરિક શ્રમ વગેરે યુવાનોને શારીરિક રીતે વધારે મજબૂત બનાવે છે અને તેમને માનસિક રીતે પણ વધારે સક્ષમ બનાવે છે.

મૂળ વાત એવી છે કે, ઘાના પશ્ચિમી આફ્રિકાનો સુંદર અને શાંત દેશ છે. તેને આફ્રિકાનો ગેટવે પણ કહેવાય છે. આ પહેલો આફ્રિકી દેશ છે જેને બ્રિટને ૧૯૫૭માં આઝાદ કર્યો હતો. અહીંયાની સંસ્કૃતિ ખૂબ જ જીવંત, મહેમાનગતિને પ્રાધાન્ય આપનારી અને સામુદાયિક એકતાને વધારનારી છે. ૩.૫ કરોડની વસતી ધરાવતા આ દેશની માથાદિીઠ આવક ૮,૦૦૦ ડોલર છે. અહીંયા બેરોજગારી મોટો પ્રશ્ન છે છતાં યુવાનો માનસિક રીતે વધારે સક્ષમ છે. અહીંયા પારિવારિક માળખું ખૂબ જ મજબૂત છે. અહીંયા બાળકો હંમેશા વડીલોનું માન જાળવે છે. અહીંયા સામુદાયિક એકતાને પ્રાધાન્ય અપાય છે, પાડોશી અને સંબંધીએ સૌથી હળીમળીને રહેવાની પરંપરા છે. તેના કારણે યુવાનો વધારે મજબૂત છે.

ઘાનાની વાત કરીએ તો અહીંયા હાઈલાઈફ મ્યુઝિક, હાઈલાઈફ અને ટ્રેડિશનલ ડાન્સ સૌથી વધારે ચર્ચામાં છે. દુનિયાભરમાં તેની ચર્ચા થાય છે ડ્રમિંગ અને ડાન્સ જીવનનો એક ભાગ છે. સામાન્ય ઉત્સવો અને સામુહિક ઉત્સવોમાં પણ તેને પ્રાધાન્ય અપાય છે. અહીંયાના યુવાનો પરિવાર સાથે જ રહે છે. તેઓ ભાઈ-બહેનો, સંબંધીઓ સાથે સતત સંપર્કમાં હોય છે. તેઓ પોતાના પરિવારને મદદ કરવાને પ્રાથમિકતા આપે છે. બીજી તરફ અહીંયા આધ્યાત્મિકતા અને ધાર્મિક જોડાણ પણ વધારે છે. તેના કારણે પણ તેમને માનસિક સપોર્ટ મળી રહી છે.

 અહીંયા શિક્ષણ ઉપર ભાર મુકાય છે છતાં નોકરીઓ માટે ગળાકાપ સ્પર્ધા છે. યુવાનો વ્યવસાય કરવાનું વધારે પસંદ કરે છે.

 તેઓ સ્ક્રીન ટાઈમ ઓછો રાખે છે અને લોકોને વાસ્તવિક રીતે મળીને આનંદ કરવામાં વધારે માને છે. અહીંયા બેરોજગારી છે પણ યુવાનો આશાવાદી અને ક્રિયેટીવ છે.

- ન્યૂક્લિયર ફેમિલી અને ટેક્નોલોજીનું વળગણ ભારતીય યુવાનોને નડે છે 

જાણકારોના મતે ભારત જ નહીં પણ પશ્ચિમી તમામ દેશો, વિકસિત દેશો અને મહાસત્તાઓમાં પણ યુવાનો માનસિક રીતે નબળા છે. તેમાં સૌથી પહેલાં તો પારિવારિક માળખું ખોરવાઈ ગયું છે. અહીંયા ન્યૂક્લિયર ફેમિલીનું પ્રમાણ વધ્યું છે. પરિવારો છુટા પડયા અને વિખરાઈ ગયા છે. બીજી બાજુ અહીંયા સ્માર્ટફોન અને સ્માર્ટ ગેજેટ્સનું વળગણ અતિશય વધારે છે. સમૃદ્ધ દેશોમાં સરેરાશ ૧૨થી ૧૪ વર્ષની ઉંમરે અને ભારતમાં ૧૬ વર્ષની ઉંમર સુધીમાં કિશોરો અને યુવાનોને સ્માર્ટફોન અને સ્માર્ટ ગેજેટ્સ મળી જાય છે. તેના કારણે સાઈબર બુલિંગ, અનિદ્રા, અવિચારી સરખામણીઓ, એકલતા અને અન્ય માનસિક સમસ્યાઓ વધવા લાગે છે. બીજી તરફ આ યુવાનો ઉપર એકેડેમિક પ્રેશર વધારે હોય છે. તેઓ પરીક્ષાઓ આપવા, કરિયર બનાવવી, સારી જોબ મેળવવી, બિઝનેસ કરવો જેવી બાબતોમાં સખત તણાવમાં, પારિવારિક સંઘર્ષમાં રહે છે. તે ઉપરાંત રિજેક્શન અને નિગ્લેક્ટ થવાનો ભય પણ તેમની મનોદશા ખરાબ કરી નાખે છે. આ સિવાય બીજા ગંભીર બાબત એ છે કે, યુવાનો ધાર્મિક અને આધ્યાત્મિકતાથી દૂર છે. તેઓ સમયાંતરે ધાર્મિક થાય છે પણ આધ્યાત્મિકતાને પામતા કે જીવનમાં ઉતારતા નથી. બીજી તરફ તેમનું ખાનપાન પણ અસર કરે છે. તેઓ પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડની લત ધરાવતા થઈ ગયા છે તેના કારણે પણ શારીરિક અને માનસિક સમસ્યાઓ ભોગવી રહ્યા છે. તેના પગલે ડિપ્રેશનમાં જવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ સિવાય મેન્ટલ હેલ્થ અંગે સમાજમાં ચોક્કસ જાગ્રતી નથી. તેને એક રોગ તરીકે જોવાય છે અને તેના કારણે લોકો પોતાની મનોદશા કોઈને જણાવતા નથી અને વધારે દુઃખી થાય છે. એકંદરે એવું કહી શકાય કે, સિંગલ ફેમિલી, સોશિયલ મીડિયા, સ્માર્ટ ફોન્સ, કમ્પેરિઝન, ખરાબ ખાનપાન અને નબળા સામાજિક માળખાને કારણે ભારત અને પશ્ચિમી દેશોના યુવાનો માનસિક રીતે વધારે નબળા થઈ રહ્યા છે.