ભારતની નવી વિદેશનીતિ : ક્યાં દાઝવું તો ક્યાં હાથ કાળા કરવા જેવી

- પરમ મિત્ર ટ્રમ્પે ટેરિફની તલવાર વિંઝતા ભારત હવે ચીનને મિત્ર બનાવવા દોડયું છે પણ તેમાં રિસ્ક વધારે છે
- અમેરિકાએ ટેરિફ ટેરર વધાર્યો તેનો સીધો વિરોધ નહીં કરી શકતા ભારતે એકાએક રશિયા અને ચીન તરફ લાગણી વધારી દીધી છે પણ તે લાંબો સમય ટકે તેમ લાગતી નથી : ભારતે વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે મળતી સહમતી વિશે વિચાર કરીને સંબંધ આગળ વધારવા જોઈએ. ભારત અને અમરિકાના સંબંધોમાં ભારતની નિકાસ વધારે હતી અને આયાત ઓછી હતી પણ હવે ચીન સાથે સંબંધ વધારવામાં ભારતની આયાત વધી જશે અને નિકાસ નહીવત થઈ જશે. તેના કારણે ભારતીય અર્થતંત્રને કે વેપારજગતને ખાસ લાભ થવાનો નથી ઃ ભારત ક્યારેક કેનેડાને સાથી ગણાવે છે તો ક્યારેક તેનો વિરોધ કરે છે, રશિયાને પરમમિત્ર કહે છે પણ યુક્રેન યુદ્ધ મુદ્દે ચુપ્પી સાધી લે છે અથવા શાંતિ જાળવવાની અપિલ કરી દે છે, ઈઝરાયેલને પોતાનું જૂનું સાથીદાર ગણાવે છે પણ ગાઝા ઉપર તે જે અત્યાચાર કરે છે તેના વિશે ભારત કશું જ બોલતું નથી, ભારતી આવી પરાણે પ્રિત કરવાની અને સારા બનવાની નીતિ તેના માટે જોખમ વધારી શકે છે
ભારતની વિદેશનીતિ અત્યારે કઈ દિશામાં જઈ રહી છે તે સમજાતું નથી. એક તરફ અમેરિકા સાથે સતત તણાવ વધી રહ્યો છે, કેનેડામાં ખાલિસ્તાનના કારણે તણાવ વધ્યો છે. બ્રિટન અને અન્ય દેશોમાં વીઝાના નિયમો કડક થઈ રહ્યા છે, ભારતના પોતાના પાડોશી દેશો સાથે સંબંધો નવું જ સમીકરણ રચી રહ્યા છે. ભારતે જાણે કે નવા જ પ્રકારની વિદેશનીતિ અપનાવી હોય તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકા સાથે સંબંધોમાં ખટાશ આવતા ભારતે રશિયા સાથે સંબંધ વધારે મજબૂત કરવાનું વલણ દાખવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં વ્લાદિમિર પુતિન સાથે ફોન ઉપર વાત કરી હતી. રશિયા અને ભારતની મિત્રતાના ગુણગાન કર્યા હતા. બીજી તરફ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાંના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.
ત્યારબાદ જે ઘટના ક્રમ જોવા મળ્યો તેમાં ભારતીય વડા પ્રધાન ચીન ખાતે યોજાયેલી એસસીઓ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. એસસીઓ બેઠકમાં તેઓ ઉમકળાભેર ચીની પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા. બીજી તરફ જિનપિંગે પણ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોદી રશિયન પ્રમુખ પુતિનને પણ મળ્યા હતા. ત્રણેય નેતાઓ એકબીજાને ભેટયા, વાતો કરી, હસતા ચહેરે તસવીરો ખેંચાવી અને તેમાંય મોદી અને પુતિન તો પુતિનની કારમાં વાતો કરતા કરતા ઈવેન્ટમાં જતા પણ જોવા મળ્યા હતા. આ તમામ ઘટનાઓએ ભારતના બદલાતા વલણની વાત રજૂ કરી હતી. એક તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારતે પહેલાં કરતા વધારે સંતુલિત અને વ્યવહારિક રીતે પોતાની વિદેશનીતિ આગળ વધારી છે. બીજી તરફ એવો પણ મત છે કે, અમેરિકાને બતાવી દેવામાં ભારત નવા સમીકરણ રચવા જઈ રહ્યું છે જે કદાચ તેના માટે વધારે જોખમો ઊભા ન કરી દે.
ભારત એક તરફ પશ્ચિમી દેશો સાથે વેપાર વધારી રહ્યો છે પણ બીજી તરફ પશ્ચિમી દેશો જે દબાણ વધારી રહ્યા છે તેનો પણ કૂટનીતિથી જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન રશિયા સાથેના વેપારને કારણે અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ નાખી દીધો. ભારતે તેનો વિરોધ કરવાના સ્થાને રશિયા સાથે જોડાણ વધારે મજબૂત કર્યું. બીજી તરફ અમેરિકાને જેની સામે સૌથી વધારે વાંધો છે તેવા ચીન સાથે સંબંધ સુધારવાની ભારતે ફરીથી પહેલ કરી અને મોદીએ ચીનનો પ્રવાસ કર્યો. જાણકારો માને છે કે, ભારત પશ્ચિમી દેશોના દબાણથી દૂર રહીને પોતાની સ્વતંત્ર વિદેશનીતિ ચલાવવા માટે મક્કમ થયું હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા હિંસક અથડામણ બાદ બંને દેશોના સંબંધો ખૂબ જ વણસી ગયા હતા. તેના ત્રણ વર્ષ બાદ હવે ભારત અને ચીને ભૂતકાળ ભૂલીને આગળ વધવાનું વલણ અપનાવ્યું હોય તેમ લાગે છે. થોડા સમય પહેલાં ભારતીય વિદેશમંત્રીએ ચીનના પ્રવાસમાં કહ્યું હતું કે, હવે મતભેદો છોડીને, વિવાદ છોડીને આગળ વધવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. કોઈપણ પ્રકારે મતભેદ કે વિવાદ ન થાય તેની કાળજી લેવી જોઈએ. બીજી તરફ ચીની વિદેશ મંત્રીએ પણ ભારતને સાથીદાર ગણાવ્યું હતું. તે ઉપરાંત ભારતને જે રેર મિનરલ્સ અને અન્ય બાબતોની જરૂર હોય તો તે સપ્લાય કરવા માટેનો પણ દિલાસો આપ્યો હતો.
બીજી તરફ અત્યાર સુધી ભારતની સાથે રહેલું અને ભારતને મિત્ર ગણાવતું અમેરિકા એકાએક આકરું થવા લાગ્યું છે. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા જાણે કે વ્યક્તિગત બદલો લેવામાં આવી રહ્યો હોય તેમ ભારત સાથે વ્યવહાર કરાઈ રહ્યો છે. રશિયાના નામે ભારત ઉપર ટેરિફ વધારી દેવા, ભારતીય ઈકોનોમી વિશે બેફામ નિવેદનો કરવા અને બીજી રીતે ભારત તથા ભારતીયોને દંડવાનું જે કામ કર્યું છે તેણે ભારતને નવી રીતે વિચારવા પ્રયત્નશિલ બનાવ્યું છે. ભારતે હવે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા પોતાનો રસ્તો કર્યો હોવાનું પૂરવાર કર્યું છે. તેણે સંકેત આપ્યા છે તે કોઈપણ પ્રકારના દબાણમાં આવશે નહીં. દેખીતી રીતે ભારતનું વલણ સારું છે પણ વેપારની રીતે વિચારીએ તો ભારતને વધારે નુકાસન જાય તેવી સ્થિતિ છે.
જિયોપોલિટિક્સના જાણકારો માને છે કે, ભારતે અમેરિકા સાથે સંબંધો સામાન્ય કરવા ઉપર ફોકસ કરવું જોઈએ. અમેરિકાએ ભારતની સાથે મોટો વેપાર કરવા ઉપરાંત તેની સાથે સુરક્ષા મુદ્દે પણ ઘણું કામ કર્યું છે. સાઉથ એશિયામાં ભારતના રક્ષણ અને મદદ માટે અમેરિકા કાયમ સજ્જ અને તત્પર રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે અમદાજે ૧૫૦ અબજ ડોલરનો વેપાર થાય છે. તેમાંથી અંદાજે વીસ ટકા જેવી ભારતની આયાત છે જ્યારે બાકીનો તમામ વેપાર ભારતની નિકાસ છે. ભારત હીરા, દવાઓ, કપડાં અને બીજી ઘણી વસ્તુઓ અમેરિકા મોકલે છે. તેનાથી ભારતીય વેપાર ઉદ્યોગને મોટો ફાયદો થતો હતો. હાલમાં અમેરિકાએ ટેરિફ વધાર્યા છે પણ વાતચીત થકી તેનો ઉકેલ લાવી શકાય તેમ છે. ભારતે અમેરિકાને આમ છોડી દેવું ન જોઈએ.
બીજી તરફ નિષ્ણાતો માને છે કે, ચીન જોડે વેપાર કરવામાં ભારતને દેખીતો કોઈ ફાયદો નથી. ભારત ચીન સાથે સંબંધ સુધારીને વેપારમાં વધારો કરશે તો પણ ભારતને કમાણી થવાની નથી. હાલમાં ભારત અને ચીન વચ્ચે ૧૩૬ અબજ ડોલરનો વેપાર થાય છે. તેમાંથી ભારતની નિકાસ માત્ર ૧૬ અબજ ડોલરની આસપાસ છે. હવે વિચાર કરીએ કે ભારત ૧૨૦ અબજ ડોલરનો માલસામાન આયાત કરે છે અને તેની સામે માત્ર ૧૬ અબજ ડોલરની નિકાસ કરે છે. આગામી સમયમાં ચીન થોડી મદદ વધારે કરે તો પણ આ આંકડો ૧૬થી ૨૦ કે ૨૫ અબજ ડોલર સુધી જશે પણ તેનાથી વધારે થઈ શકે તેમ નથી. તેનું બીજું પાસું વિચારીએ તો ચીની બનાવટના ઈલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ અને અન્ય સાધનોનો ભારતમાં ઢગલો થઈ જશે. ભારતની આયાત જે ૧૨૦ અબજ ડોલર છે તે વધીને ૧૫૦ સુધી પહોંચી જશે અને વિદેશી હુંડિયામણનું વધારે ધોવાણ થશે.
આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચે હાલમાં જે સારા સંબંધો દેખાઈ રહ્યા છે તે કેટલો સમય રહેશે તેની કોઈ ગેરન્ટી નથી. ચીને ભૂતકાળમાં ભારતને ઘણી વખત આઘાત આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપી શકે છે. ચીનની ભારતમાં ઘુસણખોરી, ભારતીય સરહદોને પોતાની ગણાવવી, ભારતીયો સાથે દુર્વ્યવહાર, ભારતને કનડવા માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંયમાર, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોમાં પગપેસારો કરીને તેમને ભારત વિરુદ્ધ ઉશ્કેરવા જેવું કામ થતું જ આવ્યું છે અને તે અટકવાનું નામ લેશે નહીં. ચીન પોતાની વિસ્તારવાદી નીતિના ભોગે વેપાર કરે તેવું દેખાતું નથી.
કેટલાક જાણકારો માને છે કે, મલ્ટિએલાઈનમેન્ટ ડિપ્લોમેટિક રણનીતિ મુદ્દે ભારત નિષ્ફળ ગયું છે. ભારત પોતાના આ રણનીતિ થકી બધા માટે મહત્ત્વનું અને બધાનું મિત્ર બનવા અને સાબિત થવા મથી રહ્યું છે જે ખોટું છે. ભારતે હકિકતે પોતાને એવું બનાવી લીધું છે કે, ગમે તે દેશ તેની સાથે ગમે ત્યારે ગમે તે કરી શકે છે. અમેરિકાની જ વાત કરીએ તો તેને સાઉથ એશિયામાં કડક સંદેશ આપવો હોય કે ચીનને ડરાવવું હોય તો ભારતને ધમકાવે છે. ભારતની સ્થિતિ એવી છે કે, ભારત વિશાળ દેશ છે પણ તે પલટવાર કરી શકે અને આકરી પ્રતિક્રિયા આપી શકે તે સ્થિતિમાં નથી. જાણકારો માને છે કે, ભારતે દરેકને મિત્ર બનાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ. તેનાથી બાકીના દેશો ઉપર ભાવનાત્મક પ્રેશર ઊભું કરે છે. જ્યારે તમારી પાસે કોઈપણ વિકટ સ્થિતિનો જવાબ આપવાની ક્ષમતા ન હોય તો સંબંધો વધારે વણસે છે. દર વખતે ભારત દરેકને ખુશ રાખી શકે તેમ નથી.
- ભારતની મલ્ટિ એલાઈન્મેન્ટ નીતિ વર્તમાન સંજોગોમાં સફળ રહી નથી
ભારતની વિદેશનીતિ અંગે જાણકારો માને છે કે, ભારતે જે વલણ અપનાવ્યું છે તે સારું છે પણ તેનાથી પોતાના દેશને મજબૂત સાબિત કરી શકાતો નથી. તમે વિશ્વગુરુ થવાની વાત કરો છો પણ બીજો દેશ આવીને તમને ડરાવી જાય છે, દબડાવી જાય છે અને તમે પ્રતિકાર કરવા જેટલા પણ સક્ષમ નથી તો તમારી વિદેશનીતિ કાચી પડી રહી છે. અમેરિકાએ ટેરિફ લાદ્યા તેની પહેલાં વીઝા નીતિ અપનાવી તેમાં પણ ભારતને ઘણું ભોગવવાનું આવ્યું હતું. માઈગ્રેશન પોલિસી લાગુ કરવા દરમિયાન અમેરિકાએ ભારતીયોનું ભયાનક અપમાન કર્યું, તેમને કેદીઓની જેમ સાંકળો બાંધીને ભારત મોકલાવ્યા, તેમની સાથે અમાનવીય વ્યવહાર કર્યા, ઈમિગ્રન્ટ્સને તેમના કેમ્પોમાં સબડાવ્યા છતાં ભારત તેનો વિરોધ કરી શક્યો નહીં. તે ઉપરાંત વિદ્યાર્થીઓને અને સ્કોલરોને જે વીઝા આપવામાં આવે છે તેમાં પણ અમેરિકાએ ઘટાડો કરી દીધો. ચીન અને પાકિસ્તાન જેવા દેશોના વીઝા વધાર્યા પણ ભારતના વીઝા ઉપર કાપ મુકી દીધો. ભારતે ત્યારે પણ કોઈ વલણ અપનાવ્યું નહીં અને ભારતીયો બીજા દેશ તરફ જવા લાગ્યા. અમેરિકીમાં જ ૫૨ લાખથી વધારે ભારતીયો વસે છે, ત્યાંની ઈકોનોમી, પોલિટિક્સ અને બીજી વ્યવસ્થામાં તેમનું પ્રબળ યોગદાન છે છતાં અમેરિકાના દબાણમાં ભારત આવી જાય છે. હવે વિચાર કરીએ કે જે અમેરિકાને દબડાવવા ચીન તરફ ભારત આગળ વધી રહ્યું છે તે તો પહેલેથી જ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે. થોડા સમય પહેલાં પણ ચીની તજજ્ઞાોએ કહ્યું હતું કે, ભારતના પીએમ કે વિદેશમંત્રી ભલે અહીંયા આવે, સંબંધ સુધારવા મહેનત કરે પણ ચીન પોતાની નીતિ બદલશે નહીં. ચીન જે રીતે કામ કરે છે તે રીતે જ કરશે. પાકિસ્તાનને સપોર્ટ કરવાની તેની નીતિમાં કોઈ ફરેફાર થશે નહીં. તે પાકિસ્તાનને જે મદદ મોકલાવવા માગે છે તેમાં પણ કોઈ ઘટાડો થશે નહીં. બીજી તરફ રશિયાને મિત્ર તરીકે ખુશ રાખવું છે પણ સાથે સાથે યુક્રેનને તકલીફ ન પડે તેના માટે પણ ટકોર કરતા રહેવું છે. ઈઝરાયેલને મિત્ર ગણાવવું છે પણ તેના હિંસક વલણ અંગે મૌન રહીને શાંતિની વાતો કરવી છે.
ગાઝામાં શાંતિ સ્થપાય તેની વાત કરવી છે. જાણકારો માને છે કે, દરેકને ખુશ રાખવા મથતા અને દરેકને મિત્ર ગણાવવા મથતા ભારતની આ નીતિ જોખમી સાબિત થઈ રહી છે. તેનાથી ભવિષ્યમાં જે જિયોપોલિટકલ વિસંગતતાઓ આવશે તેનો સામનો કરવો ભારત માટે મુશ્કેલ થશે.









