નવી સમસ્યા : ચોમાસું લંબાઈ રહ્યું છે અને બરફવર્ષા વહેલી થઈ રહી છે

- અલ નીનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતીય ઋતુચક્ર ખોરવાયું જેથી ચોમાસું પાછું ખેંચાયું અને બરફવર્ષા વહેલી થવા લાગી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ અસામાન્ય થઈ ગયું છે જેના કારણે તે ઉત્તર ભારત અને હિમાલય ક્ષેત્રમાં અટવાઈ ગયું છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં મોટાભાગે ઓક્ટોબર એન્ડથી માંડીને નવેમ્બર દરમિયાન સક્રિય થતું હોય છે પણ આ વખતે સપ્ટેમ્બરના એન્ડમાં સક્રિય થઈ ગયું : ચોમાસું સપ્ટેમ્બર સુધી અને હવે ઓકટોબર સુધી લંબાતું ગયું છે. આ ઉપરાંત બંગાળની ખાડી, અરબ સાગર અને દક્ષિણ ભારતના કિનારાઓ ઉપર સર્જાતા લો પ્રેશર સિસ્ટમ સતત ઉત્તર તરફ ગતિ કરી રહ્યા છે. તેના કારણે પાછું જતું ચોમાસું અટકી ગયું છે અને મેદાની રાજ્યોનો સોથ વાળી રહ્યું છે : વૈજ્ઞાાનિકોએ નોંધ્યું હતું કે, અલ નીનોના કારણે હવાના ઉપરના સ્તરમાં ભેજનું દબાણ વધી ગયું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે તેનું જોડાણ થઈ જતાં આ વખતે વરસાદ લાંબો ખેંચાયો અને બીજી તરફ હિમાલયના કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષા વહેલી થવા માંડી
ઉત્તરભારતમાં ફરી એક વખત વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને હિમાલય પર્વતમાળાની નજીક આવેલા રાજ્યોમાં અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઋતુચક્રમાં વ્યાપક ફેરફાર થયો હોવાની અનુભુતી થઈ રહી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં પર્વતીય વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે આવેલા ભૂસ્ખલન અને પૂરથી ૨૦ લોકોનાં મોત થયા હતા. પશ્ચિમ બંગાળના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ - પૂરના કારણે ૨૦ લોકોનો ભોગ લેવાયો હતો. બિહારમાં મૂશળધાર વરસાદના પગલે રોહતાસ જિલ્લામાં શનિવાર રાતથી વહેલી સવાર સુધી ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બિહારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તમિલનાડુમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. સરેરાશ જોઈએ તો ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદથી તારાજી સર્જાઈ હતી જ્યારે દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં પણ છૂટોછવાયો વરસાદ પડયો છે જેણે જનજીવન ખોરવી કાઢયું છે.
જાણકારોના મતે, હિમાચલના લાહોલ-સ્પીતિ, કિન્નોર, મનાલી અને રોહતાંગમાં સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ બરફવર્ષા શરૂ થઈ જવી તે સામાન્ય ઘટના નથી. અહીંયા મોટાભાગે નવેમ્બરના અંત સુધીમાં બરફવર્ષા શરૂ થયા છે અને ડિસેમ્બર તથા જાન્યુઆરીમાં આ બરફવર્ષામાં વધારો થાય છે. આ વખતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ પર્વતો ઉપર બરફની ચાદર છવાઈ ગઈ જે આશ્ચર્યજનક વાત છે. તેની બીજી તરફ દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં મુશળધાર વરસાદ પડયો. હાલમાં પણ અનેક રાજ્યોમાં વાદળ છવાયેલા છે અને છુટાછવાયા વરસાદી ઝાપડા પડયા કરે છે જે ઓક્ટોબરના અંત સુધી ચાલશે તેવું અનુમાન છે.
સતત પલટાઈ રહેલા હવામાન અને બદલાઈ રહેલા ઋતુચક્ર અંગે જાણકારોનો મત કંઈક જુદો જ છે. તેઓ માને છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પરિવર્તન આવ્યા છે. હકિકતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ અસામાન્ય થઈ ગયું છે જેના કારણે તે ઉત્તર ભારત અને હિમાલય ક્ષેત્રમાં અટવાઈ ગયું છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં મોટાભાગે ઓક્ટોબર એન્ડથી માંડીને નવેમ્બર દરમિયાન સક્રિય થતું હોય છે. મધ્ય એશિયા અને યુરોપના ઠંડા પવનો જ્યારે દક્ષિણ તરફ ગતિ કરે છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સજાર્ય છે.
આ વર્ષે આ પવનોની પેટર્ન બદલાઈ ગઈ છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા ભેજવાળા પવનો આ વખતે ઝડપથી ઉત્તર ભારતમાં પ્રવેશ કરી ગયા અને સમગ્ર ઋતુચક્ર ફેરવાઈ ગયું. હિમાલય વિસ્તારની ઠંડક અને આ ભેજવાળા પવનોના સંયોજનને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં જવા લાગ્યું અને તેના કારણે હિમાચલમાં બરફ વર્ષા થઈ જ્યારે મેદાની વિસ્તારોમાં ભેજ વધી જતાં મુશળધાર વરસાદ પડવા લાગ્યો છે. હવામાન ખાતાનું પણ માનવું છે કે, જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તેણે પાછા જતા મોસમી પવનોને રોકી રાખ્યા છે અને તેના કારણે ચોમાસું વિદાય લેવાની પ્રક્રિયા ધીમી થઈ ગઈ છે. દક્ષિણ અને પશ્ચિમી ઘાટ ઉપરથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેવાનું જ હતું તે સમયગાળામાં આ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ અને ચોમાસું ત્યાં અટકી ગયું. તેના પગલે ભારે વરસાદ પડી રહ્યો છે. વૈજ્ઞાાનિકો માની રહ્યા છે કે, આ માત્ર સ્થાનિક ઘટના નથી. વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગના કારણે આ અસંતુલન સર્જાયું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, આર્કટિક વિસ્તારમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને તેના કારણે ઉત્તરી ગોળાર્ધમાં જેટ સ્ટ્રીમની દિશા અને ઝડપમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. જેટ સ્ટ્રીમમાં સર્જાયેલું અસંતુલન પણ ઋતુચક્રની પેટર્નને અનિયમિત બનાવી રહ્યું છે. તેના કારણે જ આ પવનો દક્ષિણ તરફ નમી જાય છે અને તેના પગલે ઠંડી અને ભેજવાળી હવા ભારત તરફ ધસી જાય છે. તેમાં વાતાવરણમાં મોટો પલટો આવે છે.
આ જેટ સ્ટ્રીમ વાયુમંડળની ઉપરના સ્તરે વહેતી ઝડપી, સાંકડી હવાની ધારાઓ હોય છે. તે સામાન્ય રીતે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતી હોય છે.
આ ધારાઓ પૃથ્વીની સપાટીથી લગભગ ૧૩ કિલોમીટરની ઉંચાઈએ ટ્રોપોસ્ફીયરના ઉપરના ભાગમાં જોવા મળતી હોય છે. તે સામાન્ય રીતે ૧૫૦થી ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હોય છે.
તે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરવા દરમિયાન ગમે ત્યારે પલટાઈ પણ શકે છે. તે ઠંડી અને ગરમ બંને હવાના મિશ્રણથી તૈયાર થાય છે. બંનેના તાપમાનમાં મોટો વિરોધાભાસ હોય છે અને તેના કારણે જ આ જેટ સ્ટ્રીમમાં વિવિધતા જોવા મળે છે.
બીજી તરફ ચોમાસાની ગતિ અંગે પણ કેટલાક સવાલો ઊભા થયા છે. ભારતની વાત કરીએ તો મોટાભાગે ૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી ભારતમાં ચોમાસું સક્રિય હોય છે. તેમાં તેના પાછા ફરવાનો પણ ક્રમ આવી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આ ક્રમમાં ફેરફાર થયો છે. ધીમે ધીમે ચોમાસું સપ્ટેમ્બર સુધી અને હવે ઓકટોબર સુધી લંબાતું ગયું છે.
આ ઉપરાંત બંગાળની ખાડી, અરબ સાગર અને દક્ષિણ ભારતના કિનારાઓ ઉપર સર્જાતા લો પ્રેશર સિસ્ટમ સતત ઉત્તર તરફ ગતિ કરી રહ્યા છે. તેના કારણે પાછું જતું ચોમાસું અટકી ગયું છે અને મેદાની રાજ્યોનો સોથ વાળી રહ્યું છે.
બીજી તરફ પેસિફિક મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ પણ ઉદભવેલી છે. તેના કારણે સમુદ્રની સપાટીનું તપામાન સામાન્ય કરતા થોડું વુધારે છે. અલ નીનોની અસર માત્ર ચોમાસા ઉપર જ નહીં પણ ચોમાસા પછીની ઋતુઓ ઉપર પણ પડે છે. અલ નીનોના કારણે હિંદ મહાસાગર અને અરબ સાગરમાં પણ તાપમાનમાં અસામાન્ય વધારો થાય છે. તેના કારણે જે ભેજ ઉત્પન્ન થાય છે તે પણ અસાધારણ હોય અને તેનું સંતુલન ગુમાવતા તે ગમે તે દિશામાં ગતિ કરે છે. મોટાભાગે તે ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને ચોમાસાને પાછા ફરવામાં ખલેલ ઊભી કરે છે. આ વર્ષે વૈજ્ઞાાનિકોએ નોંધ્યું હતું કે, અલ નીનોના કારણે હવાના ઉપરના સ્તરમાં ભેજનું દબાણ વધી ગયું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે તેનું જોડાણ થઈ જતાં આ વખતે વરસાદ લાંબો ખેંચાયો અને બીજી તરફ હિમાલયના કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષા વહેલી થવા માંડી.
હિમાચલ અને ઉત્તરાખંડ એવા રાજ્યો છે જેનું ભુગોળ ખૂબ જ અલગ છે.
ઋતુચક્રમાં સામાન્ય ફેરફાર પણ થવા લાગે તો તેની વ્યાપક અસર અહીંયા જોવા મળે છે. વાદળોની ઉંચાઈમાં અચાનક ફેરફાર આવવો, ઘાટીઓમાં ભેજ અટવાઈ જવો, હવાની દિશામાં વિક્ષોભ પડવો જેવી સબ માઈક્રો ક્લાઈમેટ પરિસ્થિતિઓ અહીંયા વાતાવરણને મોટી અસર કરે છે. તેના કારણે હિમાચલ અને ઉત્તરાખંડમાં ગમે ત્યારે વાતાવરણ બગડી જાય છે અને સુધરી પણ જાય છે. જાણકારો માને છે કે, હિમાચલ અને ઉત્તરાખંડ તેની સફરજન અને બટાટાની ખેતી માટે જાણીતા છે. ઓક્ટોબરમાં બરફ પડવાના કારણે સફરજનના વૃક્ષોને નુકસાન થઈ શકે છે.
હાલમાં ફળો પાકવાનો તબક્કો ચાલી રહ્યો છે ત્યાં આ પ્રકારે વરસાદ પડવો તે જોખમી છે. આ ઉપરાંત પર્વતીય ગામડામાં બટાટા અને અન્ય શાકભાજીની ખેતી પણ થયેલી છે. બરફ અને વરસાદના બેવડા મારને કારણે તેનો પાક પણ સડી જાય તેવી ભીતી છે.
બદલાતું વાતાવરણ માત્ર ઉત્તર ભારત નહીં સમગ્ર દેશને ઘમરોળી રહ્યું છે
પાછા ફરતા ચોમાસા દરમિયાન દાજલિંગ કે પશ્ચિમ બંગાળ અથવા બિહારમાં જ વરસાદ આવ્યો છે તેવું નથી. આ વખતે મુંબઈ, દેહરાદૂન, હિમાચલ, ઉત્તરાખંડ, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ ભયાનક વરસાદ પડયો છે. તેના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. જાણકારો માને છે કે, ભારતમાં મોનસુન સિસ્ટમમાં ફેરફાર આવી રહ્યો છે. તે ધીમે ધીમે અસ્થિર થઈ રહી છે. આ અનિયમિતતા અને અનિશ્ચિતતાના કારણે જ સમગ્ર તંત્ર ખોરવાયું છે. સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે અને મુશળધાર વરસાદની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ઓછા સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડી જાય છે અને બધું જ ખોરવાઈ જાય છે. આ ઉપરાંત શિયાળાની શરૂઆતમાં જોવા મળતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની વિદાય પહેલાં જ સક્રિય થઈ ગયું છે. તેના કારણે ભારે વરસાદની ઘટનાઓ વધી ગઈ છે. અરબ સાગર અને હિંદ મહાસાગર ઉપરથી આવતા પવનોની ગતિ અને ભેજ પણ અનિયમિત થઈ ગયા છે. તેના પગલે વધારાનો ભેજ દેશના ઉત્તરી રાજ્યો સુધી પહોંચી ગયો છે અને ચોમાસું ખાલી થઈને નીચે આવી શકતું નથી. તેના પરિણામે ઉત્તરી રાજ્યોમાં વરસાદી કેર વર્તાઈ રહ્યો છે. હિમાચલ, ઉત્તરાખંડ જેવા રાજ્યો કુદરતી રીતે જ સંવેદનશીલ છે. તેમાં બદલાતા વાતાવરણને કારણે વધારે અસર થાય છે. જંગલોનો નાશ, જમીનોમાં અવિચારી ખોદકામ અને બાંધકામ જેવી સમસ્યાઓ પણ હવે વકરી રહી છે. જમીન નબળી પડી રહી છે, જંગલો ઓછા થઈ રહ્યા છે અને વરસાદ વધી રહ્યો છે તેથી પૂરની સ્થિતિ વારંવાર સર્જાય છે. કેટલાક સંશોધનો જણાવે છે કે, ભારતમાં અતિભારે વરસાદની ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થયો છે. બદલાતા પવનો, સમુદ્રના તાપમાનમાં સતત ફરેફાર, વાયુમંડળની રચનામાં પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોને કારણે ભારતમાં ચોમાસું અટવાયું છે અને તેની પટેર્ન બદલાઈ રહી છે જે ભવિષ્યમાં વધારે જોખમી બની શકે છે.








