વંદે માતરમ્ : આઝાદીની ક્રાંતિની ચેતના બનેલા ગીતના 150 વર્ષ

કુદરતી સૌંદર્ય જોઈને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૯૫માં રચેલું ગીત ૧૮૯૬થી લોકહૃદયની જ્યોતિ બની ગયું હતું
- ૭ નવેમ્બર ૧૮૭૫માં પહેલી વખત એક સાહિત્યિક ગોષ્ઠીમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાનું ગીત વંદે માતરમ્ ગાયું. પહેલી વખત આ ગીતની જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૨-૭૩માં પહેલી વખત આ ગીતની રચના કરી હતી. ત્યારબાદ તેમણે ૧૮૭૫-૭૬માં તેમાં બીજો ફેરફાર કર્યો હતો. ત્યારબાદ ૧૮૮૧-૮૨માં તેમણે આનંદમઠ નવલકથામાં આ ગીતનો ફરીથી ઉપયોગ કર્યો અને તેમાં ત્રીજો ફેરફાર કર્યો. આ ફેરફાર કરવા અને ગીતને અંતિમ સ્વરૂપ આપવામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આઠ થી ૧૦ વર્ષનો સમય લીધો હતો ઃ ૧૮૫૮માં સ્નાતક થઈને તેમણે બ્રિટિશ ઈન્ડિયન સિવિલ સર્વિસ ક્લિયર કર્યું. તેઓ ડેપ્યુટી મેજસ્ટ્રેટ અને ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. તેમણે ૨૪ વર્ષ સુધી કામગીરી કરી હતી. તેઓ નોકરી કરવા દરમિયાન સીધી રીતે અંગ્રેજોનો વિરોધ કરી શકતા નહોતા તેથી પોતાના લેખન અને સર્જન થકી આ કામ કરતા હતા
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાન એક દિવસ સાંજે પોતાના ગામમાં લટાર મારવા નિકળ્યા હતા. કુદરતી સૌંદર્ય અને આસપાસના વાતાવરણથી એટલા બધા પ્રફુલ્લિત અને પ્રભાવિત થઈ ગયા કે, તરત જ કલમ અને કાગળ કાઢયા અને પહેલી વખત વંદેમાતરમ્ ગીતની ચાર પંક્તિઓ લખી કાઢી. આ વાત છે દેશના રાષ્ટ્રગીત ગણાતા વંદે માતરમના સર્જનની. દેશને પહેલી વખત વંદે મારતમ્ ગાન મળ્યું તેના પહેલાં અનેક વખત કાગળ ઉપર તેનું સર્જન અને વિસર્જન થયું હતું. આખરે ૭ નવેમ્બર ૧૮૭૫માં પહેલી વખત એક સાહિત્યિક ગોષ્ઠીમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાનું ગીત વંદે માતરમ્ ગાયું. પહેલી વખત આ ગીતની જાહેરમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે આ ગીત લોકબોલીએ ચડવા લાગ્યું અને લોકહૃદયમાં સ્થાન પામવા લાગ્યું. ખાસ કરીને આઝાદીની લડાઈ લડી રહેલા સ્વાતંત્ર સેનાનીઓની જીભે સતત અને કાયમ આ ગીત રમવા લાગ્યું હતું. ધીમે ધીમે સમગ્ર દેશવાસીઓની જીભે આ ગીત ચડી ગયું અને આઝાદીની લડાઈમાં રાષ્ટ્ર ચેતનાનું ગીત બની ગયું.
મહત્ત્વની વાત એ છે કે, બંકિમચંદ્ર દ્વારા તો આ ગીત માત્ર સાહિત્ય ગોષ્ઠીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતને જાણીતું બનાવવામાં તો ઘણા નેતાઓ અને લોકોનો ફાળો છે. ખાસ કરીને ૧૮૯૬માં અધિકારિક રીતે કોંગ્રેસના અધિવેશનમાં આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તે વખતે બીજા કોઈ નહીં પણ રવીન્દ્રનાથ ટાગોરે મંચ ઉપરથી બંકિમચંદ્રની આ રચના રજૂ કરી અને આ ગીત લોકહૃદયની જ્યોતિ બની ગયું. રાષ્ટ્રવાદની અને આઝાદીની ચેતનાનો ભાગ બની ગયું. ઉલ્લેખનીય છે કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે જ્યારે આ ગીતની રચના કરી હતી ત્યારે તો તેઓ અંગ્રેજ સરકારના કર્મચારી હતી. તેઓ નદિયા જિલ્લાના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે કામ કરતા હતા. તેમના આ સર્જનના થોડા વર્ષો બાદ ૭ નવેમ્બર વંદે માતરમ્ દિવસ તરીકે પણ ઉજવાતો હતો. હવે જ્યારે આ ગીતને દોઢ સદી પૂરી થઈ છે ત્યારે તેના ઈતિહાસ અને રચના ઉપર એ નજર માંડવા જેવી છે. અંગ્રેજોએ જ્યારે બંગાળનું વિભાજન કર્યું ત્યારે ૭ નવેમ્બર ૧૯૦૫ના રોજ વંદે માતરમ્ના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર કોલકાતામાં વિશાળ રેલીઓ નીકળી હતી. તે સમયે માત્ર વંદે માતરમનું સૂત્ર જ નહીં પણ સમગ્ર ગીત પણ લોકો લાગણી અને અંગ્રેજો સામેના આક્રોશનું પ્રતિક બની ગયું. સમગ્ર બંગાળમાં આ ગીત જોરશોરથી ગવાતું થઈ ગયું.
કહેવાય છે કે, બંકિમચંદ્ર નદિયા જિલ્લના કાંતલપાડા ગામમાં એક દિવસ સાંજે લટાર મારવા નીકળ્યા હતા. તે વખતે મંદ મંદ વહેતો પવન અને આસપાસની હરિયાળી જોઈને તેઓ પ્રફુલ્લિત થઈ ગયા. આ ઘટનાએ તેમના મનમાં માતૃભૂમિ વિશે વધુ ઉંડો પ્રભાવ ઊભો કર્યો અને તેમણે આ ગીતની ચાર પંક્તિઓ પોતાની ડાયરીમાં ટપકાવી દીધી. જાણકારોના મતે વંદે માતરમ્ જ્યારે રચાયું ત્યારે માત્ર ચાર જ પંક્તિઓમાં લખાયેલું ગીત હતું જેમાં ભારતને માતા તરીકે સંબોધન કરવામાં આવ્યું હતું. ઈતિહાસકારો એવું પણ નોંધે છે કે, બંકિમચંદ્ર દ્વારા તે સમયે બંગાળી ભાષાનું મિશ્રણ ધરાવતી સંસ્કૃત ભાષામાં આ ગીત રચવામાં આવ્યું હતું. તેમાં માત્ર માતૃભૂમિની સુંદરતાનું વર્ણન કરાયું હતું. તે સમયે કોઈ ધાર્મિક અથવા અન્ય કોઈ પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
ઈતિહાસકારો માને છે કે, ૧૮૭૫માં જ એક સમયે સામાજિક અને રાજકિય વાતાવરણ બદલાયું અને તેના પગલે બંકિમચંદ્ર દ્વારા આ જ ગીતને નવેસરથી લખવામાં આવ્યું.
આ તેની બીજી આવૃત્તિ કહી શકાય તેમ હતું. તે સમયે બંગાળમાં સામાજિક અને ધાર્મિક સ્થિતિ થોડી ખરાબ ચાલી રહી હતી. તે સમયે લોકોમાં અને દેશવાસીઓમાં આત્મગૌરવની લાગણી જન્માવવા માટે તેમણે આ ગીતને નવેસરથી લખ્યું. તેમણે જૂની પંક્તિઓ વિશે વિચાર કર્યો અને તેમાં નવા સુધારા કર્યા. તેમણે હવે માતાને ભારત માતા અને દેવી બંને રીતે રજૂ કર્યા. તેમની આ રચનામાં સંસ્કૃત શ્લોક જેવા વર્ણન આવતા હતા. તેમણે દેશભક્તિ અને ધાર્મિક આસ્થાને રજૂ કરતા ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી જેવા રૂપકોનો પણ ઉપયોગ કર્યો હતો. આ રીતે વંદેમાતરમનું એક નવું જ સ્વરૂપ સામે આવ્યું હતું.
બંકિમચંદ્ર અહીંયાથી જ અટક્યા નહોતા. થોડા સમય બાદ તેમણે આ ગીતને વધુ એક સ્વરૂપ આપ્યું હતું. તેમણે ફરી તેના કેટલાક શબ્દો અને પંક્તિઓમાં ફેરફાર કર્યો હતો. તેમણે આનંદમઠ નવલકથાની રચનામાં આ ગીતનો ઉપયોગ કર્યો હતો. ૧૮૮૧-૮૨માં પ્રસિદ્ધ થયેલા આનંદમઠમાં આ ગીતનો ઉપયોગ કરાયો હતો. વર્ષો પહેલાં તેમને જે લાગણી થઈ હતી તે લાગણીઓ પોતાની નવલકથાના પાત્રોની લાગણીઓમાં વ્યક્ત કરીને તેમણે આ ગીતને ત્યાં રમતું મૂક્યું હતું. નવલકથામાં બતાવાયું છે કે, સાધુ અને સૈનિકો દ્વારા વિદ્રોહ દરમિયાન આ ગીત ગવાતું હોય છે. તેઓ માતૃભૂમિને દેવી તરીકે પૂજતા હોય છે અને તેઓ સત્તા સામે વિરોધ અને વિદ્રોહ કરવા દરમિયાન આ ગીતનો ઉપયોગ કરતા હતા. આ નવલકથામાં ગીતને અંતિમ સ્વરૂપ અપાયું અને તેમાં ૧૨ શ્લોકનો સમાવેશ કરાયો હતો. આ ગીત જ્યારે રાષ્ટ્રગીતમાં સ્વીકારાયું ત્યારે તેના માત્ર પહેલા બે શ્લોક જ લેવામાં આવ્યા હતા. બાકીના શ્લોક ધર્મ અને દેવી પૂજા સાથે સંકળાયેલા હતા.
જાણકારોના મતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વંદે માતરમ્ ગીતમાં કુલ ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે ૧૮૭૨-૭૩માં પહેલી વખત માતૃભૂમિની સુંદરતા અને દિવ્યતાને રજૂ કરતા આ ગીતની રચના કરી હતી. ત્યારબાદ તેમણે ૧૮૭૫-૭૬માં તેમાં બીજો ફેરફાર કર્યો હતો. તે વખતે તેમણે ભારતમાતાને એક દેવી તરીકે રજૂ કર્યા હતા. તે વખતે ગીતમાં સંસ્કૃત શ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૮૮૧-૮૨માં તેમણે કોલકાતામાં રહેવા દરમિયાન આનંદમઠ નવલકથા લખી. આ નવલકથામાં આ ગીતનો ફરીથી ઉપયોગ કર્યો અને તેમાં ત્રીજો ફેરફાર કર્યો. તેને ૧૨ પદો ધરાવતું સંપૂર્ણ ગીત બનાવ્યું અને પોતાના પાત્રોના મુખે ગવડાવ્યું. જાણકારો માને છે કે, આ ગીતની રચનાથી શરૂ કરીને તેના અંતિમ સ્વરૂપ સુધીમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યા પણ આ ફેરફાર કરવા અને ગીતને અંતિમ સ્વરૂપ આપવામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આઠ થી ૧૦ વર્ષનો સમય લીધો હતો.
ખાસ વાત એવી છે કે, બંકિમચંદ્ર કે જેમણે દેશભક્તિ માટે અને દેશદાઝ માટે આ અદ્વિતિય ગીતની રચના કરી હતી પણ તેઓ પોતે અંગ્રેજ અધિકારી હતી. તેમણે આજીવન બ્રિટિશ સરકારની નોકરી કરી હતી છતાં મનમાં રાષ્ટ્ર ચેતના અને સ્વાભિમાનની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. ૧૮૫૮માં સ્નાતક થઈને તેમણે બ્રિટિશ ઈન્ડિયન સિવિલ સર્વિસ ક્લિયર કર્યું. તેઓ ડેપ્યુટી મેજસ્ટ્રેટ અને ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. તેમણે ૨૪ વર્ષ સુધી બંગાળના નદિયા, જેસોર, હુગલી, મિદનાપુર જેવા જિલલાઓમાં કામગીરી કરી હતી. તેઓ નોકરી કરવા દરમિયાન સીધી રીતે અંગ્રેજોનો વિરોધ કરી શકતા નહોતા તેથી પોતાના લેખન અને સર્જન થકી આ કામ કરતા હતા. તેમણે આનંદમઠ દ્વારા બ્રિટિશ રાજને પરોક્ષ રીતે પડકાર ફેંક્યો હતો. તેમણે સન્યાસી વિદ્રોહ બતાવ્યો હતો જે ખરેખર બ્રિટિશ શાસનનો વિરોધ હતો. આનંદમઠનું પ્રકાશન થયું ત્યારે બ્રિટિશ અધિકારીઓને લાગ્યું હતું કે, આ નવલકથા ખરેખર રાજદ્રોહની ભાવના ફેલાવી શકે છે. તેમાં સાધુઓ અને સૈનિકોનો અંગ્રેજો સામે સશસ્ત્ર વિદ્રોહ બતાવાયો હતો. બંકિમચંદ્ર દ્વારા સીધી રીતે અંગ્રેજોનો વિરોધ કરાયો નહોતો. તેમાં ધાર્મિક પ્રતિકો અને માધ્યમો થકી વાત પહોંચાડવામાં આવી હતી તેથી સરકાર સીધી રીતે કોઈ પગલાં લઈ શકી નહીં. ૧૮૯૧માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. ૧૮૯૪માં તેમનું અવસાન થયું હતું.
- વંદે માતરમ્ રાષ્ટ્રગીત છે કે, રાષ્ટ્રગાન ઘણા વર્ષો સુધી વિવાદ ચાલ્યો
ભારતની આઝાદી સાથે જોડાયેલા ઘણા નેતાઓ અને સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા ૧૯૦૫થી ૧૯૪૭ સુધી બંકિમચંદ્રની આ રચનાને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો દરજ્જો અપાવવા માટે ખેંચતાણ કરવામાં આવી હતી.
આ ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવા માટે બાલ ગંગાધર તિલકે સૌથી વધારે સમર્થન કર્યું હતું. તેઓ તો આ ગીતે રાષ્ટ્રીય પ્રાર્થના કહેતા હતા. બીજી તરફ અરવિંદ ઘોષે આ ગીતને રાષ્ટ્ર મંત્ર ગણાવ્યું હતું જે ભારતીય આત્માને જાગ્રત કરે છે. રવીન્દ્રનાથ ટાગોરે ભલે જન ગણ મનની રચના કરી પણ તેઓ વંદે માતરમ્ વિશે ખૂબ જ સન્માન અને સંવેદના ધરાવતા હતા. મહાત્મા ગાંધીએ પણ તેને રાષ્ટ્રગીત કહ્યું હતું અને દરેક સભામાં ગાવાની પરંપરા શરૂ કરાવી હતી.
નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની શિબિરોમાં વંદે માતરમને સૈન્ય સલામી તરીકે અપનાવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તબક્કાવાર આ ગીત અને તેની પંક્તિઓ ગુંજતી હતી. ભગતસિંહ, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ આ ગીત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. કહેવાય છે કે, વંદે માતરમ ગીતની કેટલીક પંક્તિઓ હિન્દુ દેવી દેવતાઓથી પ્રેરિત હતી. તેના પગલે સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલાક નેતાઓ તેને રાષ્ટ્ર ગીત બનાવવાના વિરોધી હતી. ખાસ કરીને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા મુસ્લિમ નેતાઓ ધાર્મિક ભાવનાના કારણે તેનો વિરોધ કરતા હતા.
આ મુદ્દે ઘણા વિવાદ બાદ એક સમજૂતી કરવામાં આવી જેમાં જન ગણ મનને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયું જ્યારે વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦માં સંવિધાન સભામાં તેનો સર્વસંમતી સાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો. તે સમયથી સંસદ, સ્કૂલ, કોલેજો, સરકારી સમારંભોમાં જન ગણ મનની સાથે સાથે વંદે માતરમ્ એમ બંનેને સન્માન આપવાની પરંપરા શરૂ થઈ.








