સુખ, શાંતિ અને ઊંચા ટેક્સથી બચવાની સીડી એટલે ગોલ્ડન વિઝા

- ભારતમાંથી અગાઉ 'બ્રેઈન ડ્રેઈન થયું હવે 'વેલ્થ ડ્રેઈન' થઇ રહ્યું છે
- ઈતિહાસમાં ભારતીય ઉપખંડ તેની સંપત્તિથી વિશ્વને આકર્ષતું હતું. સૈકાઓ સુધી વિદેશી વ્યાપારીઓ ભારત આવી અહીની પ્રજા સાથે ધંધો કરતા. પણ, બ્રિટીશરાજમાં ભારતના અર્થતંત્રનું પતન થયું અને તેની સાથે ભારતીયો વિદેશની ધરતી ઉપર વસવાટ કરવા માટે તલપાપડ બન્યા છે. કાયદેસર કે ગેરકાયદેસર રીતે, જાનના જોખમે આધુનિક અર્થતંત્રની કમાણી દેશી નાગરીકો માટે સપનું છે! જોકે, છેલ્લા અઢી દાયકામાં માત્ર મજૂર, કુશળ કારીગર કે પ્રોફેશનલ નહીં પણ ભારતના સંપત્તિવાન, ધનિકો દેશ છોડી વિદેશ સેટલ થઇ રહ્યા છે. આ માટે કરોડોનો ખર્ચ કરી ત્યાંની નાગરિકતા ખરીદી પોતાની વર્તમાન સંપત્તિને ઊંચા ટેક્સથી બચાવી રહ્યા છે. ભારતમાં શિક્ષણ મેળવી વિદેશમાં નોકરી કરનારને 'બ્રેઈન ડ્રેઈન' થયું હોવાની ઉક્તિ હતી હવે સંપત્તિ બહાર જઇ રહી છે એટલે 'વેલ્થ ડ્રેઈન' - ભારતની સંપત્તિ વિદેશમાં ઢસડાઈ રહી છે, જે ચિંતાજનક છે.
આર્થિક અને રાજકીય રીતે ભારતના સુવર્ણયુગનો પ્રારંભ થયો હોવાની વાત ચાલી રહી છે. ભારતના અર્થતંત્રનું કદ વિશ્વમાં ચોથા ક્રમે આવી ગયું છે અને બે વર્ષમાં ત્રીજા સ્થાને પહોંચે એવી આગાહી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકાસશીલના બદલે પૂર્ણ વિકસિત અર્થતંત્ર બને એ પ્રકારે આર્થિક રણનીતિ ઘડવામાં આવી રહી છે. જોકે, અમૃતકાળમાં, વધુને વધુ ભારતીયો દેશ છોડી વિદેશમાં વસવાટ કરી રહ્યા છે અને હજી લાખો લોકો નાગરિકતા છોડી અન્ય દેશોની નાગરિકતા સ્વીકારવા તત્પર છે. આ વિરોધાભાસ છે. દેશની આર્થિક પ્રગતિ થઇ રહી છે, ભારત વૈશ્વિક સ્તરે સૌથી અગ્રણી અર્થતંત્ર બની રહ્યું છે ત્યારે ભારતના અર્થતંત્રનો મહત્વનો હિસ્સો એવા સંપત્તિવાન લોકો દેશ છોડી જઇ રહ્યા છે!
હજારેક વર્ષ પહેલા ભારતના મરી, મસાલા, તેજાના ખરીદવા દુનિયાભરના વેપારીઓ ભારત આવતા. ભારતીયો પણ વ્યાપાર કરવા માટે વિશ્વનો ખૂણેખૂણો ફેંદી વળતા હતા. ભારતની આર્થિક સંપદાથી આકર્ષાઈ મુઘલ, પારસી, ફ્રેંચ, ડચ, બ્રિટીશરો, પોર્ટુગીઝ ભારત આવેલા. બ્રિટીશરો કાળક્રમે ભારતને પોતાનું ગુલામ બનાવ્યું. બ્રિટનનું રાજ અડધી દુનિયા ઉપર ચાલતું એટલે ગરીબ ભારતીયોને મજૂર તરીકે - ખેતી, માઈનીંગ, રેલવે લાઈન નાખવા દુનિયાભરમાં લઇ ગયા અને ત્યાંથી આધુનિક ઇન્ડિયન માઈગ્રેશન શરૂ થયું. ૧૯૭૦ના દાયકામાં આરબ અમીરાત અને ગલ્ફના દેશોમાં કુશળ કામદારોની જરૂર પડી એટલે બીજા તબક્કામાં અને પછી છેલ્લા ત્રણ દાયકામાં પ્રોફેશનલ વ્યક્તિઓનું માઈગ્રેશન ચાલ્યુ. આ દરેક સ્થિતિમાં માઈગ્રેશન પેટિયું રળવા માટે, ભારત કરતા વધારે કમાણી કરવાની ઈચ્છા સાથે થયું હતું. છેલ્લા દોઢ દાયકામાં જે માઈગ્રેશન છે તે અલગ છે. હવે ભારતીયો સંપત્તિ સાથે દેશ છોડી અન્ય દેશોના નાગરિક બની રહ્યા છે. ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામ પછી કોંગ્રેસના વડપણ હેઠળ યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) સરકાર આવી અને ડૉ. મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન બન્યા. ડૉ. સિંઘની પસંદગી આકસ્મિક હતી અને તેના ઉપર (અને તેમના કાર્યકાળ) એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર એવું પુસ્તક લખનાર (પછીથી એના ઉપર ફિલ્મ પણ બનેલી) ડૉ. સંજય બારૂનું એક નવું પુસ્તક આવ્યું છે. ડૉ. બારૂએ ચાર વર્ષ ડૉ. સિંઘના મીડિયા એડવાઈઝર તરીકે પણ કામગીરી કરી હતી. તેમણે ભારતીયો કેમ ભારત છોડી રહ્યા છે તે વિષય ઉપર ચર્ચા કરી છે. 'સીઝેશન ઓફ ધ સકસેસફૂલથ ધ ફ્લાઈટ આઉટ ઓફ ન્યૂ ઇન્ડિયા' નામના આ પુસ્તકમાં ડૉ. બારૂ ભારતના ધનિકો કેમ દેશ છોડી રહ્યા છે તેની અંગે જણાવે છે કે જે રીતે લોકો દેશ છોડી અન્ય દેશોની નાગરિકતા સ્વીકારી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. વિદેશ મંત્રાલયના સંસદમાં રજૂ થયેલા આંકડા અનુસાર ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે કુલ ૧૮,૮૦,૫૫૯ ભારતીયોએ દેશની નાગરિકતા છોડી અન્ય દેશોનું નાગરિકત્વ સ્વીકાર્યું છે. ૧૪૦ કરોડની વસતી માટે આ આંક નાનો લાગે પણ આ પ્રોફેસર જગદીશ ભગવતીના 'બ્રેઈન ડ્રેઈન' કરતા અલગ છે. પ્રો. ભગવતીએ જે રીતે ભારતીયો નોકરી માટે વિશ્વભરમાં ફેલાઈ રહ્યા હતા તેના ઉપર ટેક્સ લાદવાની વાત કરી હતી. પણ, અત્યારે 'વેલ્થ ડ્રેઈન' શરૂ થયું છે. ભારતના ઊંચા ટેક્સથી (સાથે અન્ય પરિબળો પણ ખરા) દેશની સંપત્તિ અન્યત્ર જઇ રહી છે. શરૂઆતમાં સિંગાપોર સૌથી મોટું આકર્ષણ હતું હવે દુબઈ, અખાતના અન્ય દેશો, ગ્રીસ, સાયપ્રસ લોહચુંબકની જેમ ભારત કરતા ઓછા ટેક્સના કારણે ધનિકોને ખેંચી રહ્યા છે.
સંપત્તિ જે રીતે બહાર જઇ રહી છે તેના કારણો આપતા ડૉ. બારૂ જણાવે છે કે ટેક્સ સિવાય બે મહત્વના કારણો છે. એક, ભારત કરતા અન્ય દેશોની આરામદાયક જીવનશૈલી અને બીજું ભારતીયો દેશની બહાર રોકાણ કરી, નવી સંપત્તિ ઉભી કરી વસવાટ કરવા તૈયાર છે. સૌથી મહત્વની વાત છે કે ભારતમાં મૂડીરોકાણની ખાધ છે. સ્થાનિક રોકાણ અપૂરતું હોવાથી ભારત વિદેશી મૂડીરોકાણ ઉપર આધારિત છે છતાં ભારતીયો દેશની બહાર રોકાણ કરી નાગરિકતા સ્વીકારી રહ્યા છે તે વધારે મોટી ચિંતાનો વિષય છે. ધનિક ભારતીયો વર્ષોથી દેશની બહાર ફરતા, વિદેશમાં પ્રોપર્ટી ખરીદતા અને ત્યાં લાંબો સમય રહેતા પણ હવે કાયમી રીતે ભારત છોડી રહેલા લોકોની સંખ્યામાં વધારો અસાધારણ ઘટના છે. પોતાના વ્યવસાયની સુરક્ષા માટે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશમાં સફળ થયેલા લોકો દેશ છોડી રહ્યા છે તે વધારે અસાધારણ ઘટના છે. નોકરી માટે નહીં પણ સંપત્તિવાન, આર્થિક અને રાજકીય રીતે પ્રભાવ ધરાવતા લોકો દેશ છોડી રહ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લિબરલાઈઝડ રેમીટન્સ સ્કીમના ડેટા અનુસાર વર્ષ ૨૦૧૪-૧૫માં માત્ર ૧.૩ અબજ ડોલરનો ખર્ચ ભારતીયોએ દેશની બહાર કર્યો હતો જે ૨૦૨૪-૨૫માં ૨૩.૫ અબજ ડોલર પહોંચ્યો છે. એટલે કે અધધ ૧૮ ગણા વધ્યા છે! આ સ્કીમ હેઠળ પ્રવાસ, અસ્થાયી મિલકતમાં રોકાણ, મેડીકલ ખર્ચ વગેરે માટે વર્ષે અઢી લાખ ડોલર કોઇપણ પ્રકારની મંજૂરી વગર દેશની બહાર લઇ જઇ શકાય છે. દેશમાંથી ભારતમાં સ્થ્પવામાં આવેલા બિઝનેસ દ્વારા જે રકમ દેશમાં ટ્રાન્સફર થાય તેને ઓવરસીઝ ડીરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને તે ઇક્વિટી કે લોનના સ્વરૂપે જાય છે. સરળ ભાષામાં રોકાણના સ્વરૂપે જે નાણા ભારતમાંથી બહાર જઇ રહ્યા છે તે ૨૦૧૪-૧૫માં ૬.૬ અબજ ડોલર હતા. આ આંકડામાં પણ વૃદ્ધિ જોવા મળી છે.
વર્ષ ૨૦૨૪-૨૫ના આંકડા અનુસાર ૨૫.૬ અબજ ડોલર દેશની બહાર રોકાણ માટે ગયા હતા. એટલે કે ચાર ગણો વધારો થયો છે! દેશની બહાર રોકાણ માટે જે દેશોમાં નાણા જાય છે તેમાં સિંગાપોર, અમેરિકા, મોરેશિયસ અને યુએઈ મુખ્ય છે. બધા દેશોમાં રોકાણના પ્રમાણમાં જંગી વધારો જોવા મળ્યો છે.
વિઝા ઉપરાંત ફેમિલી ઓફિસ પણ આકર્ષણ રૂ.19.74 અબજ ડોલર ટ્રાન્સફર થયા!
વિશ્વની અગ્રણી રીસર્ચ સંસ્થા મેકરન્સી એન્ડ કંપનીના ઓક્ટોબર ૨૦૨૪માં પ્રકાશિત અભ્યાસ અનુસાર ભારતના ધનપતિઓએ પોતાની ૨૩૫ અબજ ડોલર કે રૂ.૧૯.૭૪ લાખ કરોડની સંપત્તિ વધારે વ્યાપક બને, વધારે વળતર આપે એ માટે ૨૦૨૩ના વર્ષમાં સિંગાપોર અને હોંગકોંગમાં મોકલી દીધી છે એક તરફ, ભારતીયો નાગરિકતા છોડી રહ્યા છે અને બીજી બાજુ ધનિકો પોતાની સંપત્તિ વધારે વળતર આપે એટલે અન્ય દેશોમાં રોકાણ કરવા માટે પણ મોકલી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતીયોની સંપત્તિ અને નાગરીકો બન્ને દેશની બહાર જઈ રહ્યા છે. સંપત્તિની આ ટ્રાન્સફર ફેમિલી ઓફિસ થકી થઇ રહી છે. ફેમિલી ઓફિસ એટલે એવી વ્યવસ્થા જેમાં એક ખાનગી કંપની સ્થાપવામાં આવે છે. આ કંપની ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ મેનેજમેન્ટ માટે કાર્ય કરે છે જેમની પાસે પાંચ કરોડ કે ૧૦ કરોડ ડોલર (રૂ.૪૦૦ કરોડથી રૂ.૮૦૦ કરોડ) જેટલી સંપત્તિ હોય તેમને જ આ રીતે ખાનગી કંપની ખોલવાની પરવાનગી મળે છે.
આ વ્યવસ્થામાં ટેક્સના નજીવા દર, નાગરિક બનવાની સરળ શરતો અને રોકાણ અંગેની માહિતી ખાનગી રહે એવા ત્રિવિધ લાભ મળે છે.
માત્ર 23 લાખ રૂપિયામાં યુએઇના નાગરિક બનો!
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની એક કરોડ જેટલી વસતીમાં લગભગ ત્રીજો નાગરિક ભારતીય હોવાનો અંદાજ છે. ટૂંક સમયમાં આ આંકડો અને હિસ્સો વધશે એવી શક્યતા છે. અમીરાતે રવિવારે નવા અને સસ્તા ગોલ્ડન વિઝાની જાહેરાત કરી છે. મૂડીરોકાણ અને પ્રોપર્ટી ખરીદવા સહિતની શરત સાથે અત્યારસુધી ગોલ્ડન વિઝા માટે ૨૦ લાખ દીરહામ એટલે કે રૂ.૪.૬૬ કરોડની જરૂર પડતી હવે તેની સામે માત્ર એક લાખ દીરહામ કે રૂ.૨૩.૩ લાખમાં ગોલ્ડન વિઝા મળશે. એટલું જ નહીં, નવા વિઝા માટે મૂડીરોકાણ કે પ્રોપર્ટી કે સ્થાનિક બિઝનેસ ખરીદીની શરતો કાઢી નાખવામાં આવી છે. ગોલ્ડન વિઝા સ્થાનિક નાગરિક જેટલી સવલતો બહારથી આવતા વ્યક્તિને આપે છે.
આ વિઝા ધરાવતી વ્યક્તિ સાઉદી અરબમાં ફેમીલી સાથે રહી શકે છે, બાળકોને ભણાવી શકે છે અને સ્થાનિક નાગરિકની જેમ જ જીવન વિતાવી શકે છે.








