ભારત અમેરિકા વચ્ચેના અહમ્ના ટકરાવમાં રોજગારીનું સર્જન કરતા ઉદ્યોગો સકંજામાં

- ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલ, લેધર ગુડ્સનું ભવિષ્ય ડામાડોળ
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિચારધારા અસત્ય, ખોટા આંકડાઓ અને સમજણનો અભાવથી ભરેલી છે. વેપાર ખાધને એ લુંટ સમજે છે અને અમેરિકાની આયાત કરતા નિકાસ ઓછી છે એટલે અમેરિકન ગ્રાહકો ઉપર દુનિયા જુલમ કરી રહી છે એટલી કૂપમંડૂક વાત કોઈ દેશનો વડો કરી શકે નહીં! સમગ્ર રીતે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો જાણવા જરૂરી છે. આ સકળ સંબંધોમાં ભારતથી અમેરિકા વર્ષે 80 અબજ ડોલરની રકમ ઢસડાઈ રહી છે તે વાસ્તવિકતા, તેના આંકડા અને સમજ ટ્રમ્પને કોણ આપશે? ભારત ઉપર, રશિયા સાથેના સંબંધના કારણે વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય ટ્રમ્પના અહંકારથી વિશેષ નથી. બીજા દેશો માની ગયા, ઝુકી ગયા ભારત કેમ નહીં? નવા ટેરિફ લાંબો સમય રહે, કોઈ ઉકેલ આવે નહીં તો ભારતને મોટો આર્થિક ફટકો પડશે. રોજગારીનું સર્જન કરતા ટેક્સટાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર ગુડ્સ અમેરિકામાં વેચવા અસંભવ બની જશે. આ તબક્કે ભારતે જવાબ આપવો જ રહ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી કરવાનું બહાનું હાથ ધરી ભારત ઉપર તા. ૨૭ ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે વધારાના ૫૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સ્વાર્થી અને એકપક્ષીય નિર્ણયમાં અમેરિકાને ફાયદો થાય એ માટે મોબાઈલ ફોન્સને બાકાત રાખવામાં આવ્યા છે એવી જ રીતે પોતે સસ્તી દવાનું ઉત્પાદન કરવા અસક્ષમ હોવાથી ફાર્માને પણ બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રમ્પના ટેરિફની અસરથી ભારત માટે અમેરિકામાં ટેક્સટાઈલ્સ, ઓટો પાર્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવી ચીજોની નિકાસ કરવી અશક્ય બનશે. દુનિયાના કોઇપણ દેશ કરતા ભારતથી આયાત થતી ચીજો અમેરિકામાં મોંઘી થશે. પ્રાથમિક અંદાજ અનુસાર વાર્ષિક ધોરણે આ ટેરિફના લીધે ભારતને જીડીપીના ૦.૩ ટકા જેટલો ફટકો પડી શકે છે!
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવા જે દેશો લુંટે છે તેના ઉપર ટેરિફની વાતો કરતા હતા. એપ્રિલમાં લિબરેશન ડે જેવું નામ આપી ટેરિફની જાહેરાત કરી દીધી. ટ્રમ્પે કેટલાક દેશો સાથે વ્યાપાર સોદા કર્યા અને તેમાં અમેરિકન ચીજોના એ દેશોમાં મુક્ત વ્યાપાર કરવાના હક પણ મેળવી લીધા. યુરોપિયન સંઘ, જાપાન, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશો તેમની વાત માની ગયા એટલે એમનો અહંકાર ફૂલ્યો અને સૌથી નજીકના મિત્ર ભારત પાસે પણ કૃષિ, ડેરી સહિત મુક્ત વ્યાપારની માંગ કરી અને નવી દિલ્હી - વોશિંગ્ટન વચ્ચે ખટરાગ શરૂ થયો. હવે પોતે સૌથી મહાન, સૌથી મોટા અને સૌથી શક્તિશાળી એવું સાબિત કરવા ટ્રમ્પે ભારત સામે યુદ્ધ જાહેર કર્યું છે!
અમેરિકા જેટલી આયાત કરે છે એટલી નિકાસ કરતું નથી અને તેના કારણે ૧.૧૩ ટ્રીલીયન ડોલરની ખાધ છે. આ ખાધ એટલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મતે દુનિયાના દેશોએ મચાવેલી લુંટ! અને આ બાલિશ વિચારથી જ ટ્રમ્પ દુનિયાભરના દેશો સાથે ટેરિફ યુદ્ધમાં ઉતર્યા છે. કોઇપણ દેશ જયારે નિકાસ કરતા (પોતાનું સ્થાનિક ઉત્પાદન વિશ્વને વેંચે) કરતા આયાત (વિશ્વમાં થયેલા ઉત્પાદનનો પોતે વપરાશ કરે) વધારે હોય ત્યારે ખાધ ઉભી થાય. આ ખાધ સાબિત કરે છે કે દેશ પોતે સઘળી ચીજો બનાવી શકતો નથી અને બહારથી લાવવી પડે છે. બીજું, દેશની આવક કરતા તેનો ખર્ચ વધારે છે. એટલે પોતે, પોતાના કે ઉધારીના પૈસે વસ્તુ ખરીદે તો તેને લુંટ કહેવાય નહીં! આટલી સરળ વસ્તુ અહંકારી ટ્રમ્પ સમજી રહ્યા નથી.
ભારત પાસેથી અમેરિકાએ વર્ષ ૨૦૨૪માં ૮૭.૩ અબજ ડોલરની ચીજોની આયાત કરી હતી. તેની સામે ૪૧.૫ અબજ ડોલરની નિકાસ કરી હતી એટલે કે લગભગ ૪૫.૮ અબજ ડોલરની અમેરિકા માટે ખાધ હતી. અમેરિકાની કુલ ૧.૩ ટ્રીલીયન ડોલર ખાધમાં આ હિસ્સો પાંચ ટકા કરતા ઓછો છે અને ભારત અમેરિકાને લુંટી રહ્યું છે એવી દલીલ છેલ્લા છ મહિનાથી દરરોજ ટ્રમ્પ અને તેના વહીવટીતંત્રના અધિકારીઓ, મંત્રીઓ કરી રહ્યા છે. દુનિયામાં પોતાને સૌથી વધુ હોંશિયાર અને સર્વગુણસંપન્ન માનતા ટ્રમ્પની નીતિઓનું અંધ અનુકરણ કરી રહેલા અમેરિકન મંત્રીઓ વાસ્તવિકતાઓ નજર અંદાજ કરી રહ્યા છે.
સૌથી પહેલા જાણવું જરૂરી છે કે અમેરિકામાં ખાધ કેમ છે? સૌથી મોટું કારણ અમેરિકાનું ચલણ ડોલર છે. દુનિયાના કોઇપણ દેશને એકબીજા સાથે વ્યાપાર કરવા માટે, ખરીદી કે વેચાણ માટે ચલણ તરીકે ડોલરની જરૂરીયાત ઉભી થાય છે. ડોલર આપવાની શક્તિ માત્ર અમેરિકા પાસે છે. જ્યારે અમેરિકા પોતે વિશ્વમાં બીજા દેશો પાસેથી વધારે રકમની ચીજો આયાત કરે અને ઓછી નિકાસ કરે ત્યારે એને પોતે ડોલરની જરૂરિયાત ઉભી થાય અને એ પોતે ડોલર પ્રિન્ટ કર્યે રાખે છે. એવી જ રીતે બધા દેશો એવું ઈચ્છે કે અમેરિકાને વધારે વેચાણ કરે અને ઓછી ખરીદી એટલે અમેરિકાને આપવાના ડોલરની ઓછી જરૂર પડે. અમેરિકા માટે આ ત્રણ રીતનો માર છે - એક ડોલર પ્રિન્ટ કર્યે રાખવાના, પોતે ખાધમાં છે એટલે પોતના માટે પણ ડોલર પ્રિન્ટ કરવાના અને દેશની નાણા ખાધ મે પણ ડોલર પ્રિન્ટ કરવાના. એના કરતા પણ વધારે પડકાર છે કે દુનિયાના દરેક દેશ ઈચ્છે કે ડોલર સામે સ્થાનિક ચલણનું મુલ્ય નબળું રહે જેથી ડોલર તેમને સસ્તા પડે.
હવે ભારતને કેન્દ્રમાં રાખી ચર્ચા કરીએ. અમેરિકાને ભારત સાથે આયાત અને નિકાસમાં ખાધ છે એ વાત સાચી પણ તે સંકુચિત વિચાર છે. ભારત સાથે વ્યાપક આર્થિક સંબંધોની દ્રષ્ટિએ અમેરિકા હકીકતમાં ભારત પાસેથી ચૂકવે છે તેના કરતા વધારે નાણા કમાય છે! સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) આકર્ષતા દેશોમાં ભારત વિશ્વમાં અગ્રણી હરોળમાં આવે છે. ભારતમાં જેમ સ્થાનિક સેંકડો કંપનીઓ છે તેમ વિદેશી કંપનીઓ પણ છે. મૂળ અમેરિકન માલિકીની ૫૦૦ જેટલી કંપનીઓ ભારતમાં કાર્યરત છે. બીજું, એફડીઆઈની દ્રષ્ટિએ અમેરિકા ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારો દેશ છે. આ અમેરિકન કંપનીઓ વર્ષે અબજો ડોલરની આવક અને નફો રળી પોતાના દેશમાં લઇ જાય છે. એપલ, માઈક્રોસોફ્ટ, ગુગલ, મેટા (ફેસબુક અને વોટ્સએપની માલિક), એમેઝોન, વોલમાર્ટ (ફ્લીપકાર્ટ), કોકાકોલા, પેપ્સી કે મેકડોનાલ્ડસની ગણતરીએ કરીએ તો વર્ષ ૨૦૨૪માં તેમની ભારતની કમાણી રૂ.૨.૨૮ લાખ કરોડ કે ૨૫ અબજ ડોલર હતી!
નવી દિલ્હી સ્થિત ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીએટિવ (જીટીઆરઆઈ) નામની સંસ્થા ભારત અમેરિકાને લુંટે છે એવા કૂપમંડૂક વિચારને હકીકતલક્ષી અહેવાલ સાથે પડકારે છે. જીટીઆરઆઈના અહેવાલ અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સહિતના આર્થિક સંબંધોની ચર્ચા કરીએ અમેરિકા ભારતને પૈસા ચૂકવતું નથી વસૂલે છે! જીટીઆરઆઈના મતે વર્ષે અમેરિકા ભારતની લગભગ ૮૦થી ૮૫ અબજ ડોલરની કમાણી વતન પરત લઇ જાય છે. આ કમાણી શિક્ષણ, ડિજિટલ સેવાઓ, નાણકીય કામગીરી, રોયેલ્ટી અને ભારતને વેચવામાં આવતી ડિફેન્સની ચીજોમાંથી અમેરિકન કંપનીઓ રળે છે.
બીજું, ૨૦૨૪માં ભારતના ૪,૨૦,૦૦૦ વિધાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે. આગળના વર્ષે તે સંખ્યા ૩,૩૧,૦૦૦ હતી. આ વિદ્યાર્થીઓ ફિ, રહેવા, ખાણીપીણી માટે થઇ લગભગ ૮ અબજ ડોલરનો ખર્ચ ભારતથી નાણા લઇ અમેરિકામાં ડોલરમાં કરે છે. ત્રીજું, લાખો ભારતીય દર વર્ષે અમેરિકાની મુલાકાત પ્રવાસી તરીકે લે છે. ૨૦૨૪માં લગભગ ૧૯ લાખ ભારતીયો અમેરિકા પ્રવાસે ગયેલા અને તેમણે લગભગ ૧૩ અબજ ડોલરનો ખર્ચ કરી અમેરિકન અર્થતંત્રને ભેટ આપી હતી. ભારતીય શેરબજારમાં અમેરિકન હિસ્સો ૧૭ ટકા જેટલો છે. આ મૂલ્ય અને કંપનીના રોકાણ સામે મળતા ડિવીડન્ડની આવક પણ અમેરિકા પરત જાય છે. આ રીતે સઘળી ગણતરી કરીએ તો ભારતથી અબજો ડોલર અમેરિકામાં જાય છે.
ભારત કેવી રીતે સ્થાનિક અર્થતંત્રને બચાવશે?
મુસીબતના સમયમાં ભારત મક્કમ પગલાં લઇ શકે છે એની દુનિયાએ નોંધ લેવી જ રહી. ૧૯૬૪માં દેશમાં અનાજની જંગી અછતના કારણે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ લોકોને એક ટંક ભોજન છોડી દેવા હાકલ કરી હતી. ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદીની ચળવળમાં પાકિસ્તાનની મદદ કરવા અમેરિકાએ નૌસના મોકલી હતી પણ ભારતે તેની અવગણના કરી પાકિસ્તાનને પરાસ્ત કરેલું. ૧૯૭૭માં કોકાકોલા કંપની ભારતની કંપનીમાં ૬૦ ટકા હિસ્સો સરકારને આપવા તૈયાર નહીં થતા ભારતે તેનો દેશનિકાલ કરેલો. ગલવામમાં ચીની સેના સાથેના ઘર્ષણ બાદ ચીની કંપનીઓના નવા રોકાણ, ચીનના નાગરીકોને વિઝા સહીત ભારતે અટકાવી દીધેલા છે. ટેરિફ નામની આફત લાંબો સમય રહે તો ભારતના અર્થતંત્ર, લોકોની આવક અને રોજગારીને મોટો ફટકો પડી શકે એમ છે. આ આફતનો સામનો કરવાનો સમય આવી ગયો છે. ૧૪૫ કરોડ ગ્રાહકોની વસતી, વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહેલા અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ભારત ઇકોનોમિક રિફોર્મ લાવી શકે છે, અમેરિકાના બદલે યુરોપ કે લેટિન અમેરિકાના બજારમાં વેચાણ માટે વ્યાપાર સંધિ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે, ભલે ભારે કિમત ચૂકવવી પડે પણ અમેરિકા કે કોઇપણ દેશ માટે કૃષિ, ડેરી ઉદ્યોગના દ્વાર તો ખુલશે જ નહીં. સ્પષ્ટ છે કે ભારત મક્કમ રીતે વળતો જવાબ આપશે જ.
કેટલીક અમેરિકન કંપનીઓની ભારતમાં કમાણી
|
કંપની |
રૂ. કરોડ |
|
એપલ |
૬૭,૧૨૨ |
|
કોકાકોલા |
૪૭૧૩ |
|
પેપ્સીકો હોલ્ડિંગ |
૯૦૯૬ |
|
ગુગલ |
૫૫૧૮ |
|
માઈક્રોસોફ્ટ |
૨૨,૮૯૨ |
|
મેટા (ફેસબુક) |
૨૨,૭૩૦ |
|
મેકડોનાલ્ડસ |
૬૧૬ |
|
બર્ગર કિંગ |
૨૫૫૦ |
|
કેએફસી અને પીઝા હટ |
૪૯૫૧ |
|
એમેઝોન |
૧૪૬૪૦ |
|
ફ્લીપકાર્ટ |
૭૦,૮૪૪ |








