Editorial

જેન ગુડોલ : ચિમ્પાન્ઝી અને માણસ વચ્ચેની ખુટતી કડી બન્યા

By GS TEAM
7 Oct 20258 mins read
જેન ગુડોલ : ચિમ્પાન્ઝી અને માણસ વચ્ચેની ખુટતી કડી બન્યા

- આજીવન ચિમ્પાન્ઝીઓ સાથે રહીને તેમના વાણી, વર્તન અને વ્યહાર થકી તેમની બુદ્ધિમત્તાને પારખીને દુનિયાને સમજાવી

- જેનને બાળપણથી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો અને તેમાંય તેમના પિતા દ્વારા અપાયેલા એક પુસ્તક અને ચિમ્પાન્ઝીના રમકડાંએ તેમનું જીવન બદલી કાઢયું. બાળપણમાં પિતાએ ચિમ્પાન્ઝીનું રમકડું લાવી આપ્યું અને આ રમકડાએ જેન ગુડોલનું જીવન અને ચિમ્પાન્ઝીઓનું માણસ સાથેનું સહઅસ્તિત્વ બદલી કાઢયું : અભ્યાસ દરમિયાન એક દિવસ તેમની નજર એક ચિમ્પાન્ઝી ઉપર પડી જે ઉધઈના રાફડામાં ઘાસ નાખીને બહાર કાઢતું હતુ. ઘાસ ઉપર ચોંટેલી ઉધઈ ખાઈ જાતું હતું. ત્યારે પહેલી વખત તેમને ખબર પડી કે, ચિમ્પાન્ઝી પોતાની જરૂરીયાત પ્રમાણે સાધનો બનાવી શકે છે. તેમણે આ ચિમ્પાન્ઝીનું નામ ડેવિડ ગ્રેબયાર્ડ રાખ્યું : તેમણે એ પણ સમજ્યું અને જાણ્યું કે, ચિમ્પાન્ઝી એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે અને લાગણીઓ વ્યક્ત કરે છે. તેઓ એકબીજાને બોલાવતા હતા, પુચકારતા હતા. તેઓ ક્યારેક હાથ દ્વારા તો ક્યારેક મોઢા દ્વારા પોતાના હાવભાવ વ્યક્ત કરીને એકબીજા સાથે વાત કરતા હતા.

જેન ગુડોલ, કે જેમને ચિમ્પાન્ઝીઓની સાથે અને તેમના માટે જીવેલા એક અનોખા પર્યાવરણવીદ તરીકે ઓળખવામાં આવે છે તેમણે તાજેતરમાં જ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. થોડા દિવસ પહેલાં જ ચીર વિદાય લેનારા જેને ગુડોલે પોતાનું જીવન ચિમ્પાન્ઝીઓને સમર્પિત કરી દીધું હતું. ૩ એપ્રિલ ૧૯૩૪ના રોજ લંડનમાં જન્મેલા જેનને બાળપણથી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો અને તેમાંય તેમના પિતા દ્વારા અપાયેલા એક પુસ્તક અને ચિમ્પાન્ઝીના રમકડાંએ તેમનું જીવન બદલી કાઢયું. બાળપણમાં પિતાએ ચિમ્પાન્ઝીનું રમકડું લાવી આપ્યું અને આ રમકડાએ જેન ગુડોલનું જીવન અને ચિમ્પાન્ઝીઓનું માણસ સાથેનું સહઅસ્તિત્વ બદલી કાઢયું. કેલિફોર્નિયામાં લેક્ચર આપવા જવા દરમિયાન જેન ગુડોલનું તાજેતરમાં ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેમણે જીવનના અંતિમ શ્વાસ સુધી ચિમ્પાન્ઝીઓ ઉપર સંશોધન અને તેના માટે જાગ્રતી લાવવા પાછળ મહેનત કરી. તેમણે આજીવન એવો અભ્યાસ કર્યો અને માહિતી ભેગી કરીને દુનિયા સામે રજૂ કરી કે જેના થકી સમગ્ર દુનિયાનું ચિમ્પાન્ઝીઓ પ્રત્યેનું વલણ અને વિચારો સદંતર બદલાઈ ગયા. 

જેન ગુડોલે સાબિત કરી આપ્યું કે, ચિમ્પાન્ઝી પણ વિવિધ સાધનો બનાવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. તેઓ પોતાનું જીવન જીવવા માટે પોતાની જાતે અખતરા કરતા હોય છે. તેઓ યુવા પેઢી માટે રોલ મોડલ પણ બનતા હોય છે. તેઓ પોતાનું જ્ઞાન અને મહાવરો નવી પેઢીને આપતા હોય છે. પોતાના સફેદવાળ અને અનોખી બોડી લેન્ગવેજ તથા ચિમ્પાન્ઝી સાથે મિત્રવત વ્યવહારના કારણે જેન દુનિયાભરમાં જાણીતા હતા. યુવાવસ્થાથી તેઓ જંગલોમાં ચિમ્પાન્ઝીઓની પાછળ ફરતા, તેને શોધતા, તેની સાથે મિત્રતા કરતા અને તેમના ઉપર અભ્યાસ કરીને દુનિયા સામે જાતભાતના તથ્યો લાવીને મુકતા. જાણકારો એવું માને છે કે, બાળપણમાં તેમના પિતાએ આપેલું રકમડું અને પુસ્તક તથા એક વખત આવેલા એક ફોનકોલે જેનની જિંદગી અને ચિમ્પાન્ઝીઓનું સહઅસ્તિત્વ બદલી કાઢયા. 

જેન ગુડોલની કારકિર્દી એક ફોન કોલ દ્વારા બદલાઈ ગઈ હોવાની ખૂબ જ ચર્ચા છે. માત્ર ૨૩ વર્ષના ગુડોલ તે સમયે વેઈટ્રેસ અને સેક્રેટરી તરીકે કામ કરીને થાક્યા હતા. તેઓ પોતાની કારકિર્દીમાં કંઈક નવું કરવા માગતા હતા. આ દરમિયાન ૧૯૫૭માં તેઓ પ્રાણીઓ અંગે ખૂબ જ રોચક અભ્યાસ કરી ચુક્યા હતા. તેમના આ ઉંડા અભ્યાસે તેમને સજીવ સૃષ્ટીની ખૂબ જ નજીક લાવી દીધા હતા. તેઓ ઈચ્છતા હતા કે, તેમણે જે અભ્યાસ કર્યો છે અને જેમાં મહારત હાંસલ કરેલી છે તે ક્ષેત્રમાં તેમને કામ કરવાનો અવસર મળે. તેઓ જાનવરો સાથે કામ કરવા માગતા હતા. આ દરમિયાન એક ફોનકોલ આવ્યો અને તેમની તકદીર બદલાઈ ગઈ. તેમને એક દિવસ પેલિયોએન્થ્રોલોજિસ્ટ લુઈ લીકીએ ફોન કર્યો. તેમણે જેન ગુડોલને ટાન્ઝાનિયા બોલાવ્યા પોતાની સાથે કામ કરવા માટે. જેન ગુડોલે પોતાના જ્ઞાન, સમજ અને પ્રાણીઓ પરના અભ્યાસના કારણે લુઈ લીકીને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. તેના પગલે તેમણે જેનને બોલાવ્યા. 

તેઓ ૧૯૬૦માં ગોમ્બે સ્ટ્રીમ રિસર્ચ સેન્ટરમાં જોડાયા અને કામગીરી શરૂ કરી. ત્યાં તેઓ ચિમ્પાન્ઝીઓની વચ્ચે રહીને અભ્યાસ કરતા હતા. તેના કારણે તેઓ ચિમ્પાન્ઝીઓની હાજરી અને તેમના વર્તનથી ટેવાઈ ગયા હતા. ધીમે ધીમે તેમણે ચિમ્પાન્ઝીઓના વિચિત્ર વ્યવહાર, ગુસ્સા અને અન્ય વર્તન ઉપર ધ્યાન આપવાનું અને તેની નોંધ કરવાનું શરૂ કરી દીધું. અહીંયા અભ્યાસ દરમિયાન એક દિવસ તેમની નજર એક ચિમ્પાન્ઝી ઉપર પડી જે ઉધઈના રાફડામાં ઘાસ નાખીને બહાર કાઢતું હતુ. ઘાસ ઉપર ચોંટેલી ઉધઈ ખાઈ જાતું હતું. ત્યારે પહેલી વખત તેમને ખબર પડી કે, ચિમ્પાન્ઝી પોતાની જરૂરીયાત પ્રમાણે સાધનો બનાવી શકે છે. તેમણે આ ચિમ્પાન્ઝીનું નામ ડેવિડ ગ્રેબયાર્ડ રાખ્યું. ત્યારબાદ તેમણે અન્ય ચિમ્પાન્ઝીને પણ તેમની જરૂરીયાત પ્રમાણે સાધનો બનાવતા જોયા અને તેમના પ્રત્યે તેમની રૂચી ખૂબ જ વધી ગઈ.

ડો. ગુડોલે પોતાના અભ્યાસ અને સંશોધન વિશે ડો. લીકીને જણાવ્યું ત્યારે તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમને સમજાયું કે સાધન બનાવવું કે હથિયાર બનાવવું કોઈ સામાન્ય વાનર માટે શક્ય નથી. આ માણસ જેવી કળા છે. ત્યારબાદ તેમણે એ પણ સમજ્યું અને જાણ્યું કે, ચિમ્પાન્ઝી એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે અને લાગણીઓ વ્યક્ત કરે છે. ચિમ્પાન્ઝીઓની આ સિસ્ટમ ખૂબ જ વિશેષ હતી. તેઓ જે રોજિંદો અવાજ કાઢતા હતા તો ક્યારેક શોરબકોર કરતા હતા તેનાથી આ અવાજ તદ્દન જુદા હતા. તેઓ એકબીજાને બોલાવતા હતા, પુચકારતા હતા. તેઓ ક્યારેક પોતાના હાથ દ્વારા તો ક્યારેક મોઢા દ્વારા પોતાના હાવભાવ વ્યક્ત કરીને એકબીજા સાથે વાત કરતા હતા. જેન ગુડોલ દ્વારા આ સંશોધન રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ ઘણા સંશોધકોએ તેમની વાતને સમર્થન આપ્યું. દુનિયાભના સંશોધકોએ નોંધ્યું કે, ચિમ્પાન્ઝી જાતભાતના અવાજ કાઢીને અને હાવભાવ દ્વારા એકબીજા સાથે સંવાદ કરે છે અને લાગણીઓ વ્યક્ત કરે છે. તેમના આ સંશોધને પહેલી વખત એ શક્યતા અથવા તો વિચારને જન્મ આપ્યો કે માણસોના પૂર્વજો અથવા તો એમ કહીએ કે આદિમાનવો પણ આવી જ રીતે એકબીજા સાથે વાતચીત કરતા હશે કે લાગણીઓ વ્યક્ત કરતા હશે. 

ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ ડો. ગુડોલ સમયાંતરે ચિમ્પાન્ઝીઓ ઉપર સતત અભ્યાસ કરતા ગયા. તેઓ ચિમ્પાન્ઝીઓ માટે વિશેષ વ્યક્તિ બનતા ગયા અને તેમના માટે ચિમ્પાન્ઝીઓ ખાસ બનતા ગયા. તેમાં કેટલાક દયાળુ હતા તો કેટલાક આક્રમક હતા તો કેટલાક પ્રભાવશાળી હતા. તેમણે વિવિધ જાતના ચિમ્પાન્ઝીઓને શોધ્યા, જાણ્યા અને તેમની સાથે એક ચોક્કસ સંબંધની શરૂઆત કરી. તેમણે સતત આ વિશે લેખન પણ ચાલુ રાખ્યું જેના કારણે નવી પેઢીના સંશોધકો ચિમ્પાન્ઝીઓ તરફ વધારે આકર્ષાયા. તેના કારણે વાનરો અને ચિમ્પાન્ઝીઓ ઉપર વધારે સંશોધન થયા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. તેમણે પોતાના અન્ય સંશોધનો અને રિસર્ચ પેપર્સમાં ચિમ્પાન્ઝીઓ વિશે ઘણી વાતો જણાવી. તેમણે ઘણા પુસ્તકોનું લેખન કર્યું જે પર્યાવરણવીદોમાં અને ચિમ્પાન્ઝીઓ વિશે જાણવાની જિજ્ઞાસા રાખતા સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. 

તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તેઓ જે ચિમ્પાન્ઝીઓ ઉપર અભ્યાસ કરતા તેને નામ આપતા હતા. તેમની આ લાગણી વિશે ઘણા સંશોધકો નારાજ હતા. તેઓ કહેતા હતા કે, ચિમ્પાન્ઝીઓને નામ આપવાની જરૂર નથી. બીજી તરફ ડો. ગુડેલે પોતાની લાગણીઓ પ્રમાણે ચિમ્પાન્ઝીઓ સાથે સહઅસ્તિત્વ વિકસાવ્યું હતું. ડો. ગુડેલના ચિમ્પાન્ઝીઓ વિશેના સંશોધનો બાદ અન્ય સંશોધકોને જાણ થઈ કે, સાધનો બનાવવામાં ખરેખર ચિમ્પાન્ઝીઓ ખૂબ જ આગળ છે. ડો. ગુડેલે કરેલી કલ્પના અને રજૂ કરેલી વાસ્તવિકતા કરતા ઘણા આગળ છે. પશ્ચિમ આફ્રિકામાં કેટલાક સંશોધકોએ ચિમ્પાન્ઝીને ભાલા બનાવતા જોયા છે. તેનો ઉપયોગ તેઓ બીજા વાનરોને ઈજા પહોંચાડવા માટે કરતા હોવાનું પણ નોંધ્યું હતું. તેના ઉપરથી સંશોધકોએ એવું નોંધ્યું કે, ચિમ્પાન્ઝીઓ માત્ર હથિયારો કે સાધનો બનાવવા માટે જ નહીં પણ તેનો ઉપયોગ કરીને આ હથિયારના ઉપયોગ કરનારી સંસ્કૃતિનું પણ નિર્માણ કરવા માટે પણ સક્ષમ છે. આ જ્ઞાન અને સંસ્કૃતિ તેઓ આગામી પેઢીને વારસામાં પણ આપે છે. ડો. ગુડોલે ૧૯૭૭માં જેન ગુડોલ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. હાલમાં તેમની સંસ્થા વૈશ્વિક ધોરણે કામ કરે છે અને વૈજ્ઞાનિક સંશોધનો અને કન્ઝર્વેશન પ્રોજેક્ટ માટે ફંડિંગ પણ કરે છે. ગુડેલના પિતા એક બિઝનેસમેન હતા અને માતા લેખિકા હતા. બાળપણમાં ગુડોલને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તેથી જ પિતાએ ચિમ્પાન્ઝીનું રમકડું લાવી આપ્યું હતું. વર્ષ ૨૦૦૦ સુધી તેમણે આ રમકડું પોતાના રૂમમાં સાચવી રાખ્યું હતું. તેઓ કલાકો સુધી પક્ષીઓ, પ્રાણીઓનું નિરિક્ષણ કરતા હતા, તેના વિશે નોંધ કરતા હતા, ફોટો ખેંચતા હતા. તેના કારણે જીવ સૃષ્ટિમાં રસ વધ્યો અને આખરે તેઓ આફ્રિકાના જંગલોમાં અભ્યાસ કરવા માટે પહોંચી ગયા અને પોતાનું સપનું સાકાર કરી શક્યા.

બાળપણની મિત્રએ કેન્યા બોલાવ્યા અને જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું 

જેન ગુડોલની ખાસિયત એ હતી કે, તેમણે સાયન્સમાં અભ્યાસ કર્યો નહોતો. તેમ છતાં કુદરત, જંગલો, વાઈલ્ડ લાઈફમાં તેમને ખૂબ જ રસ હતો. તેઓ સતત તેનો અભ્યાસ અને નિરિક્ષણ કરતા રહેતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ ઓક્સફોર્ટ યુનિવર્સિટીમાં સેક્રેટરી તરીકે કામ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે લંડનની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કંપનીમાં નોકરી લીધી જેથી તેઓ આફ્રિકાનો પ્રવાસ કરવા માટે પૈસા કમાઈ શકે. તેઓ આ કામ કરતા હતા તે દરમિયાન તેમની બાળપણની એક મિત્ર દ્વારા તેમને કેન્યા બોલાવવામાં આવ્યા. તેઓ કેન્યા પહોંચ્યા અને વ્હાઈટ હાઈલેન્ડ્સના એક ફાર્મમાં નોકરી કરવા લાગ્યા. અહીંયા તેમની મુલાકાત માનવશાી લુઈ લીકી સાથે થઈ. તેમની સાથે થયેલી ચર્ચાઓ અને અભ્યાસના તારણોએ ગુડોલનું જીવન બદલી કાઢયું. તેઓ જે કરવા માગતા હતા તે દિશામાં તેમની કારકિર્દી આગળ વધવા લાગી. તેમણે સજજ જુસ્સા અને દ્રઢતા સાથે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની કારકિર્દી વિકસાવી અને લક્ષ્ય પ્રાપ્તી કરી. ૨૬ વર્ષની ઉંમરે તેઓ ટાન્ઝાનિયાના ગોમ્બે સ્ટ્રીમ ચિમ્પાન્ઝી રિઝર્વ ખાતે પહોંચ્યા. શરૂઆતમાં ચિમ્પાન્ઝીઓ તેમને જોઈને નાસી જતા હતા. ત્યારબાદ તેમણે ધીરજથી કામ કવરાનું શરૂ કર્યું અને તેમનો વિશ્વાસ જીતી લીધો. તેમના કામ અને કરુણાની ફિલોસોફીએ સમગ્ર દુનિયામાં જીવો પ્રત્યે લાગણી અને તેમના અધિકારો પ્રત્યે લોકોને વધારે જાગ્રત બનાવ્યા. તેમના સતત અભ્યાસ, કામગીરી અને માનવતાવાદી વલણને પગલે ચિમ્પાન્ઝીઓની વાસ્તવિકતા, તેમની ખાસિયતો, તેમના લક્ષણો અને તેમની એક આગવી સંસ્કૃતિની સમજ માણસો સુધી પહોંચી. માણસો અને ચિમ્પાન્ઝીઓ વચ્ચે કદાચ ખુટતી જે કડી હતી તે જેન ગુડોલ સાબિત થયા.