બાળકો - કિશોરો સોશિયલ મીડિયાના વ્યસની બની રહ્યા છે

દેશમાં યુવાનો અને ટીનએજર્સ દરરોજ બેથી ચાર કલાક જેટલો સમય સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલિંગમાં પસાર કરે તે બાબત ચિંતાજનક
સવારે જાગતાની સાથે જ રીલ્સ જોવાની આદત પડી જાય છે, સ્કૂલથી આવતાની સાથે જ ઈન્સ્ટાગ્રામમાં સ્ક્રોલિંગ શરૂ કરી દેવાય છે. રાત્રે ઉંઘતા પહેલાં પણ મોબાઈલ ઉપર વિવિધ એપ્સ જોવી, એક્ટિવ રહેવું હવે બાળકોની દિનચર્યાનો જાણે કે ભાગ બની ગયો છે ઃ ભારતમાં અંદાજે ૪૭ કરોડ યૂઝર્સ છે. તેમાં ૩૦ ટકા વસતી તો ૪ વર્ષથી ૧૮ વર્ષના બાળકોની છે. જે કિશોરો અને બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમાંથી ૩૩.૮ ટકા કિશોરો સાઈબર બુલિંગનો શિકાર બનેલા હોય છે. મહારાષ્ટ્રમાં ૧૭ ટકા બાળકો એવા છે જેમની ઉંમર ૯થી ૧૭ વર્ષની છે અને તેઓ ૬ કલાકથી વધારે સમય સોશિયલ મીડિયા ઉપર પસાર કરે છે ઃ ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષની નીચેની ઉંમરના લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ગત વર્ષે ૨૮ નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સંસદમાં નિયમ બનાવવામાં આવ્યો હતો. ૨૦૧૯માં જ ચીનમાં નિયમ આવ્યો હતો જેમાં ગેમ રમવાના અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના સમય અને દિવસો નક્કી કરી દેવાયા હતા
ભારતમાં સોશિયલ મીડિયાના યૂઝર્સની સંખ્યા અંદાજે ૪૭ કરોડની આસપાસ છે. તેમાંથી પણ ૩૦ ટકા યૂઝર્સની ઉંમર તો ૧૨ થી ૧૭ વર્ષની આસપાસ છે. આ બાળકો સૌથી વધારે જોખમની સ્થિતિમાં છે. થોડા સમય પહેલાં આવેલા એક સાઈબર બુલિંગ રિસર્ચ સેન્ટરના અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા બાળકોમાંથી ૩૩.૮ ટકા બાળકો એવા છે જે ઓછામાં ઓછું એક વખત સાઈબર બુલિંગનો શિકાર થયા છે. હકિકતે વાત એવી છે કે, સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેની મોટાભાગે લોકોને આદત પડી જાય છે અને તેમાંય બાળકોન આદત પડવી ખૂબ જ સામાન્ય છે. સવારે જાગતાની સાથે જ રીલ્સ જોવાની આદત પડી જાય છે, સ્કૂલથી આવતાની સાથે જ ઈન્સ્ટાગ્રામમાં સ્ક્રોલિંગ શરૂ કર દેવાય છે. રાત્રે ઉંઘતા પહેલાં પણ મોબાઈલ ઉપર વિવિધ એપ્સ જોવી, એક્ટિવ રહેવું હવે બાળકોની દિનચર્યાનો જાણે કે ભાગ બની ગયો છે.
બાળકો સોશિયલ મીડિયાની લતનો ભાગ બની ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે આ આદત ખરેખર ખતરનાક સાબિત થાય તેમ છે. બાળકોની આ આદતને ધ્યાનમાં રાખીને જ સુપ્રીમ કોર્ટમાં થોડા સમય પહેલાં એક મહત્ત્વની અરજી કરવામાં આવી હતી.
આ અરજીમાં જણાવાયું હતું કે, ૧૩ વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવે. કોર્ટે તેના અંગે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ અંગે કેટલાક કારણો અને તારણો પણ આપ્યા હતા. ખાસ વાત એવી છે કે, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં બાળકો અને ટીનએજર્સના સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે કડક નિયમો બનાવવામાં આવેલા છે. મહત્ત્વની વાત એ છે કે, આ બંને દેશો દ્વારા નિયમો બનાવવાની સાથે સાથે તેનું કડકાઈથી પાલન પણ કરવામાં આવે છે. ભારતમાં આ અંગે ખરેખર શું સ્થિતિ છે અને કેવા નિયમો હોવા જોઈએ તેના વિશે ચર્ચા ચાલી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આ એક સરકારી પોલિસી ડિસિઝન છે, તેના વિશે કોર્ટ ક્યારેય નિર્ણય કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઈએ જણાવ્યું કે, નેપાળમાં સરકારે પોલિસી ડિસિઝન લઈને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાનો પ્રયાસ કર્યો હતો તેનું પરિણામ શું આવ્યું તે તમને ખ્યાલ છે. જ્યારે દેશના કાયદો અને વ્યવસ્થાના જતનની વાત આવે ત્યારે સુપ્રીમ કોઈ નિર્ણય લેતી નથી. આ એક સરકારી નીતિગત બાબત છે તેના વિશે ન્યાયતંત્ર દ્વારા નિર્ણય લઈ શકાય નહીં.
અરજદારે પોતાના અરજીમાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ બાદ બાળકોમાં મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનું વળગણ વધી ગયું છે. તેના કારણે તેમના અભ્યાસ અને માનિસક સ્વાસ્થ્યને ખરાબ અસર પડી રહી છે. બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. અરજદારે જણાવ્યું કે, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ચીન અને અરબ દેશોમાં સગીરોના મોબાઈલના ઉપયોગ અંગે કડક કાયદા છે અને પ્રતિબંધ મુકાયેલા છે. ભારતમાં પણ આ પ્રકારે નિર્ણય કરીને પ્રતિબંધ મુકી શકાય.
ભારતમાં સોશિયલ મીડિયાના વપરાશ અને સ્થિતિ ઉપર નજર કરીએ તો ભારતમાં અંદાજે ૪૭ કરોડ યૂઝર્સ છે. દેશની કુલ વસતીમાંથી અંદાજે ૩૩.૭ ટકા લોકો સોશિયલ મીડિયાના એક્ટિવ યૂઝર્સ છે. તેમાં ૩૦ ટકા વસતી તો ૪ વર્ષથી ૧૮ વર્ષના બાળકોની છે. જે કિશોરો અને બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમાંથી ૩૩.૮ ટકા કિશોરો સાઈબર બુલિંગનો શિકાર બનેલા હોય છે. સૌથી આશ્ચર્યજનક અને ચિંતાજનક આંકડા તો મહારાષ્ટ્રમાંથી આવે છે. મહારાષ્ટ્રમાં ૧૭ ટકા બાળકો એવા છે જેમની ઉંમર ૯ થી ૧૭ વર્ષની છે અને તેઓ ૬ કલાકથી વધારે સમય સોશિયલ મીડિયા ઉપર પસાર કરે છે.
સોશિયલ મીડિયા મેટર્સના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ભારતમાં એવા યુવાનોની સંખ્યા પણ વધારે છે જેઓ દરરોજ પાંચ કલાક કરતા વધારે સમય સોશિયલ મીડિયામાં સ્ક્રોલિંગ કરવામાં જ પસાર કરે છે.
દેશમાં બાળકો અને યુવાનોની સોશિયલ મીડિયાની આ જ લતને કારણે કેટલાક લોકો દ્વારા તેના ઉપર પ્રતિબંધ મુકવા માટે અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયું હતું કે, બાયોમેટ્રિક રીતે ઉંમરનું વેરિફિકેશન થવું જોઈએ. એક સિસ્ટમ તૈયાર કરવામાં આવે તેના દ્વારા જ ઉંમરની ચકાસણી થાય જેથી કોઈ ખોટી ઉંમર જણાવીને એકાઉન્ટ બનાવે નહીં અને તેનો ઉપયોગ કરે નહીં.
એડિક્ટિવ અલગોરિધમ ઉપર પણ બેરિયર સિસ્ટમ લાગુ કરવામાં આવે જેથી કરીને બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયામાં અટવાયેલા ન રહે. ડિજિટલ લિટરસી કેમ્પેન ચલાવવામાં આવે જેના કારણે બાળકો, માતા-પિતા અને ટીચર્સમાં પણ સોશિયલ મીડિયા અને તેની વધતી જતી આદતો તથા તેના દુષણો વિશે જાગ્રતી આવે. નિયમોનું પાલન ન કરનારી કંપનીઓને આકરી સજા પણ કરવામાં આવે. આ નિયમો હકિકતે કેટલા લાગુ કરી શકાય તેમ છે અને કેટલા નહીં તે ચર્ચાનો વિષય છે પણ કોર્ટ દ્વારા તેના વિશે આદેશ આપી શકાય તેમ નથી. સરકાર પોતાની રીતે નીતિગત નિર્ણય કરીને કામગીરી કરે તો જ શક્ય બને તેમ છે.
મહત્ત્વનું એ છે કે, ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષની નીચેની ઉંમરના લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.
ગત વર્ષે ૨૮ નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સંસદમાં નિયમ બનાવવામાં આવ્યો હતો અને ૧૬ વર્ષથી નાના લોકો ઉપર સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેના માટે ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા ઓનલાઈન સેફ્ટી અમેન્ડમેન્ટ એક્ટ ૨૦૨૪ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદામાં માતા-પિતાની મંજૂરી લીધા બાદ ઉપયોગ કરવા જેવો પણ કોઈ વિકલ્પ રાખવામાં આવ્યો નથી. સરકારે દ્વારા સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ એવી ટેક્નોલોજી લાવવી પડશે જે ચકાસી શકે કે બાળકોની ઉંમર કેટલી છે, જો તેઓ નિયમ માનતી નથી તો તેમને ૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે ૨૭૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝે સોશિયલ મીડિયાને સમાજ માટે અભિશાપ ગણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે બાળકો ફોનમાં વ્યસ્ત રહેવાની જગ્યાએ ફૂટબોલના મેદાનમાં અને રમતના મેદાનમાં સમય વધારે પસાર કરે.
ચીનની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા કરતા પણ ઘણું આગળ છે. ૨૦૧૯માં જ ચીનમાં નિયમ આવ્યો હતો જેમાં ગેમ રમવાના સમય અને દિવસો નક્કી કરી દેવાયા હતા. ચીનમાં ઓનલાઈન ગેમ રમવા માટે વીકડેમાં ૯૦ મિનિટ અને વીકેન્ડમાં ૩ કલાકનો સમય નક્કી કરાયો હતો. તેમાંય રાતના ૧૦થી સવારના ૮ વાગ્યા સુધીમાં કોઈ ગેમ રમી શકાતી નથી. ૨૦૨૧માં આ નિયમને વધારે આકરો બનાવવામાં આવ્યા હતા. આ નવા નિયમો પ્રમાણે શુક્રવાર, શનિવાર, રવિવાર અને જાહેર રજાઓમાં રાત્રે ૮થી ૯ એક જ કલાક ગેમિંગ કરવા દેવામાં આવે છે. ૨૦૨૩માં આ નિયમ લાઈવસ્ટ્રીમિંગ, વીડિયો શેરિંગ અને સોશિયલ મીડિયા માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીંયા માઈનર મોડ પણ છે. ઓક્ટોબર ૨૦૨૩માં ચીને લો ઓન ધ પ્રોટેક્શન ઓફ માઈનર્સમાં ઈન્ટનેટ પ્રોટેક્શનનો ઉમેરો કર્યો હતો.
અહીંયા યૂથ મોડ પણ એક્ટિવ થાય છે. તેની દરરોજની લિમીટ માત્ર ૪૦ મિનિટ છે. તેમાંય રાત્રે ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી તે બ્લોક રહે છે. તે ઉપરાંત સ્ટ્રેંજર મેસેજ બ્લોક કરેલું છે અને આ અજાણ્યા માણસને એક્સેસ કરવા દેતી નથી. તે ઉપરાંત આ લોક સિસ્ટમમાં પેરેન્ટલ કન્ટ્રોલ સિસ્ટમ પણ લગાવેલી છે.
ભારતમાં સોશિયલ મીડિયાના કાયદા છે પણ નખ વગરના વાઘ જેવા
ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે ડીપીડીપી ૨૦૨૩ લાગુ કરાયો છે. તેમાં પેરેન્ટલ કન્ટ્રોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, જે લોકો ૧૮ વર્ષથી નાની ઉંમરના છે તેમને બાળક ગણવામાં આવે છે. આ એવો નિયમ છે જેને સરળતાથી બાયપાસ કરી શકાય તેમ છે. આ સિવાય જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમાં ૧૩થી વધુ ઉંમરની વ્યક્તિની મર્યાદા લગાવવામાં આવે છે પણ તેનું અમલીકરણ સાવ નબળું છે તેથી ગમેતેના નામે અને ગમે તે ઉંમરની વ્યક્તિનું એકાઉન્ટ બની જાય છે. ત્યારબાદ તેનો બેફામ અને અયોગ્ય રીતે પણ ઉપયોગ થવા લાગે છે. સૂત્રોમાં ચર્ચા છે કે, ભારતમાં સોશિયલ મીડિયાને લગતા કોઈ નક્કર કાયદા જ નથી. જે પણ ઓનલાઈન માધ્યમોના કાયદા લાગુ કરવામાં આવ્યા છે તે નહોર વગરના વાઘ જેવા છે. તેનો કોઈ અર્થ સરતો નથી. બીજી તરફ ભારતમાં બીજી સમસ્યા એવી છે કે, અહીંયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ વીડિયો, ટીવી શો અથવા ફિલ્મો જોવાનો છે. ૫૦.૪ ટકા ભારતીયો આ બધું જોવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ૨૦૨૪ની શરૂઆતથી ૨૦૨૫ની શરૂઆત સુધી ભારતમાં સોશિયલ મીડિયા યૂઝર્સમાં ૨.૯ કરોડનો વધારો થયો છે. ભારતમાં દરરોજ લોકો સરેરાશ ૨.૩૦ કલાક સોશિયલ મીડિયા ઉપર પસાર કરે છે. આઈઆઈએમ રોહતક દ્વારા કરાયેલા એક સર્વેમાં પણ બહાર આવ્યું હતું કે, ૧૮ થી ૨૫ વર્ષની યુવાન યૂઝર્સ સરેરાશ દરરોજ ૬.૪૫ કલાક જ્યારે યુવતિઓ ૭.૦૫ કલાક સોશિયલ મીડિયા ઉપર પસાર કરે છે. આ સર્વેમાં જણાવાયું હતું કે, માતા-પિતા દ્વારા આ આદતો ઉપર કાબુ મુકવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકોનો સ્ક્રીન ટાઈમ ૧-૨ કલાક સુધી સીમિત કરવામાં આવવો જોઈએ. પેરેન્ટલ કન્ટ્રોલ એપ્સ, એપલ સ્ક્રીન ટાઈમ જેવા ટુલ્સ દ્વારા બાળકોની એક્ટિવિટીને કાબુ કરવી જોઈએ. બાળકો જે ઓનલાઈન એક્ટિવિટી કરતા હોય છે તેનું સતત મોનિટરિંગ કરતા રહેવું જોઈએ અને તેની સંતાનોને પૂછપરછ પણ કરવી જોઈએ. બાળકોને એજ્યુકેશન કન્ટેન્ટ વધારે આપવું જોઈએ જેથી તેઓ માત્ર મનોરંજન માટે અથવા તો ગેમિંગ માટે ગેજેટ્સનો ઉપયોગ ન કરે. બાળકો શું જૂએ છે તેના ઉપર પણ વોચ રાખવી જોઈએ.









