આભ ફાટવાની આગાહી કરવામાં વિજ્ઞાન નિષ્ફળ રહ્યું છે

- પર્વતીય વિસ્તારોમાં ક્લાઈમેટ ચેન્જ અને ગેરકાયદે બાંધકામોને પગલે બદલાતી ભૌગોલિક સ્થિતિ જોખમ વધારી રહ્યાનો દાવો
- ભારત પાસેના સંશોધનો, ટેક્નોલોજી, રડાર અને અન્ય બાબતો સિમિત છે જે વાદળ ફાટવાની આપત્તીની આગાહી કરી શકે તેમ જ નથી : ભૂકુંપ, સુનામી કે વાવાઝોડાની સચોટ આગાહી કરી શકાય છે પણ વાદળ ફાટવું પરિસ્થિતિજન્ય હોવાથી તેની આગાહી કરવી મુશ્કેલ પડે છે : એક વિસ્તારમાં 20થી 30 વર્ગ કિ.મીના ઘેરાવમાં એક જ કલાકમાં 100 મીમી વરસાદ પડે તેને વાદળ ફાટવું કહેવાય છે : મોટી ઘટનાઓની વાત કરીએ તો 2012માં અસીગંગાની ઘટનામાં ૩૫ લોકો, તે જ વર્ષે રુદ્રપ્રયાગની ઘટનામાં ૬૯ લોકો અને ત્યારબાદ 2013માં કેદારનાથની ઘટનામાં 4000થી વધારે લોકોનાં મોત થયા હતા
ઉત્તરકાશી જિલ્લાનું એક ગામ ધરાલી પાસે ટ્રેકિંગ માટે જાણીતા ખીરગંગા વિસ્તારમાં મંગળવાર સવારે વાદળ ફાટયું અને સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ. માત્ર ૩૪ સેકન્ડમાં તો પાણીનો ધમસમતો પ્રવાહ આવ્યો જે સમગ્ર વિસ્તારને તાણીને ખીરગંગા નદી સુધી ઢસડી ગયો. મકાનો, બજાર, વસતી, માણસો, પ્રાણીઓ, સાધનો, વાહનો બધું જ પત્તાના મહેલ અને તણખલાની જેમ પાણીમાં તણાઈ ગયા. ત્યારબાદ એક સૈન્ય કેમ્પ તણાઈ ગયો અને બપોરે ત્રણ વાગ્યે અન્ય એક સ્થળે વાદળ ફાટયું અને તારાજી સર્જાઈ. એક જ દિવસમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બની અને બધું જ અસ્તવ્યસ્ત કરી નાખ્યું. આમ જોવા જઈએ તો પર્વતીય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. દર વર્ષે આવી ઘટના બને છે પણ છેલ્લાં કેટલાક સમયથી આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં કેદારનાથમાં વાદળ ફાટવાની અને પૂરની જે તારાજી સર્જાઈ હતી તેવી ઘટના જવલ્લે જ જોવા મળે છે પણ દર વર્ષે પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાનું પ્રમાણ વધી રહ્યું છે.
જાણકારોના મતે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ અને સિઝનમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે. તેના પગલે ચોમાસું વધારે જોખમી બની રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં ગમે ત્યારે વાદળ ફાટે છે. જાણકારોના મતે વાદળ ફાટવું એક એવી ઘટના છે જે ઓછા સમયમાં અને નાના વિસ્તારમાં એકાએક બની જાય છે. અચાનક ૧૦૦ મીમી સુધીનો વરસાદ એકાએક પડી જાય છે જે બધું જ તાણી જાય છે. સામાન્ય સંજોગોમાં ભૂકંપ, સુનામી, વાવાઝોડા જેવી આપત્તીઓની જાણકારી પહેલેથી મેળવી શકાય છે, આગાહી કરી શકાય છે અથવા તો બચવાના પૂર્વસંકેત આપી શકાય છે પણ વાદળ ફાટવાની ઘટનામાં આગાહી કરવી અશક્ય છે. વિજ્ઞાન આ મુદ્દે નિષ્ફળ રહ્યું છે. તેમાંય ભારતમાં તો આ બાબતે સદંતર નિષ્ફળતા જ મળી છે. તેના ઘણા કારણો જવાબદાર છે.
જાણકારો માને છે કે, વાદળ ફાટવાની ઘટના નાના અને મર્યાદિત વિસ્તારમાં અચાનક જ થઈ જતી હોય છે. વાદળ ફાટવાની ઘટનાની આગાહી કરવી હોય તો તેના માટે હાઈ રિઝોલ્યુશન રડાર અને સેટેલાઈટ ઈમેજિસ તથા ડેટાની જરૂર પડે તેમ છે. ભારતમાં તે મળવું અશક્ય છે. ભારત પાસે મર્યાદિત સંસાધનો છે. આ સિવાય હિમાલયનો પર્વતીય વિસ્તાર ભૌગોલિક રીતે એટલો જટિલ છે કે ત્યાં સંસાધનો રાખવા અને લગાવવા મુશ્કેલ છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે, પ્રદુષણ ફેલાયું છે તેના કારણે આ કુદરતી આપત્તીની આગાહી કરવી વધારે મુશ્કેલ થઈ ગઈ છે. ભારત પાસે વર્તમાન રડાર સિસ્ટમ છે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી શકે છે પણ ચોક્કસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બનશે તેની આગાહી કરવી અશક્ય છે. આ આગાહી કરવા માટે ડોપલર રડારનું મોટું નેટવર્ક વિકસાવવું પડે જે ભારતમાં શક્ય નથી. તેના કારણે જ ભારતમાં ભારે વરસાદની આગાહી શક્ય છે પણ વાદળ ફાટવાની આગાહી શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાઓ અવારનવાર બનતી જ હોય છે. જાણકારોના મતે હવે આ ઘટનાઓ મોટી બની રહી છે અને તેનું પૂનરાવર્તન ડરાવી રહ્યું છે. છેલ્લાં એક દાયકામાં વાદળ ફાટવાની ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે. તેમાંય છેલ્લાં પાંચ વર્ષમાં દોઢ ગણો વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન વાતાવરણમાં આવતો આકસ્મિક પલટો અને ક્લાઈમેટ ચેન્જનું પરિણામ એ આવે છે કે, વાદળ ફાટે છે અને રહેણાક વિસ્તારો બરબાદ થઈ જાય છે.
ગણતરીના સમયમાં ચોક્કસ વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ પડવાને વાદળ ફાટવું કહેવાય છે. આમ જોવા જઈએ તો આ ઘટનાની કોઈ ચોક્કસ વ્યાખ્યા થઈ શકે તેમ નથી. તેમ છતાં ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે, એક વિસ્તારમાં ૨૦ થી ૩૦ વર્ગ કિ.મીના ઘેરાવમાં એક જ કલાકમાં ૧૦૦ મીમી વરસાદ પડે તેને વાદળ ફાટવું કહેવાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો એક જ જગ્યાએ અચાનક વાદળાનું બધું જ પાણી વરસી જવું તે વાદળ ફાટવું કહેવાય. સામાન્ય રીતે તાપમાનમાં વધારો થવા દરમિયાન પાણીથી ઘેરાયેલા વાદળા એક જગ્યાએ ભેગા થવા લાગે છે. તેના કારણે તેની અંદર રહેલું પાણી પણ એકબીજા સાથે જોડાવા લાગે છે. આ પાણીના ટીપાનો ભાર એટલો બધો વધી જાય છે કે, વાદળાનું ઘનત્વ વધી જાય છે. તેના કારણે અચાનક એક જ વિસ્તારમાં ભારે વરસાદ પડી જાય છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં જળચક્રમાં મોટું પરિવર્તન આવ્યું છે અને તેના કારણે અહીંયા વાદળ ઝડપથી વરસી જવાની ઘટનાઓ વધી ગઈ છે.
વૈજ્ઞાનિકો માને છે કે, જ્યારે ભેજવાળા પવનો આ વાદળોને પહાડી વિસ્તારો સુધી લઈ જાય છે. તેના કારણે વાદળો પર્વત સાથે ટકરાઈને એક જગ્યાએ ભેગા થવા લાગે છે. તેના પગલે એક સ્તંભના આકારમાં વાદળા ગોઠવાય છે. તેને ક્યુમુલોનિમ્બસ વાદળો પણ કહેવાય છે. વધારે વરસાદ, વીજળીના કડાકાને કારણે પણ આવા વાદળા સર્જાય છે. આ વાદળો ઉપરની તરફ ગતિ કરે છે. તેને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે છે. આવા અસ્થિર વાદળો ગમે ત્યારે એક વિસ્તાર ઉપર તુટી પડે છે અને ભારે વરસાદ પડે છે. જાણકારોના મતે સામાન્ય રીતે સમુદ્ર કિનારાથી ૧૦૦૦ મીટરથી ૨૫૦૦ મીટરની ઉંચાઈ સુધીના વિસ્તારોમાં ક્લાઉડ બર્સ્ટ થતું હોય છે. તેમાંય ઉંચા પર્વતોમાં વાદળ ફાટવાની ઘટના થવી સામાન્ય છે. દર ચોમાસામાં આવી ઘટનાઓ વધતી જાય તો તે ચિંતાજનક છે.
દેશમાં વાદળ ફાટવાની ઘટનાઓ હિમાચલ અને ઉત્તરાખંડમાં થાય છે અને હવે તેમાં ચિંતાજનક વધારો થઈ ગયો છે. આ બંને રાજ્યોમાં જળવાયુ પરિર્વતનને કારણે વાતાવરણમાં આકસ્મિક પલટો આવી જાય છે. આ બંને રાજ્યોમાં ચોમાસા દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવે છે. જાણકારો માને છે કે, અહીંયા ક્લાઈમેટ ચેન્જની જે અસર થઈ છે અને થઈ રહી છે તેના કારણે આગામી વર્ષોમાં વાદળ ફાટવાની ઘટનાઓમાં વધારો થાય તો જરાય નવાઈ નહીં. અહીંયા જંગલોનો આડેધડ નાશ કરવો અને ક્લાઈમેટ ચેન્જના કારણે જંગલોમાં આગ લાગવી, વાતાવરણમાં આકસ્મિક પલટો આવવો, વરસાદ પડવો જેવી ઘટનાઓ વધવા લાગી છે. આગળના સમયમાં આવી આપત્તીઓ વધી જાય તેવું દેકાઈ રહ્યું છે. જંગલોમાં લોકોનો ધસારો, પર્વતોમાં લોકોનો ધસારો, પ્રદુષણ, વાહનોનું પ્રદુષણ, કચરો અને ગેરકાયદે નિર્માણની કામગીરી પણ આ બધા પાછળ મોટી ભૂમિકા ભજવે છે.
હકિકતે પાણીથી ભરેલા વાદળ થોડા ભારે થાય છે અને તે નીચે આવે છે. પવનની સાથે આ વાદળા ગતિ કરતા હોય છે. આ વાદળા પર્વતોને ટકરાઈને એક ક્ષેત્ર ઉપર અટકી જતા હોય છે અને તેના ઉપર વરસી જતા હોય છે. આ વિસ્તારોમાં ઘેરાતા વાદળાને ગંગાના મેદાનોમાંથી વહેતા ભેજવાળા પવનોના કારણે ભેજ મળે છે અને તેનો સંગ્રહ થઈને મોટા વાદળાનું નિર્માણ થાય છે. ઘણી વખત પશ્ચિમી ઘાટ તરફથી આવતા ગરમ પવનો પણ અહીંયા ઉષ્ણતામાન વધારી દે છે અને વરાળ ઉપર જઈને મોટા વાદળાનું નિર્માણ કરે છે. ક્લાઉડ બર્સ્ટ માટે ઘણા કારણો જવાબદાર છે જેને એક સાથે સાંકળીને આ ઘટનાનું પરિણામ જાણી શકાય છે. તેના માટે કોઈ એક બાબતને જવાબદાર ગણી શકાય તેમ નથી.
વાદળ ફાટવાની ઘટનાથી મોટાપાયે નુકસાન થાય છે, જાનમાલની હાની થાય છે. વાદળ ફાટવાથી લોકોનાં મોત થાય છે અને સંપત્તીઓને વ્યાપક નુકસાન થાય છે. હકિકતે વાદળ ફાટવાથી નદીઓના જળસ્તરમાં એકાએક વધારો થાય છે અને પૂર આવે છે. પર્વતોના ઢોળાવો ઉપરથી પૂરનું પાણી ધસમસતું આવે છે. તે નીચેની તરફ ગતિ કરતું હોવાથી તેને અટકાવી શકાય તેમ હોતું નથી. આ પાણીની સાથે માટી, કિચડ, પથ્થરો, મકાનો, ઈમારતો, માણસો, પ્રાણીઓ, જંગલો બધું જ તણાવા લાગે છે.
કેદારનાથમાં આવેલું ભયાનક પૂર અને મોતનું તાંડવ હજી લોકો ભુલ્યા નથી
છેલ્લાં એક દાયકામાં વાદળ ફાટવાની ઘટનાના કારણે પર્વતિય વિસ્તારોમાં હજારો લોકોનાં મોત થાય છે.
અચાનક આવતું પૂરત, તેમાં રહેલો કાટમાળ અને સાથે સાથે ભૂસ્ખલન થવું, આ બધું એકસાથે બને છે અને વ્યાપક નુકસાન થાય છે.
મોટી ઘટનાઓની વાત કરીએ તો ૨૦૧૨માં અસીગંગાની ઘટનામાં ૩૫ લોકો, તે જ વર્ષે રુદ્રપ્રયાગની ઘટનામાં ૬૯ લોકો અને ત્યારબાદ ૨૦૧૩માં કેદારનાથની ઘટનામાં ૪૦૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા. આ ઘટનાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી, ભોજન, પાણી, કોમ્યુનિકેશન નેટવર્ક તમામ સેવાઓ અને જરૂરિયાતો ખોરવાઈ જાય છે. હજારો લોકો વિસ્થાપિત થઈ જાય છે. તેમને લાંબા સમય સુધી રોજગાર પણ મળતો નથી. આ સિવાય જે આર્થિક નુકસાન થયું હોય છે તેની પણ ભરપાઈ થતી નથી. જંગલો અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થાય છે.
કેદારનાથમાં ૧૬ અને ૧૭ જૂન ૨૦૧૩ના રોજ મૃત્યુનું જે તાંડવ થયું હતું તેને લોકો આજસુધી ભુલી શક્યા નથી.
કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે આવેલા વિનાશક પૂરના લીધે અનેક શહેરો અને ગામડા બરબાદ થઈ ગયા હતા. આ પૂરમાં હજારો લોકોનાં મોત થયા હતા અને હજારો લોકો લાપતા થઈ ગયા હતા જેમના આજદિન સુધી કોઈ સમાચાર નથી.
હજી સુધી ઘણા લોકોના મૃતદેહ મળ્યા નથી. જાણકારો માને છે કે, ક્યૂનમુલોનિમ્બસ વાદળ જ્યારે ફાટે છે ત્યારે ભયાનક તબાહી લાવે છે. આ ઉપરાંત પર્વત ઉપરથી નદીઓ પણ નીચેની તરફ ગતિ કરતા હોય છે. વાદળનું પાણી આ નદીઓની સાથે જોડાઈ જાય છે અને આકસ્મિક પાણીનો પ્રવાહ એ હદે વધે છે અને ગતિમાન થાય છે કે, તેને નાથવો અશક્ય થઈ જાય છે.








