અરમાની : બનવું હતું ડોક્ટર પણ બની ગયા ફેશનની દુનિયાના જાદુગર

- મેડિકલના અભ્યાસમાં મન ન લાગતું ફેશનની દુનિયામાં ઝંપલાવ્યું અને પાંચ દાયકા સુધી સ્ટાઈલ સ્ટેટમેન્ટના કિંગ રહ્યા જ્યોર્જિયો અરમાની
- બીજા વિશ્વયુદ્ધ વખતે ઈટાલીમાં દરેક યુવાનને સૈન્યની તાલિમ લેવી ફરજિયાત હતી. તે વખતે અરમાની મેડિકલનો અભ્યાસ કરતા હતા. મિલિટરી હોસ્પિટલમાં કામ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત સૈનિકોને શહીદ થતા જોઈને તેઓ ગભરાઈ ગયા અને મેડિકલ ફિલ્ડ છોડી દીધું ઃ તેમણે પોતાના પાર્ટનર સર્જિયો ગેલેઓટી સાથે જોડાઈને પોતાના જ નામની બ્રાન્ડ શરૂ કરી તેનું નામ આપ્યું જ્યોર્જિયો અરમાની. તેમણે ૪૧ વર્ષની ઉંમરે ૧૯૭૫માં પોતાની બ્રાન્ડ સાથે ફેશન ઈન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન આણી દીધું ઃ તેઓ વૈશ્વિક સ્તરે હોસ્પિટાલિટી, હોટેલ્સ, કેફે, રેસ્ટોરાં, બાર, બાસ્ટેકબોલની ટીમ અને અન્ય વ્યવસાયમાં જોડાયા. તેમની તમામ બ્રાન્ડ વખણાવા લાગી હતી. આ તમામને ફેશન અને સ્ટાઈલના હબ બનાવી દીધા હતા અને ૧૨ અબજ ડોલરની નેટવર્થ સુધી પહોંચી ગયા
દુનિયાભરમાં ફેશન, સ્ટાઈલ, સ્ટેટમેન્ટ અને પ્રેઝન્સ માટે જો કોઈ બ્રાન્ડનું નામ આવતું હોય તો તે છે અરમાની. પાંચ દાયકાથી મેન્સ અને વિમેન ફેશનમાં પાવર ફેશનનો ઓપ્શન આપનાર અને સૂટ કેમ બનાવવો અને ફેશનેબલ કેમ રહેવું તથા કેવાં કપડાં પહેરવા તે દુનિયાને અને દુનિયાભરના સેલેબ્સ, નેતાઓ અને પાવરફુલ લોકોને શિખવનારા જ્યોર્જિયો અરમાનીએ ચીર વિદાય લીધી છે. ૪ સપ્ટેમ્બરે ૯૧ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેઓ પોતાની પાછળ એક સાંસ્કૃતિક વારસો તો છોડીને ગયા જ છે પણ સાથે સાથે અઢળક સંપત્તી, પોતાનો બિઝનેસ અને ફેશનની દુનિયાની મોટી જવાબદારી પણ છોડીને ગયા છે. મહત્ત્વની વાત એ છે કે, તેમનો પોતાનો કોઈ વારસદાર હતો નહીં તેથી તેમણે નજીકના લોકો અને પરિવારના સભ્યોના ખભે આ જવાબદારી છોડી હોવાની ચર્ચા છે.
હોલિવૂડ હોય કે બોલિવૂડ કે પછી મોટા બિઝનેસ ટાઈકૂન હોય કે મલ્ટિનેશન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ હોય કે પછી વોલ સ્ટ્રીટના મોટા મોટા બ્રોકર અને બિઝનેસ પર્સન હોય, કે પછી ફિલ્મ અને અન્ય ઈન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન હોય કે સેલેબ્સ હોય દરેકને આગવી ફેશનનો ભાગ બનવનાર અનોખી કલાના કસબી હતી જ્યોર્જિયો અરમાની. તેમની અરમાની બ્રાન્ડ એક સ્ટેટસ સિમ્બોલ હતી. આ બ્રાન્ડના કપડાં, એસેસરીઝ રાખનારા લોકો પોતાને પણ એક ચોક્કસ બ્રાન્ડ સમજતા હતા. તેમણે સૂટને એક નવી જ ઓળખ આપીને પાવર સૂટ બનાવી દીધો. ૭૦ના દાયકાથી તેમણે ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ મેળવવાની અને ઈન્ડસ્ટ્રીને નવી ઓળખ આપવાની શરૂઆત કરી જે ૨૦૨૫ સુધી અકબંધ રહી.
જ્યોર્જિયો અરમાનીની ચીર વિદાયને ઈટાલીવાસીઓને તો દુઃખી કર્યા જ છે પણ સાથે સાથે સમગ્ર ફેશન જગત અને જગતમાં ફેશન સાથે જોડાયેલા લોકો પણ દુઃખી થયા છે. ઈટાલીના વડાં પ્રધાન જ્યોર્જિઆ મેલોનીએ પણ અરમાનીને યાદ કરતા જણાવ્યું કે, તેઓ સરળતા, સુંદરતા અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ હતા. તેમણે ઈટાલિયન ફેશનમાં નવો પ્રાણ ફુંક્યો હતો અને તેના દ્વારા સમગ્ર વિશ્વને પ્રોત્સાહન આપ્યું હતું. અથાક મહેનત કરનાર વ્યક્તિ, એક ફેશન આઈકન અને ઈટાલીની ફેશનને દુનિયામાં શ્રેષ્ઠ બનાવનાર જ્યોર્જિયોએ અરમાનીને અમર કરી નાખી છે.
જ્યોર્જિયો અરમાનીની શરૂઆતની કારકિર્દી અને પરિવારની વાત કરીએ તો તેમનો જન્મ ઉત્તર ઈટાલીના પીઆકેન્ઝા ખાતે ૧૧ જુલાઈ ૧૯૩૪ના રોજ થયો હતો. તેઓ તેમના માતા-પિતાના ત્રણ સંતાનોમાંથી એક હતા. તેમના પિતા એકાઉન્ટન્ટ હતા. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી તેમના પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેઓ ઘણી વખત આ વિશે વાત કરતા હતા. તેમના પરિવાર પાસે ખાવાની પણ વ્યવસ્થા થતી નહોતી. તેમ છતાં તેમના માતા-પિતાએ મહેનત કરી અને તેમને મેડિસિનનો અભ્યાસ કરવા માટે મુક્યા. તેમણે બે વર્ષ સુધી તો મેડિકલનો અભ્યાસ કર્યો પણ આ દરમિયાન તેમને સતત લાગતું હતું કે, આ તેમના રસનો વિષય નથી. તેઓ કંઈક અલગ કરવા માગે છે અને તેના કારણે તેમણે અભ્યાસ છોડી દીધો. ખાસ વાત એવી છે કે, તે સમયે બીજા વિશ્વયુદ્ધ વખતે ઈટાલીમાં દરેક યુવાનને સૈન્યની તાલિમ લેવી ફરજિયાત હતી. તે વખતે અરમાની મેડિકલનો અભ્યાસ કરતા હતા. તેમને મિલિટરી હોસ્પિટલમાં કામ માટે રાખવામાં આવ્યા હતા. તે વખતે ઈજાગ્રસ્ત સૈનિકોને જોઈને અને શહીદ થતા સૈનિકોને જોઈને તેઓ વધારે ગભરાઈ ગયા અને મેડિકલ ફિલ્ડ છોડી દીધું.
મેડિકલ છોડયા બાદ તેમણે થોડો સમય ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કર્યું હતું. ત્યાં તેમણે વિન્ડો ડ્રેસર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમનો ફેશન ઈન્ડસ્ટ્રી સાથે પરિચય થયો. તેઓ ફેશનનો કક્કો અહીંયા શીખ્યા અને ધીમે ધીમે તેના મહારથી થવા લાગ્યા. તેમણે ત્યારબાદ નિનો કેરુટી માટે વિવિધ ડ્રેસ ડિઝાઈન કરવાની કામગીરી પણ કરી હતી. આ બધી જ મથામણ બાદ તેમણે એક એવું પગલું ભર્યું જેણે ફેશન ઈન્ડસ્ટ્રીમાં સ્ટાઈલ અને એલેગન્સનો એક નવો જ યુગ શરૂ કર્યો. તેમણે પોતાના પાર્ટનર સર્જિઓ ગેલેઓટી સાથે જોડાઈને પોતાના જ નામની બ્રાન્ડ શરૂ કરી તેનું નામ આપ્યું જ્યોર્જિયો અરમાની. તેમણે ૪૧ વર્ષની ઉંમરે ૧૯૭૫માં પોતાની બ્રાન્ડ સાથે ફેશન ઈન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન આણી દીધું. તેમણે ખૂબ જ કંફી અને રિલેક્સ કપડાં બનાવ્યા જેને લોકો પસંદ કરવા લાગ્યા. તેમની સોફ્ટ, અનસ્ટ્રક્ચર્ડ અને રિલેક્સ ટેલરિંગ ટેકનિકે તેમને પ્રખ્યાત કરવા માંડયા. તેમણે લિનન અને સિલ્કનો ઉપયોગ કરીને કપડાંનું ક્લેવર જ બદલી કાઢયું.
જાણકારોના કહેવા પ્રમાણે ૭૦ના દાયકાનું તેમનું સાહસ ત્યારબાદના દાયકામાં એટલે કે ૮૦ના દાયકામાં સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું. ૧૯૮૦માં જ્યારે હોલિવૂડની ફિલ્મ અમેરિકન ગિગોલો આવી ત્યારે તેના લીડ કાસ્ટમાના એક રિચાર્ડ ગેરેનું સમગ્ર કોસ્ચ્યુમ અરમાનીએ ડિઝાઈન કર્યું હતું. તે વખતે તેમની ફેશનને જે આવકાર મળ્યો તે જોતજોતામાં તો હોલિવૂડમાં છવાઈ ગયો. તેમની ફેશન માટે મિશેલ ફિફરથી માંડીને જ્હોન ટ્રોવેલ્ટા સુધીના તમામ સ્ટાર રાહ જોવા લાગ્યા. હોલિવૂડની ફિલ્મોથી માંડીને, તેના રેકકાર્પેટ, સેલેબ્સના રોજિંદા ઉપયોગના કપડાં અને બધામાં અરમાની છવાઈ ગયા. તેમની ડિમાન્ડ વધવા લાગી. તેમણે ૨૦૦થી વધારે ફિલ્મોના કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા અને રેડકાર્પેટને ફેશન હોટસ્પોટ બનાવી દીધું. તેમણે સૂટમાંથી વધારાનું અસ્તર અને ખભામાંથી જાડું કાપડ કાઢીને તેને વધારે અનુકુળ અને બોડિફિટ બનાવ્યા. તેમના આ સૂટનું વજન ઘટયું અને દેખાવ વધારે આકર્ષક બન્યો. તેના કારણે તેમનો આ સૂટ હોલિવૂડ અને વોલ સ્ટ્રીટમાં વખણાવા લાગ્યો. બધા તેને પાવર સૂટ કહેવા લાગ્યા.
અરમાની ત્યાંથી અટક્યા નહીં. તેમણે ત્યારબાદ કપડાં અને સૂટ ઉપરાંત મહિલાઓ માટે પણ સૂટ ડિઝાઈન કર્યા જેને લોકોએ ઉત્સાહથી વધાવ્યા અને આવકાર્યા. ત્યારબાદ અલગ અલગ કોસ્ચ્યુમ ડિઝાઈન કરીને બજારમાં મૂક્યા જે ફેશન સ્ટેટમેન્ટ બની ગયા. તેમની ફ્રી સ્ટાઈલ ડિઝાઈન બધાને પસંદ આવતી હતી. અરમાનીએ પછી પાછુંવાળીને જોયું નહીં. ત્યારબાદ તેમણે પર્ફ્યુમ, ચોકલેટ્સ, ફ્લાવર્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ ફનશિંગ, આઈવેર, મલ્ટિપલ લાઈન્સ જેવી કે એમ્પોરિયો અરમાન તતા અરમાની એક્સ્સચેન્જ જેવા વિવિધ બિઝનેસમાં હાથ અજમાવ્યો. તેમની કંપની કરોડો ડોલરનો બિઝનેસ કરવા લાગી. તેમના બૂટિક અને સ્ટોર દુનિયાભરમાં ખુલવા લાગ્યા હતા. તેઓ વૈશ્વિક સ્તરે હોસ્પિટાલિટી, હોટેલ્સ, કેફે, રેસ્ટોરાં, બાર, બાસ્ટેકબોલની ટીમ અને અન્ય વ્યવસાયમાં જોડાયા. અરમાની હોટેલ્સને તેમણે દુબઈના એમ્માર પ્રોપર્ટી સાથે જોડાઈને વિકસાવી હતી જે પણ આ ઈન્ડસ્ટ્રીમાં આઈકોનિક બની રહી.
સમયાંતરે અરમાનીએ ૧૨ અબજ ડોલરની સંપત્તી ભેગી કરી લીધી હતી. આ ઉપરાંત તેમણે ચેલ્સીઆ અને ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના યુનિફોર્મ પણ ડિઝાઈન કર્યા હતા. આ સિવાય જ્યારે ઈટાલીની ટીમ ઓલિમ્પિક ૨૦૧૨માં ભાગ લેવા માટે જવાની હતી ત્યારે તેના કોસ્ચ્યુમ પણ અરમાની દ્વારા જ ડિઝાઈન કરવામાં આવ્યા હતા. દુનિયાભરને ફેશનના રંગે રંગનારા જ્યાર્જિયો અરમાની ે ચેરિટી અને સોશિયલ વર્કમાં પણ આગળ હતા. તેમણે ૨૦૦૦ની સાલમાં ગુગ્નેનહાઈમ મ્યુઝિયમ અને ત્યારબાદ ન્યૂયોર્ક ખાતે ફેશન ઈવેન્ટ રાખી જેનો ઉદ્દેશ સમાજ સેવા હતો. તેમણે ન્યૂયોર્કમાં જે પ્રદર્શન રાખ્યું હતું તેની તમામ રકમ એઈડ્સ રિસર્ચ, બાળકોનો અભ્યાસ અને અન્ય સેવાકિય પ્રવૃત્તિઓમાં આપી દીધી હતી. ૨૦૦૨માં તેમના ચેરિટીવર્કને ધ્યાનમાં રાખીને તેમને યુએન દ્વારા ગુડવિલ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા હતા. તેમની અધધ આવકની કારણે ફોર્બ્સ દ્વારા તેમને વિશ્વના ટોચના ૨૦૦ ધનિકોની યાદીમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦માં ફોર્બ્સમાં નામ આવ્યું ત્યારે ૧૨.૧ અબજ ડોલરની તેમની નેટવર્થના કારણે તેઓ ચર્ચામાં હતા. હવે તેમના આકસ્મિક નિધનને પગલે તેમના ઉત્તરાધિકારી માટે તેઓ ફરી ચર્ચામાં છે.
- આખી જિંદગી સક્સેશન પ્લાન બનાવતા રહ્યા પણ સફળ થયા નહીં
જ્યોર્જિયો અરમાનીના અવસાન બાદ તેમના નેટવર્ક, બિઝનેસ અને ઉત્તરાધિકારીની ચર્ચાએ વેગ પકડયો છે. ખાસ વાત એવી છે કે, અરમાનીના પાર્ટનર સર્જિયોનું માત્ર ૪૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓ એઈડ્સના કારણે મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ અરમાનીને પણ પોતાના સંતાનો નથી. તેમણે આખી જિંદગી પોતાની બ્રાન્ડ અને બ્રાન્ડવેલ્યૂના સક્સેશન પ્લાન માટે મહેનત કરી પણ તેઓ સફળ થયા નહોતા.
તેઓ તેના વિશે શરૂઆતમાં તો કશું જ કહેતા નહોતા. તેમ છતાં છેલ્લાં કેટલાક સમયમાં તેઓ ઉત્તરાધિકારી વિશે તપાસ કરી રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. તેમણે એક વખત કહ્યું હતું કે, મારા પરિવારના નજીકના સભ્યો અને મારો સૌથી અંગત વ્યક્તિ પેન્ટાલીઓ ડેલઓર્કોને મારા પછી જવાબદારી અને બાકીની બાબતોની વહેંચણી કરવામાં આવે તેવું હું વિચારી રહ્યો છું. જાણકારોના મતે હવે આ સંપત્તી ચાર લોકો પાસે જાય તેવી ધારણા છે. તેમાં અરમાનીના ભત્રીજી સિલ્વાના અને રોબર્ટી અરમાની તથા તેમનો ભત્રીજો એન્ડ્રીઆ કેમેરાના તથા તેમના અંગત માણ પેન્ટાલીઓ ડેલઓર્કો.
સિલ્વાના વર્ષોથી પોતાના મામા અરમાની સાથે વિમેન્સવેરનું સમગ્ર સંચાલન સંભાળતી હતી. બીજી તફ સજયોની દીકરી રોબર્ટા અર્માની પબ્લિક રિલેશનની ડાયરેક્ટર હતી અને હોલિવૂડ સાથે બ્રાન્ડ કોલોબ્રેશન તેની જવાબદારી હતી. કહેવાય છે કે, રોબર્ટાની ડિલને પગલે ૨૦૦૬માં ટોમ ક્રૂઝ અને કેટી હોમ્સના લગ્નમાં બ્રાઈડ અને ગૂ્રમના તમામ કોસ્ચ્યુમ અરમાનીએ ડિઝાઈન કર્યા હતા. એન્ડ્રીઆ વર્ષ ૨૦૦૦થી અરમાની સાથે કામ કરતો આવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લીઓ ડેલઓર્કો ૧૯૭૭થી અરમાની સાથે જોડાયેલો છે. મેન્સ ફેશનની તમામ જવાબદારી તેના શીરે જ છે.









