Editorial

આર્થિક તંગી અને બેરોજગારીથી દેશમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

By GS TEAM
5 Oct 20258 mins read
આર્થિક તંગી અને બેરોજગારીથી દેશમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

એનસીઆરબીના ડેટમાં આશ્ચર્યજનક ખુલાસો : હત્યામાં યુપી અને બળાત્કારમાં રાજસ્થાન દેશમાં સૌથી આગળ

- 100 ટકા લિટરસી રેટ ધરાવતું કેરળ આત્મહત્યાના કિસ્સાઓમાં ટોચના ક્રમે છે. કેરળમાં ૧૦,૯૭૨ જેટલી આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે. મહિલાઓ મુદ્દે જોડાયેલા ગુનામાં વિવિધ રાજ્યોના નામ છે પણ ચિંતાજનક વાત એ છે કે, બળાત્કાર જેવા જઘન્ય કેસમાં રાજસ્થાન દેશમાં ટોચના ક્રમે આવે છે ઃ જમીન, સંપત્તિ, અન્ય પારિવારિક અને આર્થિક વિવાદો ખૂબ જ સામાન્ય બાબત છે. હત્યાની ઘટનાઓમાં મોટાભાગની હત્યાઓ આ વિવાદના કારણે થાય છે. એક અહેવાલમાં જણાવાયું હતું કે, બિહારમાં સૌથી વધારે હત્યા જમીન વિવાદના કારણે કરવામાં આવે છે : બાળકો સામેના ગુનામાં ૪૦,૪૩૪ કેસમાંથી, ૩૯,૦૭૬ કેસોમાં પીડિતો અને આરોપીઓ એકબીજા માટે જાણીતા હતા. આ કિસ્સામાંથી ૩,૨૨૪ કેસોમાં પરિવારના સભ્યો, ૧૫,૧૪૬ કેસોમાં પરિચિતો અને ૨૦,૭૦૬ કેસોમાં મિત્રો જ ગુનાગાર સાબિત થયા હતા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા થોડા સમય પહેલાં દેશમાં ગુનાખોરી અંગેના ૨૦૨૩ના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં ૨૦૨૩માં ૨૭,૭૨૧ હત્યાના કેસ દાકલ થયા હતા. સરેરાશ જોવા જઈએ તો ૨૦૨૨ની સરખામણીમાં તેમાં ૨.૮ ટકા ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૨માં હત્યાના ૨૮,૫૨૨ કેસ નોંધાયા હતા. આમ સરેરાશ જોવા જઈએ તો દેશમાં ગુનાખોરીનું પ્રમાણ ૭ ટકા જેટલું વધી ગયું છે. આ અહેવાલમાં સામે આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ અને બિહાર હત્યાના ગુના બાબતે દેશમાં મોખરે આવે છે. બીજી તરફ ૧૦૦ ટકા લિટરસી રેટ ધરાવતું કેરળ આત્મહત્યાના કિસ્સાઓમાં ટોચના ક્રમે છે. મહિલાઓ મુદ્દે જોડાયેલા ગુનામાં વિવિધ રાજ્યોના નામ છે પણ ચિંતાજનક વાત એ છે કે, બળાત્કાર જેવા જઘન્ય કેસમાં રાજસ્થાન દેશમાં ટોચના ક્રમે આવે છે. કેરળમાં આત્મહત્યાની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ૨૦૨૦માં અહીંયા અંદાજે ૮,૫૦૦ લોકોએ આત્મહત્યા કરી હતી તો ૨૦૨૧માં આ આંકડો ૯,૫૪૯ પહોંચી ગયો હતો. તેવી જ રીતે ૨૦૨૨૨માં આત્મહત્યાના કેસ ૧૦,૧૬૨ થઈ ગયા હતા. તાજેતરમાં આવેલા અહેવાલમાં કેરળમાં ૧૦,૯૭૨ જેટલી આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે. આમ જોવા જઈએ તો સરરેશા આત્મહત્યાનો આંકડો ૧૧,૦૦૦ સુધી પહોંચી ગયો છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં હત્યાની સંખ્યા ૩,૪૯૧ નોંધાઈ છે. તેવી જ રીતે બિહારમાં ૨૦૨૩માં ૨,૯૩૦ હત્યાના કેસ સામે આવ્યા હતા.

નેશલન ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા જોઈને સ્વાભાવિક સવાલ થાય કે, એવા તો કયા કારણો છે કે દેશમાં ગુનાખોરી વધી રહી છે. તે ઉપરાંત યુપી અને બિહાર જેવા રાજ્યોમાં હત્યાનું પ્રમાણ આટલી મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. તેમાં એક કારણ એવું પણ આવે છે કે, વધારે વસતી હોવાની સામે રોજગારી અને અન્ય અવસરો ઓછા મળતા હોવાથી પણ ગુનાખોરી વધે છે. તેના કારણે ગુનેગારો, ગુના અને ભોગ બનનારા લોકોની સંખ્યા પણ વધારે જોવા મળે છે. અહેવાલો પ્રમાણે પ્રતિ એક લાખની વસતીની સરેરાશે પણ આ રાજ્યોમાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે. આ રાજ્યોમાં જમીન, સંપત્તિ, અન્ય પારિવારિક અને આર્થિક વિવાદો ખૂબ જ સામાન્ય બાબત છે. હત્યાની ઘટનાઓમાં મોટાભાગની હત્યાઓ આ વિવાદના કારણે થાય છે. એક અહેવાલમાં જણાવાયું હતું કે, બિહારમાં સૌથી વધારે હત્યા જમીન વિવાદના કારણે કરવામાં આવે છે. ત્યારબાદ આર્થિક ખેંચતાણ અને સંપત્તિ વિવાદ મુદ્દે પણ હત્યા કરવામાં આવે છે. આ બંને રાજ્યોમાં બેરોજગારી અને આર્થિક અસ્થિરતા પણ યુવાનોને હિંસા અને ગુનાના રસ્તે દોરી જતી હોવાનું સામે આવ્યું છે. 

સૂત્રોમાં ચર્ચા છે કે, આવા ગુનાખોરીનું મોટું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં પોલીસ અને કાયદો વ્યવસ્થાની નીતિ પણ સવાલ ઊભો કરતી હોય છે. મોટાભાગે વધારે ગુનાખોરીનો દર ધરાવતા રાજ્યોમાં પોલીસની કામગીરી અવ્યવસ્થિત, ઓછા સંસાધનોથી ચાલતી અને કથિત ભ્રષ્ટાચારથી ખદબદતી પણ હોય છે. આરોપીઓની રાજકીય વગ, દબાણ અને ગુનેગારોને સજા કરવાની પ્રક્રિયા અને વ્યવસ્થામાં પણ નબળાઈ હોવાના કારણે ગુનેગારો છુટી જાય છે. તેના કારણે આવા રાજ્યોમાં ગુનેગારો નિડર થઈ જાય છે. આ સિવાય આ રાજ્યોના અંતરિયાળ ગામડાઓમાં પોલીસની પહોંચ અને ફોરેન્સિક જેવી સુવિધાઓની અછત પણ ગુના ઉકેલવામાં અને ગુનેગારો સુધી પહોંચવામાં તંત્રને નિષ્ફળ બનાવે છે. તેના કારણે પણ ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જણાય છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં સામાજિક ભેદભાવ અને ઉંચનીચ પણ બહુ મોટો ભાગ ભજવે છે. તેના કારણે અહીંયા માઓવાદ, નક્સલવાદ, કોમી રમખાણ, જાતીય સંઘર્ષ, રાજકીય હિંસા અને સામુદાયિક સંઘર્ષ જેવી ઘટનાઓ સતત બની રહે છે. તેના કારણે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ પણ આકાર લેતી હોય છે. તેમાંય સામાજિક ભેદભાવ અને રાજકીય કિન્નાખોરીને કારણે હત્યાનો ગ્રાફ પણ ઉંચો જાય છે.

ઉલ્લેખનીય છે કે, એનસીઆરબી પણ પોતાના અહેવાલમાં ટાંકે છે કે, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સામાજિક, આર્થિક, રાજકીય અને કાયદાની અયોગ્ય વ્યવસ્થાના કારણે ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. હત્યાની પાછળ અપહરણ અને ખંડણી, સામાજિક તથા ધાર્મિક સંઘર્ષ, પારિવારિક નારાજગી, પારિવારિક આંતરિક કલહ વગેરે કારણે જવાબદાર છે. યુપી અને બિહારમાં સામાજિક અને આર્થિક સ્થિતિ એટલી વિચિત્ર છે કે, તેના કારણે વ્યવસ્થામાં મોટી ખાઈ સર્જાયેલી છે. આ ભેદભાવ અને ઉંચનીચને કારણે તંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને ગુનાખોરી વધતી જાય છે.

બાળકો અને મહિલાઓ સામેની ગુનાખોરીની વાત કરીએ તો તેમાં પણ આ રાજ્યો મોખરે આવેલા છે. એનસીઆરબી અહેવાલ પ્રમાણે ૨૦૨૩માં બાળકો વિરુદ્ધ ગુનાના ૧.૭૭ લાખ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૨માં ૧.૬૨ લાખ હતા. આનો અર્થ એ થયો કે એક વર્ષમાં ૯.૨%નો વધારો થયો છે, જે મહિલાઓ અને વૃદ્ધોની સામેના ગુનાની સરખામણીએ સૌથી વધુ છે. જાણકારોના મતે મધ્ય પ્રદેશમાં બાળકો સામેની ગુનાખોરીનું પ્રમાણ પણ સૌથી વધારે છે. મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન બાળકો સામેના ગુનાના ૨૨,૩૯૩ કેસ નોંધાયા હતા. અહીંયા દરરોજ સરેરાશ ૪૮૬ બાળકો વિરુદ્ધ ગુના નોંધાતા હતા. એકંદરે મધ્ય પ્રદેશમાં દર ત્રણ મિનિટે એક ગુનો નોંધાતો હતો. આ જ પ્રમાણે ૨૦૨૩માં બાળકો વિરુદ્ધના ગુનાઓનો દર ૧ લાખ બાળકોની વસતીએ ૩૯.૯ હતો, જે ૨૦૨૨માં ૩૬.૬ કરતા વધારે હતો. આ ગુનાઓમાં અપહરણના ૭૯,૮૮૪ કેસ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાઓ ૬૭,૬૯૪ સૌથી મુખ્ય હતા. જાણકારોના મતે મોટાભાગના ગુનેગારો પીડિતાને જાણતા હતા. અહેવાલ પ્રમાણે ૪૦,૪૩૪ કેસમાંથી, ૩૯,૦૭૬ કેસોમાં પીડિતો અને આરોપીઓ એકબીજા માટે જાણીતા હતા. આ કિસ્સામાંથી ૩,૨૨૪ કેસોમાં પરિવારના સભ્યો, ૧૫,૧૪૬ કેસોમાં પરિચિતો અને ૨૦,૭૦૬ કેસોમાં મિત્રો જ ગુનાગાર સાબિત થયા હતા. ચિંતાજનક બાબત એવી પણ છે કે, ૨૦૨૩માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ૦.૭% અને વૃદ્ધો વિરુદ્ધના ગુનાઓમાં ૨.૭%નો વધારો થયો હતો. ૨૦૨૩ની સાલમાં મહિલાઓ અને વૃદ્ધો વિરુદ્ધ કુલ ૪,૪૮,૨૧૧ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ પતિ અથવા સાસરીયા દ્વારા ક્રૂરતા આચરવામાં આવતા હોવાના હતા. તે ઉપરાંત અપહરણ, બળાત્કાર અને છેડતીના કેસની સંખ્યા પણ વધારે હતી. સૂત્રોના મતે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન મોખરે છે. બળજબરીથી લગ્ન માટે અપહરણ સૌથી સામાન્ય ગુના બની રહ્યા હતા, ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં આવા ગુના વધારે જોવા મળ્યા હતા. એનસીઆરબીનો ડેટા જણાવે છે કે, દેશમાં બળાત્કારના કેસમાં રાજસ્થાન સૌથી ટોચના સ્થાને આવે છે. વર્ષ ૨૦૨૩માં દેશમાં કુલ ૨૯,૬૭૦ બળાત્કારના કેસ નોંધાયા હતા જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ ૫,૦૭૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૩,૫૧૬ કેસ નોંધાયા હતા. 

દિલ્હીમાં પણ બળાત્કારના ૧,૦૯૪ કેસ નોંધાયા હતા.

- કેરળમાં આત્મહત્યાનો દર પ્રતિ લાખે સરેરાશ ૩૦.૯ નોંધાયો છે 

કેરળમાં સામાજિક જાગ્રતી અને સરકારી તંત્રની કામગીરી ખૂબ જ સારી છે છતાં અહીંયા યુવાનો અને લોકો દબાણમાં આવી રહ્યા છે અને તેના કારણે અહીંયા આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં આત્મહત્યાના ગુના સૌથી વધારે કેરળ રાજ્યમાં નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે, અન્ય રાજ્યની સરખામણીએ કેરળ સૌથી વધારે શિક્ષિત, વિકસિત અને સામાજિક જાગ્રતી ધરાવતું રાજ્ય છે છતાં અહીંયા માનસિક દબાણ અને આર્થિક દબાણમાં રહેતા લોકોનું અને તેના કારણે આત્મહત્યા કરનારા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનો અને વિદ્યાર્થીઓમાં અભ્યાસ, પરિણામ, સારી કારકિર્દી અને સફળતા માટે ખૂબ જ માનસિક દબાણ વધી રહ્યું છે અને તે આત્મહત્યામાં પરિણમી રહ્યું છે. દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા પણ ખૂબ જ વધી ગયા છે. ૨૦૧૩થી ૨૦૨૩ સુધીના એક દાયકામાં આ આંકડામાં મોટો વધારો થયો છે. ૨૦૧૩માં ૮,૪૨૩ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. તેના એક દાયકા બાદ ૨૦૨૩માં ૧૩,૮૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એક દાયકામાં આત્મહત્યાના પ્રમાણમાં ૬૫ ટકાનો વધારો થયો હોવાનું જણાય છે. બીજી તરફ વાત કરીએ તો દેશમાં ૨૦૨૩માં કૂલ ૧.૭૧ લાખ લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સાથે સાથે ખેડૂતોની આત્મહત્યા પણ ચિંતાજનક છે. ૨૦૨૩માં ખેતી સાથે સંકળાયેલા ૧૦,૭૦૦થી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાનું અહેવાલમાં સામે આવ્યું હતું. આ આત્મહત્યામાંથી ૩૮.૫% મહારાષ્ટ્રના અને ૨૨.૫% કર્ણાટકના ખેડૂતો હતા. ચિંતાજનક બાબત  છે કે, દેશમાં થયેલી કુલ આત્મહત્યાઓમાંથી ૬૬.૨% પીડિતોની વાર્ષિક આવક ૧ લાખ રૂપિયાથી ઓછી હતી. અહેવાલો પ્રમાણે આ આત્મહત્યા કરનારાઓમાં ૪,૬૯૦ ખેડૂતો અથવા ખેતી કરનારા લોકો હતા જ્યારે ૬,૦૯૬ ખેત મજૂરો હતા. દેશમાં થયેલી આત્મહત્યાના આ ૬.૩ ટકા થાય છે.

- ગાંધીના ગુજરાતનું કલ્ચર બદલાયું 2023માં 968 લોકોની હત્યા કરાઈ 

અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં હવે હિંસા અને ગુનાખોરી સતત વધી રહ્યા છે. સુરક્ષિત અને સેફ ગણાતા રાજ્યમાં હવે હત્યા, બળાત્કાર, હત્યાના પ્રયાસ અને હિંસા જેવી ઘટનાઓ સતત વધી રહી છે. ગુજરાતમાં ૨૦૨૩માં ૯,૦૦૦થી વધુ લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે જ્યારે ૯૬૮ લોકોની હત્યા કરવામાં આવી છે.  ગુજરાતમાં દરરોજ સરેરાશ ૨૫ લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે. બીમારીને કારણે દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ અહેવાલ પ્રમાણે  આત્મહત્યા કરનારામાં ૬૨૬૦ પુરુષ, ૨૬૮૫ મહિલા જ્યારે ૩ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ગરીબીને કારણે ૬૭, બેરોજગારીને કારણે ૨૦૭ લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગુજરાત જેવા રાજ્યમાં જેને સમૃદ્ધ અને મોડલ સ્ટેટ કહેવામાં આવે છે ત્યાં પણ બેરોજગારી અને આર્થિક કારણોને લીધે લોકો તણાવમાં આવી ગયા છે. તેના કારણે જીવન ટુંકાવી રહ્યા છે. જોકે માત્ર ગુજરાત જ નહીં મોટાભાગના રાજ્યોમાં આત્મહત્યા પાછળ આર્થિક મુશ્કેલી વધારે સામે આવી રહી છે. આર્થિક તંગી અને દબાણ તથા કારકિર્દીમાં નિષ્ફળતાથી ઊભું થતું દબાણ લોકોને જીવ ટુંકાવવા મજબૂર કરી રહ્યા છે. ગુજરાતની જ વાત કરીએ તો બીજી તરફ હત્યાના ૩૦ ટકા જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. અહેવાલો જણાવે છે કે, સામાન્ય બોલાચાલીમાં ૩૦૨ લોકોની હત્યા કરાઈ હતી જ્યારે અંગત અદાવતમાં ૧૫૪ લોકોની હત્યા થઈ હતી. આ ઉપરાંત પ્રેમ પ્રકરણમાં પણ ૧૪૪ લોકોની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું. જાણકારોના મતે હત્યાના કુલ ૬૮ કેસમાં ગુનેગારોની ઉંમર ૧૮થી ઓછું હોવાનું સામે આવ્યું છે.