અમેરિકા સામે લડવા ચીન પાકિસ્તાનનો ઊંટ તરીકે ઉપયોગ કરી રહ્યું છે

ઓપરેશન સિંદુર સમયે પાકિસ્તાનને ચીનના શસ્ત્રો, મિસાઈલ સાથે ઈન્ટેલીજન્સનો પણ સાથ મળ્યો
અમેરિકા અને ચીન વચ્ચે વિશ્વ ઉપર આધિપત્ય જમાવવાના અઘોષિત યુદ્ધમાં પાકિસ્તાનનો ઊંટ તરીકે ઉપયોગ થયો હોવાનું હવે સત્તાવાર જાણવા મળ્યું છે. ચીનના યુદ્ધ વિમાનો, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને અન્ય શસ્ત્રોની સાથે પાકિસ્તાને ભારત સામે વાપરેલા ડ્રોન થકી તુર્કીએ પણ મેદાનમાં હતું. ભારતના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાહુલ સિંઘે સત્તાવાર જણાવ્યું છે કે ઓપરેશન સિંદુર દરમિયાન ભારત માત્ર પાકિસ્તાન સામે નહીં પણ ચીન અને તુર્કી એમ ત્રણ દેશ સામે લડી રહ્યું હતું. એટલું જ નહીં, લશ્કરના નાયબ વડાએ એવો પણ દાવો કર્યો છે કે ચીન ભારતની દરેક કાર્યવાહીની પળેપળની માહિતી પાકિસ્તાનને આપી રહ્યું હતું.
વિશ્વની ટોચની બે આર્થિક અને લશ્કરી મહાસત્તા - અમેરિકા અને ચીન - વચ્ચે અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ આર્થિક, રાજદ્વારી અને લશ્કરી રીતે પરોક્ષ રીતે લડાઈ રહ્યું છે. વિશ્વ ઉપર વર્ચસ્વ જમાવવા માટે દુશ્મનના દુશ્મનને મિત્ર ગણી બન્ને દેશો એકબીજા સામે જંગે ચડયા છે. અને આ જંગ એશિયા અને આફ્રિકામાં સૌથી વધારે વ્યાપક અને ઉગ્ર છે. ભારતને આ પરોક્ષ યુદ્ધનો તાજેતરમાં કડવો અનુભવ થઇ ગયો હતો આધિપત્યની આ લડાઈમાં એશિયામાં ઈરાન, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશનો સૈન્ય અને આર્થિક રીતે ઉપયોગ થઇ રહ્યો છે. આફ્રિકન દેશોના મિનરલ્સમાં અબજો ડોલરનું રોકાણ કરી ચીન પોતાનું પેટ ભરી રહ્યું છે.
પહલગામ ખાતે ટુરિસ્ટ ઉપર અંધાધૂંધ ગોળીબારના નૃશંસ ત્રાસવાદી એટેક બાદ ભારતે આંતકવાદને જન્મ, ઉછેર અને પોષણ આપતા પાકિસ્તાન ઉપર સફળ સર્જિકલ સ્ટ્રાઈક સ્વરૂપે ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું હતું. ભારતના ઓપરેશનમાં નાપાક ત્રાસવાદી કેમ્પ, કેટલાક વૈશ્વિક સ્તરે વોન્ટેડ ત્રાસવાદીઓનો ખતમ થઇ ગયા છે. આર્થિક, લશ્કરી અને વ્યુહાત્મક રીતે નબળું હોવા છતાં વિરાટ ભારત સામે વામન પાકિસ્તાન બદલો લેવાની નેમ સાથે મેદાનમાં ઉતર્યું હતું. પણ, પાકિસ્તાન ભૂતકાળના ત્રણ યુદ્ધની હારની યાદ ભૂલી, વર્તમાનની ભારતની સૈન્ય શક્તિ સામે નબળું હોવાની હકીકત સ્વીકાર્યા વગર સખણું નથી રહેતું.
આ ઘટના દરમિયાન દુશ્મન (ભારત)ના દુશ્મન (પાકિસ્તાન)ના પડખે ઉભા રહેવાની ચીને ખુલ્લેઆમ જાહેરાત કરી હતી. અમેરિકાની લશ્કરી અને નાણાકીય સહાય ૨૦૧૮માં બંધ થયા પછી ચીને ઇસ્લામાબાદનો હાથ ત્વરિત પકડી લીધો. પાકિસ્તાનના ૮૨ ટકા શસ્ત્રો ચીને આપેલા છે. ભારત સાથે સરહદનો વિવાદ, અરૂણાચલ પ્રદેશ ઉપર ભારતનો કાયદેસરનો કબજો નહીં સ્વીકારનાર ચીન ભારત સામે પણ પરોક્ષ યુદ્ધે ચડયું છે. ઓપરેશન સિંદુર શરુ થયું અને પાક વિદેશ મંત્રી ચીનના ઇસ્લાબાદ ખાતેના રાજદૂતને મળવા દોડી ગયા હતા. પાકિસ્તાન ચીન પાસેથી ખરીદેલા કે મળેલા શસ્ત્રોનો ભારત સામે ઉપયોગ કરી રહ્યું છે. ચીને આપેલા દાન કે લોનના નાણા પણ ખર્ચી રહ્યું છે.
દરમિયાન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થયા પછી આર્થિક મહાસત્તા, દુનિયાની ફેક્ટરી એવા ચીન સામે ઘર્ષણમાં ઉતર્યા છે. ચીનથી અમેરિકા આવતી ચીજો ઉપર જંગી ટેરિફ લાદી ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ગલવાન વેલીમાં સશસ્ત્ર અથડામણ બાદ બન્ને દેશના રાજદ્વારી, સામાજિક સબંધોમાં ખટાશ આવી. ભારતે ચીન ઉપર કેટલાક પ્રતિબંધ મૂક્યા. જોકે, અમેરિકાના ટેરિફ પછી અને રશિયા - ચીનની ભાગીદારી બાદ બન્ને દેશ ફરી વાતચીત કરતા થયા છે. કૈલાસ માનસરોવરની યાત્રાનો ચીને માર્ગ ખોલી આપ્યો, ભારતે ચીન સાથે વ્યાપારી સંબંધો ફરી શરૂ કરવાના સત્તાવાર સંકેત પણ આપી દીધા છે. આમ છતાં ચીને ફરીએકવાર ભારતને દગો આપ્યો છે.
તા.૭ મેના રોજ ઓપરેશન સિંદુર શરૂ કર્યું અને તા. ૮ના રોજ પાકિસ્તાને ભારત ઉપર વળતો હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. આ હુમલામાં પાકિસ્તાની સેનાએ ચીની બનાવટની મિસાઈલ, ડ્રોન અને ભારતના હુમલા ખાળવા માટે ચીને આપેલી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ થયો છે. સર્વેલન્સ કે માહિતી એકત્ર કરવા માટે પાકિસ્તાન તુર્ક બનાવટના ડ્રોન ઉપયોગ કરે છે જયારે શસ્ત્ર સાથે હુમલો કરવા માટે ચીનના ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે. હવાઈ હુમલા માટે પાકિસ્તાને અમેરિકન બનાવટના એફ-૧૬ ઉપરાંત ચીનના જે-૧૦ અને જેએફ-૧૭ બ્લોક થ્રી ફાઈટર જેટનો ઉપયોગ કર્યો છે. આ યુદ્ધ વિમાન એફ-૧૬ કરતા એડવાન્સ છે ભારતના રાફેલ કે રશિયાના સુખોઈ-૫૭ને પણ મહાત કરી શકે એવો ચીનનો દાવો છે. આ ઉપરાંત, તાબડતોડ પીએલ-૧૫ નામની, નરી આંખે નજર ન પડે તેવી (બિયોન્ડ વિઝયુઅલ રેન્જ) નામની એર-ટુ-એર મિસાઈલ મોકલી આપી છે. આ મિસાઈલ જેએફ-૧૭ ફાઈટર જેટથી છોડવાની હોય છે.
એશિયા અને ઇન્ડો-પેસિફિક રિજિયનમાં ચીન સામે માત્ર ભારત જ એક પડકાર છે. બીજું, ભારતની અમેરિકા સાથેની આર્થિક અને સૈન્ય ભાગીદારી, અર્થતંત્રની શક્તિ, રાજકીય સ્થિરતા ચીનને અકળાવે છે. એટલું જ નહીં, પશ્ચિમમાં પાકિસ્તાનની જેમ ઉત્તરથી ઇશાન સુધી ભારતની ૪૦૫૬ કિલોમીટરની સરહદે જ્યાં મોકો મળે ત્યાં ચીને લશ્કરી થાણા, એરસ્ટ્રીપ સ્થાપેલા છે. એટલું જ નહીં, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને હવે બાંગ્લાદેશને પોષી, આર્થિક મદદના બહાને ભારતને ચારેબાજુથી ઘેરવાની તેની મહેચ્છા દુનિયાની છૂપાયેલી નથી.
ચીન સક્રિય ન હતું. પણ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં પોતાના ભારત સામેના સ્વાર્થ સિદ્ધ કરી રહ્યું હતું.. ચીન પ્રપ્રેક્સી યુદ્ધમાં ઉતર્યું અને પોતાના માટે વિશેષ માહિતી એકત્ર કરી રહ્યું હતું. એટલું જ નહીં પળે-પળની માહિતી અને ભારતની લશ્કરી હિલચાલની વિગતો પાકિસ્તાનને પહોચાડી રહ્યું હતું.. એવી માહિતી કે જે શાંતિના સંજોગોમાં શક્ય ન હોય અને એવી કેટલીક શક્તિ કે જ્ઞાાન કે જે માત્ર યુદ્ધની સ્થિતિમાં જ મળી શકે!
ઓપરેશન સિંદુર સમયે પાકિસ્તાને ભારતના આધુનિક રાફેલ જેટ ફાઈટરને તોડી પાડયા હોવાનો દાવો કરેલો. ભારતે તેનો સીધો સ્વીકાર નથી કર્યો પણ એવી માન્યતા છે કે ચીનના જે-૧૦ અને રાફેલ વચ્ચે 'ડોગફાઈટ' થયેલી. દ્યુદ્ધ વિમાનો એકબીજાને પરાસ્ત કરવા માટે પૂછડીએ દોડે, કરતબ અને કુશળતાના આધારે બચવા પ્રયત્ન કરે એવી લડાઈને ડોગફાઈટ કહેવાય. જયારે ફાઈટર જેટ કે મિસાઈલ કે અન્ય લશ્કરી સરંજામનું ઉત્પાદન થાય ત્યારે આવા અનેક ટેસ્ટ થતા હોય છે પણ વાસ્તવિક યુદ્ધની સ્થિતિ અલગ હોય છે. ભારત - પાકની આ ડોગફાઈટમાં વિમાનની ક્ષમતા કે ઉણપ અને પાયલોટે તાલીમમાં મેળવેલી કુશળતાનો ઉપયોગ જોવા મળે છે. આ તક વિશેષ જ્ઞાાન આપે છે અને ચીન એ બહુમૂલ્ય જ્ઞાાન મેળવી રહ્યું છે. આવી જ તક એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ સિસ્ટમ, રડાર અને ડ્રોન માટે પણ વાસ્તવિક યુદ્ધની સ્થિતિમાંથી ચીન એકત્ર કરી હોવાની હવે સત્તાવાર સ્વીકૃતિ મળી છે.
ભારત માટે પાકિસ્તાનને કેન્દ્રમાં રાખી લશ્કરી શક્તિ ઉભી કરવાના બદલે હવે ચીનને હંફાવવા માટે આર્થિક, રાજદ્વારી અને લશ્કરી સત્તા ઉભી કરવાનો સમય આવી ગયો છે. ચીન મિત્રતાનો ડહોળ કરી ભારતને ભૂતકાળમાં બે વખત પીઠમાં ખંજર ભોંકી ચુક્યું છે. રાજદ્વારી રીતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની છેલ્લી બેઠકમાં પહલગામ ત્રાસવાદી હુમલા અંગે ઘોષણાપત્રમાં ઉલ્લેખ નહીં કરીને પોતાની મેલી મુરાદનો પરિચય પણ આપ્યો હતો. આ સ્થિતિમાં ભારતે વધારે સાવચેત રહી તેની શક્તિ અને ભવિષ્યનો વિચાર કરવાનો છે.

- ભારતની રજેરજની હરકત પર ચીની સેટેલાઈટની નજર
રડાર, ગુપ્તચરો અને પાકિસ્તાન તરફથી મળી રહેલી પ્રથમદર્શી યુદ્ધની માહિતી ઉપરાંત ચીનનું એક વિશાળ નેટવર્ક ભારતની ગતિવિધિઓ ઉપર, ભારતની સેનાની ત્રણ પાંખ - આર્મી, નેવી અને એરફોર્સ - કેવી જવાબી કાર્યવાહી કરે છે. ક્યા સ્થળેથી કરી રહી છે, ક્યા મિલીટરી ઇકવીપમેન્ટથી કરી રહી છે તેની રજેરજની માહિતી ચીન એકત્ર કરી રહ્યું હતું.
પોતાની જ બનાવટના પણ પાકિસ્તાની સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા યુદ્ધ જહાજ, મિસાઈલ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમનું યુદ્ધમાં અને એ પણ જાહેરમાં ટેસ્ટીંગ કરાવી રહ્યું છે. સૌથી ખતરનાક છે તેનું સ્પેસ ઈન્ટેલિજન્સ નેટવર્ક. લંડન સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝના મતે ચીનનું સ્પેસમાં ૨૬૭ સેટેલાઈટનું નેટવર્ક છે અને તેમાંથી ૧૧૫ માત્ર ગુપ્ત માહિતી એકત્ર કરવા, સર્વેલન્સ માટે છે. આ ઉપરાંત, ૮૧ સેટેલાઈટ માત્ર દુનિયાના દરેક દેશની મિલીટરી ઇન્ફર્ર્મેશન એકત્ર કરી રહ્યા છે. સ્ટ્રેટેજીક અને મિલીટરી બાબતોના નિષ્ણાતો માને છે કે વર્તમાન ઘર્ષણમાં સ્પેસ અને જમીન બન્ને રીતે ચીન ભારતની લશ્કરી શક્તિની માહિતી એકત્ર કરી રહ્યું છે. ભારત વળતો હુમલો કરવા માટે કે પાકિસ્તાનનો હુમલો ખાળવા માટે, ડ્રોન કે મિસાઈલ તોડી પાડવા માટે, ભારતની મિસાઈલ ક્યાંથી છોડવામાં આવી, કઈ મિસાઈલ છોડી, નૌસેના કેવી રીતે કામ કરે છે તેની માહિતી એકત્ર કરી રહ્યું હતું.








