દુનિયાની ત્રીજા ભાગની વસતી ખાદ્ય સંકટનો સામનો કરી રહી છે

- ગાઝામાં સર્જાયેલા ખાદ્ય સંકટ સિવાય દુનિયામાં આફ્રિકા સહિત કેટલાક વિસ્તારોમાં 28 ટકા વસતી પાસે ભોજનની વ્યવસ્થા નથી
- વિશ્વમાં કુલ 2.3 અબજ લોકો ખાદ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમાંય આફ્રિકામાં સ્થિતિ સૌથી ખરાબ છે, ત્યાં 10 માંથી 6 લોકો પાસે પોષણયુક્ત આહારનો અભાવ છે : દુનિયાભરના 65 દેશોમાં ખાદ્ય સંકટ સર્જાયેલું છે તેમાંથી ૫૩ દેશોમાં ખાદ્ય વ્યવસ્થા મુદ્દે ભયાનક સ્થિતિ છે, વિશ્વના 29.53 કરોડ લોકો પાસે બે ટંકનું ખાવાનું પણ નથી : યુદ્ધો, સંઘર્ષો, ગૃહયુદ્ધ, કુદરતી આપત્તીઓ, આર્થિક જોખમો અને બીજી ઘણી બાબતોના કારણે દુનિયાના ઘણા દેશોમાં ભૂખમરો અને કુપોષણનો દાનવ લોકોને ભરખી રહ્યો છે : 2023થી 2024માં અત્યંત ભયાનક ખાદ્યાન્ન કટોકટીનો સામનો કરી રહેલા અને તેમાંય જીવલેણ ભૂખમરો ભોગવી રહેલા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે જેમાંથી 95 ટકા લોકો પેલેસ્ટાઈન એટલે કે ગાઝા પટ્ટી અને સુદાનમાં છે
ગાઝામાં ફેલાયેલા ભુખમરા અને કુપોષણે દુનિયાની નજર તેના ઉપર કેન્દ્રીત કરી છે પણ વાસ્તવિકતા તો તેનાથી વધારે વરવી અને ભયાનક છે. માત્ર ગાઝા નહીં દુનિયાના એટલા બધા પ્રદેશો અને દેશો છે જ્યાં લોકોને પૂરતું ભોજન નથી મળતું અને કદાચ ભોજન મળી જાય તો તે પોષણક્ષમ હોતું નથી. તેના કારણે લોકો ભુખમરો અને કુપોષણના ભોગ બની રહ્યા છે. દુનિયામાં એક તરફ ખાદ્ય ઉત્પાદનો રેકોર્ડ તોડ સ્તરે વધી રહ્યા છે અને બીજી તરફ કરુણતા એ છે કે, દુનિયામાં ખાદ્ય સંકટ પણ તેવી જ ગતિથી વધી રહ્યું છે. તાજેતરમાં આવેલા યુએનના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અહેવાલો અત્યંત ચિંતાજનક છે. તેમાં જણાવાયું છે કે, દુનિયાના કુલ ૨.૩ અબજ લોકો પાસે ભોજનની પૂરતી વ્યવસ્થા નથી. અહેવાલો જણાવે છે કે, દુનિયાના કુલ ૨૯.૫૩ કરોડ લોકો દયનીત અને અસહ્ય ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષ કરતા આ આંકડામાં ૧.૪૦ કરોડનો વધારો થયો છે. આમ જોવા જઈએ તો દુનિયાની ત્રીજા ભાગની વસતી પાસે બે ટંક ભોજનની વ્યવસ્થા નથી તેવું માની શકાય. તેમાંય આફ્રિકા ક્ષેત્રમાં તો હાલત એટલી બધી ખરાબ છે કે, અહીંયા ૧૦ લોકોમાંથી ૬ લોકોને પોષણક્ષમ ભોજન મળતું નથી. તેમની પાસે ખાવાના કોઈ વિકલ્પ જ નથી કે વ્યવસ્થા જ નથી. જાણકારોના મતે દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધો, સંઘર્ષો, ગૃહયુદ્ધો, ગ્લોબલ વોર્મિંગના કારણે સર્જાયેલા ક્લાઈમેટ ચેન્જ, અન્ય કુદરતી આપત્તીઓ, આર્થિક અસમાનતાઓ અને જોખમોના કારણે દુનિયાના ઘણા દેશો અને પ્રદેશોમાં લોકોને બે ટંક પૂરતું ભોજન મળતું નથી. લોકો પાસે પોષણયુક્ત ભોજનનો પણ અભાવ છે.
ખાદ્ય સંકટ સાથે સંકળાયેલા જાણકારોના મતે આફ્રિકા ખંડની સ્થિતિ અત્યંત કફોડી છે. વૈશ્વિક સંકટમાંથી લગભગ અડધા ભાગની સમસ્યા આ વિસ્તારમાં છે. અહીંયા હાલમાં ખાદ્ય સંકટના જે આંકડા સામે આવી રહ્યા છે તે કોરોનાકાળ કરતા પણ ખરાબ અને તેની પહેલીની સ્થિતિ કરતા પણ અત્યંત વરવા છે. સામાન્ય સ્થિતિમાં આપણે સમજીએ કે લોકોને દિવસ દરમિયાન ભોજન માટે ચિંતા કરવી પડે છે. તેમને સમગ્ર દિવસ દરમિયાન ભોજન મળી રહે છે કે નહીં તેવા સામાન્ય સવાલોના જવાબ પણ જો નામાં આવતા હોય તો તે ખાદ્ય સમસ્યા ગણી શકાય. તેમાંય જો કોઈ વ્યક્તિ એવું જણાવે કે, તેણે સમગ્ર દિવસ ભોજન કર્યા વગર પસાર કર્યો છે તો માની લેવું કે ત્યાં ખાદ્ય સંકટ અત્યંત ભયાનક સ્થિતિમાં છે. દુનિયામાં ૯૦ કરોડ લોકોને મધ્યમ ખાદ્ય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંય ૨૯.૫૩ કરોડ લોકો અત્યંત દયનીય હાલતમાં છે. તેમની પાસે બે ટંક ભોજન નથી. દુનિયાના ખાદ્યાન્ન સંકટથી પીડાતા કુલ લોકોમાંથી અડધાથી વધારે લોકો આ હાલતમાં જીવન પસાર કરી રહ્યા છે. બાકીના લોકોને એકાદ ટંક ભોજન મળી જાય છે પણ તેમને પોષણયુક્ત આહારથી વંચિત રહેવું પડે છે.
જાણકારોના મતે ગાઝાથી માંડીને સાહેલ સુધીના વિસ્તારોમાં ચાલી રહેલી ભયાનક સંઘર્ષની સ્થિતિએ ખાદ્ય સંકટ ઊભું કર્યું છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં પૂર, દુષ્કાળ, અતિશય ગરમી, અતિશય ઠંડી જેવા ક્લાઈમેટ ચેન્જની પણ વ્યાપક અસર થઈ છે અને ઊભા પાક નાશ પામ્યા છે અને જાનવરોનાં પણ મોત થયા છે. બીજી તરફ વર્લ્ડ બેન્કનો અહેવાલ જણાવે છે કે, અનેક દેશોમાં ફુગાવો કાબુ બહાર જતો રહ્યો છે, ખાદ્ય પદાર્થોના ભાવ આકાશને આંબી રહ્યા છે, વૈશ્વિક ખાદ્ય સામગ્રીઓ પહોંચી રહી નથી અથવા તો ખરીદી શકાય તેવી સ્થિતિ નથી. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દેશો પાસે વૈશ્વિક સામગ્રી મગાવવાની વ્યવસ્થા નથી અને નાણાનો પણ અભાવ છે તેથી લોકો પાસે પૂરતું ભોજન નથી.
માત્ર અભાવ જ નહીં પણ અન્ય સામાજિક અને રાજકીય સમસ્યાઓ પણ ખાદ્યાન્ન સંકટ પાછળ જવાબદાર હોવાનો મત છે. જાણકારોના મતે ભ્રષ્ટાચારના કારણે પણ લોકો સુધી મદદ પહોંચી રહી નથી. આ સિવાય કુદરતી આપત્તીઓના કારણે તથા નાણાનું અવમૂલ્યન થવાના કારણે પણ દેશોની મદદ લેવાની કે ખરીદશક્તિ ઘટી ગઈ છે. સંઘર્ષ અને વિસ્થાપન પણ મોટું કારણ છે. સંઘર્ષ અને વિસ્થાપનના કારણે ૨૦ દેશોમાં આ સંકટ સર્જાયેલું છે.
ચિંતાની વાત એ છે કે, યુએન અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ૨૦૩૦ સુધીમાં ભુખમરો સદંતર દૂર કરવાનું લક્ષ્ય ઘણા વખત પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું. હવે માત્ર પાંચ જ વર્ષનો સમય બાકી રહ્યો છે પણ ખાદ્ય સંકટ ધરાવતા દેશો અને લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ સતત છઠ્ઠું વર્ષ છે જેમાં ખાદ્ય સંકટ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ૧.૪૦ કરોડ લોકોનો ઉમેરો થયો છે. આ સંશોધનમાં જોડવામાં આવેલા દેશોમાંથી ૧૯ દેશોમાં કે જ્યાં સંઘર્ષ અથવા યુદ્ધની સ્થિતિ છે ત્યાં ખાદ્યસંકટ ચિંતાજનક છે. નાઈજિરિયા, સુદાન, મ્યાંમારમાં અને બીજા પંદર દેશોમાં હાલત કફોડી છે. અફઘાનિસ્તાન, કેન્યા, યુક્રેન જેવા દેશોમાં સ્થિતિમાં થોડો સુધારો થયો છે, આર્થિક સ્થિતિ સુધરે તેવા સંકેત છે તો ત્યાં આગામી સમયમાં ખાદ્ય સંકટ સામાન્ય બને તેમ લાગે છે.
જે દેશોમાં કટોકટી ચાલી રહી છે, ગૃહયુદ્ધની સ્થિતિ છે કે સરહદપારના યુદ્ધની સ્થિતિ છે ત્યાં હાલત વધારે બદતર છે. આ દેશોમાં માત્ર એક જ વર્ષમાં ૨૦૨૩થી ૨૦૨૪માં અત્યંત ભયાનક ખાદ્યાન્ન કટોકટીનો સામનો કરી રહેલા અને તેમાંય જીવલેણ ભૂખમરો ભોગવી રહેલા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે જેમાંથી ૯૫ ટકા લોકો પેલેસ્ટાઈન એટલે કે ગાઝા પટ્ટી અને સુદાનમાં છે. સાઉથ સુદાન, હૈતી અને માલીમાં પણ ભુખમરો ભોગવી રહેલા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. એકંદરે ૩૬ દેશોમાં અંદાજે ૩.૬ કરોડ લોકો જીવલેણ ભુખમરાનો સામનો કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો ખાદ્યાન્ન સંકટ ઊભું થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે અને તેઓ એકબીજા સાથે જોડાયેલા જ છે. જાણકારોનું એવું પણ માનવું છે કે, ખાદ્યાન્ન સંકટ માટે વહેલી જાહેરાત કરવામાં આવે, સક્ષમ દેશોને મદદ માટે જાણ કરવામાં આવે, ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવે તથા યોગ્ય ફૂડ સપ્લાય ચેઈન વિકસાવવામાં આવે અને ખાદ્ય પદાર્થોનો બગાડ ઓછો કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે પણ તેના માટે હજી ઘણી મહેનત કરવી પડે તેમ છે.
સુદાન, ગાઝાપટ્ટી, યમન અને માલી કુપોષણ મુદ્દે અત્યંત કટોકટીની સ્થિતિમાં
પેલેસ્ટાઈન એટલે કે ગાઝાપટ્ટીમાં ભુખમરાની સ્થિતિ અત્યંત કફોડી છે. અહીંયા ભુખમરો મહામારીની જેમ ફેલાયેલો છે. દરરોજ ઘણા લોકોનાં જીવ જઈ રહ્યા છે અને તેમાં બાળકોની સંખ્યા વધારે છે. જાણકારોના મતે ફેબ્રુઆરી ૨૦૨૪ બાદ અહીંયા ભુખમરાની સ્થિતિમાં ૩૦ ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. આ વર્ષે માર્ચમાં અહીંયા દુષ્કાળની પણ જાહેરાત કરી દેવાઈ છે. અહીંયા ભોજન અને અન્ય સેવાઓ મોકલવામાં આવી રહી છે પણ તે લોકો સુધી પહોંચી રહી નથી. જાણકારોના મતે જે સશ સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઈઝરાયેલ દ્વારા જે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે તેના કારણે લોકો સુધી પૂરતી મદદ જતી નથી અને સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં લોકોની ભુખમરાથી મૃત્યુ પામવાની ઘટનાઓ વધવા લાગે તેમ છે. હાલમાં વિશ્વના પાંચ દેશોમાં કુલ ૧૯.૫૦ લાખ લોકો જીવલેણ ભુખમરાની સ્થિતિમાં છે. ચિંતાજનક બાબત એ છે કે, ગત વર્ષે આવો ભુખમરો વેઠનારા લોકોની સંખ્યા ૭ લાખ હતી જે આ વર્ષે ત્રણ ગણા સુધી પહોંચી ગઈ છે. તેમાંથી ૧૧ લાખ લોકો ગાઝાપટ્ટીના છે. ત્યારબાદ ક્રમ આવે છે સુદાનનો. સુદાનમાં ૭.૫૫ લાખ લોકો અસહ્ય ભુખમરો વેઠી રહ્યા છે. સાઉથ સુદાનમાં પણ ૮૦ હજાર લોકો ભુખમરાની ઝપેટમાં આવી ગયેલા છે. એપ્રિલ ૨૦૨૩થી ઝમઝમ ખાતે દુષ્કાળની જાહેરાત કરવામાં આવી હતી. જાન્યુઆરી સુધીમાં ઝમઝમના રેફ્યુજી કેમ્પમાં રહેનારા લોકોની સંખ્યામાં ૨૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જાણકારોના મતે મે મહિના બાદ ઝમઝમ સિવાયના સુદાનના અન્ય પાંચ પ્રદેશોમાં દુષ્કાળની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી અને ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં આ વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરી દેવામાં આવશે. યમનમાં ચાર જિલ્લામાં અસહ્ય ભુખમરાની સ્થિતિ જુલાઈ ૨૦૨૪માં જ જાહેર કરી દેવામાં આવી હતી અને આજે એક વર્ષે પણ ત્યાં સુધારાના કોઈ સંકેત નથી. પ્રજા વિસ્થાપિત થઈ ગઈ છે અથવા ભુખથી મરવા લાગી છે. માલીમાં પણ ઓક્ટોબર ૨૦૨૪થી આવી જ સ્થિતિ છે. બાળકો અને સગર્ભા માતાઓમાં કુપોષણનું પ્રમાણ અસહ્ય રીતે વધી ગયું છે. તેના મેનાકા કેમ્પમાં પણ યોગ્ય સુવિધાઓ અને સહાય પહોંચતા નથી તેથી બાળકોમાં બિમારીનું પ્રમાણ વધવા લાગ્યું છે.
26 દેશોમાં 6-60 મહિનાના 7.53 કરોડ બાળકો કુપોષણનો શિકાર
કુપોષણની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. દુનિયાના ૨૬ દેશોમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે. ૬ મહિનાથી માંડીને ૬૦ મહિના એટલે કે પાંચ વર્ષ સુધીના બાળકોમાં કુપોષણનું પ્રમાણ અત્યંત વધારે છે. આ દેશોમાં ૨.૭૫ કરોડ બાળકો કુપોષણના પ્રાથમિક તબક્કામાં છે. ૩.૭૭ કરોડ બાળકો મધ્યમ સ્તરના કુપોષણનો શિકાર થઈ ગયા છે અને તેમની સ્થિતિ સુધારવામાં નહીં આવે તો આગળ જતા આ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેશે. હાલમાં આ દેશોમાં ૧.૦૨ કરોડ બાળકો અત્યંત કુપોષિત છે અને તેમના જીવને પણ જોખમ છે. આમ જોવા જઈએ તો અંદાજે ૭.૫૩ કરોડ બાળકો કુપોષણનો શિકાર છે અને તેમને આ સ્થિતિમાંથી બહાર લાવવા અત્યંત જરૂરી છે. નાઈજિરિયામાં સૌથી વધારે ૫૪ લાખ બાળકો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ૪૫ લાખ, સુદાનમાં ૩૭ લાખ, અફઘાનિસ્તાનમાં ૩૫ લાખ, ઈથોપિયામાં ૩૩ લાખ, યમનમાં ૨૪ લાખ, પાકિસ્તાનમાં ૨૧ લાખ, સાઉથ સુદાનમાં ૨૧ લાખ, નાઈજરમાં ૧૭ લાખ તથા ચાડમાં ૧૭ લાખ બાળકો સૌથી વધારે કુપોષણનો શિકાર થયેલા છે. આ સિવાય ૨૧ દેશોમાં ૧.૧૦ કરોડ સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ પણ કુપોષણનો શિકાર થયેલી છે. તેમના અને તેમના બાળકના સ્વાસ્થ્યને મોટું જોખમ રહેલું છે.









