સરક્રીક : છેલ્લા પોણા બસ્સો વર્ષથી સળગતો વિવાદ

- જમીન અને પાણીની વહેંચણી મુદ્દે અંગ્રેજોના શાસન પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી
- ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલી સરહદ જે જમ્મુ-કાશ્મીરથી પંજાબ થઈને રાજસ્થાન અને ત્યાંથી ગુજરાત આવે છે અને કચ્છના છેડે સમાપ્ત થાય છે અને તેની માલિકીનો વિવાદ છે : પાકિસ્તાન અંગ્રેજોના 1914ના નકશાને સાચો ગણાવીને તમનો અધિકાર બતાવે છે જ્યારે ભારત 1925ના અંગ્રેજોના નકશાને સાચો માનીને તેને માન્યતા આપવાની વાત કરે છે : 1965ના યુદ્ધમાં ભારત અને પાકિસ્તાનનો સંઘર્ષ અટક્યો ત્યારે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી. બહારના દેશોની ટૂકડી ભારત અને પાકિસ્તાનની સરહદ નક્કી કરવા બેઠી હતી. તે સમયે પણ ટ્રિબ્યુનલે કચ્છનો 90 ટકા હિસ્સો ભારતનો હોવાની જાહેરાત કરી હતી
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુજરાતના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે, સરહદ ઉપર તથા સરક્રીક પાસે કોઈપણ પ્રકારની આડોડાઈ કરવામાં આવશે તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે, તેથી આવું કંઈ વિચાર પણ કરવો નહીં. વાત એવી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે તે જમ્મુ કાશ્મીરથી શરૂ કરીને પંજાબ થઈને રાજસ્થાનથી ગુજરાત સુધી આવે છે. ગુજરાતમાં જ્યાં આ સરહદ પૂરી થાય છે તે વિસ્તાર અરબ સાગરમાં આવેલો છે. તેને સરક્રીક કહેવામાં આવે છે. ઈતિહાસ ઉપર નજર કરીએ તો આ નામ તો અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું હતું. તેની પહેલાં લોકો આ જગ્યાને બાણ ગંગાના નામે ઓળખતા હતા. આમ તો આ એક નદીનું મુખ છે જે અરબ સાગરમાં ખુલે છે અને પાણી બધું સમુદ્રમાં સમાઈ જાય છે. અહીંયાથી દરિયાનું ખારું પાણી પણ નદીમાં અંદર પ્રવેશ કરે છે. આવા આ ભૌગલોકિક પ્રદેશમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પૂરી થાય છે. બાણ ગંગાની એક તરફ ભારત છે અને બીજી તરફ પાકિસ્તાન છે. આ બંને કિનારા ૯૬ કિલોમીટર સુધી એકબીજાની સાથે ચાલે છે. ત્યારબાદ આ બંને કિનારા પોતાની તરફ વળી જાય છે. એક તરફ ગુજરાત આવી જાય છે જ્યારે બીજી તરફ પાકિસ્તાન આવી જાય છે.
ઈતિહાસ પ્રમાણે અંગ્રેજોએ આ બાણ ગંગા નદીમાં વચ્ચે થાંભલા રાખી દીધા હતા અને તેના સીધા બે ભાગ કરી દીધા હતા. એક તરફ પાકિસ્તાનનો ભાગ અને તેનું પાણી જ્યારે બીજી તરફ ભારતનો ભાગ અને તેનું પાણી. આંતરરાષ્ટ્રીય કાયદા પણ એવું કહે છે કે, કોઈ ભૌગોલિક વિસ્તારમાં પાણી હોય અને હોડી ચાલી શકે તેટલું ઉંડું પાણી હોય તથા તેના બે અલગ અલગ ભાગમાં બે દેશ હોય ત્યારે તેના ભાગ સહેલાઈથી પાડી શકાય છે. કોઈપણ દેશની જમીની સપાટીથી નીચે પાણીની અંદરની જમીની સપાટીએ મધ્યમાં પહોંચીએ ત્યાં સુધીનો ભાગ તેનો અને બીજો ભાગ બીજા દેશનો. અંગ્રેજોએ પણ આ જ નિયમ હેઠળ બાણ ગંગાના ભાગ પાડયા હતા પણ પાકિસ્તાન તે સ્વીકારવા તૈયાર નથી. તેનું કહેવું છે કે, જમીન પૂરી થાય છે ત્યાં ભારતની સરહદ પણ પૂરી થઈ જાય છે. નદીના એક કિનારે ભારતની સરહદ આવી જાય છે. ત્યારબાદ સમગ્ર નદી અને બીજી તરફનો કિનારો પાકિસ્તાનનો ભાગ છે.
પાકિસ્તાન આ મુદ્દે જે દલીલ કરે છે તે આઝાદી પહેલાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરે છે. તે કહે છે કે, જે પાણી ઉપર હોડી ચાલી શકે તેના બે ભાગ પાડવાનો નિયમ તો નવો છે. આ પ્રદેશ જૂનો છે. અહીંયા હોડી ચાલી શકે તેમ જ નથી. હકિકત એવી છે કે, બાણગંગા એવો પ્રદેશ છે જ્યાં બારે માસ પૂરતું પાણી રહેતું નથી. અહીંયા ઉનાળા દરમિયાન પાણી એટલું બધું સુકાઈ જતું હતું કે, ત્યાં હોડીઓ ચાલી શકતી નહોતી. અહીંયા કાદવ થઈ જતો હતો જેમાં હોડી ફસાઈ જતી હતી. તેથી તેને આ નિયમ લાગે નહીં. ૯૬ કિ.મીનો આ પટ્ટો હવે તો પહેલાં જેવો રહ્યો નથી. તે ઉપરાંત વર્તમાન સમયમાં તો હવે બારે મહિના ચાલે તેવી હોડીઓ આવી ગઈ છે. પાકિસ્તાન એવો દાવો કરે છે કે, આ સરક્રીકમાં દરિયાનું પાણી નીચેથી જાય છે અંદર જાય છે તેથી અહીંયા નદીની વચ્ચેથી નહીં પણ ભારતના કિનારેથી જ સરહદની ગણતરી થવી જોઈએ.
અહીંયા એક દલીલ એવી પણ આવે છે કે, જો દરીયાનું પાણી નીચેથી જ નદીમાં આવતું હોય તો પાકિસ્તાનના કિનારેથી પણ બોર્ડર ગણાવી જોઈએ અને નદી ભારતને આપી દેવી જોઈએ. ભારતની જમીન પૂરા થાય ત્યાંથી સરહદ શા માટે ગણવી જોઈએ. આ અંગે પાકિસ્તાન દાવો કરે છે કે, આ વિસ્તારને અંગ્રેજોએ સિંધને આપી દીધો હતો. તેમણે કચ્છને કશું આપ્યું નહોતું. હકિકતે અંગ્રેજોના શાસન દરમિયાન લાકડાના ભારા માટે થઈને કચ્છ અને સિંધ પ્રદેશ વચ્ચે વિવાદ થયો હતો અને અંગ્રેજોએ વચ્ચે પડીને તેનો ઉકેલ લાવવા માટે બે ભાગ પાડયા હતા. આ સરક્રિકના તે ભાગ ત્યારથી ચાલ્યા આવે છે પણ પાકિસ્તાન ખોટા દાવા કરીને તેને પોતાનું ગણાવી રહ્યું છે. અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા ત્યારે સિંધમાં મુસ્લિમ શાસકો હતા અને બીજી તરફ કચ્છ પ્રદેશ હતો. સિંધમાં અમિરનું શાસન હતું. ટાલપુર રાજવંશના અમીર સિંધનું શાસન ચલાવતા હતા. કચ્છમાં હિન્દુ શાસકો હતા જેમને રાવ કહેતા હતા.
વાત એવી છે કે, ૧૮૪૩માં અંગ્રેજોએ સિંધ ઉપર આક્રમણ કર્યું અને અમીરોને હરાવીને તે પ્રદેશ કબજે કરી લીધો. ત્યાં અંગ્રેજ સરકારનું જ રાજ આવી ગયું. ત્યારબાદ બોમ્બે પ્રાન્ચ બનાવવામાં આવ્યો. અંગ્રેજોએ બોમ્બે પ્રાંતમાં વર્તમાન ગુજરાતથી માંડીને સિંધ સુધીના ઘણા પ્રદેશોને સમાવી લીધા હતા. આ ભાગમાં કચ્છનો ક્યાંય સમાવેશ થતો નહોતો. કચ્છામાં રાવ મહારાજનું રાજ હતું. બાકી રજવાડીઓ સાથે જેવી નીતિ હતી તેવી જ કામગીરી અહીંયા પણ થતી હતી. ડિફેન્સ અને સિક્યોરિટીનું કામ અંગ્રેજો જોતા હતા અને સ્થાનિક વહિવટ રાજા સંભાળતા હતા. કચ્છમાં પણ તેવું જ ચાલતું હતું. હવે કચ્છના રાવ મહારાજનો વિસ્તાર અને બાણ ગંગાની બીજી તરફ સિંધમાં આવેલો વિસ્તાર સીધો જ અંગ્રેજોના તાબા હેઠળ આવતો હતો.
આ દરમિયાન ૧૯૦૮માં એક વખત અંગ્રેજ સરકારનો કસ્ટમ વિભાગનો અધિકારી અહમદ જુમા બાણ ગંગા વિસ્તારમાંથી લાકડાનો ભારો લઈને જતો હતો. રાવ મહારાજના સૈનિકોએ તેને પકડી પાડયો અને હથકડી પહેરાવી દીધી. વિવાદ એ થયો કે, આ વ્યક્તિ બાણ ગંગા વિસ્તારમાંથી કેવી રીતે લાકડાં લઈ જઈ શકે. તે અંગ્રેજોનો કર્મચારી હતો તેથી અંગ્રેજ સરકાર વચ્ચે પડી અને સિંધ તથા કચ્છ વચ્ચે વિવાદ ઊભો થયો. અંગ્રેજોએ તેનો ઉકેલ લાવવા માટે નક્કી કર્યું કે, પાણીની વચ્ચેથી સરહદ કાઢવામાં આવશે. તે પ્રમાણે દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા. તેમાં ભુલ એવી પડી કે, લખાણમાં હતું કે, પાણી વચ્ચે સરહદ બનાવવામાં આવશે જ્યારે નકશામાં દોરવા દરમિયાન કચ્છની સરહદે જ ભારતની સરહદ પૂરી થઈ ગયેલી દોરવામાં આવી અને નદીનો ભાગ સિંધમાં બતાવી દેવાયો. તે સમયની ભુલને પાકિસ્તાન હજુ પકડીને બેઠું છે. તે કહે છે કે, ૧૯૧૪માં જે નકશો હતો તેમાં સરક્રીક તેમની પાસે હતી. ૧૯૨૫માં અંગ્રેજોએ નવો નકશો જારી કર્યો હતો જેમાં સરક્રીક વચ્ચે થાંભલા મુકીને સરહદ બનાવી દીધી હતી. પાકિસ્તાનનું રટણ છે કે, ૧૯૧૪નો નકશો સાચો છે અને ભારત મક્કમ છે કે, ૧૯૨૫નો નકશો જ અંતિમ છે અને તેને જ માનવો જોઈએ અને વહેંચણીને યોગ્ય રાખવી જોઈએ.
સરક્રીક વિવાદ સાથે એક અન્ય મુદ્દો પણ જોડાયેલો છે. પાકિસ્તાનનો લેફ્ટ બેન્ક આઉટફોલ ડ્રેન(એલબીઓડી) કેનાલ જે ૧૯૮૭થી ૧૯૯૭ દરમિયાન બનાવવામાં આવી હતી.
આ કેનાલ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી હતી કે, પાકિસ્તાનમાં જે ખેતીના ઉપયોગ માટેનું પાણી લીધા બાદ જે પાણી વધતું તેમાં ઔદ્યોગિક વસાહતોનું અને ઉદ્યોગોનું કચરાવાળું અને ગંદુ પાણી છોડવામાં આવતું હતું. તેના કારણે આ ગંદુ પાણી સિંધુ ખીણમાં થઈને સરક્રીકમાં ભળતું હતું. તેના કારણે તેનું ચોખ્ખું પાણી પણ ગંદુ થઈ જતું હતું. ભારતે ઘણી વખત પાકિસ્તાનને જણાવ્યું કે, તેની આ કામગીરી આંતરરાષ્ટ્રીય સંધીના આર્ટિકલ પાંચનું વાયોલેશન કરે છે પણ પાકિસ્તાન સમજવા જ તૈયાર નથી. તેના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થયું છે. તેના કારણે પૂર અને જમીનને નુકસાન વધવા લાગ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરક્રીક મુદ્દે અનેક તબક્કાની બેઠકો થઈ પણ તેઓ માનવા માટે તૈયાર નથી. તેના પગલે હજી પણ દાયકાઓ બાદ આ વિવાદ અકબંધ રહ્યો છે.
ભારત દ્વિપક્ષીય ચર્ચાથી ઉકેલ લાવવા માગે છે જ્યારે પાકિસ્તાન ત્રીજા દેશની મધ્યસ્થી ઈચ્છે છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરક્રીક મુદ્દે દાયકાઓથી ચાલતા વિવાદનો કોઈ અંત આવે તેમ લાગતું નથી.
પાકિસ્તાન ૧૯૧૪ની વાતનું રટણ કર્યા કરે છે અને ભારત ૧૯૨૫ના નકશાને સાચો અને અંતિમ ગણાવે છે. બીજી તરફ પાકિસ્તાન માને છે કે, જ્યારે બે દેશ વચ્ચે રહેલી પાણીની જગ્યા ઉપર હોડી ચાલતી હોય ત્યારે જ બે કિનારાની વહેંચણીનો નિયમ લાગુ પડે છે પણ બાણ ગંગામાં તે શક્ય નથી. ભારતે તેની દલીલને ફગાવતા જણાવ્યું કે, બાણ ગંગામાં બારે મહિના ચાલે તેવી હોડીઓ જ છે. તે બારે મહિના ચાલે પણ છે. આ ઉપરાંત અહીંયા બંને દેશોના માછીમારો માછીમારી કરવા માટે જતા જ હોય છે. તેના કારણે અંગ્રેજોએ જે વચ્ચે સરહદ બનાવી હતી તે જ યોગ્ય હતી. તેનું જ પાલન કરવામાં આવે તે ગ્રાહ્ય છે. બીજી તરફ વાત એવી પણ છે કે, ૧૯૬૫ના યુદ્ધમાં ભારત અને પાકિસ્તાનનો સંઘર્ષ અટક્યો ત્યારે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી.
બહારના દેશોની ટૂકડી ભારત અને પાકિસ્તાનની સરહદ નક્કી કરવા બેઠી હતી. તે સમયે પણ ટ્રિબ્યુનલે કચ્છનો ૯૦ ટકા હિસ્સો ભારતનો હોવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન તેના વિશે પણ દલીલો કરે છે કે, ભારતને ૯૦ ટકા જે ભાગ આપવામાં આવ્યો છે તેમાં ક્યાંય સરક્રીક કે બાણગંગાનો ઉલ્લેખ આવતો નથી. ટ્રિબ્યુનલ તેની કોઈ દલીલ સાંભળવા તૈયાર નથી. તેનો સ્પષ્ટ અર્થ હતો કે, પાકિસ્તાનનો ૧૯૬૫ના યુદ્ધમાં પણ પરાજય થયો અને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો તે પણ પાકિસ્તાનની વિરુદ્ધમાં જ આવ્યો. પાકિસ્તાન તેને પણ સ્વીકારવા તૈયાર નથી. આજે પણ જ્યારે આ મુદ્દે વિવાદ થાય છે ત્યારે પાકિસ્તાન ૧૯૧૪નો નકશો બતાવે છે અને ભારત ૧૯૨૫નો નકશો બતાવે છે. ભારતે હવે ધમકી આપી દીધી છે કે, ૧૯૬૫માં તો માત્ર લાહોર સુધી જ ભારતીય સેના પહોંચી હતી પણ હવે તો કરાચી સુધી ભારતીય જવાનો ઘુસી જશે.








