Editorial

ટ્રમ્પનું નવું તૂત : વૈશ્વિક સ્તરે પરમાણુ અખતરાનો ઉન્માદ સર્જ્યો

By GS TEAM
5 Nov 20257 mins read
ટ્રમ્પનું નવું તૂત : વૈશ્વિક સ્તરે પરમાણુ અખતરાનો ઉન્માદ સર્જ્યો

- ચીન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશો તાજેતરમાં પરમાણુ પરીક્ષણ કરી રહ્યાના ટ્રમ્પના દાવાથી વૈશ્વિક હડકંપ

- જાણકારો માને છે કે, દુનિયાની સૌથી મોટી મહાસત્તા તરીકે આવા નિવેદનો પરમાણુ નિ:શસ્ત્રીકરણના પ્રયાસોને નબળા પાડી શકે છે. આધુનિક સમયમાં તેના કારણે નવી પરમાણુ હોડ જામી શકે છે. કેટલાક માને છે કે, ટ્રમ્પ માત્ર આવા નિવેદનો કરીને કે સંદેશા ફરતા કરીને ચીન અને રશિયા ઉપર દબાણ વધારવા માગતા હોઈ શકે છે : 1946થી 1996 વચ્ચે દુનિયાભરમાં કુલ 2056 પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. તેમાંથી 25 ટકા એટલે કે અંદાજે 500 જેટલા પરીક્ષણો દરમિયાન હવામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને સોવિયેત સંઘ દ્વારા 200થી વધુ હવાઈ પરીક્ષણ કરવામાં આવ્યા છે : અમેરિકા જો પરમાણુ અખતરા શરૂ કરી દે તો સૌથી પહેલાં તો મોટાપાયે અફરાતરફી ફેલાઈ જાય તેમ છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પરમાણુ સંતુલન ખોરવાઈ જાય. અમેરિકાના નવું પરમાણુ સંતુલન ખોરવાઈ જાય તેમ છે. તેના પગલે રશિયા અને ચીન નાના-પણ મહત્ત્વના પરમમાણુ અખતરા કરે તેમ છે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો છે કે, રશિયા. ચીન, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. તેના આધારે જ તેમણે લાગણી વ્યક્ત કરી છે કે, અમેરિકાએ પણ ફરીથી પરમાણુ પરીક્ષણ શરૂ કરી દેવું જોઈએ. તેમણે એશિયાના પ્રવાસ દરમિયાન ચીની પ્રમુખ જિનપિંગ સાથેની બેઠક પહેલાં જ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, કેટલાક દેશો દ્વારા પરમાણુ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. તેના કારણે જ મેં અમેરિકી સંરક્ષણ વિભાગને સુચન કર્યું છે કે, તેઓ પણ સમાંતર રીતે પરમાણુ હથિયારોનું પરીક્ષણ શરૂ કરી દે. આ પ્રક્રિયા તાકીદે શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

અમેરિકી પ્રમુખના આ નિવેદનો એવા સમયે અને એવી સ્થિતિમાં આવ્યા છે કે, તેના કારણે સમગ્ર વિશ્વમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. દેશની મોટાભાગની પરમાણુ શક્તિઓ છેલ્લાં બે દાયકાથી ન્યુક્લિયર મોરેટોરિયમનું પાલન કરી રહી છે ત્યારે ટ્રમ્પના આવા નિવેદનને પગલે વૈશ્વિક રાજકારણ ગરમાયું છે. જાણકારોના મતે ૨૦૧૭માં ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈ દેશ દ્વારા હજી સુધી પરમાણુ પરિક્ષણ કરાયું હોવાના પુરાવા આવ્યા નથી. ટ્રમ્પે જે દાવો કર્યો છે તેના પણ કોઈ નક્કર પુરાવા નથી. જાણકારો માને છે કે, દુનિયાની સૌથી મોટી મહાસત્તા તરીકે આવા નિવેદનો પરમાણુ નિ:શસ્ત્રીકરણના પ્રયાસોને નબળા પાડી શકે છે. આધુનિક સમયમાં તેના કારણે નવી પરમાણુ હોડ જામી શકે છે. કેટલાક માને છે કે, ટ્રમ્પ માત્ર આવા નિવેદનો કરીને કે સંદેશા ફરતા કરીને ચીન અને રશિયા ઉપર દબાણ વધારવા માગતા હોઈ શકે છે. તેઓ એક મજબૂત વૈશ્વિક નેતાની છબી ઉપસાવવા પણ આમ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૧૯૪૫થી ૧૯૯૨ સુધી ૧૦૩૦ પરમાણુ બોમ્બના પરીક્ષણ કર્યા હતા. ૧૯૯૨ પછી તેણે એવા કોઈ જ અખતરા કર્યા નથી. આ પરીક્ષણોની શરૂઆત ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ ન્યૂ મેક્સિકોમાં ટ્રિનિટી સાઈટ ખાતે થઈ હતી. ૧૯૫૧થી ૧૯૫૮ વચ્ચે અમેરિકાએ ખૂબ જ ઝડપથી ૧૮૮ પરીક્ષણ કરી લીધા હતા. ૧૯૫૮માં અમેરિકાએ જાતે જ પરીક્ષણો અટકાવી દીધા હતા. ત્યારબાદ ૧૯૬૧માં સોવિયેત સંઘ દ્વારા પરમાણુ અખરતા વધારવામાં આવ્યા તેથી અમેરિકાએ પણ શરૂ કરી દીધા. અમેરિકાએ ૧૯૬૧માં નવેસરથી પરીક્ષણ શરૂ કર્યા ત્યારે ૧૪ મહિનામાં ૧૦૬ પરીક્ષણ કરી લીધા હતા. તેમાં જમીન નીચે, પાણીની અંદર તથા જમીનની ઉપર એમ તમામ પ્રકારના વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ સપ્ટેમ્બર ૧૯૬૧થી આગામી ત્રણ દાયકા સુધી લગભગ દર વર્ષે ૨૭ પરમાણુ અખતરા હાથ ધર્યા. ૧૯૯૨માં અમેરિકાએ છેલ્લો પરમાણુ પરીક્ષણ વિસ્ફોટ કર્યો હતો. ૧૯૯૨માં અમેરિકાએ જાતે જ પોતાના પરમાણુ પરીક્ષણ કાર્યક્રમો અટકાવી દીધા હતા. અમેરિકાએ પબ્લિક લો ૧૦૨-૩૭૭ એટલે કે ફિસ્કલ યર ૧૯૯૩ એનર્જી એન્ડ વોટર ડેવલપમેન્ટ અપ્રોપ્રિએશન એક્ટ હેઠળ પોતાના જ તમામ પરમાણુ કાર્યક્રમો અને અખતરા રોકી દીધા હતા. આ કાયદા થકી અમેરિકાએ પોતાના પરમાણુ પરીક્ષણો ઔપચારિક રીતે રોકી દીધા હતા. આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી હતી કે, સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી વધારેમાં વધારે ૧૫ જેટલા વધારાના પરમાણુ પરીક્ષણ કરી શકાશે અને તેનો ઉદ્દેશ વર્તમાન પરમાણુ હથિયારોમાં આધુનિક સુરક્ષા પદ્ધતિ જોડવાનો હશે.

૧૯૪૬થી ૧૯૯૬ વચ્ચે દુનિયાભરમાં કુલ ૨૦૫૬ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૨૫ ટકા એટલે કે અંદાજે ૫૦૦ જેટલા પરીક્ષણો દરમિયાન હવામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને સોવિયેત સંઘ દ્વારા ૨૦૦થી વધુ હવાઈ પરીક્ષણ કરવામાં આવ્યા છે. બીજી તરફ બ્રિટને ૨૦, ફ્રાન્સે ૫૦ તથા ચીને ૨૦ જેટલા હવાઈ પરીક્ષણ કર્યા છે. ફ્રાન્સે પોતાનો અંતિમ પરમાણુ અખતરો ૧૯૭૪માં જ્યારે ચીને ૧૯૮૦માં કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શીત યુદ્ધ દરમિયાન થયેલા તમામ પરમાણુ પરીક્ષણોમાંથી ૭૫ ટકા પરીક્ષણો જમીન ઉપર કે જમીનની નીચે થયા હતા. હવે ફરીથી જો અમરિકા દ્વારા પરમાણુ અખતરો કરવામાં આવે તો તેના ઉંડા અને લાંબાગાળાના પ્રત્યાઘાત પડી શકે તેમ છે.

અમેરિકા જો પરમાણુ અખતરા શરૂ કરી દે તો સૌથી પહેલાં તો મોટાપાયે અફરાતરફી ફેલાઈ જાય તેમ છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પરમાણુ સંતુલન ખોરવાઈ જાય. અમેરિકાના નવું પરમાણુ સંતુલન ખોરવાઈ જાય તેમ છે. તેના પગલે રશિયા અને ચીન નાના-પણ મહત્ત્વના પરમમાણુ અખતરા કરે તેમ છે. એક વખત તેઓ આ દોડમાં શામેલ થઈ ગયા તો ઘણા દેશો પરમાણુ અકરતા કરવા ઉતરી આવશે જે દુનિયા માટે વધારે જોખમી સાબિત થશે. ખાસ કરીને એશિયામાં તેનો પડઘો મોટો પડશે. સાઉથ કોરિયા અને જાપાનને ડરાવવા માટે ઉત્તર કોરિયા નવા ધડાકા કરશે. બીજી તરફ પાકિસ્તાન પણ આડોડાઈ કરીને ભારતને ઉશ્કેરવાના પ્રયાસ કરશે. ભારતે સ્થિતિ સમાંતર કરવા અને સંતુલન જાળવવા પરીક્ષણ કરવા જ પડશે. જાણકારોના મતે આ પરીક્ષણો ચેઈન રિએક્શનની જેમ આગળ વધતા જ જશે. એક કરશે એટલે બીજો કર્યા વગર રહેશે નહીં. ત્રણ દાયકા બાદ ફરી એક વખત એવી સ્થિતિ સર્જાશે જેમાં દુનિયાના મોટાભાગના દેશો ઉપર પરમાણુ યુદ્ધનો ભય તોળાવા લાગશે. 

સૂત્રોના મતે દરેક દેશ ડિટરેન્સનું કારણ આગળ ધરીને જ પરીક્ષણ કરવા લાગશે. તેઓ જણાવશે કે, દુશ્મન હુમલો કરે તો તેનો જવાબ આપવા માટે સજ્જતા કેળવવામાં આવી રહી છે. એક દેશ માટે ડિટરેન્સ બીજી તરફ ભય ઊભો કરનાર બનશે. આ એક પ્રકારનું ચક્કર છે જે ચાલ્યા જ કરશે. જેમ એક દેશ પોતાની સુરક્ષા વધારવા અખરતા કરશે તેમ બીજો દેશ સ્વબચાવના નામે તેનાથી બમણા અખતરા કરશે. તેના કારણે વારાફતી બધા જ પરમાણુ પરીક્ષણો કરતો જ રહેશે. અમેરિકા, રશિયા, ચીન, ભારત, બ્રિટન અને ફ્રાન્સ જેવા મોટા દેશો જો પરીક્ષણ ફરીથી શરૂ કરી દેશે તો સીટીબીટી જેવી આંતરરાષ્ટ્રીય સંધીઓની વધી ઘટી વિશ્વસનિયતા પણ પૂરી થઈ જશે. તેનાથી ઈરાન અને સાઉદી અરબ જેવા દેશો વિચારતા થઈ જશે કે હવે તેમને દબાવી શકે તેવું કોઈ વધ્યું જ નથી. તેના કારણે પરમાણુ હથિયારોનો પ્રસાર ભયાનક સ્તરે વધી જશે. તેના કારણે એવી સ્થિતિનું નિર્માણ થશે જેમાં દુશ્મનની માનસિકતા અને નિયતને ધ્યાનમાં રાખીને બીજા દેશ પરમાણુ હથિયારો બનાવશે. આ સંજોગોમાં કોઈપણ દેશ વચ્ચેની એક નાનકડી ગેરસમજ કે ઉત્તેજના દુનિયાને નષ્ટ થવાની એરણે લાવી દેશે.

વૈશ્વિક ફાયદો અને નુકસાન બંને પાસાનો યોગ્ય રીતે અભ્યાસ કરવો પડશે

જિયો પોલિટિક્સના જાણકારો માને છે કે, જો અમેરિકા દ્વારા પરમાણુ પરીક્ષણની પહેલ કરવામાં આવે છે તો તેને ફાયદો તો થવાનો જ છે. તે પોતાના જૂના પરમાણુ હથિયારોની ડિઝાઈન બદલી કાઢશે અને નવી પેઢીના આધુનિક વોરહેડ્સ બનાવી દેશે. 

તેનું પગલું તેને રણનૈતિક દ્રષ્ટિએ અન્ય દેશોની સરખામણીએ વધારે મજબૂત અને આક્રમક બનાવશે. ખાસ કરીને ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન જેવા તેના દુશ્મનોને આકરી ચેતવણી જશે. 

બીજી તરફ આ પગલાથી અમેરિકાને મોટું નુકસાન પણ થવાની શક્યતા છે. તેનાથી અમેરિકાનું નૈતિક અને કૂટનીતિક રીતે નેતૃત્ત્વ નબળું પડી શકે છે. પરમાણુ અપ્રસારનું અભિયાન કે જેના માટે તે દાયકાઓથી પ્રયાસ કરે ચે તેનો જ અંત પોતાના હાથે લાવી દેશે. તેના કારણે શાખ ગુમાવશે. તેના ઉપર તો પરમાણુ હથિયારોની રેસને વેગ આપવાનો આરોપ લાગશે. બીજી તરફ જો પરમાણુ હથિયારો બનાવવાની શરૂઆત કે પરીક્ષણની ફરી શરૂઆત રશિયા અને ચીન દ્વારા કરવામાં આવે તો તે અમેરિકાને પડકારે છે તેવું દેખાશે. તેનાથી તેમનો હાથ ઉપર રહશે. તેઓ સાબિત કરી શકશે કે તે બંને દેશો માત્ર ક્ષેત્રીય કે સ્થાનિક નહીં પણ વૈશ્વિક તાકાત છે. તેમનામાં મહાસત્તા બની રહેવાની ક્ષમતા છે. તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અને સ્થાનિક સ્તરે બંને દેશોની તત્કાલિન સરકારને ફાયદો થશે. આ પરીક્ષણના નુકસાન પણ તેવા જ છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે તેનાથી રશિયા અને ચીનને રાજનૈતિક અને આર્થિક નુકસાન પણ થશે. પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકા અને યુરોપ દ્વારા ચીન અને રશિયા ઉપર પ્રતિબંધો મુકી દેવામાં આવશે. બીજી તરફ જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો પોતાના સુરક્ષા માટે વધારે પરમાણુ પરીક્ષણ કરશે.

 યુરોપના નાના દેશો અમેરિકન ન્યૂક્લિયર શિલ્ડ ઉપલ વધારે આધાર રાખતા થશે. તેનાથી અમેરિકાને વૈશ્વિક સ્તરે એક મોટા રક્ષક બનવાનો અવસર મળી જશે જ્યારે રશિયા અને ચીનની વૈશ્વિક ધોરણે બદનામી થશે. જાણકારો એવું માને છે કે, જો પાકિસ્તાન દ્વારા કોઈ પરમાણુ પરીક્ષણ કરવામાં આવશે તો તેને એટલો ફાયદો થશે કે તે ભારત આગળ પોતાની જાતને સાબિત કરી શકશે. તેનાથી સ્થાનિક સ્તરે રાષ્ટ્રવાદ વધશે અને તત્કાલિન સરકારને મોટો રાજકીય ફાયદો થશે. બીજી તરફ ગ્લોબલ આઈસોલેશન, પશ્ચિમી દેશોના પ્રતિબંધો, આર્થિક સહાય બધ થવી, આઈએમએફ અને આંતરરાષ્ટ્રીય બેંકોનું દબાણ વધવું અને અર્થતંત્ર ડામાડોળ થવા જેવી તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. 

ટેકનિકલી આ પરીક્ષણ વર્તમાન વૈશ્વિક સંસ્થા દ્વારા પકડી પડશે. તે ઉપરાંત ભારત સતર્ક થઈ જશે અને સરહદો ઉપર સુરક્ષા અધધ વધારી દશે. કૂટનીતિક મંત્રણા અને વાતચીત બંધ થઈ જશે. તેના કારણે સાઉથ એશિયામાં હથિયારોની દોડને વેગ મળશે અને ભારત એશિયામાં ચીનની જેમ સુપરપાવર બનીને ઊભરી આવશે જે પાકિસ્તાનને નડશે. બીજી તરફ યુદ્ધ જેવી સ્થિતિ આવી જાય તો ભારતનો હાથ તો ઉપર જ રહેશે.