Editorial

ચીનના ડિજિટલ લૂંટારા ભારતીયોના મહિને રૂ.1000 કરોડ લૂંટે છે

By GS TEAM
5 Aug 20257 mins read
ચીનના ડિજિટલ લૂંટારા ભારતીયોના મહિને રૂ.1000 કરોડ લૂંટે છે

- વિદેશી ગેંગના ડિજિટલ ક્રાઈમમાં દેશી લાલચુઓ ભેગા મળી જતા જોખમ વધ્યું

- સાયબર ફ્રોડ કે ડિજિટલ ક્રાઈમ હવે રોજીંદી ઘટના બની ગયા છે. મોટભાગના કિસ્સાઓમાં ગુનેગારો દેશની બહાર અને ખાસ કરીને કમ્બોડિયા, લાઓસ, મ્યાનમારમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ કરોડો ગુમાવે છે અને તે પૈસા પરત આવે તે લગભગ અશક્ય છે. ડિજિટલની દુનિયા જેટલી સરળતા લાવી છે તેના કરતા અનેકગણું મોટું જોખમ પણ લાવી છે. ભારતીયો દર મહિને રૂ.1000 કરોડ ડિજિટલ ક્રાઈમમાં ગુમાવી રહ્યા છે! સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે ચાઇનીઝ ગેગ કોમ્બોડિયામાં કોલ સેન્ટર ચલાવે છે તેમાં ઘણા ભારતીય કામ કરે છે અને અહીં દેશમાં પણ તેમને મદદ કરનાર બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. સ્પષ્ટ અને વાસ્તવિક લાગતું આ જોખમ તાકીદે ડામવું જરૂરી છે!

શિવ ભગવાનના એક મંદિરના કારણે થાઇલેન્ડ સામે જંગે ચડેલું કમ્બોડિયા તાજેતરમાં સમાચારોમાં ચમકેલું. જોકે, મંદિરો માટે પ્રસિદ્ધ આ દેશ અત્યારે દુનિયાભરમાં અન્ય કારણોસર વધારે બદનામ છે.. સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, નાણાકીય ગેરરીતિ જેવા ડિજિટલ ક્રાઈમથી દુનિયા આ દેશથી પરેશાન છે. ઝારખંડ જિલ્લાનું જમતારા ભારતમાં બદનામ છે એમ કમ્બોડિયા દુનિયાની ડિજિટલ ક્રાઈમની રાજધાની છે!

કમ્બોડિયાની કરામત અંગે વધુ જાણીએ એ પહેલા ડિજિટલ ફ્રોડની દુનિયા કેટલી વિશાળ છે તે અંગે જાણવું જરૂરી છે. નવી દિલ્હી સ્થિત ડેટાલીડ્સ નામની કંપનીએ થોડા દિવસો પહેલા બહાર પાડેલા એક અહેવાલ અનુસાર ૨૦૨૪માં ભારતીયોના રૂ.૨૨,૮૪૨ કરોડ સાયબર ક્રિમીનલ ઉસેડી ગયા છે. ખાનગી કંપનીનો અંદાજ છે એમ દેશના ગૃહ મંત્રાલયે પણ સાયબર ફ્રોડ અંગે પોતાનું એનાલિસીસ કર્યું છે. ગૃહ મંત્રાલયના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં આવા ડિજિટલ ગુનામાં દેશના રૂ.૭,૦૦૦ કરોડ ગુનેગારો ઉસેટી ગયા છે. મંત્રાલય હસ્તક કાર્યરત ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડીનેશન સેન્ટર (આઈ૪સી) એવો અંદાજ મુકે છે કે આ વર્ષે ભારતીયો કુલ રૂ.૧.૨ લાખ કરોડ આવા ગુનામાં ગુમાવશે!

મોટાભાગના ગુનાઓ કમ્બોડિયા સ્થિત કોલ સેન્ટર થકી આચરવામાં આવે છે. આ ઉપરાંત, મ્યાનમાર, લાઓસ, થાઈલેન્ડ, વિયેતનામમાં પણ આવા કોલ સેન્ટર ચાલે છે. પણ કમ્બોડિયા અવ્વલ છે. કમ્બોડિયામાં ચાલતા ગેરકાદેસર કોલ સેન્ટરમાં દુનિયાભરમાંથી લોકોને સારી નોકરી માટે બોલાવવામાં આવે છે અને પછી તેમની પાસે ગેરકાદેસર કૃત્યો કરાવવામાં આવે છે. આ કોલ સેન્ટરમાં નોકરી મેળવનારના પાસપોર્ટ, વિઝા જેવા દસ્તાવેજો જપ્ત કરી તેમને બંદી બનાવવામાં આવે છે અને પછી તેમને જે દેશમાં ટાર્ગેટ કરવાના હોય એ દેશના લોકો સાથે ફોન ઉપર વાત કરાવવા મજબૂર કરવામાં આવે છે. જો ભારતમાં કોલ કરવાનો હોય તો ભારતીય પાસે અને અન્ય કોલ કરવાનો હોય તો એ દેશના નાગરિકનો ઉપયોગ કરવામાં આવે છે!

યુનાઈટેડ સ્ટેટસ ઇન્સ્ટીટયુટ ઓફ પીસ નામની સંસ્થાના મે મહિનાના અભ્યાસ અનુસાર કમ્બોડિયા ઉદ્યોગના સ્તરે આ પ્રવૃત્તિ ચાલે છે ઓગસ્ટ ૨૦૨૩ના યુનોના એક અહેવાલ અનુસાર મ્યાનમારમાં ૧.૨૦ લાખ અને કમ્બોડિયામાં એક લાખ લોકોને બંદી બનાવી સાયબર ફ્રોડ અને ડિજિટલ ક્રાઈમ કરાવવામાં આવે છે. સાયબર ક્રાઈમમાં વર્,ે ૬૪ અબજના વર્તમાન કારોબારમાં મ્યાનમાર, લાઓસ અને કમ્બોડિયાના કોલ સેન્ટરનો હિસ્સો ૩૯ અબજ ડોલર જેટલો છે! ક્રીપ્ટોકરન્સી, ઓનલાઈન જુગાર, નાણાકીય રોકાણના નામે આ સ્કેમ ચાલે છે. ગ્રાહકને ઊંચા વળતર આપવા માટે વોટ્સએપ અને વિવિધ રીતે લીંક મોકલવામાં આવે છે અને પછી નાણા ઓળવી આ લોકો ફોન બંધ કરી દે છે! કેટલાક કિસ્સામાં કમીશનના ધોરણે સ્થાનિક વ્યક્તિઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. મ્યાનમારમાં ગૃહયુદ્ધ ચાલે છે. લોખંડી લશ્કરી શાસકો પોતે  કે મિલિટરી અધિકારીઓ પણ આ સ્કેમમાં જોડાયેલા હોય છે. જોકે, ચીનમાં ઓનલાઈન જુગાર ઉપર પ્રતિબંધ હોવાથી ચીનને ઘણી ગેંગ કમ્બોડિયાના કોલ સેન્ટરની દુકાન ખોલી બેઠી હોવાનું પણ જાણકારો કહે છે. 

ગૃહ મંત્રાલય હસ્તકની આઈ૪સી પોતના અહેવાલમાં સ્વીકારે છે કે ભારતમાં ૨૦૨૫માં થયેલા રૂ.૭૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડમાંથી અડધી રકમના કેસમાં મ્યાનમાર, કમ્બોડિયા, થઇલેન્ડ સ્થિત ગેંગ કાર્યરત છે. ગૃહ મંત્રાલય વધુમાં નોંધે છે કે આ કોલ સેન્ટરને લશ્કરી પ્રકારની સુરક્ષા આપવામાં આવેલી હોય છે અને મોટેભાગે તે ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે. ભારત સરકારે કમ્બોડિયામાં આવા ૪૫ જેટલા સ્કેમ કમ્પાઉન્ડ, લાઓસમાં પાંચ અને મ્યાનમારમાં એક શોધી કાઢયા છે. આ સ્કેમ કમ્પાઉન્ડમાં એશીયાઇ, મધ્ય આફ્રિકા, યુરોપ અને અમેરિકન નાગરીકો ઉપરાંત ભારતીયો પણ નોકરી કરી રહ્યા છે. એપ્રિલ ૨૦૨૪માં કમ્બોડિયાના કોલ સેન્ટર ઉપર દરોડા પડયા હતા અને તેમાં હજારો બંદી કર્મચારીઓને છોડાવવામાં આવ્યા હતા. જેમાં ૨૫૦ જેટલા ભારતીય નાગરિક હતા. જુલાઈ ૨૦૨૫માં ૧૫ દિવસ સુધી ૧૩૮ કોલ સેન્ટર ઉપર દરોડા પડયા હતા અને તેમાં ૩૦૦૦ લોકોની ધરપકડ થી હતી જેમાં ૧૦૫ ભારતીયોને છોડાવવામાં આવેલા. 

ડિજિટલની દુનિયામાં વ્યક્તિ કોઈ મોબાઈલ એપને જેટલી વિગત એકત્ર કરવાની પરવાનગી આપે એટલી એ વ્યક્તિની ડિજિટલ ફૂટપ્રિન્ટ વધારે જનરેટ થાય છે. જેટલી ફૂટપ્રિન્ટ વધારે એટલું સાયબર ફ્રોડનો ભોગ બનવા માટે વ્યક્તિ ઉપર જોખમ વધારે! ડિજિટલ જોખમો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. એક વ્યક્તિની ઓળખ અને ગોપનીયતા સંબંધિત, બીજો તેની ઉપર સંભવિત સુરક્ષાના જોખમ અને ત્રીજું તેની શાખનું. વ્યક્તિની ઓળખ એટલે તેનું નામ, સરનામું, કુટુંબના સભ્યો, આધાર કાર્ડ કે ઇન્કમ ટેક્સ પાન કાર્ડ વગેરે. આવા કિસ્સામાં વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરી ક્રિમીનલ તેના નામે ભળતા ખાતા ખોલાવી શકે, ટેક્સ ચોરી કરી શકે છે. એ વ્યક્તિ તમારા ઉપર નજર રાખી તમને માનસિક રીતે પરેશાન પણ કરી શકે છે. જોકે, ડિજિટલ ક્રાઈમની દુનિયા દેશની બહાર ચાલે છે એટલી જ હદે દેશના નાગરીકો સુધી પણ વિસ્તરી ગઈ છે. ઝડપથી નાણા કમાઈ લેવાની લાહ્યમાં સ્થાનિક લોકો આ કૌભાંડમાં જોડાઈ રહ્યા છે. 

તાજેતરમાં ગાંધીનગરની વિધવા અને વૃદ્ધ તબીબને ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેની પાસેથી કુલ રૂ.૧૯ કરોડની રકમ પડાવી લેવામાં આવી હતી. ભારતના સૌથી લાંબો સમય સુધી ચાલેલા ડિજિટલ એરેસ્ટના કેસમાં પણ કમ્બોડિયા સ્થિત ગેંગ જોડાયેલી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. આ અરસામાં રાજકોટ ખાતે પણ બે ડિજિટલ એરેસ્ટના કેસ બન્યા હતા અને બંનેમાં કમ્બોડિયા કનેક્શન ખુલ્યું છે. સૌથી મહત્વનું છે આ બંને કેસમાં પ્રાથમિક રીતે નાણા ટ્રાન્સફર કરવા માટે સુરત, રાજકોટ અને ગુજરાતના જ બેંક ખાતાઓનો ઉપયોગ થયો હતો. આ ખાતેદારોએ નાણા જમા કરવા માટે એકાઉન્ટ ભાડે આપ્યા હતા. 

એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ચા, પાનનો ગલ્લો ચલાવતા કે મજૂરી કરતા લોકોના નામે પાન અને આધાર કાર્ડ કઢાવે, તેમના નામે બેંક ખાતા ખોલે અને પછી આ ખાતાની બેન્કિંગ કીટ વિદેશ મોકલી દેવામાં આવે. ખાતું ખોલવા આપનાર મજૂરને મહિનેએક ચોક્કસ રકમ મળે, ખાતા ખોલવા માટે લાલચ આપનાર એજન્ટને પણ કમિશન મળે. આવા કિસ્સામાં બેંકનો સ્ટાફ અને અધિકારી પણ જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે. સાયબર ફ્રોડનો વાયરસ મહામારીની જેમ ફેલાય રહ્યો છે, અજગર ભરડો લઇ રહ્યો છે. 

ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ઝડપથી વિસ્તર્યું છે એટલું તેના જોખમોથી પ્રજાને બચાવવા માટેની સવલત વિકસી નથી. ક્રાઈમ થયા પછી ક્રિમિનલને તરત રોકવા માટે, મોટાભાગના ડિજિટલ ક્રાઈમ આર્થિક હોય તો નાણા પરત મેળવવા માટે જે ઝડપી કામ થવું જોઈએ એ થઇ રહ્યું નથી. બીજું, ડીજીટલ ફ્રોડ અંગે પ્રજા, પોલીસ કે ઇનવેસ્ટીગેશન એજન્સીમાં જાગૃતિ નથી અને સૌથી મહત્વનું છે કે મોટાભાગના કિસ્સાઓ દેશ બહારની ગેંગ દ્વારા આચરવામાં આવતા હોવાથી તેને રોકવા માટે હાથ બંધાયેલા છે. એમાં જયારે સ્થાનિક લોકો માત્ર થોડાં પૈસાની લાલચે જોડાતા થઇ જાય ત્યારે ગુનો રોકવો લગભગ અશક્ય છે.

કમ્બોડિયાનું તરકટ : કોલસેન્ટરની આકર્ષક જોબના નામે ગુલામી!

કોલસેન્ટરમાં નોકરી માટે યુવાન, કોમ્પ્યુટરના જાણકાર અને એક કરતા વધારે ભાષા તેમજ અંગ્રેજી બોલતા હોય તેના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. ઊંચા કમિશન, તગડો પગાર અને રહેવાની સગવડ સાથે નોકરીની જાહેરખબર આપી યુવાનોને આકર્ષિત કરી પસંદ કરવામાં આવે છે. નોકરી સમયે તેમને હોટેલ કે રિસોર્ટના રૂમમાં રહેવા મળશે એવી સપનાં દેખાડવામાં આવ્યા હોય. પણ,  જેવા કમ્બોડિયા પહોંચો એટલે એરપોર્ટ ઉપરથી સીધા જ રાજધાની પનોમ પેનના અંતરિયાળ વિસ્તારમાં કોલ સેન્ટર કમ્પાઉન્ડમાં પહોચાડી દેવામાં આવે. કમ્પાઉન્ડમાં જ એક ઓરડીમાં રહેવાનું. નોકરી માટે પ્રક્રિયાના ભાગરૂપે તેમના દસ્તાવેજો, પાસપોર્ટ સહિતના પેપર મેળવી લેવામાં આવે અને પછી આદેશ હોય કે  કમ્પાઉન્ડની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ! દરેક યુવાનની આ હાલત અને પછી પરાણે તેમણે કોલ કરી, બકરા શોધી કોલસેન્ટરના બદલે ડિજિટલ ક્રાઈમ કરવાનો!

દલાતરવાડી ગલકા લઉં... લોને બે-ચાર

ડિજિટલ ક્રાઈમ સરકારની રહેમ નજર : ગાંધી વૈદ્યનું સહિયારું

કોઇપણ ઓનલાઈન નાણકીય વ્યવહાર થાય તેની પળેપળની વિગત, વ્યવહાર ક્યાંથી શરૂ થયો અને ક્યાં પૂર્ણ થયો એ પણ પળવારમાં ખબર પડી જાય છે. એમાં પણ જયારે વિદેશ નાણા મોકલવાના હોય ત્યારે તો દરેક બેંકો ગ્રાહકને સેંકડો ખુલાસા કરે છે એટલે નાણાકીય વ્યવહારો જયારે ચીન, દુબઈ, કોમ્બોડિયા જેવા દેશ સુધી પહોચે એ પકડવું જરા પણ કપરું નથી. પોલીસ, સુરક્ષા એજન્સી અને સાયબર ફ્રોડ માટેના કંટ્રોલ સેન્ટર પાસે ડિજિટલ ફ્રોડ રોકવા માટે વિશેષ સત્તા છે. એક જ કાગળ લખે ત્યાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. દલીલ એવી કરવામાં આવે છે કે ક્રિમીનલ એક નહીં અનેક ખાતામાં નાણા ટ્રાન્સફર કરી, ટ્રેઈલ ઉભો કરી પૈસા ટ્રાન્સફર કરે છે પણ છેલ્લે તો દેશની બહાર નાણા જાય તે ખબર પડે જ. બેન્કિંગ કર્મચારીઓ, ક્રાઈમ કરતી ગેંગ અને અન્ય સંબંધિત એજન્સીઓની મિલીભગત હોય તો જ આ શક્ય છે. આ સ્થિતિમાં ભારત અને દેશના નાગરીકોને લુંટતા બચાવવા માટે સરકારે સજ્જ થઇ કડક પગલાં લેવા જ જોઈએ.