Editorial

ભારતે હવે પાકિસ્તાનથી નહીં પણ ચીનથી ચેતવું જોઈએ

By GS TEAM
4 Oct 20258 mins read
ભારતે હવે પાકિસ્તાનથી નહીં પણ ચીનથી ચેતવું જોઈએ

- હિમાલય ક્ષેત્રમાં પ્રભાવ વધારવા બંને દેશો પ્રયાસરત : ભારત ભુતાન સુધી અને ચીન તિબેટ સુધી ટ્રેન દોડાવશે 

- સાઉથ એશિયામાં હાલમાં શક્તિ સંઘર્ષ ચાલે છે, વિદેશોનું ઈન્ફ્લ્યુઅન્સ દેખાય છે અને ખાસ કરીને કનેક્ટિવિટી નેટવર્ક વિકસાવવાની અને સંબંધોને નવા સ્વરૂપ આપવાની ગોઠવણ ચાલી રહી છે : ચીન હિમાલયના સુચિઆન-તિબેટ વિસ્તારમાં હાઈસ્પીડ રેલવે લાઈન વિકસાવી રહ્યું છે જે ચેંગદુથી લ્હાસા સુધીની વર્તમાન સમયની ૩૪ કલાકની યાત્રાને માત્ર 13 કલાકમાં સંભવિત કરી દેશે. પીએલએના વેસ્ટર્ન થિએટર કમાન્ડને તે સીધી જ તિબેટની સરહદ સાથે જોડી દેશે. તેના કારણે જ ભારત માટે ખતરો ઊભો થાય તેમ છે : ભારત પહેલેથી ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં આવેલા ચીન, ભુતાન, મ્યાંમાર, બાંગ્લાદેશ જેવા દેશોની સરહદોએ 500 કિ.મીની નવી રેલવે લાઈન નાખી રહ્યું છે. તેના માટે વિવિધ આકારના મોટા પુલ અને અને સુરંગો પણ બનાવવામાં આવી રહ્યા છે. ભારતે તેના માટે 28,000 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી છે 

ભારત અને ભુતાન વચ્ચે રેલવે લાઈન શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે સીધા જ ટ્રેન દ્વારા ભૂતાન જઈ શકાશે અને તેના માટે બોર્ડર ઉપર રોકવાની કે અન્ય કોઈ પ્રોસિજર કરવાની જરૂર નહીં પડે. જાણકારોના મતે ટૂરિઝમ સેક્ટર માટે આ ગોલ્ડન ચાન્સ સાબિત થવાનો છે. લોકો હવે સીધી જ ટ્રેનની ટિકિટ કઢાવીને ભૂતાન સુધી જઈ શકશે. હકિકત એ છે કે, ભારત અને ભુતાન વચ્ચે આ જોડાણ કોઈ ટૂરિઝમ ડેવલપ કરવા માટેનું જ જોડાણ નથી. હિમાલય ક્ષેત્રમાં સત્તા અને પાવર બેલેન્સ કરવા માટે ભારત અને ભુતાન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ચીન વર્ષોથી આ વિસ્તાર ઉપર મીટ માંડીને બેઠું છે અને ગમે ત્યારે તેના ઉપર કબજો કરી લે તેમ છે. તેમાંય ડોકલામ વિવાદ બાદ સમજાઈ ગયું છે કે, ચીન ખરેખર હિમાલય ક્ષેત્રને પચાવી પાડવા શું કરી શકે છે. તેના પગલે જ ભારત સરકાર દ્વારા આ મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારતના આ પગલાથી તેના પાડોશીની જે મેલી મથરાવટી હતી તે ધોવાઈ ગઈ છે. જાણકારો સ્પષ્ટપણે માને છે કે, ભારતે હવે પાકિસ્તાનથી નહીં પણ ચીનથી ડરવા જેવું છે. તે વિસ્તારવાદના નામે ગમે ત્યારે ભારતના પ્રદેશો પચાવી પાડશે. 

વાસ્તવિકતા એ છે કે, સાઉથ એશિયામાં હાલમાં શક્તિ સંઘર્ષ ચાલે છે, વિદેશોનું ઈન્ફ્લ્યુઅન્સ દેખાય છે અને ખાસ કરીને કનેક્ટિવિટી નેટવર્ક વિકસાવવાની અને સંબંધોને નવા સ્વરૂપ આપવાની ગોઠવણ ચાલી રહી છે. આમ તો વૈશ્વિક સ્તરે જિયોપોલિટિક્સમાં ફેરફાર જોવા મળી રહ્યા છે પણ એશિયામાં હાલમાં બધું ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. ભૂતાન અને હિમાલય ક્ષેત્ર હાલમાં ભારત અને ચીન વચ્ચે ખૂબ જ મહત્ત્વનો સરહદી વિસ્તાર છે. ચીન સતત તેમાં ઘુસણખોરી કરવા અને બધું જ પચાવી પાડવા મથતું રહે છે. ડોકલામ વિવાદ ચીનની વિસ્તારવાદી અને ઘુસણખોર માનસિકતાનું જ પરિણામ હતું. તે ઉપરાંત ચીને ૨૦૧૩માં બીઆરઆઈ દ્વારા ૧૫૦થી વધુ દેશોને જોડવા માટે જે જાળ નાખી હતી તેમાં રેલવે નેટવર્ક જ વિકસાવવાની વાત કરી હતી. તે પાકિસ્તાનમાં સીપેક જેવા પ્રોજેક્ટ દ્વારા રોડ અને રેલ નેટવર્ક વિકસાવવા માગે છે જે ચીન સુધી ફેલાયેલું રહે. ચીન દ્વારા વર્તમાન સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને એક હથિયારની જેમ પોતાના વિસ્તારવાદ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. તેના દ્વારા તે નાના દેશો ઉપર પ્રભુત્વ જમાવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે જ હવે ચીનનું હથિયાર તેની વિરુદ્ધ ઉગામ્યું છે. ભારતે હવે ભુતાન સાથે રેલવે નેટવર્કના વિકાસનું જોડાણ કરીને તેને મોઘમ સંદેશ આપી દીધો છે કે, અમારા મિત્ર રાષ્ટ્રો તરફ નજર કરવી નહીં. ભારતે સ્પષ્ટ જાહેરાત પણ કરી છે કે, આ નેટવર્કનો વિકાસ બંને દેશોની પારસ્પરિક સમજૂતી દ્વારા થાય છે. તેના માટે બંને દેશો દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા છે તેથી કોઈપણ ત્રીજા દેશને હસ્તક્ષેપ ચલાવી લેવાશે નહીં. ત્રીજા કોઈ દેશના હસ્તક્ષેપને તેમાં સ્થાન પણ નથી. ભારતે જણાવી દીધું છે કે, ભારત અને ભુતાન વચ્ચે જે જોડાણ થયું છે તે તેમની અંગત બાબત છે અને ભાગીદારીની વાત છે તેમાં ચીન દખલ દઈ શકશે નહીં. 

હકિકત એવી છે કે, ભારત પહેલેથી ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં આવેલા ચીન, ભુતાન, મ્યાંમાર, બાંગ્લાદેશ જેવા દેશોની સરહદોએ ૫૦૦ કિ.મીની નવી રેલવે લાઈન નાખી રહ્યું છે. તેના માટે વિવિધ આકારના મોટા પુલ અને અને સુરંગો પણ બનાવવામાં આવી રહ્યા છે. ભારતે તેના માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી છે. તેના દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત પોતાના દેશની સરહદોએ વધુ મજબુતી સાથે સજ્જ છે. 

બોર્ડર ઉપર જે થઈ રહ્યું છે તેનું ધ્યાન છે અને હવે તેનો તાત્કાલિક જવાબ આપવા માટેની સજ્જતા પણ કેળવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ હેઠળ સૌથી પહેલા અસમના કોકરાઝારથી ભુતાનના ગાલેફુ સુધી પહેલી રેલવે લાઈન નખાશે. આ રૂટ ઉપર કુલ છ સ્ટેશન બનાવવામાં આવશે. બીજી રેલવે લાઈન પશ્ચિમ બંગાળના બનરહાટથી ભુતાનના સમત્સે સુધી બનાવવામાં આવશે. આ કેન્દ્ર દાયકાઓથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા ભુતાનના બે સુંદર શહેરોને જોડવામાં આવશે. તેમાં એક ગાલેફ છે જેને માઈન્ડફુલનેસ સિટી તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ બીજું શહેર સમત્સે છે જે એક ઈન્ડસ્ટ્રિયલ સિટી તરીકે પણ ઓળખાય છે. ભારતે આ માટે સ્પેશિયલ પેકેજ પણ જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે આ પહેલાં પણ ભુતાન માટે સ્પેશિયલ પેકેજ જારી કરેલા જ છે. આઈઆરસીટીસીએ જૂન મહિનામાં જ ભારત-ભુતાન મિસ્ટિક માઉન્ટેન ટૂર પેકેજ જારી કર્યું હતું. તેમાં ૧.૧૮ લાખ રૂપિયામાં દિલ્હીથી ગુવાહાટી થઈને ભુતાનના થિમ્પુ, પુનાખા અને પારો સુધી ૧૪ દિવસનો પ્રવાસ કરાવવામાં આવતો હતો. જાણકારોના મતે આ એક સોફ્ટ ડિપ્લોમસીનો પ્રયાસ છે જેણે બંને દેશના સંબંધો વધારે મજબુત કર્યા છે.

બીજી તરફ ચીન હિમાલયના સુચિઆન-તિબેટ વિસ્તારમાં હાઈસ્પીડ રેલવે લાઈન વિકસાવી રહ્યું છે જે ચેંગદુથી લ્હાસા સુધીની વર્તમાન સમયની ૩૪ કલાકની યાત્રાને માત્ર ૧૩ કલાકમાં સંભવિત કરી દેશે. 

પીએલએના વેસ્ટર્ન થિએટર કમાન્ડને તે સીધી જ તિબેટની સરહદ સાથે જોડી દેશે. તેના કારણે જ ભારત માટે ખતરો ઊભો થાય તેમ છે. ચીનની આ રેલવે લાઈનના વિકાસ બાદ આ વિસ્તારમાં ડોકલામ જેવા બનાવો વધવાની શક્યતા રહેલી છે. ચીનની ભવિષ્યની સંભવિત આડોડાઈના જવાબમાં જ ભારતે નેબરહુડ ફર્સ્ટ પોલિસી વિકસાવેલી છે. ભુતાન રેલવે લિંક સિલિગુડી કોરિડોરનું રક્ષણ કરશે જે પૂર્વોત્તરની મુખ્ય ભુમી સાથે જોડાયેલું છે. 

ચીન એક સમયે જો ભુતાનમાં ઘુસણખોરી કરે છે તો આ પ્રોજેક્ટ ઉપર ખતરો સર્જાય તેમ છે. ચીન ઘુસણખોરીના અને ભુતાનને દબાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યું છે પણ ભુતાન સંપૂર્ણ રીતે ભારતની સાથે રહેલું છે. ભારતની ઈકોનોમીમાં ટૂરિઝમનો ભાગ ૧૫ ટકા રહેલો છે જે આ રેલવે લાઈનના વિકાસથી બમણો થઈ શકે છે. ટૂરિઝમ વિકસવાની સાથે સાથે ભુતાનમાં ડોમેસ્ટિક બિઝનેસના વિકાસને પણ વેગ મળે તેમ છે. 

જાણકારો માને છે કે, ભારતનું આ પગલું ખરેખર સ્ટ્રેટેજિક કાઉન્ટર જેવું છે. હિમાલય ક્ષેત્રમાં ૪૦ અબજ ડોલર ખર્ચીને ચીન રેલવે નેટવર્ક વિકાસવી રહ્યું છે ત્યારે ભારતનું આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય તેમ છે. તેના દ્વારા ભારતીય સેન્યની મોબિલિટી વધારે મજબૂત બનશે અને બંને દેશોને લાભ થશે. ગલવાન જેવી ઘટનાઓ બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભુતાનને એકલું છોડશે નહીં અને ભાગીદારમાં કોઈ ઉણપ આવવા દેશે નહીં. ભારતની જે નેબર ફર્સ્ટ પોલિસી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ જેટલો ઝડપથી પૂરો થશે તેટલી ઝડપથી ભારત પોતાના સૈનિકોને આ ક્ષેત્રમાં મોકલી શકશે અને તહેનાત કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે ભુતાનમાં રોડનું પણ ડેવલપમેન્ટ કર્યું છે જે સિલિગુડી સુધી વિકસેલું નેટવર્ક છે. તેના દ્વારા પણ દેશો એકબીજા સાથે જોડાયેલા છે. હવે રેલવે નેટવર્ક તેને વધારે મજબુત બનાવશે. ભારત સતર્કતા રાખીને કામ નહીં કરે તો ચીન છાના પગલે ભારતીય રાજ્યો અને સરહદોને નુકસાન પહોંચાડી શકે છે. ભૂતકાળમાં પણ તેણે આવા કામ કરેલા જ છે. તેના કારણે ભારતે ચીનની સાથે મિત્રભાવે આગળ વધતા પહેલાં બમણી સાવચેતી રાખવી પડશે.

ભારત રેલવે લાઈનથી નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલું છે 

ભારતની પાડોશી દેશ સાથેની આ પહેલી રેલવે લાઈન નથી. ભારત પોતાના અન્ય પાડોશી દેશો સાથે નિયમિત રેલવે સેવા દ્વારા જોડાયેલો દેશ છે. ભારતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, તે જમીન દ્વારા ઘણા દેશો સાથે જોડાયેલો છે પણ તેણે રેલવે સેવા દરેક દેશ સાથે શરૂ કરી નથી. ભારતે અત્યાર સુધી નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે રેલવે લાઈન દ્વારા વ્યવહાર ચાલુ રાખ્યો હતો. આ દેશોમાં ટ્રેન નિયમિત આવતી-જતી રહેતી હતી. બાંગ્લાદેશ સાથે ભારતનું જોડાણ વધારે મોટું છે. તેની સાથે નિયમિત રીતે ત્રણ ટ્રેનો દ્વારા વ્યવહાર ચાલે છે. બીજી તરફ નેપાળ સાથે ભારતનો એક જ ટ્રેન વ્યવહાર છે. જેને હવે વધારે લંબાવવાની તથા અન્ય બે ટ્રેન શરૂ કરવાની કવાયત ચાલી રહી છે. તે સિવાય પાકિસ્તાન સાથે બે ટ્રેન ચાલે છે પણ પહલગામ હુમલા બાદ રેલવે વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો છે. 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી એક્સ્પ્રેસ ટ્રેન છે જે કોલકાથી ઢાકા સુધી ત્યારબાદ મિતાલી એક્સ્પ્રેસ જે ન્યૂ જલપાઈગુડીથી ઢાકા અને બંધન એક્સ્પ્રેસ છે જે કોલકાતાથી ખલાશી સુધી વિકસાવેલી છે. તે ઉપરાંત કેટલીક માલગાડીઓ પણ ચાલે છે જેમાં મોટાપાયે ગુડ્સની હેરફેર થાય છે અને વેપાર ચાલે છે. ભારત અને નેપાળની વાત કરીએ તો જયનગર બિગારથી કુર્થા નેપાળ સુધી બ્રોડગેજ રેલવે લાઈન થકી ભારત અને નેપાળ જોડાયેલા છે. હવે આ રેલવે લાઈનને આગળ બર્દિબાસ સુધી વિકસાવવાની યોજના છે. તે સિવાય અન્ય ત્રણ રેલવે લાઈન નાખવાની અને સેવા શરૂ કરવાની પણ ભારતની યોજાને છે. આ સિવાય મ્યાંમારને પણ રેલવે દ્વારા જોડવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. તેને મણિપુરથી મ્યાંમારના કલાય સુધી વિકસાવવાની યોજના છે. એશિયન દેશોમાં ચીન પાસે સૌથી વધારે ટ્રેનો છે જે તેના પાડોશીઓ સાથે જોડાયેલી છે. ચીન રેલવે નેટવર્ક દ્વારા રશિયા, વિયેતનામ, ઉત્તર કોરિયા, મોંગોલિયા, કઝાકિસ્તાન, ઉરુમચી, અલ્માટી અને લાઓસ સાથે રેલવે નેટવર્ક દ્વારા જોડાયેલો છે. તેમાં સૌથી મોટું નેટવર્ક ચીનથી મોંગોલિયા વચ્ચેનું છે.