Editorial

અમેરિકી શટડાઉન : ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પણ સરકાર ઠપ્પ

By GS TEAM
3 Oct 20258 mins read
અમેરિકી શટડાઉન : ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પણ સરકાર ઠપ્પ

- ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં અમેરિકામાં ૩૫ દિવસ શટડાઉન આવ્યું હતું, આ વખતે પણ ટ્રમ્પની અતરંગી નીતિઓએ ભોપાળું વાળ્યું

- વર્ષ 2018 બાદ અમેરિકામાં આ પહેલું ફેડરલ શટડાઉન લાગુ થયું છે. સેનેટમાં ડેમોક્રેટ્સે અને રિપબ્લિકન વચ્ચે સ્પેન્ડિંગ બિલ એટલે કે બજેટ પસાર કરવામાં વિવાદ થયો અને બિલ અટકી ગયું. તેના પગલે સરકારને શટડાઉન જાહેર કરવું પડયું છે : બિન જરૂરી સરકારી એજન્સીઓ બંધ કરવી પડી છે. લાખો કર્મચારીઓને વેતન વગર રજા ઉપર ઉતારી દેવાયા છે. માત્ર મિલિટરી સેવાઓ, એર ટ્રાફિક કન્ટ્રોલ, ઈમિગ્રેશન અને પોસ્ટલ સર્વિસ ચાલુ રહેશે. બાકીના તમામ સરકારી કામકાજ રોકી દેવામાં આવશે : શટડાઉનથી ટ્રમ્પને કોઈ ફરક પડયો નથી. તંત્ર દ્વારા અધિકારીઓને કડક સુચના અપાઈ છે કે, બિન જરૂરી વિભાગોની કામગીરી અને તેના કર્મચારીઓની શોધ કરવામાં આવે. શટડાઉન દરમિયાન આ બધાને શોધ્યા બાદ શટડાઉન પૂરું થયા પછી તમામને રવાના કરી દેવાની ગણતરી છે 

અમેરિકામાં શટડાઉન શરૂ થઈ ગયું છે. તેના કારણે અમેરિકી ફેડરલ સરકાર સાથે જોડાયેલી તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે. માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી છે. શટડાઉન જાહેર થતાની સાથે જ તમામ ફેડરલ કર્મચારીઓને રજા ઉપર ઉતારી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮ બાદ અમેરિકામાં આ પહેલું ફેડરલ શટડાઉન લાગુ થયું છે. વાત એવી છે કે, સેનેટમાં ડેમોક્રેટ્સે અને રિપબ્લિકન વચ્ચે સ્પેન્ડિંગ બિલ એટલે કે બજેટ પસાર કરવામાં વિવાદ થયો અને બિલ અટકી ગયું. તેના પગલે સરકારને શટડાઉન જાહેર કરવું પડયું છે. ડેમોક્રેટ્સ દ્વારા બિલનો સખત વિરોધ કરાયો હતો જેના પગલે મડાગાંઠ ઉકેલાઈ નહીં અને બધું ઠપ્પ થઈ ગયું. ડેમોક્રેટ્સ દ્વારા ઓબામા કેર એટલે કે હેલ્થકેર સબસિડીને વધારવા તથા ટ્રમ્પની મુખ્ય કરવેરાની સિસ્ટમ તથા અન્ય નીતિઓ બહાલ કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. તેના કારણે જ અમેરિકી કોંગ્રેસમાં ગતિરોધ ચાલુ રહ્યો હતો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે સેનેટમાં પૂરતી સંખ્યા નહીં હોવાના કારણે તેઓ બજેટ એટલે કે સ્પેન્ડિંગ બિલ પસાર કરાવી શક્યા નહીં. મંગળવારે રાત્રે સેનેટમાં થયેલા વોટિંગમાં સ્પષ્ટ થઈ ગયું કે, બજેટ પાસ થઈ શકે તેમ નથી. તેના પગલે બુધવારે અડધી રાતથી શટડાઉન જાહેર કરવામાં આવશે તે સ્પષ્ટ થઈ ગયું હતું.

અમેરિકામાં શટડાઉન જાહેર થતાની સાથે જ ફેડરલ ગવર્નમેન્ટ સાથે સંકળાયેલી તમામ કચેરીઓ બંધ કરવામાં આવી છે. સરકારી સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. અમેરિકી કોંગ્રેસમાં સરકાર ચલાવવા માટે બજેટ પાસ થઈ શક્યું નહીં અને આ સ્થિતિ ઊભી થઈ. હવે મોટાભાગની સરકારી સેવાઓ બંધ રહેશે અને લાખો સરકારી કર્મચારીઓને વેતન વગર ઘરે બેસવું પડશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટ્સ પાર્ટી વચ્ચે હેલ્થકેર સબસિડી અને સોશિયલ પ્રોગ્રામ્સ અંગે ખેંચતાણ ચાલી રહી છે. ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે, ઓબામા કેરનું ફંડિંગ અને સબસિડી ચાલુ રાખવામાં આવે. બીજી તરફ રિપબ્લિકન ઈચ્છે છે કે, તેના પાછળ સરકારી ફંડિંગ બંધ કરી દેવામાં આવે. આ સિવાય અન્ય સ્વાસ્થ્ય સેવાઓ, સિવિલ સર્વિસિસ, રિસર્ચ એજન્સીઓને અપાતા ભંડોળમાં પણ કાપ મુકવામાં આવ્યો છે તેના કારણે પણ વિવાદ થયો છે.

રિપબ્લિકન્સ દ્વારા કોઈપણ મુદ્દે બાંધછોડ કરવાની તૈયારી દેખાતી નથી. ટ્રમ્પ તંત્ર અને અધિકારીઓ આ યોજનાઓમાં કોઈ રાહત આપવા માગતા હોય તેમ દેખાતું નથી. જાણકારોના મતે બંને પક્ષો વચ્ચે વિવાદ છે અને હવે આ વિવાદના દોષનો ટોપલો બંને એકબીજાના માથે નાખવા મથી રહ્યા છે. રિપબ્લિકન્સ માને છે કે, આ વખતે તેઓ સરકારને ફ્રી રાખશે અને તેના દોષનો ટોપલો ડેમોક્રેટ્સના માથે નાખી દેશે. ભૂતકાળમાં કેટલાક શટડાઉન દરમિયાન આવું થયું જ છે. બીજી તરફ ડેમોક્રેટ્સ માને છે કે, સ્વાસ્થ્ય સેવાઓ ઉપર સબસિડીની યોજના ચાલુ રાખવામાં આવે અને આ માગણી દ્વારા જ તેમને પ્રજાનું સમર્થન મળતું રહેશે. ડેમોક્રેટ્સ આ વખતે ફંડિંગ લેવા મુદ્દે લડી લેવાના મુડમાં છે. તેમની ગણતરી છે કે, આવા મુદ્દે જ તેમને સમર્થન મળશે. હવે ખરેખર પ્રજા કોને દોષીત માને છે કે આગળ શું થશે તે ભવિષ્ય ઘણું દૂર છે પણ હાલમાં નેતાઓની લડાઈમાં પ્રજા જ પરેશાન થવાની છે તે નક્કી છે.

અમેરિકી કોગ્રેેસ ઉપર નજર કરીએ તો રિપબ્લિકન પાસે બંને ગૃહોમાં બહુમતી છે. સેનેટમાં વોટિંગ દરમિયાન ૬૦ વોટની જરૂર પડે છે અને તેમાં ડેમોક્રેટ્સનું સમર્થન મળવું જરૂરી છે. રિપબ્લિકન્સની સ્થિતિ એવી છે કે, કોંગ્રેસના બંને ગૃહોમાં તેમની પાસે પૂરતી બેઠક છે અને તેઓ તેને કન્ટ્રોલ પણ કરે છે. સ્પેન્ડિંગ બિલ સહિતના જે બિલ પસાર કરવાના હોય તેવા સેનેટમાં તેમને ૬૦ વોટ ખુટે છે. શટડાઉન લાગુ થવાની આગલી રાત્રે મતદાન દરમિયાન રિપબ્લિકન્સ તે વોટ મેળવી શક્યા નહીં. હાલમાં તેઓ ફિક્સમાં મુકાયા છે પણ તેનાથી સરકાર જવાનો કે પડવાનો કોઈ ભય નથી.

ખાસ વાત એ છે કે, સ્પેન્ડિંગ બિલ પસાર નહીં થવાના કારણે સરકારી બજેટ અટકી પડયું છે. તેના કારણે બિન જરૂરી સરકારી એજન્સીઓ બંધ કરવી પડી છે. લાખો કર્મચારીઓને વેતન વગર રજા ઉપર ઉતારી દેવાયા છે. માત્ર મિલિટરી સેવાઓ, એર ટ્રાફિક કન્ટ્રેલ, ઈમિગ્રેશન અને પોસ્ટલ સર્વિસ ચાલુ રહેશે. બાકીના તમામ સરકારી કામકાજ રોકી દેવામાં આવશે. તેના કારણે અર્થતંત્ર ઉપર અને જાહેર જીવન ઉપર મોટી અસર પડી શકશે. તેમાંય શટડાઉન લંબાયું તો સ્થિતિ વધારે ગંભીર થશે. અમેરિકી રાજકારણમાં બજેટ અંગે કાયમ વિવાદ જોવા મળે જ છે. ખાસ કરીને ખર્ચા અને ફંડિંગ મુદ્દે ખેંચતાણ થતી જ હોય છે. આ વખતે ખેંચતાણ મોટી થાય તે સ્વાભાવિક હતું કારણ કે, ટ્રમ્પે છેલ્લાં નવ મહિનામાં ફેડરલ સરકારના આકારમાં ઘટાડો કર્યો છે. તેના કારણે વિપક્ષ આકરાપાણીએ છે. તેના કારણે જ બુધવારે મધરાતથી ટ્રમ્પના બીજા શાસનકાળનું પહેલું શટડાઉન લાગુ થઈ ગયું. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના જ પહેલા શાસનકાળમાં ૨૦૧૮માં પણ એક વખત શટડાઉન લાગુ થયું હતું.

નવાઈની વાત એ છે કે, પહેલાં પણ અમેરિકામાં શટડાઉન થયું છે. અમેરિકામાં શટડાઉનને લાંબા સમય સુધી ખેંચવું જોખમી માનવામાં આવે છે. તેનાથી સાંસદો અને રાષ્ટ્રપ્રમુખની છબી તો ખરડાય જ છે પણ સાથે સાથે સામાન્ય જનજીવનને ખૂબ જ વિષમ અસર થાય છે. આ વખતે ટ્રમ્પ સરકારનું વલણ કંઈક જુદું જ લાગી રહ્યું છે. અમેરિકી સરકારના મોટાભાગના વિભાગો અને સેવાઓ બંધ રહેવાના છે છતાં ટ્રમ્પ કે તેમની સરકારને ખાસ ફરક પડતો હોય તેવું જણાતું નથી. આંતરિક ગણગણાટ એવો છે કે, અધિકારીઓને કડક સુચના અપાઈ છે કે, બિન જરૂરી વિભાગોની કામગીરી અને તેના કર્મચારીઓની શોધ કરવામાં આવે. શટડાઉન દરમિયાન આ બધાને શોધ્યા બાદ શટડાઉન પૂરું થયા પછી તમામને રવાના કરી દેવાની ગણતરી છે. છેલ્લાં નવ મહિનામાં ટ્રમ્પ તંત્ર દ્વારા સરકારી ખર્ચાઓમાં મોટાપાયે કાપ મુકવામાં આવ્યો હતો. કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે આ શટડાઉન દરમિયાન સરકાર દ્વારા વધુ ્કર્મચારીઓને છુટા કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં શટડાઉન થવું તે રાજકીય ઘટના છે. તેમાં કોઈ જ નવાઈ નથી. છેલ્લાં ૫૦ વર્ષમાં ઘણી વખત આવી ઘટના બની છે. ટ્રમ્પના જ પહેલાં કાર્યકાળમાં આવું ત્રણ વખત બન્યું હતું. તેમાંય ૨૦૧૮ના અંતમાં જે શટડાઉન થયું તે ૩૬ દિવસ ચાલ્યું. તે સૌથી લાંબું શટડાઉન હતું . તેનો અંત જાન્યુઆરી ૨૦૧૯માં આવ્યો હતો. 

૧૯૮૦ના દાયકામાં જ્યારે રોનોલ્ડ રિગન પ્રેસિડેન્ટ હતા ત્યારે આઠ વખત શટડાઉન થયું હતું પણ તે નાના દિવસો માટે હતા. ત્યારબાદ ડિસેમ્બર ૧૯૯૫માં શટડાઉન આવ્યું હતું તે ૨૧ દિવસ હતું. તેવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૧૩માં શટડાઉન થયું હતું જે ૧૬ દિવસનું હતું. ડિસેમ્બર ૨૦૧૮માં લાગું થયેલું શટડાઉન ૩૫ દિવસ ચાલ્યું હતું. મોટાભાગે શટડાઉન કોઈપણ સરકાર માટે ખરાબ બાબત ગણાય છે પણ અમેરિકન રાજકારણ જુદું છે. અહીંયા શટડાઉન પરસ્પર સોદા કરવાનું માધ્યમ બની ગયું છે તેથી અમેરિકામાં શટડાઉન થતા રહે છે.

ઝડપથી ઉકેલ લાવવા માટે ટ્રમ્પ તંત્રએ નમતું જોખવું પડે તેવી શક્યતા 

અમેરિકામાં શટડાઉન તો થઈ ગયું પણ હવે જ્યારે ફરી કોંગ્રેસની બેઠક મળશે અને સેનેટમાં કાયદો પસાર કરવાનો થશે ત્યારે જ શટડાઉન પૂરું થશે. સેનેટમાં બિલ પસાર થશે અને ટ્રમ્પ તેના ઉપર હસ્તાક્ષર કરશે ત્યારે શટડાઉન પૂરું થયેલું જાહેર કરાશે. 

આ પ્રક્રિયા માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પક્ષેએ સમજૂતી કરવી પડશે. સંસદના બંને ગૃહો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં બિલ પસાર થાય તે જરૂરી છે. તેના પછી જ રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે. સરકારી એજન્સીઓ માટે જારી કરાતા ફંડિંગની વ્યવસ્થા કરવા માટે જ ફેડરલ સરકાર દ્વારા સેનેટમાં ફંડિંગ બિલ મુકવામાં આવે છે. તે પસાર થયા પછી જ ખર્ચા કરી શકાય છે. આ ખર્ચ અને બજેટ અંગે બંને પક્ષો સહમત થાય તો જ બિલ પસાર થાય છે બાકી ખોટકાઈ જાય છે. સામાન્ય રીતે શટડાઉન જાહેર થાય ત્યારે સરકારી સેવાઓ રોકાઈ જાય છે. પ્રજા ઉપર તેની વિપરિત અસર પડવા લાગે છે. આ સંજોગોમાં સરકારી કર્મચારીઓ અને મીડિયા દ્વારા સરકાર ઉપર દબાણ વધારવામાં આવે છે અને પક્ષ તથા વિપક્ષ શટડાઉન પૂરું કરવાની વાટાઘાટોમાં લાગી જાય છે અને તેને કોઈપણ ભોગે પૂરું કરવાની વિચારણા કરે છે. ગત શટડાઉનમાં એરપોર્ટ્સ પણ બંધ થઈ ગયા હતા અને સરકારી તમામ સેવાઓ અટકી ગઈ હતી તેથી તત્કાલિન રાષ્ટ્રપ્રમુખને સમજૂતી કરવાની ફરજ પડી હતી. આ વખતે પણ જો ઝડપથી ઉકેલ નહીં આવે તો પ્રજા અને કર્મચારીઓનું દબાણ સરકાર ઉપર વધે તો નવાઈ નહીં.

અમેરિકી દૂતાવાસોએ ઓનલાઈન કામગીરી માટે પણ બંધની સ્થિતિ જાહેર કરી 

અમેરિકી દૂતાવાસો જે વિવિધ દેશોમાં ફેલાયેલા છે તેમણે ટ્વિટર દ્વારા એક સુચના જારી કરી હતી. અમેરિકી દૂતાવાસે જણાવ્યું કે, શટડાઉનને પગેલ અમેરિકી દૂતાવાસ દ્વારા પણ એક્સ અને અન્ય સોશિયલ મીડીયા ઉપરની માહિતી અપલોડ કરવામાં આવશે નહીં. નવી સુચના ન આવે ત્યાં સુધી કોઈ અપડેટ મળશે નહીં. પક્ષ અને વિપક્ષ વચ્ચે જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી આ કામ આગળ વધે તેમ લાગતું નથી. અમેરિકી દૂતાવાસે પોતાની એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી શટડાઉનની અવધી પૂરી નથી થતી ત્યાં સુધી આ એકાઉન્ટ પણ દરરોજ અપડેટ કરવામાં આવશે નહીં. વિવિધ દેશોમાં આવેલા દૂતાવાસ અને વાણિજ્યિક દૂતાવાસની પણ કામગીરી પણ હાલ પૂરતી અટકાવવામાં આવી છે. જે વીઝા અને અન્ય ઈમિગ્રેશનની કામગીરી જરૂરી હશે તેના ઉપર જ કામ કરવામાં આવશે. નવી સુચના ન જારી થાય ત્યાં સુધી આવશ્યક સેવાઓ જ આપવામાં આવશે અને તે પ્રમાણે જ કામગીરી કરવામાં આવશે.