Editorial

એનવીડિયા : ત્રણ મહિનામાં 1 લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ વધાર્યું

By GS TEAM
2 Nov 20257 mins read
એનવીડિયા : ત્રણ મહિનામાં 1 લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ વધાર્યું

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અધધ ડિમાન્ડ વચ્ચે એઆઈ ચીપ બનાવતી કંપનીનો કરોડો ડોલરનો બિઝનેસ વધ્યો

- હાલમાં અમેરિકાનો જીડીપી ૩૦.૬૨ ટ્રિલિયન ડોલર છે જ્યારે ચીનનો ૧૯.૪ ટ્રિલિયન ડોલર છે. તેની પાછળ અત્યારે પાંચ ટ્રિલિયન ડોલર સાથે એનવીડિયા આવી ગયું હોય તેમ ચર્ચાય છે જે જર્મનીના ૪.૬ ટ્રિલિયન ડોલર જીડીપી કરતા વધારે છે : એક વખત કોઈ કંપની CUDA ઉપર એઆઈ મોડલ બનાવી દે છે અને કામ કરવા લાગે છે પછી એએમડી અથવા ઈન્ટેલ ઉપર પાછા જવું કે સ્વિચ કરવું લગભગ અશક્ય થઈ જાય છે. આ મોડલ એપલના આઈઓએસ જેવું લોકઈન છે. આ લોકઈનનો જ કંપની લાભ ઉઠાવે છે : એનવીડિયાને સ્પર્ધા પૂરી પાડી શકે તેવી એઆઈ ચીપ કોઈ કંપની બનાવી શકી નથી. હાલમાં એએમડી અને ઈન્ટેલ જેવા સ્પર્ધકો છે પણ એનવીડિયાની ચિપ જેટલી ઝડપ આ કંપનીઓની ચિપમાં આવતી નથી. એનવીડિયાની એચ૧૦૦૦ તથા બ્લેકવેલ ચિપ્સ હાલમાં ચેટજીપીટી, મેટા એઆઈ, ઓપનએઆઈ જેવા એઆઈ ટુલ્સ માટે સૌથી ઝડપી અને જરૂરી ભાગ બની ગયો છે. મોટાભાગની દરેક મોટી એઆઈ કંપનીઓ તેનો ઉપયોગ કરી રહી છે

અમેરિકન સેમી કંડક્ટર સેક્ટર મેકિંગ કંપની એનવીડિયાએ પાંચ લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ ધરાવનારી પ્રથમ કંપની બનીને ઇતિહાસ સર્જ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, એઆઈ ચીપ બનાવતી કંપનીએ ફક્ત ત્રણ મહિના પહેલાં એટલે કે જુલાઈમાં જ ચાર લાખ કરોડ ડોલરના માર્કેટકેપનો આંકડો પસાર કર્યો હતો. આમ ત્રણ મહિનામાં જ તેનું મૂલ્ય એક લાખ કરોડ ડોલર વધ્યું છે, જે વૈશ્વિકે રેકોર્ડ છે. ખૂબ જ ટૂંકાગાળામાં એનવીડિયાએ ખૂબ જ મોટું માર્કેટ કેપ મેળવી લીધું છે. 

ઉલ્લેખનીય છે કે, એનવીડિયા પહેલાં  એપલ આ પહેલાં ૨૦૧૮માં એક ટ્રિલિયન ડોલર અને ૨૦૨૦માં બે ટ્રિલિયન ડોલર અને ૨૦૨૨માં ત્રણ ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થનારી પ્રથમ કંપની બની હતી. તે સમયે મનાતું હતું કે ચાર ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થનારી પ્રથમ કંપની પણ એપલ હશે, પણ તેવું થઈ શક્યું ન હતું. એનવીડિયા તેને ઓવરટેક કરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, એનવીડિયા આ વર્ષે જુલાઈમાં ૪ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સિદ્ધિ નોંધાવનારી પ્રથમ કંપની બની હતી. માઇક્રોસોફ્ટે પણ તેની સાથે-સાથે જુલાઈમાં જ ૪ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સિદ્ધિ મેળવી હતી. તેને પણ એઆઇમાં કરવામાં આવેલું રોકાણ ફળ્યું હતું.

જાણકારો માને છે કે, એનવીડિયા દ્વારા જે અધધ ઉછાળો મેળવવામાં આવ્યો છે તેની પાછળ ખાસ કરીને તેના સીઈઓ જેન્સન હુઆંગની જાહેરાતો પણ જવાબદાર છે.

 તેમણે જણાવ્યું કે, કંપનીને ૫૦૦ અબજ ડોલરના એઆઈ ચીપના ઓર્ડર મળ્યા છે. તે ઉપરાંત અમેરિકી સરકાર માટે કંપનીએ સાત સુપર કમ્પ્યૂટર બનાવવાનો પ્લાન પણ જાહેર કર્યો હતો. આ બંને કારણો ખૂબ જ અસર કરી ગયા હતા. કંપનીએ એવી પણ જાહેરાત કરી હતી કે, તે નોકિયામાં ૧ અબજ ડોલરની ભાગીદારી કરશે અને તેનાથી આગામી સમયમાં ૬-જી ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવશે અને તેના માટે જ નેકવર્કિંગ ફર્મ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. 

નવાઈની વાત એ છે કે, એનવીડિયાનું માર્કેટ કેપ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં અમેરિકી કંપનીએ જે માર્કેટ કેપ મેળવ્યું છે કે, ગત વર્ષે જર્મનીના ૪.૬ ટ્રિલિયન ડોલર જીડીપી કરતા વધારે છે. હાલમાં પણ જોવા જઈએ તો દુનિયાની સૌથી મોટી બે અર્થવ્યવસ્થા બાદ હવે એનવીડિયા કંપનીનું નામ આવે છે. હાલમાં અમેરિકાનો જીડીપી ૩૦.૬૨ ટ્રિલિયન ડોલર છે જ્યારે ચીનનો ૧૯.૪ ટ્રિલિયન ડોલર છે. તેની પાછળ અત્યારે પાંચ ટ્રિલિયન ડોલર સાથે એનવીડિયા આવી ગયું હોય તેમ ચર્ચાય છે. જાણકારોના મતે એનવીડિયાનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂા. ૪૫૩ લાખ કરોડને વટાવી ગયું છે. એનવીડિયાના માર્કેટ કેપનો આ આંકડો ભારતના GDP કરતા આશરે ?૯૦ લાખ કરોડ વધુ છે.IMF મુજબ, ભારતનો GDP હાલમાં ઇં૪.૧૩ ટ્રિલિયન અથવા રૂા. ૩૬૪ લાખ કરોડ છે. બજારના જાણકારોના મતે કોરોનાકાળ બાદ કંપનીની વેલ્યુ અને ડિમાન્ડમાં સતત વધારો થયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ડિમાન્ડમાં જે એકાએક મોટો ઉછાળો આવ્યો છે તેના પગલે જ કંપનીની કામગીરી, માર્કેટકેપ અને બીજા બાબતોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો કંપનીના શેર પ્રાઈઝમાં ૪૪,૦૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

એનવીડિયા કોર્પોરેશન ફેબલેસ સેમીકંડક્ટર કંપની છે. તે સેમીકંડક્ટરના રિસર્ચ ડિઝાઈન અને સોફ્ટવેર ઈનોવેશન ઉપર ફોકસ કરીને કામ કરે છે. સેમીકંડક્ટર ચિપ એક નાનકડું ડિવાઈસ છે જે સેમીકંડક્ટર મટિરિયલમાંથી તૈયાર થાય છે. આ ચિપ ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, કેપેસિટર જેવા લાખો માઈક્રોસ્કોપિક કોમ્પેનન્ટ્સને એકસાથે જોડે છે અને તેના દ્વારા ઈલેક્ટ્રિકલ સિગ્નલ્સને પ્રોસેસ, સ્ટોર અને ટ્રાન્સમિટ કરવાની કામગીરી કરે છે. સરળ ભાષામાં કહીએ તો આ ઈલેક્ટ્રોનિક ડિવાઈસના મગજનું કામ કરે છે. તેને ઈન્ટીગ્રેટેડ સર્કિટ પણ કહેવામાં આવે છે. 

આમ જોવા જઈએ તો માણસના નખ જેટલી નાનકડી ચિપ હોય છે પણ તેમાં લાખો, કરોડો ટ્રાન્ઝિસ્ટર રહેલા હોય છે. તેનું કામ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ(જીપીયુ), આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્સેલરેટર્સ તથા હાઈ પરફોર્મન્સ નેટવર્કિંગ ટેક્નોલોજીના ડિઝાઈન અને ડેવલપમેન્ટનું છે.

હકીકતે એનવીડિયાની જે પેરેન્ટ કંપની હતી તેઓ આ ચિપ બનાવવાનું કામ આઉટસોર્સ કરે છે. તેના માટે એનવીડિયાએ ટીએસએમસી, સેમસંગ તથા એસ કે હિન્ક્સ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. એસેમ્બલિંગ અને પેકેજિંગ માટે માઈક્રોન, ફોક્સકોન, વિસ્ટ્રોન, ફાઈબરનેટ, એમકોર તથા એસપીઆઈલ જેવા ભાગીદારો છે.

વર્તમાન સમયમાં જેનું સૌથી વધારે ચલણ છે તેવી એઆઈ કંપનીઓ માટે એનવીડિયા વરદાન સમાન છે. એઆઈ માઈનર્સ કંપનીઓને એનવીડિયા દ્વારા ચીપ્સ, સોફ્ટવેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે છે. તે ટ્રિલિયન પેરામીટર મોડલ ધરાવી દરેક કંપનીઓ સાથે કામ કરે છે. ફેબલેસ મોડલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સના તોતિંગ ખર્ચાને બચાવે છે અને ઈનોવેશન, સ્કેલેબિલિટી તથા માર્કેટ રિસ્પોન્સમાં ઝડપ આવે છે. તેના દ્વારા જ કંપની મોટો નફો રળી રહી છે. જાણકારોના મતે એનવીડિયાનું સાચું મોડલ તો હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું છે. એક વખત કોઈ કંપની CUDA ઉપર એઆઈ મોડલ બનાવી દે છે અને કામ કરવા લાગે છે પછી એએમડી અથવા ઈન્ટેલ ઉપર પાછા જવું કે સ્વિચ કરવું લગભગ અશક્ય થઈ જાય છે. આ મોડલ એપલના આઈઓએસ જેવું લોકઈન છે. આ લોકઈનનો જ કંપની લાભ ઉઠાવે છે. CUDA એનવીડિયાનું જ એક કમ્પ્યૂટિંગ પ્લેટફોર્મ અને પ્રોગ્રામિંગ મોડલ છે. તે જીપીયુ અને કમ્પ્યૂટિંગ માટે ઉપયોગમાં આવે છે.

જાણકારોના મતે બજારમાં જે રીતે એનવીડિયાના શેરમાં વધારો થયો છે અને જે રીતે તેની માર્કેટ કેપ તોતિંગ રીતે વધી છે તેનાથી કંપનીના ચેરમેન લેરી એલિસનની કુલ નેટવર્થમાં મોટો ઉછાળો આવ્યો છે. તેઓ હવે કુલ નેટવર્થ મુદ્દે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સાથે સીધી સ્પર્ધામાં આવી ગયા છે. બીજી તરફ એનવીડિયામાં લગભગ ૩ ટકાનો હિસ્સો ધરાવતા કંપનીના સીઈઓ જેન્સન હુઆંગની સંપત્તિ પણ અંદાજે ૧૭૪.૪ અબજ ડોલર પહોંચી ગઈ છે. હાલમાં તેઓ દુનિયાના સૌથી વધુ સંપત્તિ ધરાવતા આઠમા ધનકૂબર છે. તેમની સંપત્તિ એનવીડિયાની માર્કેટ કેપ વધવાની સાથે સતત વધી છે. તેમની નેટવર્થ ૨૦૧૭માં ૨.૭ અબજ ડોલર હતી જે ૨૦૨૩માં ૨૧.૧ બિલિયન ડોલર થઈ હતી. ગત વર્ષે તેમાં ૭૭ બિલિયનનો વધારો થયો હતો. હાલમાં સતત તેમની નટેવર્થ કંપનીના માર્કેટ કેપ સાથે વધી રહી છે.  

રસપ્રદ બાબત એ છે કે, એનીવીડિયાની માર્કેટ કેપ ૨૦૧૫માં લગભગ ૧૦ બિલિયન ડોલર હતી. ત્યારબાદ એઆઈની ડિમાન્ડ ઊભી થવા લાગી અને કંપનીની માર્કેટ વેલ્યુ વધવા લાગી હતી.

 એઆઈ ડાર્ડવેર અને સોફ્ટવેરની ડિમાન્ડ હાલમાં આસમાને પહોંચી છે. ચારેતરફ બંને મોડલની અધધ માગ છે. એનવીડિયાના સૌથી મોટા ગ્રાહકોમાં ઓપનએઆઈ, એલન મસ્કની ટેસ્લા તથા એક્સ એઆઈ, મેટા, એમેઝોન તથા ઓરેકલ જેવી વિશ્વની દિગ્ગજ કંપનીઓ છે. 


સીઈઓનું વિઝન અને એઆઈની ડિમાન્ડ કંપનીની સફળતાના મુખ્ય કારણ 

એનવીડિયાની માર્કેટ કેપ અને ડિમાન્ડમાં એક દાયકામાં જે વધારો છે તેમાં ઘણા કારણો જવાબદાર છે. તેમ છતાં માર્કેટ એનાલિસીસ પ્રમાણે સીઆઈઓનું વિઝન અને એકાએક એઆઈ ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલી ડિમાન્ડ કંપનીને મોટો ફાયદો કરાવ્યો છે. કંપનીના સીઈઓ જેન્સ હુઆંગની વાત કરીએ તો તેમનું વિઝન અને તેમની જાહેરાતો કંપનીને ખૂબ જ ફળ્યા છે.

 તેમણે જણાવ્યું હતું કે, કંપનીને જે અધધ એઆઈ ચિપનો ઓર્ડર મળ્યો છે અને તેઓ જે સુપર કમ્પ્યૂટર બનાવવાના છે તેના કારણે બહુ મોટો ફાયદો થયો છે. ઈન્વેસ્ટર્સ પણ કંપનીમાં વિશ્વાસ વધારી રહ્યા છે. હાલમાં એઆઈનું માર્કેટ જોતા આગામી સમયમાં તેની માગ અનેક ગણી વધવાની આશાએ પણ કંપનીમાં મોટું રોકાણ થયું છે. સૌથી મોટી વાત એ છે કે, હાલમાં એનવીડિયાને સ્પર્ધા પૂરી પાડી શકે તેવી એઆઈ ચીપ કોઈ કંપની બનાવી શકી નથી. હાલમાં એએમડી અને ઈન્ટેલ જેવા સ્પર્ધકો છે પણ એનવીડિયાની ચિપ જેટલી ઝડપ આ કંપનીઓની ચિપમાં આવતી નથી તેથી કંપનીને અગણિત ફાયદા થયા છે. એનવીડિયાની એચ૧૦૦૦ તથા બ્લેકવેલ ચિપ્સ હાલમાં ચેટજીપીટી, મેટા એઆઈ, ઓપનએઆઈ જેવા એઆઈ ટુલ્સ માટે સૌથી ઝડપી અને જરૂરી ભાગ બની ગયો છે. મોટાભાગની દરેક મોટી એઆઈ કંપનીઓ તેનો ઉપયોગ કરી રહી છે. તેના કારણે કંપનીના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દાયકામાં કંપનીનો શેર ૪૪,૦૦૦ ગણો વધી ગયો છે. તેમાંય છેલ્લા માત્ર ત્રણ મહિનામાં કંપનીની નેટવર્થ ૧ ટ્રિલિયન ડોલર વધી ગઈ છે. બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે જે ખેંચતાણ ચાલે છે તેમાં અમેરિકાએ ચીની ચિપ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધના કારણે એનવીડિયાની ચિપ ચારેકોર ચર્ચાવા લાગી હતી. અમેરિકી સરકાર પણ એનવીડિયાની સાથે આવી ગઈ છે. અમેરિકી સરકાર સાથેનું જોડાણ, ચીની ઝડપી અને સસ્તિ ચિપ ઉપર પ્રતિબંધ તથા સફળ નેતૃત્વ એનવીડિયાને અબજોનું માર્કેટ કેપ ધરાવતી કંપની બનાવવામાં અસરકારક પરિબળ રહ્યા છે.